ભારતીય વૈજ્ઞાનિક મહિલાઓની મંગલયાત્રા 7-1-16

23:25


મૈસુરમાં ચાલી રહેલી ઈન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં હ્યુમન રિસોર્સ ડેવ્હલપમેન્ટ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પોતાના વક્તવ્યમાં કોમેન્ટ કરી કે સ્ત્રી વૈજ્ઞાનિકો પ્રતિ ગ્રંથિઓ આજે પણ અસ્તિત્વમાં છે. ૨૦૧૬ના વરસમાં પ્રવેશ કરતાં પરિસ્થિતિ બદલાઈ નથી તે સ્વીકારવું જોઈએ. તે છતાં અહીં વાત કરવી છે સ્મૃતિ ઈરાનીએ અને ભારતની દરેક સ્ત્રીએ લીલાવતીસ ડોટર જેવા પુસ્તક વિશે. 

સ્ત્રીઓને સાણસી મૂકીને સાયન્સ સુધી જવામાં આજે પણ સમાજની માન્યતાઓના અવરોધો નડે છે. ત્યારે કેટલીક સ્ત્રીઓ જે પોતાની અને સમાજની ગ્રંથિઓને તોડી શકી છે તે મંગળ તરફ ગતિ કરી રહી છે. મંગળ તરફ ભારતનાં અવકાશી આરોહણમાં સ્ત્રીશક્તિ પણ હતી જ. સાયન્સ એટલે કે વિજ્ઞાનશાખામાં જતી નારીની સંખ્યા હજીય ઓછી જ છે, કારણ કે મુક્ત આકાશમાં એક પગલું ભરતાં હજીય ખચકાટ અનુભવાય છે. 

આંકડાઓ ભલે કહેતા હોય કે વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રે સ્ત્રીઓની સંખ્યા નહિવત છે પરંતુ, નોંધનીય તો છે જ. જે છોકરીઓ વિજ્ઞાનના ક્ષેત્રે જવા ઇચ્છતી હોય તેમણે કેટલીક ભારતીય વિજ્ઞાની નારી વિષે જાણવું જોઇએ. અને તેમનામાંથી પ્રેરણા લઈ આગળ વધવું જોઇએ. ફક્ત પરણવા માટે ભણવાની માનસિકતામાંથી બહાર આવવાનીય જરૂર છે. રોહિણી ગોડબોલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલોરમાં સેન્ટર ફોર હાઈ એનર્જી ફિજીક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે લીલાવતીસ ડોટર નામે એક પુસ્તકનું સંપાદન કર્યું છે. દરેક નારીને પ્રેરણાત્મક થઈ શકે તેવા પુસ્તકો લખાય છે વાંચવા જરૂરી છે. આ પુસ્તકમાં તેમણે ૧૦૦ ભારતીય સ્ત્રી વૈજ્ઞાનિકોના જીવન અને કામ અંગે આત્મકથાનક વાત વણી લીધી છે. સંકુચિત સમાજ અને ઘરના ઉંબરની બહાર પણ વિશ્ર્વ છે, જે સતત વિકસી રહ્યું છે, બદલાઈ રહ્યું છે. આ ૧૦૦ ભારતીય સ્ત્રીઓએ પોતાના લખાણમાં કહ્યું છે કે શા માટે તેમણે વિજ્ઞાન પસંદ કર્યું? તેમની પસંદગીના રસ્તે ચાલતા કેવી મુશ્કેલીઓ આવી અને તેનો સામનો કઈ રીતે કર્યો. 

ભારતમાં આજે ય દરેક સ્ત્રીને ઘર બહાર પગ મૂકતાં પહેલાં અને પછી ય અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જરૂરત હોય છે ફક્ત ને ફક્ત પોતાના વિચારોની સ્પષ્ટતા. મોટાભાગની સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે પોતે શું કરવા માગે છે. એટલે જ તેઓ સમાજની દોરેલી લીટીએ ચાલવા માંડે છે. અને જ્યારે તેને સમજાય છે કે પોતે શું કરવા માગે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અથવા તેનામાં ચીલો ચાતરીને ચાલવાની હિંમત જ રહી હોતી નથી. રોહિણી ગોડબોલે આજે વિજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય નામ છે. તેમણે જર્મનીના વૈજ્ઞાનિક સાથે મળીને હાઈ એનર્જી ફિજીક્સમાં એક એક્સપરિમેન્ટ કર્યું હતું. જે સફળ રહેતાં તેને ડ્રીસ-ગોડબોલે ઇફેક્ટ નામે ઓળખાય છે. આજ રોહિણી ગોડબોલે બાળપણમાં ૮મા ધોરણ સુધી વિજ્ઞાન કે ગણિત ભણ્યા જ નહોતા. તેઓ ક્ધયાશાળામાં ભણતા હતા જ્યાં છોકરીઓને વિજ્ઞાનનો વિષય શીખવાડવામાં નહોતો આવતો. 

રોહિણીએ જાતે વિજ્ઞાન વાંચ્યું અને સ્ટેટ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આપી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે તેઓ પાસ થયા. આ જોઇને શાળાના ગણિત શિક્ષકે તેમને ગણિત શીખવાડવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે અનેક સ્કોલરશિપ મેળવી વિજ્ઞાન વિષયે અભ્યાસ ચાલુ રાખ્યો. સ્કોલરશિપ લઈને આર્ટિકલ ફિજિક્સમાં પીએચડી કરવા માટે તેઓ વિદેશ ગયા. તેઓ આજે વિમેન ઇન સાયન્સ ઇન ઇન્ડિયાના પેનલ મેમ્બર તરીકે પણ ફરજ બજાવી રહ્યાં છે. ભારતીય સ્ત્રીઓમાં રહેલી વૈજ્ઞાનિક થવાની ક્ષમતાને ઓળખીને તેને બહાર લાવવાનું કામ કરે છે. 

ટેસી થોમસે બે વરસ પહેલાં અત્યાર સુધી પુરુષોનું ક્ષેત્ર ગણાતું રોકેટ સાયન્સમાં પ્રવેશ કરીને ગ્લાસ સિલિંગ તોડી છે. ૨૦૧૪માં બે સ્ત્રીને આઈઆઈટી કાઉન્સિલમાં રોકેટ સાયન્સમાં નોમિનેટ કરવામાં આવી છે. એક ટેસી થોમસન અને બીજા વિજ્યા લક્ષ્મી રવીન્દ્રનાથનને. અત્યાર સુધી તેમાં કોઇ સ્ત્રીને નોમિનેટ કરવામાં નહોતી આવી. ટેસી થોમસનને અગ્નિપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પહેલાં મહિલા છે કે જેમને ભારતના અનેક મિસાઈલ્સ પ્રોજેક્ટ્સમાં ડિરેકટર તરીકે લેવામાં આવ્યા હોય. આપણા અગ્નિ મિસાઈલ્સ પ્રોજેકટ્સના તેઓ માસ્ટર માઈન્ડ છે. આજે અગ્નિ ૩, અગ્નિ-૪, અગ્નિ-૫ મિસાઈલ્સ પ્રોજેક્ટ્સ ભારતીય સંરક્ષણના ભાથામાં સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. અને તેમાં એક મહિલાનું માસ્ટર માઈન્ડ છે એ માટે દરેક નારીએ ગર્વ લેવા જેવી બાબત છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ટેસીને અગ્નિ મિસાઈલ્સ પ્રોજેક્ટ્સના ડિરેકટર તરીકે વરણી કરી હતી. ટેસીના હાથ નીચે આજે અનેક સ્ત્રી વૈજ્ઞાનિકો તૈયાર થઈ છે અને કામ કરી રહી છે. ટેસી માને છે કે વિજ્ઞાનએ જાતિય ભેદભાવ નથી કરતું. જેની પાસે ટેલેન્ટ છે તે સ્ત્રીએ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધીને પુરવાર થવું જોઇએ.

પોતાનામાં રહેલી શક્યતા સૌપ્રથમ સ્ત્રીએ જાણીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જ જોઇએ. સ્ત્રી શક્તિને કોઇ અટકાવી શકે નહીં. જરૂરત હોય છે કામ કરવાની, યોગ્ય માર્ગ પસંદ કરવાની. બાકી સમાજના બંધનોના બહાના બનાવવાથી સફળતા મળતી નથી. ‘સોચ બદલો દુનિયા બદલો’, સ્લોગન દરેક સ્ત્રીએ અપનાવવા જેવું છે.

You Might Also Like

0 comments