વાળમાં નહિ, સ્ત્રીનું સૌંદર્ય હિમ્મતમાં

02:19મારું જીવન લોકોના મનોરંજન માટે નથી. લોકોને શું લાગશે તે વિચારવાનું મેં ક્યારનું છોડી દીધું છે. સ્ત્રીનું સૌંદર્ય તેના દેખાવમાં છે એ માન્યતા તોડવાની જરૂર છે. ૪૫ વર્ષીય કેતકી જાની એકી શ્ર્વાસે બોલી રહી હતી. 

પાતળી લાંબી અને માથા પર ટેટૂ ચિતરાવેલી કેતકી જાનીને જોઈએ તો વિચાર આવે કે કોઈ ફેશન મોડેલ હોઈ શકે. પણ ના પિસ્તાલીસ વરસની કેતકી જાનીને છ વરસ પહેલાં એલોપેસિયા નામનો રોગ થયો હતો. જેને કારણે તેના શરીરના બધા જ વાળ ઊતરી ગયા છે. એમ.એ.બીએડ થયેલી મૂળ અમદાવાદની કેતકી લગ્ન બાદ પુણેમાં સ્થાયી છે. છેલ્લાં વીસ વરસથી તે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાલભારતીમાં વિશેષ અધિકારી ગુજરાતી તરીકે કામ કરી રહી છે. મુંબઈ સમાચારના રોમેરોમ ગુજરાતી અભિયાનમાં મદદરૂપ થઈ રહેલાં કેતકી જાનીના જીવનની કહાણી ઘણી રોચક છે. 

એ વિશે વિગતે વાત કરતાં કેતકી કહે છે કે, બધું એટલું ફટાફટ થઈ ગયું કે હું હતપ્રભ બની ગઈ હતી. વાળના ગુચ્છેગુચ્છા મારા હાથમાં આવી જતા. ડૉક્ટર પાસે ગઈ તો જાણવા મળ્યું કે મને એલોપેસિયા એયુ નામનો રોગ થયો છે. તેમાં શરીરના બધા વાળ ઊતરી જાય એ સિવાય બીજી કોઈ તકલીફ ન થાય. એક સ્ત્રી માટે વાળ એ ર્સૌંદર્યનું પ્રતીક હોય છે તેના સિવાય સ્ત્રી જાણે સ્ત્રી રહેતી જ નથી એવી માન્યતા સમાજમાં કેટલી દૃઢ થયેલી છે તે મને સમજાયું. શરૂઆતમાં તો હું ડિપ્રેશનમાં સરી પડી હતી. કારણ કે મારા વાળ ડિમ્પલ કાપડિયા જેવા ઘાટા અને જથ્થાવાળા હતા. લોકો મારી દયા ખાવા લાગ્યા અરરર... બિચારીના વાળ નથી. એટલું સારું હતું કે મારા પરિવારનો મને પૂરો સહયોગ હતો. મારાં બાળકો દીકરો અને દીકરી કહેતાં કે મમ્મી તું અમારા માટે એટલી જ સુંદર રહેશે. તારે અમારા માટે બદલાવાની નથી. અમારા માટે તારું હોવું મહત્ત્વનું છે. 

કોઈ કરતાં કોઈ રીતે મારા માથે વાળ આવે તે માટે મેં પ્રયત્નો કર્યા હતા, શરૂઆતમાં એ માટે એક જ રસ્તો હતો સ્ટેરોઈડ્સ ખાવાનો અને સ્ટેરોઈડ્સના ઈન્જેકશન મારા મારા માથા પર અને આઈબ્રો ઉપર લેવાના. શરૂઆતમાં થોડી ટ્રીટમેન્ટ લીધી કે હું ફૂલી ગઈ. પતિ મિતેષે મને કહ્યું કે મેં આ રોગ વિશે બધી જ માહિતી મેળવી લીધી છે. તારા વાળ એમ પાછા આવે એમ નથી. આપણો સંબંધ વાળ હોવા ન હોવાથી કોઈ રીતે બદલાવાનો નથી. મારા તારા પ્રત્યેના પ્રેમમાં કોઈ ફરક પડે એમ નથી. સ્ટેરોઈડ્સ લઈને તારા શરીર-કિડની ખરાબ ન કર. સાસુ નણંદે પણ સપોર્ટ કર્યો. એ સિવાય અમેરિકામાં રહેતી એલોપેસિયા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્નો કરતી કાયલી બેમબર્ગરની સાથે ચેટ કરી તેનાથી મને ઘણો સધિયારો મળ્યો. કાયલીએ એલોપેસિયાને કારણે શરીર પરના વાળ ૧૫ વરસની ખૂબ નાની ઉંમરે ગુમાવ્યા છે. એણે પણ વિગ ન પહેરવાનો નિર્ણય લીધો એટલું જ નહીં જીવન બિન્ધાસપણે જીવવા લાગી. અમારા જેવા અનેક લોકોને તે જીવવાની પ્રેરણા બની રહે છે. ત્રીજું મારા ડૉક્ટરે મને કહ્યું કે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યા સિવાય કોઈ છૂટકો નથી. મૃત્યુ બાદ 

આપણે બધા નામશેષ થઈ જઈએ છીએ. તારા વાળ એ પહેલાં જ ગયા એમ માન. અને હવે તને સમજાશે કે કોને તારા માટે ખરેખર પ્રેમ છે. 

થોડું અટકીને ગળે બાઝેલો ડૂમો સાફ કરતાં કેતકી કહે છે કે આપણો સમાજ સ્ત્રીઓ માટે નથી. સ્ત્રીઓ પણ બાહ્ય સૌંદર્યના માળખાને જ વળગી રહે છે. ટકલું થયેલા પુરુષને આપણો સમાજ સ્વીકારે પણ સ્ત્રીને નહીં. લોકો મને નવાઈથી તાકી રહે. કેન્સર થયું સમજીને સલાહો આપે. વિગ પહેરવાની સલાહ આપે. વિગ પહેરવાથી મને માથે ભાર લાગતો. પહેરવું ગમતું નહીં. પણ પ્રસંગોમાં જઈએ તો લોકો મારી દયા ખાતા જે મને સહન જ ન થાય. છેવટે મેં નક્કી કર્યું કે હું વિગ નહીં પહેરું. તો લોકો હવે એમ કહેવા લાગ્યા કે પ્રસંગમાં તો વિગ પહેરીને આવો, બીજા લોકો તમને જોઈ શકતા નથી. ત્યારે ખૂબ ખરાબ લાગે કેમ જાણે મનેે વાળ વિના ટકલું થઈને ફરવું ગમતું હશે? અરે આ એક જાતની બીમારી છે જેને કોઈ આમંત્રણ નથી આપતું પણ કેટલાક લોકોને થાય છે. પછી મને વિચાર આવ્યો કે બીજાને સારું લગાડવા હું નથી જીવતી. મારા માટે જીવું છું. મરી મરીને હું જીવવા નથી માગતી. એટલે પછી મેં તૈયાર થઈને ફરવાનું શરૂ કર્યું. મને ટેટુ કરવાનો શોખ હતો તે ભગવાને માથા પર મોટો કેનવાસ આપ્યો તે મારો શોખ પૂરો કર્યો. મારી પાસે મોટો કેનવાસ હતો તે આખીય સૃષ્ટિ એના પર ચિતરાવી દીધી. મારા પ્રિય કૂતરાઓના પગલાં પણ તેના પર ચિતરાવ્યાં છે. 

મુંબઈમાં રહેતી અંકિતા વાડેકરે પણ ૧૫ વરસની ઉંમરે એલોપેસિયાને લીધે વાળ ગુમાવ્યા છે. મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ પ્રવાસ કરીને તે ઓફિસે જાય ત્યારે લોકોની આંખો, સવાલો તેને પજવતા હતા. એલોપેસિયા થયા બાદ વાળ વગરનો ચહેરો લઈને દુનિયામાં ફરવા માટે કેટલી હિંમતની જરૂર હોય છે તે આ પરિસ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિઓ જ સમજી શકે છે. દિવસો સુધી અંકિતાએ પોતાની જાતને ઘરમાં બંધ કરી દીધી હતી તેમ જ પાંચ વરસ સુધી કોલેજના દિવસોમાં વિગ પહેરી પણ હવે તે વિગ પહેર્યા વિના, લોકોની પરવા કર્યા વિના ફરી શકે છે. વિગ પહેરવાથી થતી તકલીફો કરતાં વિગ ન પહેરવાની તકલીફો ઓછી કષ્ટદાયક હોવાનું દરેક એલોપેસિયાવાળી વ્યક્તિઓનું માનવું છે. એટલે હવે જો કોઈ બૉલ્ડ એટલે કે સાવ વાળ વગરની કોઈ સ્ત્રીને જુઓ તો જીવન જીવવાની તેની હિંમતને દાદ આપજો. તેની સુંદરતાને એપ્રિસિએટ કરજો. તેમને વિચિત્ર સવાલો પૂછીને કે વિચિત્ર પ્રાણી તરીકે તાકી રહી વધારે દુ:ખ ન પહોંચાડજો. કારણ કે સૌંદર્ય સ્વભાવમાં હોય છે ફક્ત દેખાવમાં નહીં. 

કેતકી જાનીને પણ હિંમતપૂર્વક જીવન જીવવા માટે સો સલામ કરવાનું મન થાય. તેમણે પણ ઘર બહાર નીકળતાં લોકોની તીર જેવી નજરોનો સામનો કરવો પડે છે. લોકો તેમને નવાઈથી તાક્યા કરે. હસતાં હસતાં કેતકી કહે છે કે સેલિબ્રિટી હોઉં એવું લાગે. પહેલાં મને લોકો તાકી રહેતા તે ગમતું નહીં, અકળામણ થતી પણ હવે તેમની સામે સ્મિત કરી લઉં છું. મારી બાઈ તો કહે મેડમ તમે મારા ગામમાં આવો તો લોકો તમને નક્કી મોડેલ સમજશે. કેતકી ભવિષ્યમાં એલોપેસિયાથી પીડિત લોકોનું સંગઠન કે હેલ્પલાઈન શરૂ કરવાનું વિચારી રહી છે. 

----------------------------

એલોપેસિયાના દર્દીઓની પ્રેરણામૂર્તિલોસ એન્જલસમાં રહેતી ૨૬ વરસની કાયલી બેમ્બર્ગરને ૧૧ વરસની ઉંમરે એલોપેસિયાનો રોગ થયો. પંદર વરસની થઈ ત્યાં સુધીમાં તેના શરીરના બધા વાળ જતાં રહ્યા. માથા પર વિગ પહેરવાને બદલે તેણે બૉલ્ડ રહેવાનું પસંદ કર્યું. જો કે નાની ઉંમરે આ રીતે જીવવાનું સહેલું નથી. પોતાના અનુભવથી શીખીને તે આજે એલોપેસિયા ધરાવતી સ્ત્રીઓને સાહસપૂર્વક સમાજનો સામનો કઈ રીતે કરવો તે માટે પ્રેરણારૂપ બની રહે છે. તેનું કહેવું છે કે મેં જોયું છે કે મારા કરતાં અન્ય સ્ત્રીઓને વાળ વિના જીવન જીવવામાં કેટલી તકલીફો પડે છે. તેમને મદદરૂપ થવા માટે તે સોશ્યલ મિડિયા તથા મોડલિંગ દ્વારા કેમ્પેઈન ચલાવી રહી છે

You Might Also Like

0 comments