નારી આત્મકથાની ગાથા

07:08
હિમાંશી શેલતની આત્મકથાત્મક મુક્તિ-વૃત્તાંતની વાત કરતાં નારીવિશ્ર્વના અંધારિયા ખૂણા તરફ જોવાની જીજ્ઞાસા બળવત્તર બની. ગુજરાતીમાં સ્ત્રીઓ દ્વારા આત્મકથા ખૂબ જ ઓછી કે કહો કે નહીવત્ લખાઈ છે, પરંતુ નારીની વાત કરીએ તો ભાષાના વાડાને ટપીને જોઈએ. નારીવિશ્ર્વ તો દરેક ભાષામાં સરખું જ હોય છે. હાલમાં લખાયેલી આત્મકથાઓ જોતા વાચકોને રસ પડે તેવી વાત જાણવા મળી. ઘરકામ કરતી સ્ત્રીએ લખેલી આત્મકથા જે મૂળ બંગાળીમાં લખાઈ હતી તે કુલ ૨૧ ભાષામાં અનુવાદિત થઈ છે અને તેમાંય ૧૩ વિદેશી ભાષાઓ પણ છે. ટૂંકમાં બેબી હલદારે લખેલી આત્મકથા આલો અંધારી (બંગાળી), લાઈફ લેસ ઓર્ડિનરી (અંગ્રેજી) બેસ્ટ સેલરના લિસ્ટમાં સ્થાન પામી છે. 

દિલ્હીમાં લોકોના ઘરમાં ઘરકામ કરતી બેબી હલદારનું જીવન સંઘર્ષમય વીત્યું છે. જન્મતાં જ માતા તેને ત્યજીને જતી રહી. દારૂડિયા પિતાએ બીજાં લગ્ન કયાર્ં. ૧૨ વરસની ઉંમરે તેને પરણાવી દેવામાં આવી. ૧૩ વરસની ઉંમરે તેને પહેલું બાળક થયું અને પછી બીજા બે બાળકો. પતિ પણ ખૂબ ત્રાસ આપતો હતો. તેને છોડીને ત્રણ બાળકો સાથે તે દુર્ગાપુર, પશ્ર્ચિમ બંગાળમાંથી ભાગીને દિલ્હી પહોંચી. ઘરકામ કરીને બાળકો ઉછેરવા લાગી. એવામાં તેને હિન્દીના પ્રખ્યાત લેખક મુનશી પ્રેમચંદના પૌત્ર પ્રબોધકુમારના ઘરમાં કામ મળ્યું. તેમના ઘરે પુસ્તકો સાફ કરતાં તેને રસ પડતો જોઈને પ્રબોધકુમારે તેને વાંચતી કરી. સૌ પ્રથમ તેણે તસ્લિમા નસરીનની આત્મકથા માય ગર્લહુડ બંગાળીમાં વાંચી. એ વાંચતા તેને લાગ્યું કે પોતાની કથા પણ કહી શકાય. ધીમે ધીમે વાંચન વધ્યું. તે જોતાં એક નોટ આપી પ્રબોધકુમારે તેને પોતાની વાત લખવાની પ્રેરણા આપી. જેને એમણે સુધારીને હિન્દીમાં ભાષાંતર કરી ૨૦૦૨ની સાલમાં થોડી પ્રત એક નાના પ્રકાશકે છાપી. જોતજોતામાં તે પ્રખ્યાત થઈ અને પછી બંગાળી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ. બેબી હલદાર પાસે છુપાવવા જેવું કશું જ હતું નહીં, એટલે તેણે સાચેસાચું લખ્યું. ઘરકામ કરતી સ્ત્રીની વાત પણ કહેવા જેવી હોય તે સાબિત કર્યું, પણ જાણીતી સ્ત્રીઓ જેમનું વિશ્ર્વ વિસ્તરેલું હોય છે તે સ્ત્રીઓ આત્મકથા લખે ત્યારે સાચી વાત લખી શકે ખરી? વિવેચકોનું સ્પષ્ટ માનવું છે કે સ્ત્રીઓ પ્રયત્ન કરે છે તો પણ સંપૂર્ણ સત્ય કદાચ નથી જ લખી શકતી. પ્રસિદ્ધ અમેરિકન નૃત્યાંગના ઈસા ડોરા ડંકન જેમની આત્મકથા ૧૯૨૭ની સાલમાં પ્રસિદ્ધ થઈ હતી. તે આ વાત સાથે સંમત થતા લખે છે, ‘કોઈ સ્ત્રીએ હજી સુધી પોતાના જીવનનું સંપૂર્ણ સત્ય કહ્યું નથી.’ ફ્રેંચ લેખિકા અનાઈસ નીન પોતાની ડાયરીમાં લખે છે કે, ‘આપણે બધા ખોટી જાતને ઉખેડવામાં વ્યસ્ત છીએ. પ્રોગ્રામ્ડ કરેલી જાત, કુટુંબે રચેલી જાત, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ. એ પ્રચંડ મોટું કામ છે...સ્ત્રીઓનો ઈતિહાસ અધૂરો જ કહેવાયો છે.’ આજે વીસમી સદી સુધી પહોંચતા અનેક સ્ત્રીઓએ તટસ્થતાપૂર્વક લખવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં સિમોન દ બુવાથી લઈને નયનતારા સહેગલ, તસ્લિમા નસરીન, કમલા દાસ, અમૃતા પ્રિતમ, મૃણાલ પાંડે, શોભાડે વગેરે અનેક સ્તરે વધતે ઓછેઅંશે પોતાના આંતરબાહ્ય વિશ્ર્વને ખુલ્લા મને લખવાનો પ્રયત્ન કર્યો છે. તે છતાં પણ દરેકે સત્યતાપૂર્વક આત્મકથા લખી છે એવું વાચક વિવેચક માનવા તૈયાર નથી. ભારતની જ વાત કરીએ તો આપણે ત્યાં સ્ત્રીને લખવા માટે સ્પેસ એટલે કે એકાંત મળે તે અશક્ય જેવી બાબત છે. ગીતા નાયકે એકવાર કહ્યું હતું તે યાદ આવે છે કે સાઉથની એક લેખિકા રાતના બાથરૂમમાં જઈને લખતી. પછી તેને લેખન માટે એવોર્ડ મળ્યો ત્યારે એના કુટુંબને ખબર પડી કે તે લખતી હતી. 

સ્ત્રીની પ્રથમ આત્મકથા ૧૪૦૦ની સાલમાં લખાઈ હતી તે જાણીને રોમાંચ જરૂર થાય. તેનું નામ હતું ધ બુક ઓફ માર્જરી કેમ્પે. એ સ્ત્રીને લખતાં, વાંચતા નહોતું આવડતું. તેણે એ અંગ્રેજીમાં લખાવી હતી અર્થાત્ કે તે બોલતી હતી અને કોઈએ લખી લીધી હતી. માર્જરીએ તેના બાળકના જન્મથી લઈને તેની થયેલી ટીકાઓથી લઈને પોતાના જીવન અને અનુભવ વિશે અનેક બાબતો લખાવી હતી. પછી તે લખાણ સદીઓ સુધી ખોવાઈ ગયું હતું તે છેક ૧૯૩૪ની સાલમાં મળી આવ્યું હતું. આ રીતે શરૂઆતમાં સત્તરમી-અઢારમી સદીમાં લખાયેલી અનેક આત્મકથાઓ ખોવાઈ ગઈ છે. ખૂબ ઓછી સ્ત્રીઓની આત્મકથાઓ મળી છે જે તે જમાનામાં જીવતા જીવન અને સ્ત્રીઓની સ્થિતિ વિશે જાણવા મળે છે. આત્મકથા ડોક્યુમેન્ટ્સ પણ બની શકે છે જો તે સમયની રાજકીય, સામાજિક પરિસ્થિતિઓનો ચિતાર આપતી હોય. બેબી હલદારની આત્મકથા વાંચવાથી ઘરકામ માટે બંગાળમાંથી આવતી ગરીબ સ્ત્રીઓની પરિસ્થિતિ વિશે જાણવા મળે છે. સિમોન દ બુવા અને અનાઈસ નીન વાંચતા તે સમયના ફ્રાન્સ, યુરોપ અને અમેરિકા વિશે જાણવા મળે છે. ઈસાડોરા ડંકન વાંચતા તે સમયના અમેરિકન સમાજ વિશે જાણી શકાય છે. આટલી બૃહદ ચેતના સાથે લખાઈ હોય તેવી આત્મકથા ઘણી ઓછી છે. સ્ત્રીઓની આત્મકથામાં સ્વજનોના સંબંધો અને પોતાની વાત વધુ પ્રમાણમાં હોય તો વાચકને રસ પડતો નથી કે ન તો તે સાહિત્યિક કૃતિ બને છે. ભારતીય સ્ત્રીઓએ લખેલી આત્મકથા સ્ત્રી જીવનના અનેક પાસાંઓને ઉજાગર કરે છે. જવાહરલાલ નહેરુની બહેન કૃષ્ણા હઠીસિંગ, વિજ્યાલક્ષ્મી પંડિત, નયનતારા સહેગલે લખેલી આત્મકથામાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત સાથે તે સમયના સમાજની અને સાથે ક્યારેક ખુલ્લા શબ્દોમાં તો ક્યારેક બીટવીન ધ લાઈન્સમાં આલેખાયેલી તેમના અંગત જીવનની વાતો પણ મળી આવે છે. આમ, આત્મકથાનો ઈતિહાસ તપાસતાં કેટલીક નારીઓએ કરેલી થોડી ઘણી હિંમત પણ બિરદાવવા જેવી છે.

You Might Also Like

0 comments