અમેરિકામાં ગુજરાતી યુવાનની હરણફાળ (mumbai samachar)

03:02




ગેટ્સ વિશે એક પ્રચલિત ટુચકો છે. એક દિવસ કોઇએ એમને પૂછ્યું કે ‘મિસ્ટર બિલ, તમે તમારી કંપનીમાં ઊંચા હોદ્દાઓ પર અમેરિકાના વિદ્યાર્થીઓને તક આપવાને બદલે ભારતીય મૂળ ધરાવતા વિદ્યાર્થીઓને જ કેમ બેસાડો છો?’ બિલ ગેટ્સે પહેલાં તો સ્મિત કર્યું અને પછી દિલની વાત જબાન પર લાવીને કહ્યું કે ‘લુક મિસ્ટર, વાત એમ છે કે જો હું એમને લોભામણી ઑફરો આપીને મારી કંપની માઇક્રોસૉફ્ટમાં નહીં બેસાડું તો આ અસાધારણ પ્રતિભા ધરાવતા યુવાનો ભારતમાં જ માઇક્રોસૉફ્ટથી પણ માતબર કંપની શરૂ કરી દેશે અને એને પગલે ભવિષ્યમાં મારે જ મારી કંપનીનો વીંટો વાળી દેવાનો વારો આવી જશે. એટલે મારી કંપનીના અને અમેરિકાના હિતમાં હું ભારતીય કુળના વિદ્યાર્થીઓને થાબડભાણાં કરી રહ્યો છું.’ આજે તો હવે એ વાત હકીકત બની રહી છે કે ભારતીય કુળના વિદ્યાર્થીઓની પ્રતિભા કમ્પ્યુટર સિવાયનાં ક્ષેત્રોમાં પણ પાંખો ફેલાવી રહી છે. ગુજરાતી પરિવારનો નીલ દવે આનું એક મુઠ્ઠી ઊંચેરું ઉદાહરણ છે.

અમેરિકામાં વિજ્ઞાન શાખામાં ભણતાં લોકો જ સંશોધન કરી શકે એવું નથી હોતું. નીલ દવે શાળાના સમયથી જ સંશોધન કરી રહ્યો હતો. નીલની માતા અપર્ણા દવે સાથે ફોન પર વાત થતાં કહે છે કે, નીલ કૅન્સરના પરીક્ષણ વિષયે શાળાના સમયથી જ સંશોધન કરી રહ્યો હતો. તે મેગ્નેટ સ્કુલ ઑફ અમેરિકામાં ભણ્યો છે અને સ્કૂલના પ્રતિષ્ઠિત મેગ્નેટ પ્રોગ્રામમાં તે બાયોટેક્નૉલૉજીમાં સંશોધન કરતો હતો. નીલ આવતી કાલે (૧૩મી એપ્રિલે) વ્હાઈટ હાઉસમાં કૅન્સરના સેલને રક્ત પરીક્ષણ દ્વારા વહેલાસર જાણી શકાય એવું ઉપકરણ વિકસાવવાની શોધને રજુ કરશે. તેણે હાર્વર્ડ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ ઍન્ડ એપ્લાઈડ સાયન્સના પ્રોફેસર ડેવિડ વેઈટ્ઝની લેબોરેટરીમાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધનકારો સાથે મળીને આ ઉપકરણ બનાવ્યું છે. ડીએનએ એમ્પિલીફિકશન ટેકનિક દ્વારા કેન્સરના જીન્સને રક્તપરિક્ષણથી શોધી કાઢવામાં આવશે. એકમાત્ર લોહીના ટીપાંથી કેૅન્સર જોખમી ગાંઠ બન્યા પહેલાં જ શોધી કઢાય તેવી ટેક્નૉલૉજી આવે તો સમાજને કેટલી ઉપયોગી થઈ શકે તેની તો કલ્પના જ કરવી રહી. શક્ય છે ભવિષ્યમાં કૅન્સર છે કે નહીં તે જાણવા માટે ગાંઠની બાયોપ્સી કરવાની જરૂર પડે એવી સ્થિતિ જ પેદા ન થાય. તેને આ શોધ માટેના સંશોધન માટે તાજેતરમાં અન્ડર ગ્રેજ્યુએટ સેકશનમાં સિલ્વર મેડલ મળ્યો છે. 

નીલ દવે હાર્વર્ડ કૉલેજના બીજા વરસમાં એપ્લાઈડ મેથેમેટિક્સ અને ઈકોનોમી અને કોમ્પયુટર સાયન્સ ભણી રહ્યો છે. ભવિષ્યમાં તે હેલ્થકેર, માઈક્રોઈકોનોમીક પોલીસી અને ટેક્નૉલૉજીમાં કામ કરવા માગે છે. નીલ દવે ગુજરાતી પરિવારમાં ઉછર્યો હોવાથી ગુજરાતી સારું બોલી જ શકે છે. તેના માતાપિતા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ, જન્મ અને ઉછેર કલકત્તામાં થયો હતો. હાલ તેઓ અમેરિકાના વોશિંગ્ટન ડીસીના પરું ગેઈન્થર્સબર્ગ, મેરીલેન્ડમાં રહે છે. તેના પિતા રાજુ દવે પેટન્ટ લોયર છે. તો માતા અપર્ણા દવે ઈમિગ્રેશન એટર્ની છે. તેના પિતા રાજુ દવે 

વૈજ્ઞાનિક તરીકે પહેલાં કામ કરતા હતા. રાજુભાઈ કહે છે કે કલકત્તામાં અમારે ઘરે મુંબઈ સમાચાર આવતું તે વાંચીને જ હું ગુજરાતી શીખ્યો છું. બહેન સોનિયા પણ મેડિસિન ભણી રહી છે. શક્ય છે નીલ પણ ભવિષ્યમાં મેડિસિનમાં જાય. વીસ વરસની ઉંમર સુધીમાં નીલે અનેક મોટા કામ કરવાના શરૂ કરી દીધા છે. કૅન્સર પરીક્ષણ ઉપકરણ સિવાય બીજા અનેક સંશોધન કરી રહ્યો છે. તેણે અનેક લેબોરેટરીઝ સાથે કામ કરીને ઓન્કોલૉજી(કેન્સરને લગતું) તથા ઈન્ફેકસિયસ ડિસિઝ (એચઆઈવી, ટીબી વગેરે)ઉપર સંશોધન કર્યું છે. આ સિવાય તે બે ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપમાં સહસંસ્થાપક છે. તેમાંય એક તો ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટાડવા માટેની સામાજિક સંસ્થા સાથે તે સંકળાયેલો છે. એ સિવાય પણ અનેક સ્તરે તે કામ કરી રહ્યો છે. 

આ બધું છતાં તે સંસ્કૃતમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ ધરાવે છે. અમદાવાદના એલ.ડી. કૉલેજના પ્રોફેસર ગજેન્દ્ર પાંડા પાસે તેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. બાળપણથી તે દર વરસે સમર વેકેશનમાં અમદાવાદ આવીને રહેતો ત્યારથી તે સંસ્કૃત તથા તબલા પણ શીખી રહ્યો હતો. સંસ્કૃત શીખવાનું કારણ તે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ વિશે જાણીને પોતાનું જ્ઞાન વધારવા માગતો હતો. પોતાના મૂળ સાથે સંકળાવા માટે અને ગુજરાતી તથા હિન્દી ભાષાનો પાયો મજબૂત કરવા માટે ય સંસ્કૃત જરૂરી હોય છે. તે કહે છે કે જો સંસ્કૃત શીખ્યો એટલે મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે એને તેનું મહાત્મ્ય સમજાય છે. ભારત પાસે ભવ્ય ઈતિહાસ છે તેનો અભ્યાસ અને મહત્ત્વ પણ જાણવું જરૂરી લાગે છે નીલને. પંડિત નકુલ મિશ્રા પાસે તે પાંચ વરસની ઉંમરથી તબલા વગાડતા શીખ્યો છે. હાર્વર્ડ કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેણે તબલાવાદન કર્યું છે. અને સંસ્કૃત તો તે હવે બીજા છોકરાઓેને સમર વેકેશન કેમ્પમાં ભણાવે છે. નીલનું કહેવું છે કે સંગીત અને સંસ્કૃત તેને બેલેન્સ પર્સન બનવામાં મદદરૂપ થાય છે. 

નીલ કોઈ બાબતે ટેન્શન નથી લેતો, કારણ કે તે પોતાને ગમતું જ ભણે છે અને ગમતાં શોખ પૂરા કરે છે. ભણવાનું તેના માથે કોઈ ટેન્શન નથી. આ પહેલાં પણ તેણે પોતાના સંશોધન કાર્ય માટે અનેક એવોર્ડ મેળવ્યા છે. હા, વ્હાઈટ હાઉસના આમંત્રણથી તે રોમાંચિત છે. ઓબામાને મળીને પોતાના સંશોધન વિશે જણાવવા માટે તે ઉત્સુક છે. તો સાયન્સ ફેરમાં બીજા વિદ્યાર્થીઓને મળવા પણ તે એટલો જ ઉત્સુક છે.

You Might Also Like

1 comments

  1. ''જો હું એમને લોભામણી ઑફરો આપીને.....મારી કંપનીનો વીંટો વાળી દેવાનો વારો આવી જશે.'' જે બિલ ગેટ્સ વિચારી શકે, તે ભારતીય કંપનીઓ અને સરકાર કેમ નથી વિચારતી. બિલ ગેટ્સ પાક્કો વાણિયો કહેવાય.......MG

    ReplyDelete