અપેક્ષાઓથી બાંધેલી દીવાલો જર્જરિત હોય છે(published in mumbai samachar)

07:05હાલમાં જ ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રત્યુશાએ ૨૪ વરસની નાની ઉંમરે આપઘાત કર્યો તે સમાચાર લોકોને આઘાત આપી રહ્યા હતા ત્યારે ર૪ વરસની નાની ઉંમરે (૧૯૯૫માં)ગામના સરપંચ બનેલાં પ્રજ્ઞાચક્ષુ સુધા પટેલની યાદ આવી. જન્મથી જ અંધ સુધાને હતાશ થવા માટે જીવનમાં અનેક કારણો મળી શકતાં હતાં. તેમાંય ૧૯૯૭ની સાલમાં તો તેમને સાયકોલોજીસ્ટની સારવાર લેવાનીય જરૂર પડી હતી. સાયકોલોજીસ્ટે તેમને રાત્રે ઊંઘ આવે તેની ગોળીઓ લખી આપી હતી. અઠવાડિયા માટે ગોળીઓ લીધા પછી સુધાને વિચાર આવ્યો કે ગોળીઓ કે ડોકટર આમાંથી બહાર ન લાવી શકે, આપણાં વિચારો જ આપણને બહાર લાવી શકે. બે જ બાબત છે તે આપણને દુખી કરતી હોય છે, એક તો માણસ અને બીજી આપણી નબળાઈ એ બન્નેને છોડી દો. મને કોઈનીય ઉપર નિર્ભર રહેવું ગમતું નથી. જીવનમાંથી એટલો સાર સમજાઈ ગયો છે કે જે છે તેનો સ્વીકાર કરો. જે નથી તેના વિશે રડવાનું કોઈ કારણ નથી. બીજું દુખી ન થવું હોય તો શક્ય તેટલા સ્વાવલંબી બનો. બસ પછી મને ક્યારેય જીવનમાં નિરાશા કે હતાશા સતાવતી નથી. મારા માટે આનંદની શોધ મારી અંદરથી શરૂ થાય છે. મારો આનંદ બીજા કોઈ પર નિર્ભર નથી. 

સુધા પટેલ આજે નડિયાદમાં પોતાના જીવનસાથી અને અંધ નાની બહેન સાથે રહે છે. જલારામ જનસેવા ટ્રસ્ટ, ધર્મજ ગામમાં અંધ બાળકોની ટ્રેઈનિંગ શિક્ષિકા તરીકે કામ કરે છે, અને નડિયાદમાં પોતાનો ફાર્મસીનો વ્યવસાય સુપેરે સંભાળે છે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, આણંદના જનરલ સેક્રેટરી પણ રહી ચુકી છે. ૧૯૯૫થી ૨૦૦૦ની સાલ સુધી ચાંગા ગામમાં સરપંચ તરીકે સેવા બજાવી. અંધ અને તેમાંય સ્ત્રી વ્યક્તિ તરીકે સરપંચ બનવું સહેલું તો નહોતું. અનેક તકલીફો અને વિરોધોનો સામનો કરી સરપંચ તરીકે ગામની સુપેરે સેવા કરી. તેના કામ માટે એને

નેશનલ લીડરશીપ એવોર્ડ્સ પણ મળ્યા છે. 

નડિયાદમાં તેના કામ વચ્ચે ટુકડે ટુકડે ફોન પર વાત કરતાં જણાવે છે કે, મારા માતાપિતાએ ક્યારેય અફસોસ નથી કર્યો કે અમે બે બહેનો અંધ છીએ. પિતા કાશીભાઈ અને માતા કાન્તાબહેન ચાર-પાંચ ચોપડી જ ભણેલાં, પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે અમને ભણવું હોય તેટલું ભણાવવા. હું એમ.એ. થઈ અને મારી બહેન રાધા સંગીતમાં સ્નાતક થઈ. સરપંચ બનવા માટેનો જંગ પણ હું જાતે જ લડી. મને સમજાતું હતું કે મારે મારી જાતને પુરવાર કરવી પડશે. સ્વાવલંબી બનવું પડશે. હું મારી દરેક સમસ્યાઓ જાતે ઉકેલતાં શીખી. 

અહીં પ્રશ્ર્ન જરૂર થાય કે શું ભણતી વખતે કોઈ તકલીફ પડી જ નહીં? સામાન્ય બાળકોને પણ કેટલી તકલીફો પડતી હોય છે. શું સુધાની આંખોનું ઓપરેશન ન થઈ શકત? દ્દઢ અવાજમાં સુધા કહે છે કે માતાપિતાએ પ્રયત્ના ેતો કર્યાં હતાં પણ જન્મજાત અંધત્વ હોવાને કારણે કદીપણ દેખાવાનું નથી એ નક્કી ખબર પડી ગઈ હતી. એટલે જે નથી એને મેળવવાની મહેનત કરવી ખોટી. જે છે તેના પર જ શું કામ મહેનત ન કરવી. જે નથી તે માટે હું માણસો રોકી શકું જેમકે ડ્રાઈવિંગ કરવું, રસોઈ માટે વગેરે. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. નિરાશ થઈને બેસી ન રહેવાય કે ન તો આપઘાત કરાય. શરૂઆતમાં મનેય ક્યારેક નિરાશા આવતી હતી, પણ પછી મારી જાતને સંભાળી લેતી અને સમસ્યાઓમાંથી માર્ગ કાઢતી. દુનિયામાં દરેકને બધું જ નથી મળતું. એકવાર એમએની પરીક્ષા મે મહિનામાં હોઈ બપોરનાં પેપર હતા. મને રાઈટર નહોતો મળતો. એક તો ગરમી અને કોઈને પણ મદદ કરવા સેવાની ભાવના હોય તો જ થાય. તકલીફ પડી હતી પછી મારા એક પ્રોફેસરે શોધી આપ્યો રાઈટર. હું ભણતી હતી તે વખતથી જ મને આ સમજાઈ ગયું હતું કે કોઈ અપેક્ષા રાખવાની નહીં. આજે બીજા પ્રજ્ઞાચક્ષુઓને પણ હું આ જ કહું છું કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો, નકારાત્મક વિચારવું નહીં. શક્ય તેટલી પોતાની જાતને તૈયાર કરવી. બાકી બીજી વ્યક્તિઓતો પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જ મદદ કરશે. એટલે જ્યારે મને કોઈ ના પાડે તો હું બમણી શક્તિથી આગળ વધું. કોઈની ‘ના’થી તમારો વિકાસ અટકવો ન જોઈએ. હું ભલે જોઈ ન શકતી હોઉં પણ કોઈપણ સ્થળ કે વ્યક્તિને દશ જ મિનિટમાં તેના વાઈબ્રેશનથી ઓળખી લઉં છું. કોઈના પણ મકાનમાં પ્રવેશતા સમજાઈ જાય કે તે બંધિયાર છે કે મોકળાશવાળું. એમ જ કોઈપણ વ્યક્તિની સાથે દશ મિનિટ વાત કરવા માત્રથી સમજાઈ જાય કે સામી વ્યક્તિ કેવી છે. અંધ હોય કે દેખતી હોય દરેક વ્યક્તિને બીજી વ્યક્તિની જરૂર પડતી જ હોય છે. દરેક કામ તમે જાતે કરી જ નથી શકતા. એટલે મને તો મારામાં કે તમારામાં કોઈ ફરક જણાતો નથી. આજે તો ટેકનોલોજીને કારણે દુનિયા સરળ થઈ ગઈ છે. હું મારા દરેક કામ ઓનલાઈન કરી શકું છું. બેંકમાં જવું નથી પડતું કે રેલવે સ્ટેશન ટિકિટ બુક કરાવવા જવાનીય મને જરૂર નથી પડતી. બોલતા સોફ્ટવેર દ્વારા અમે દરેક પ્રજ્ઞાચક્ષુઓ એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. વ્હોટ્સએપમાં અમારું ગ્રુપ પણ છે. જેવી નવી ટેકનોલોજી આવે કે અમે એકબીજાને જણાવીએ. એકબીજાને શીખવામાં મદદ કરીએ. ખરું કહું કોઈને પણ આપણે ગરજ બતાવવી નહીં. સામી વ્યક્તિને ખબર પડે કે આને મારી ગરજ છે તો પજવે. જાણીજોઈને નહીં પણ તેમને સામી વ્યક્તિની પ્રાયોરિટી ન સમજાય. ચા પીને કરી આપું કે કલાક પછી કરી આપું છું એવા જવાબ મળી શકે. એટલે જ દરેક પરિસ્થિતિમાંથી રસ્તા કાઢતાં શીખવાનું હું શીખી છું. જીવનમાં બે જ પરિસ્થિતિમાંથી રસ્તો નહીં મળે એક મૃત્યુમાં અને બીજો અકસ્માત થાય તો તત્પુરતો રસ્તો ન મળે, મૂંઝાઈ જવાય, પણ દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવાની કારણ કે કોઈ સમય ટકતો નથી. 

સુધા પટેલ રસોઈવાળા બહેન ન આવે કે કામવાળા ન આવે તો દરેક કામ જાતે કરી લેતાં પણ શીખ્યા છે. તેમનું કહેવું છે કે સમાજને પ્રજ્ઞાચક્ષુઓ માટે કે વિકલાંગો માટે ખોટી ધારણાઓ હોય છે. મારા ભાઈના લગ્ન નહોતાં થતાં કારણ કે છોકરીવાળાને થતું કે બે અંધ નણંદોનો ભાર પણ આવનારે ઉપાડવો પડશે. એટલે પછી જ્યારે ભાઈનાં લગ્ન થયાં ત્યારે મારી ભાભીનેય લોકો પૂછતાં, નણંદોને તે કેમ કરીને સંભાળે છે? ભાભી કહી દેતાં કે મારે તેમનું કંઈ જ કામ નથી કરવું પડતું. અમને લોકોની મદદની એટલી જ જરૂર છે જેટલી તેમને બીજાની છે. દરેક દેખતી સ્ત્રીઓનાં ઘરમાં કામવાળા કામ કરવા આવતા જ હોય છે. 

સુધા પટેલ આજે દસમા-બારમાં ધોરણમાં ભણતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે યોગ્ય રાઈટર શોધી આપવામાં મદદરૂપ થાય છે. પોતે જે તકલીફો વેઠી છે તે તકલીફો બીજાને ન પડે તે માટે મદદરૂપ રહેવા તત્પર રહે છે. આજે આંખે દેખતી સ્ત્રીઓ પણ ઘરમાં કોમ્પયુટર હોવા છતાં ક્યારેય ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતી નથી તેવામાં સુધાબહેન ટેક્નોલોજી બાબતે પોતાના જીવનસાથી ઉપર પણ આધાર નથી રાખતા. ચાર વરસ પહેલાં તેમને માર્કેટિંગમાં મદદરૂપ થવા આવનાર સંજય શર્મા સાથે પ્રેમ થયો અને તેઓ લીવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા છે. પ્રેમ વિશે સુધા પટેલ કહે છે કે, લાગણીઓ માટેની ઈચ્છા તો અમનેય હોય જ, પણ પ્રેમ માટે મેં ક્યારેય ફાંફાં નથી માર્યા. લાગણીશીલ છું પણ પ્રેક્ટિલ રીતેય વિચારું. કુટુંબમા ય જરૂર પડે ત્યારે કાળજી લેવાની, જરાય મોઢું બગાડ્યા વિના સેવા કરવાની. પણ સાજી સમી વ્યક્તિએ તો જાતે પાણી લઈ લેવાનું કહેતા ય ન અચકાવું જોઈએ. પ્રેમમાં અપેક્ષા ન હોય. માગણી કરે તે પ્રેમ નહીં. સહયોગથી ચાલે તે પ્રેમ. અને પ્રેમ બંધનમાંય ન રાખે. વ્યક્તિનો વિકાસ અટકે તેવો પ્રેમ ન હોય. હું એ સમજી છું કે ગતિ અને મતિ એક જ દિશામાં હોવા જોઈએ. આનંદની શોધ બધાને છે અને તેની શોધમાં લોકો ટેન્શનમાં છે. એટલે મારો આનંદ ઉધારનો આનંદ નથી એટલે કે બહારથી નથી આવતો, મારી અંદરથી જ આવે છે. એટલે જ મને કશું જ ખોવાનો ડર નથી હોતો. આનંદ માગીને ન લેવાય. એટલે જ મને ક્યારેય આંખોની કમી લાગતી નથી. આંખો વિના પણ મને જીવન સમજાય છે, દેખાય છે. ક્યારેય અફસોસ પણ નથી થતો કે મારે આંખો નથી.

You Might Also Like

0 comments