મહિલા પહેલ કરે એ પુરુષને ગમે (mumbai samachar- sunday )
01:15
રમપમમમ પમ ....પારા ...ચલતી હૈ કયા નૌ સે બારા....આ આપણી ભારતીય ટપોરી સ્ટાઈલ છે છોકરીઓને પટાવવાની. પણ સોફિસ્ટિકેટેડ ડેટિંગ કોન્સેપ્ટ પશ્ર્ચિમનો છે. સ્ત્રીઓને પ્રપોઝ કરવું એ પુરુષો માટે હંમેશા ટેન્શનનો વિષય રહ્યો છે. એમાં ય ટપોરીઓ તો એય.... આતી ક્યા ખંડાલા પૂછી ય બેસે બિન્દાસ્ત, પરંતુ ભારતીય ભદ્ર પુરુષોને માટે સ્ત્રીઓને પ્રપોઝ કરવું ક્યારેય સહેલું નથી રહ્યું. ડેટિંગનો કોન્સેપ્ટ હવે ધીમે ધીમે ભારતમાં આવી રહ્યો છે ખરો પણ પશ્ર્ચિમ જેટલો સહજ નથી.
ટ્રુલી મેડલી નામની ભારતીય ડેટિંગ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે ૮૦ ટકા પુરુષો ઈચ્છે છે કે પહેલી ડેટમાં સ્ત્રીઓ લાલ રંગની લિપસ્ટિક લગાવીને આવે. આ સર્વેમાં ભારતના નાનાં મોટાં દરેક શહેરોમાં રહેતા પુરુષોને પૂછવામાં આવ્યું હતું. બીજા ૯૦ ટકા પુરુષોએ કહ્યું કે તેઓ ઈચ્છે કે મહિલાઓ પહેલ કરે તો તેમને ગમે. રિલેશિનશિપ એક્સપર્ટ વિષ્ણુ મોદી જણાવે છે કે પુરુષોને બહુ સવાલો પુછાય તે ગમતું નથી. પોતાના વિશે બધું જ સ્ત્રીને જણાવી દેવામાં તેમને રસ નથી હોતો, કારણ કે એ તેમને ક્યારેક અણગમતી પરિસ્થિતિમાં મૂકી દઈ શકે છે. તેમને તો રસ હોય છે કે સ્ત્રીઓ તેમની સાથે ફ્રેન્ડલી બને એટલું જ નહીં તેમની દરેક વાતમાં રસ લે. વધુમાં તેઓ ઈચ્છે કે સ્ત્રીઓ તેમના વખાણ કરે, તેમનું બધું જ ધ્યાન તે પુરુષ તરફ જ હોય.
જ્યારે બીજી તરફ સ્ત્રીઓની જુદી જ અપેક્ષાઓ હોય છે. તેઓ ઈચ્છે કે આ ખાસ મુલાકાતમાં સામી વ્યક્તિ તેની સાથે સન્માનપૂર્વક વર્તે. પુરુષ સાથે સ્ત્રીઓને હંમેશાં સુરક્ષિતતાનો અનુભવ કરવો હોય છે. તો કોઈ તેમની કાળજી લે તે ગમતું હોય છે. રિલેશનશિપ એક્સપર્ટ પ્રણય પાંડેનું કહેવું છે કે કેટલીક સ્ત્રીઓ ડેટિંગનો ખર્ચ અડધોઅડધો શેઅર કરવામાં માને છે તો કેટલીક સ્ત્રીઓ ડેટિંગનો બધો જ ખર્ચ ઉપાડી લેતી હોય છે.
રિલેશનશિપ એડવાઈઝરોના મતે સ્ત્રીઓને જુઠ્ઠું બોલતા પુરુષો ગમતા નથી. તેઓ ઈચ્છે કે પુરુષ તેમને છેતરે નહીં કે ખોટું બોલે નહીં. જો પુરુષ ખોટું બોલે તો એમને લાગે છે કે વ્યક્તિ સંબંધ માટે ગંભીર નથી. મૈત્રીને ગંભીરતાથી ન લઈ શકનારા પુરુષો સ્ત્રીનું દિલ જીતી શકતા નથી. પહેલી મુલાકાતમાં પુરુષ પોતાનામાં રહે તેવું દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે. ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન પુરુષ વેલ ડ્રેસ્ડ હોય, સારી રીતભાત ધરાવતો હોય તો સ્ત્રી તેના તરફ આકર્ષાય છે. ખાસ કરીને પહેલી મુલાકાત બાદ જો પુરુષ સ્ત્રીને આભારનો મેસેજ કરે અને મળ્યા બાદ આનંદ પ્રદર્શિત કરતો ભાવ દર્શાવે છે તો સ્ત્રીઓને ગમતું હોય છે.
આ બધું તો ઠીક છે પણ લોકો પહેલી મુલાકાતમાં આટલી બધી અપેક્ષાઓ સાથે શું કામ જાય છે? એ પ્રશ્ર્ન જરૂર થાય. એક તો તેઓ એકબીજાને જાણતા ન હોવાથી એકબીજા વિશે કશું જ જાણતા નથી હોતા. વળી દરેક વ્યક્તિના મનમાં એક ખાસ એજન્ડા હોય છે. તેમાંય સ્ત્રી પુરુષોના સંબંધમાં તો હંમેશાં કોઈને કોઈ અપેક્ષા રહેવાની જ છે. પશ્ર્ચિમમાં આવી મુલાકાતો સહજ એકબીજાને જાણવા માટે થતી હોય છે. જો તેઓ એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય તો તેઓ વધુ મુલાકાતો કરીને સંબંધો આગળ વધી શકે છે કે નહીં તે તપાસે છે. ત્યાં લોકો ખાસ અપેક્ષા રાખતા નથી વળી તેમને સંબંધમાંથી શું જોઈએ છે તે બાબતે તેઓ સ્પષ્ટ હોય છે.
ભારતમાં હજી આ માનસિકતા વિકસી નથી એટલે જ વધુ પડતી અપેક્ષા રાખવાથી તકલીફ થતી હોય છે.
ડેટિંગ જતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે-
જેમકે તમને જેની સાથે થોડો સમય વિતાવવો કમ્ફર્ટેબલ લાગતું હોય તો જ ડેટિંગ પર જવું જોઈએ નહીં તો ન જ જવું જોઈએ. બીજું જક્કી રીતે અપેક્ષાઓ રાખશો તો એ તમને મુસીબતમાં મૂકી દઈ શકે એમ છે. જેમ કે તમને એ વ્યક્તિ ગમવા લાગે પણ સામી વ્યક્તિને તમારામાં રસ ન હોય તો એ બાબત સ્વીકારવા માટે ઓપન રહેવું જરૂરી છે. શરૂઆતથી જ વધુ ઈમોશનલ સ્તરે વિચારવું નહીં. વળી ડેટિંગમાં મૂળભૂત રીતે નવી વ્યક્તિને મળવું એવું જ હોય છે. જરૂરી નથી કે ડેટિંગ બાદ કોઈ સંબંધ રચાય. કેટલીક વખત તો કેઝુઅલ ડેટિંગ માટે પણ વ્યક્તિ વિચારતી હોય છે. તેમાં કોઈપણ જાતની અપેક્ષાઓ હોતી નથી. સાથે હો ત્યાં સુધી એકબીજાની કંપની એન્જોય કરો પછી ફરી મળવાના કોઈ વાયદા કે શરતો નહીં કે ન તો એકબીજા પર કોઈ અધિકાર. આને નો સ્ટ્રીંગ એટેચ્ડ. વ્યક્તિ પોતાની અંગતતા પર બીજા કોઈને
અધિકાર આપવા માગતી નથી કે બીજી વ્યક્તિને પોતાની અંગતતામાં પ્રવેશવા દેવા નથી માગતી. ફક્તને ફક્ત સમય હોય ત્યારે જે વ્યક્તિ સાથે સમય વિતાવવાનું ગમે એ વ્યક્તિનો એટલો જ અધિકાર હોય છે તે વાત સ્પષ્ટ હોય છે. બે વ્યક્તિઓ એકબીજાને સ્પેસ આપી શકે તે જ ડેટિંગમાં જવાનું વિચારે. લાગણીથી જોડાવાની વાત આમાં ભાગ્યે જ આવે છે. તે પણ સમય જતાં જો એકબીજાને અનુકૂળ આવે તો.
-----------------------------
ફાયદા:-
૧. તમે વ્યક્તિ તરીકે ખૂલી શકો છો.
૨. દુનિયાને તમે જુદા દૃષ્ટિકોણથી જોતાં
શીખો છો.
ગેરફાયદા:-
૧. તમે જ્યારે મુસીબતમાં કે સમસ્યાથી ઘેરાયેલા હો ત્યારે એ વ્યક્તિ તમારી સાથે હોય તે જરૂરી નથી.
૨. એ વ્યક્તિ તમને વફાદાર જ રહેશે તે જરૂરી નથી. તે તમારા સિવાય પણ બીજી વ્યક્તિઓ સાથે ડેટિંગ પર જઈ શકે છે.
૩. તમને એ વ્યક્તિ માટે લાગણી થાય, પરંતુ એ વ્યક્તિને તમારા માટે કોઈ લાગણી ન હોય તે શક્ય છે.
૪. તમે સહજતાથી ડેટિંગ કરી રહ્યા હો પણ જો તમારી વચ્ચે બ્રેકઅપ થાય તો મિત્રતા પણ તૂટી જવાની શક્યતા રહે છે.
1 comments
Where interest is common, relationship built up docilely. Terms and exception of faithfulness must not be burden-like.
ReplyDelete