બૉસ, તમે સાયકોપેથ છો

06:20
ગયા લેખમાં આપણે પોતાના જ કુટુંબની વ્યક્તિઓની હત્યા કરી આત્મહત્યા કરતા લોકો વિશે વાત કરી. આ લોકો સાયકોપેથ હોવાની શક્યતા હોય છે. સાયકોપેથ એટલે મનોવિકૃતિ ધરાવતી કે માનસિક રીતે રુગ્ણ વ્યક્તિ. જેને બીજા કોઈ પ્રત્યે સહાનુભૂતિ ન થાય કે ન તો પોતાના વર્તન માટે કોઈ જાતનો અફસોસ કે ગુનાહિતતાનો ભાવ અનુભવાય. તે છતાંય સાયકોપેથ એટલે સિરિયલ કિલર હોય એવું નહીં. આપણી આસપાસ અનેક એવી વ્યક્તિઓ જોવા મળી શકે જે થોડા ઘણા અંશે સાયકોપેથ હોય. ક્યારેક કોઈક વ્યક્તિઓનું વર્તન જોઈને આપણે કહી બેસતા હોઈએ છે કે એ તો સાયકોપેથ છે. ખાસ કરીને કેટલાક બોસ માટે. 

પ્રોફેસર રોબર્ટ હેર એ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ છે. તેમણે કોઈ સાયકોપેથને ઓળખવા માટે એક પરીક્ષણ નક્કી કર્યું છે પીસીએલ-આર નામે. તેમણે ચાર દાયકાઓ સુધી સાયકોપેથ વિશે સંશોધન કર્યું છે. તેણે કહ્યું કે જગતના ૧ ટકા લોકો ક્લિનિકલ સાયકોપેથની ટેસ્ટમાં સાયકોપેથ સાબિત થઈ શકે છે. એનાથી આગળ વધીને તે કહે છે કે ત્રણ થી ચાર ટકા લોકો બિઝનેસમાં ઉચ્ચ હોદ્દા ઉપર હોય છે. અને આ ઉચ્ચ હોદ્દા પર બિરાજેલા ત્રણ થી ચાર ટકા કોર્પોરેટ સાયકોપેથ સમાજને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. (અહીં આનાથી વધુ ખુલાસા આપવાની જરૂર લાગતી નથી. વાચકોને બિટવીન ધ લાઈન વાંચવાની છૂટ છે) 

થોડા સમય પહેલાં એક જાહેરાત આવતી હતી તે યાદ હોય તો... એક અબ્યુઝીવ બોસ છે જે પોતાના સ્ટાફને હ્યુમિલિએટ કરતો હોય છે. સ્માર્ટ સ્ટાફ પોતાના બોસને સામે અપમાનિત કરે છે. બોસનું નામ હોય છે સાડુ અને સ્ટાફ બોસ માટે હોટલમાં ટેબલ બૂક કરાવતાં કહે છે એસ ફોર સ્ટુપિડ, એ ફોર એરોગન્ટ વગેરે વગેરે આ જાહેરાત નોકરી શોધી આપતી કોઈ પોર્ટલની છે. આ બોસ સાયકોપેથ તો નથી એવો સવાલ જરૂર થાય. બ્રિટિશ પત્રકાર જોન રોનસને એક પુસ્તક લખ્યું છે ધ સાયકોપેથ ટેસ્ટ: અ જર્ની થ્રુ ધ મેડનેસ ઈન્ડસ્ટ્રીઝ. એણે ઈન્ડસ્ટ્રીઝમાં આવા ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન લોકો વિશે અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે. ક્રિમિનલ સાયકોલોજિસ્ટ રોબર્ટ હેરના સંશોધનને પાયામાં રાખીને તેણે અભ્યાસ કર્યો છે. ફોર્બ્સ મેગેઝિનમાં તેણે આપેલી મુલાકાતમાં કહે છે કે પહેલાં તો હું કોર્પોરેટ સાયકોપેથ જેવી કોઈ વાત માનવા જ તૈયાર નહોતો. વરસો પહેલાં મને કોઈએ કહ્યું હતું કે આ દુનિયામાં લોહી પીનારાઓ જ રાજ કરે છે. સાયકોલોજિસ્ટ હેર પણ આ જ રીતની કોઈક વાત કરી રહ્યા છે. પછી મને અનુભવાયું કે જ્યારે તમે સાયકોપેથ સાથે વાત કરો છો ત્યારે સમજાય છે કે તેઓ માનવ કરતાં કોઈ જુદી જ જાત હોય છે. માણસને માણસ બનાવતી બાબતોનો તેમનામાં સદંતર જ અભાવ હોય છે. જેમકે સહાનુભૂતિ, અફસોસ, કરુણા, દયા-માયા વગેરે. 

જોન જ્યારે અમેરિકન કંપની સનબિમના સીઈઓ આલ્બર્ટ ડનલપને મળ્યો ત્યારે એને સાયકોલોજિસ્ટ હેરની વાત સાચી લાગી. ડનલપ સાયકોપેથના ટેસ્ટ ચેકલિસ્ટમાં જણાવેલ અનેક ગુણો ધરાવતો હતો. આલ્બર્ટ ડનલપે એક જમાનામાં સનબિમ કંપનીના સ્ટોકના ભાવ શેરબજારમાં આસમાને પહોંચાડ્યા હતા. પછી ખબર પડી કે ડનલપ દુનિયાનો છઠ્ઠા ક્રમાંકનો ખરાબ સીઈઓ હતો. તેને બીજાને નીચા પાડવામાં અને લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આનંદ આવતો હતો. જેમ જેમ તેના શેરના ભાવ ઊંચા જતા તેમ એ વધુને વધુ નિર્દય થતો જતો હતો. 

જોકે કેપિટાલિઝમમાં એટલે કે પૈસા ભેગા કરવાની થિયરી પ્રમાણે ચાલવું હોય તો તમારે સહાનુભૂતિ, કરુણા, દયા જેવા સંવેદનોથી દૂર રહેવું પડે. કટથ્રોટ એટલે કે ગળાકાપ હરીફાઈ એટલે જ કહેવાય છે જેમાં સફળતા માટે બીજાનું ગળું કાપી નાખતા પણ વિચાર ન આવવો જોઈએ. ભારતનો તાજો જ દાખલો જોઈએ તો વિજય માલ્યા. ખૂબ જ ગ્લેમરસ અને લેવિશ રહેણીકરણી ધરાવતા ઉદ્યોગપતિએ દેવાનો ડુંગર ખડકીને ચાલી ગયો. સમાજના જ પૈસા હતાને? વળી તેની કંપનીઓમાં કામ કરતા કેટલીય વ્યક્તિઓના પગાર તો ગયા જ પણ બેકારી પણ વધી. 

શીના બોરા કેસ માટે સજા ભોગવી રહેલી તેની માતા ઈન્દ્રાણી અને પીટર મુખર્જી પણ આ ઉદાહરણમાં બંધબેસે છે. એક જમાનાના બ્રિટિશ મીડિયા પ્રોપરાઈટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રોબર્ટ મેક્સવેલ પણ સાયકોપેથ કોર્પોરેટર હોવાનું ઉદાહરણ છે. તેનું પોતાનું ખાનગી પ્લેન હતું. ખૂબ લેવિશ રહેણીકરણી માટે પ્રખ્યાત હતો. પણ તેણે સમાજના કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. પોતાની કંપનીના લોકોના પ્રોવિડન્ટ ફંડના પૈસા પણ તેણે ગુપચાવી લીધા હતા. તે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ એટલે જ બન્યો હતો કે વધુ સત્તા દ્વારા વધુ પૈસા બનાવી શકે. આપણા કેટલાક નેતાઓ, રાજકારણીઓને પણ આ રીતે જોઈએ તો કહેવું પડે કે બોસ તમે સાયકોપેથ છો. ટૂંકમાં એ વાત સાચી છે કે ખૂબ સફળતા અને ખૂબ પૈસો નિર્મમ અને નિર્દય થયા વિના કમાઈ શકાતો નથી. બીજાના માથાઓ પર પગ મૂક્યા સિવાય કોઈ ભાગ્યે જ ઉપર ચઢી શકે. 

ગાંધીજી કહેતા હતા કે શોષણના પાયા પર જ સત્તા ચાલતી હોય છે. સ્વતંત્રતા અને સમાનતા લાવવી હોય તો શોષણની રાજનીતિ બંધ કરવી જોઈએ. ગ્રામ સ્વરાજની વાત કરતાં અનેકવાર તેમણે સ્વાવલંબી બનવાનું સૂચવતા આ વાત વારંવાર કહી છે. ગાંધીજી તો ત્યાં સુધી કહે છે કે આપણે બીજા કરતાં વધારે ભલે કમાતા હોઈએ પણ જો બીજા જે વસ્તુ ન વાપરી શકે તે પોતે ન વાપરવી. આ વિચારધારા કદાચ આજે આપણને વ્યવહારુ ન લાગે, પરંતુ જ્યારે થોડાક જ લોકોને સુખ-સગવડો કરતાં વધારે વાપરતાં જોઈએ ત્યારે વિચાર જરૂર આવે કે શું આટલી ભવ્યતાની જરૂર છે? ભારતીય સંસ્કાર અને મૂલ્યો પ્રમાણે અત્યાર સુધી સાદું, સાત્ત્વિક અને સંતોષી જીવન જીવવાની પદ્ધતિ આવકાર્ય મનાતી. હવે તો આપણું આજનું શિક્ષણ પણ વધુ પૈસા કેમ કમાવવાલક્ષી જ હોય છે. 

સાયકોપેથ હોવાની શક્યતા ધરાવતી વ્યક્તિઓ સામાજિક મૂલ્યોને માનતા નથી હોતા એવું ક્રિમિનલ સાયકોલોજિસ્ટ રોબર્ટ હેર કહે છે. સાયકોપેથ માટે મૂલ્યનું કોઈ મહત્ત્વ નથી હોતું. તેમને જે સાચું લાગે તે બાબત તેઓ કરે. હેરની વાત બીજી રીતે સમાજના કેટલાક ઉદાહરણો જોઈએ તો સમજાય છે જેમ કે દુનિયાની સૌથી વધુ સફળ અને પૈસાદાર વ્યક્તિઓ બિલ ગેટ્સ, વોરેન બફેટ અને નારાયણ મૂર્તિ. આ વ્યક્તિઓ પણ પોતાની આવડતના જોરે પૈસા કમાઈ શક્યા છે. તેમણે ક્યારેય શ્રીમંતાઈનું પ્રદર્શન નથી કર્યું. તેમની જરૂરિયાતો ખૂબ સીમિત રાખી છે. તેમના ઘર મહેલ જેવડા મોટા નથી, પણ બે કે ત્રણ બેડરૂમના ઘરમાં તેઓ રહે છે. સમાજને શક્ય તેટલું વધુ પાછું આપે છે. 

રોબર્ટ હેરના કહેવા પ્રમાણે સાયકોપેથ વ્યક્તિઓ હંમેશા સમાજમાં ટોચના હોદ્દા પર હોવાથી તે પોતાની નીચેની વ્યક્તિઓ સાથે ક્રૂર વર્તન કરે છે અને પોતાનાથી ઉપરની વ્યક્તિઓ માટે તે ઉત્તમ વ્યક્તિ સાબિત થતી હોય છે. તાણનું પ્રમાણ આજે દુનિયામાં વધી રહ્યું છે તો તેની પાછળ છે રુથલેસ નિર્મમ થઈને સફળ થવાની પારાશીશી. સફળતા એટલે પૈસા અને લકઝુરિયસ લાઈફસ્ટાઈલ એવી ખોટી માન્યતા આજે વધુને વધુ સાયકોપેથ મેન્ટાલિટીને જન્મ આપી રહી છે. 

બ્રિટિશ સાયોકોલોજિસ્ટ કેવિન ડન્ટને પણ સાયકોપેથીમાં ખાસ્સો અભ્યાસ કર્યો છે. તેના કહેવા પ્રમાણે કેટલાક વ્યવસાયો છે જેમાં સૌથી વધુ સાયકોપેથ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ હોવાની શક્યતા હોય છે. એ વ્યવસાયનું લિસ્ટ આ રહ્યું. 

૧ સીઈઓ(કંપનીમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ), ૨ વકીલો, ૩ મીડિયા (ટીવી-રેડિયો), ૪ સેલ્સ પર્સન, ૫ સર્જન, ૬ પત્રકાર, ૭ પોલીસ ઓફિસર, ૮ ધર્મગુરુઓ, ૯ શેફ (રસોઈયા), ૧૦ સિવિલ સર્વન્ટ (રાજકારણીઓ પણ)

કેવિને વિવિધ પ્રોફેશનમાં કામ કરતાં લોકોના સ્વભાવ અને વ્યક્તિત્વોનો ખાસ અભ્યાસ કર્યો છે. ઉપર જણાવેલ વ્યવસાયમાં કારકિર્દી બનાવવા માટે સૌથી વધુ પ્રોફેશનલ ડિટેચમેન્ટની જરૂર પડતી હોય છે. ૭૦ હજાર લોકોના અભ્યાસ કર્યા બાદ એ તારણ પર આવ્યો છે કે સાયોકોપેથ માનસિકતા નહીંવત્ ધરાવતી વ્યક્તિઓને બિલાડી, બિલાડીના બચ્ચા કે બીજા પાલતુ પ્રાણીઓ પસંદ હોય છે જ્યારે મોટાભાગના સાયકોપેથ માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને માછલીઓ (ફિશ ટેન્ક) રાખવી ગમતી હોય છે. 

ક્રિમિનલ સાયોકોલોજિસ્ટ રોબર્ટ હેર કહે છે કે ક્રિમિનલ સાયકોપેથ હોવું એ બાયલોજિકલ સમસ્યા છે. કારણ કે આવી વ્યક્તિઓના મગજના એમઆરઆઈમાં સંવેદના કે લાગણીઓ ધરાવતો વિસ્તાર જુદો જણાઈ આવતો હોય છે. વળી આ સાયકોપેથનો આઈક્યુ સારો હોય છે. મોટેભાગે તેઓ સફળ પણ હોય પરંતુ, તેમની કેટલીક વિકૃતિઓને કારણે અણગમતું વ્યક્તિત્વ ધરાવતાં પણ હોઈ શકે. પણ તેમને ઓટિઝમની જેમ માનસિક બીમાર તરીકે સારવાર કરવી જોઈએ. તેમને ગુનાઓ બદલ સજા આપવી તે અન્યાય છે, હકીકતમાં તેમને સારવારની જરૂરત હોય છે, એવું પણ સાયકોલોજિસ્ટની થિયરી કહે છે. જોકે સંવેદના, કરુણા, અફસોસ કે ગુનાહિત ભાવ ન ધરાવતી વ્યક્તિઓની સારવાર કરવી એ પણ અઘરું હોય છે. રોબર્ટ કહે છે આવી વ્યક્તિઓને સ્વાર્થની દિશા જ બતાવવી પડે. તેમને કહેવું પડે કે તું તારું વલણ નહીં બદલે તો જેલમાં જ સબડીને મરીશ. એની વે, આ એક જાણકારી અને રસપ્રદ અભ્યાસ પૂરતો જ લેખ છે. અસ્તુ

You Might Also Like

0 comments