લોકપ્રિયતા તારે પણ મારે પણ

23:18



‘મોર પોપ્યુલર ધેન જીસસ ઓર બીગર ધેન જીસસ’ - ૧૯૬૬ની સાલમાં બીટલ ગ્રુપના જ્હોન લીનને ઉપરોક્ત શબ્દો પહેલીવાર ઈંગ્લેડમાં કહ્યા અને છપાયા પણ ત્યારે તો કોઈએ નોટિસ ન કર્યું પછી એ જ ટિપ્પણી ફરીથી અમેરિકામાં છપાઈ એટલે પછી ક્રિશ્ર્ચિયન કોમ્યુનિટિએ વિરોધ કર્યો. વિરોધ એટલો વધ્યો કે જાહેરમાં શો કરવાને બદલે પછી બીટલ સ્ટુડિયો ઓન્લી બેન્ડ બનીને રહી ગયું. 

આજે આ વાત યાદ કરવાનું કારણ ૨૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ પોપ સિંગર, સોન્ગ રાઈટર, વાજિંત્ર વાદક, દિગ્દર્શક પ્રિન્સનું મૃત્યુ થયું. એના મૃત્યુના સમાચારથી પોપ સંગીતના ચાહકોને દુખી થયા. પોપ્યુલર પોપ ગાયક, કવિ પ્રિન્સ પણ અનેક કોન્ટ્રોવર્સીને લીધે ચર્ચામાં હતો. ખાસ કરીને સેક્સ માટેના તેના વિચારોને કારણે. બદનામ હુએ પર નામ તો હુઆ આ ઉક્તિ આવા જ સેલિબ્રિટિઝને ધ્યાનમાં રાખીને લખાઈ હશે કદાચ, મ્યુઝિક, ફિલ્મ અને વ્યવસાયમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની આસપાસ પોપ્યુલારિટી એટલે કે લોકપ્રિયતાને કારણે વિવાદો હોય છે કે વિવાદોને કારણે પ્રસિદ્ધિ હોય છે તે ક્યારેક કહેવું મુશ્કેલ બની જાય છે. પણ ક્રિએટિવ વ્યક્તિઓનું વર્તન અને વ્યવહાર સામાન્ય વ્યક્તિઓ કરતાં થોડા ઉફરાં જ હોવાના. પ્રિન્સે ૧૯૮૮ની સાલમાં ફુલ ન્યૂડ એટલે કે નગ્ન અવસ્થામાં પોતાનો ફોટો લવસેક્સી આલ્બમ પર મૂક્યો હતો. પુરુષો માટે તે વખતે નગ્ન ફોટા પડાવવા તે સહજ કામ નહતું. આ બાબતે તેના પ્રતિસ્પર્ધી માઈકલ જેકશનથી આગળ હતો. 

ફક્ત પાંચ ફૂટ બે ઈંચની ઊંચાઈ ધરાવનાર પ્રિન્સ અને માઈકલ જેકશન એક જ વરસે જનમ્યા હતા ૧૯૫૮. અને બન્ને એકબીજાના જબરદસ્ત પ્રતિસ્પર્ધી હતા જો કે તેમણે ખાસ તે જાહેર નહોતું થવા દીધું. માઈકલ જેકશન અને પ્રિન્સમાં બીજું એક સામ્ય મૃત્યુનું રહ્યું બન્ને જણાં ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ પામ્યા. પ્રિન્સના મેડોના સહિત અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા તો કેટલાક પુરુષોએ પણ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. પ્રિન્સ વિશે એક ગજબની વાત એ હતી કે તેના સંપર્કમાં આવેલી બધી જ સ્ત્રીઓ તેને ખૂબ સારો માણસ ગણાવે છે. મ્યુઝિકના ક્ષેત્રે કલાકારોમાં અનેક દૂષણો હોય તે સ્વાભાવિક લાગે. પ્રિન્સની સેક્સુઅલ લાઈફ ખૂબ ચર્ચાસ્પદ હતી. તે બાયસેક્સુઅલ હતો. તે છતાં એ જમાનામાં જ્યારે વેસ્ટર્ન સંગીતમાં પણ પિતૃસત્તાક માનસિકતા રાજ કરતી હતી ત્યારે પ્રિન્સે અનેક સ્ત્રી કલાકારોનેે મદદ કરી હતી આગળ આવવામાં. તેની સાથે બેન્ડમાં સ્ત્રીઓને તક આપતો અને પછીથી પ્રસિદ્ધ થયા બાદ તેનું બેન્ડ છોડીને સ્ત્રી જવા માગે તો ય રાજીખુશીથી તેને મદદરૂપ બનતો. કોઈને બાંધી ન રાખતો. પ્રસિદ્ધ ગાયિકા ગેઈલ ચેપમેન જેણે પ્રિન્સથી છૂટા થઈને રિવોલ્યુશનરી બેન્ડ બનાવ્ય.ુ તેણે એક મુલાકાતમાં કહ્યું કે પ્રિન્સથી છુટી થઈ ત્યારે એણે કહ્યું હતું કે તને જ્યારે કોઈપણ જાતની મદદની જરૂર હોય તો મારી પાસે આવજે. પિન્ક પર્પલ તેનું અતિ પ્રસિદ્ધ અને એવૉર્ડ વિનર ગીત તથા આલ્બમ હતું. જે ફિલ્મમાં પણ પ્રસિદ્ધ થયું. 

અમેરિકન ગાયક વીલી આઈ એમે એક મુલાકાતમાં કહ્યું હતું કે માઈકલ જેકસન અને પ્રિન્સ વચ્ચેની પ્રતિસ્પર્ધાનો તે સાક્ષી બન્યો હતો. માઈકલ જેકસન ડાન્સ અને પર્ફોર્મન્સનો કરિશ્મા હતો તો પ્રિન્સ પોપ ગીત લેખન, ગાયન અને વાજિ ંત્ર વગાડવામાં માસ્ટર હતો. પ્રિન્સના પર્ફોર્મન્સ પણ વિવાદાસ્પદ રહ્યા છે જેમ કે તે હાઈ હીલ્સ અને સ્ત્રીના અન્ડરવેઅર પહેરીને ય સ્ટેજ પર ગયો છે. તો હંમેશા પિન્ક પર્પલ રંગ તેના ડ્રેસમાં પ્રધાનપણે હોય. વીલ આઈ એમ માઈકલ જેકસનને ૨૦૦૬માં પ્રિન્સના એક પર્ફોર્મન્સમાં ગેસ્ટ તરીકે લઈ ગયો હતો. જો કે માઈકલ જેકસન ત્યાં હતો તેની ખબર પ્રિન્સ સિવાય કોઈને નહતી. પ્રિન્સ ગિટાર વગાડતાં ઓડિયન્સ વચ્ચે ગયો હતો અને માઈકલના મોઢા સામે જ તેણે ગિટાર વગાડ્યું હતું. તેનાથી જેકસનને ખૂબ ત્રાસ થયો હતો. ઘરે જઈને તેણે વીલી સામે બળાપો કાઢ્યો હતો. માઈકલ જેકસનને લાગ્યું કે પ્રિન્સે તેનું અપમાન કરવા જ આવું કર્યુ. દુનિયાના શ્રેષ્ઠ ગાયકોએ એક જ પ્લેટફોર્મ પર આવીને ગાયેલું વી આર ધ વર્લ્ડ નામના ગીતમાં પ્રિન્સ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો કહેવાય છે કે માઈકલ જેકસન સાથે ઊભો રહીને તે ગાવા નહોતો માગતો. 

જે પણ હોય પરંતુ બન્ને એક જ વરસે જન્મ્યા, પ્રસિદ્ધ થયા, વિવાદાસ્પદ રહ્યા. અને છેલ્લે એક જ રીતે પર્કોસેટ નામના પેઈન કિલર ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યા. પોપ્યુલારિટીના ફાયદા અને ગેરફાયદા પણ છે. ગોડ ગિફ્ટ તરીકે મળેલી રચનાત્મકતા જ કલાકારને મહાન બનાવે છે અને પ્રસિદ્ધ કરે છે. લોકોમાં પ્રિય બનવા માટેની કિંમત ચુકવવી પડતી હોય છે દરેકે. લોકપ્રિયતા ટકાવી રાખવાની તાણ પચાવવી અઘરી હોય છે. એ તાણને હળવી કરવા માટે લેવાતા ડ્રગ્સની અસરકારકતા ઓછી થતાં વધુ પ્રમાણમાં ડ્રગ્સ લેવાય છે જે તાણની સાથે જીવનને જ ખતમ કરી નાખે છે. પોપસ્ટાર પ્રિન્સે અનેક એવૉર્ડ મેળવ્યા છે અને તેના અનેક આલ્બમો લાખોની 

સંખ્યામાં વેચાયા છે. તેનો ય એક ચાહકવર્ગ હતો અને છે. પણ માઈકલ જેકસન માસનો માણસ હતો અને તે ક્લાસનો માણસ હતો. આ જ બાબત બન્નેને અકળાવતી હતી અને પ્રતિસ્પર્ધી બનાવતી હતી.

You Might Also Like

0 comments