ભૂકંપે બદલી જીવનની દિશા (mumbai samachar)

06:03





પીળી કૂર્તી,લાલ ચૂડિદાર, હાથમાં લાલ નેઈલપેઈન્ટ, પીળો મેચિંગ પાટલો, પીળા રંગનો ઘડિયાળનો પટ્ટો, છુટ્ટા ખભા સુધીના રેશમીવાળ, કપાળે પીળી બિંદી, ચહેરા પર આત્મવિશ્ર્વાસભર્યું હાસ્ય નીતા પંચાલ પર પહેલાં નજર પડે તો આ બધું જ દેખાય પછી દેખાય તેની વ્હિલચેર. નીતા કહે છે,‘મને તૈયાર થવાનો ખૂબ શોખ છે અને મારા બધા શોખ પૂરા કરું છું’ 

હાલ અમદાવાદના નિર્ણયનગરમાં પોતાના પતિ અને સાત વરસના દીકરા સાથે રહેતી નીતા સામાન્ય ગૃહિણી કરે તે રીતે ઘરના બધા જ કામ કરે છે. રસોઈ બનાવવી, વસ્તુઓ લાવવી મૂકવી, કચરા પોતા કરવા વગેરે બધું જ. નીતા કહે, ‘સમાજે અમે સરળતાથી જીવી શકીએ તેવી ફેસિલિટી આપવાની જરૂર છે. હું તમારા ઘરે રસોઈ ન બનાવી શકું પણ મારા ઘરમાં દરેક ફર્નિચર મને અનુકૂળ હોય તે રીતે જ બનાવવામાં આવ્યું છે. હું દૂધ લેવા પણ જાઉં છું ત્યારે પહેલાં તો દૂધવાળાએ કહ્યું કે કેમ તમારા ઘરમાં બીજું કોઈ નથી? ત્યારે મને લાગ્યું કે સમાજની માનસિકતા બદલાવી જોઈએ. અમને પણ સામાન્ય રીતે જીવવાનો અધિકાર છે. ’

૩૨ વર્ષીય નીતા પંચાલ હાલમાં પોતે સ્થાપેલી સંસ્થા ડિસએબિલિટી એડવોકેસી ગ્રુપની સેક્રેટરી છે અને ગુજરાત રાજ્ય જેન્ડર ડિસએબિલિટી રિસોર્સ સેન્ટરની કોઓર્ડિનેટર પણ છે. નીતા જન્મથી પંગુ નથી. ૧૭ વરસની ઉંમર સુધી તે સામાન્ય છોકરીની જેમ જીવન આનંદથી વિતાવી રહી હતી.તેની સગાઈ થઈ ગઈ હતી. દસમા ધોરણનું તેનું ભણવાનું પૂરું થયા બાદ તેના લગ્ન થવાના હતા. પોતાના સ્વપ્નના રાજકુમાર સાથે લગ્નના શમણાં જોઈ રહી હતી કે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ધરતી ધ્રૂજી ઊઠી અને ધરતીકંપમાં નીતાના સપનાં પણ દટાઈ ગયાં.

કચ્છમાં આવેલા જબરદસ્ત ધરતીકંપમાં અંજાર તાલુકાનું જૂની દૂધઈ નામનું નીતાનું નાનકડું ગામ પણ ધરાશાયી થઈ ગયું. બે દિવસ બાદ કાટમાળ હેઠળથી નીતા જીવતી નીકળી પણ કમરથી નીચેનો તેનો ભાગ નકામો થઈ ગયો (પેરાપ્લેજિક). નીતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેને વરસ સુધી રાખીને સારવાર આપવામાં આવી. ત્યારબાદ ફિજિયોથેરેપી આપ્યા બાદ તે પોતાના ગામ પાછી પહોંચી. તે કાયમ માટે પંગુ બની જવાથી તેના રાજકુમારે સગાઈ તોડી નાખી એને બીજો વજ્રધાત આપ્યો. 

નીતા કહે છે કે, ‘શરૂઆતમાં તો હું નિરાશ-હતાશ થઈ ગઈ. ભગવાનને કોષતી કે મને શું કામ જીવાડી? પણ પછી નક્કી કર્યું કે હવે હું મારું જીવન સારી રીતે જીવીને બતાવીશ. ભગવાને ફક્ત મારા બે પગ લઈ લીધા છે હિંમત કરી જીવવાથી દરેક રસ્તા સરળ બની જતા હોય છે. એ વખતે જો કે મને વિચાર પણ આવ્યો કે જો હું સાજી હોત અને તે પંગુ બન્યા હોત તો હું તેમની પડખે ઊભી રહેત. સ્ત્રી પુરુષને ક્યારેય કોઈપણ હાલતમાં નથી છોડતી. સૌ પહેલાં મેં આર્થિક રીતે સધ્ધર થવાનું નક્કી કર્યું. કારણ કે ત્રણેક વરસ મારી સારવાર ચાલી એટલે માતાપિતાને પણ તકલીફ પડતી હતી. ગામમાં મેં પીસીઓ, એસટીડીનો બુથ અને સાથે કટલેરી વેચવાનું શરૂ કર્યું. મને શણગાર કરવાનો શોખ હતો તે હવે બીજાને શણગારના સાધન વેચીને ખુશ થતી હતી. સાથે જ હું ઈન્ટરનેશનલ હેન્ડીકેપ સંસ્થા સાથે સંપર્કમાં હતી. તેમણે મને દિલ્હીમાં વિકલાંગ વ્યક્તિઓ માટેની ઓલમ્પિક જેવી સ્પર્ધા થતી હતી તેમાં મોકલાવી. ત્યાં મેં એક અલગ દુનિયા જોઈ. મારા જેવા અનેક વિકલાંગોને સરસ રીતે જીવન જીવતાં જોયાં અને મને પ્રેરણા મળી. ગામમાં આવીને વિકલાંગો માટે નવજીવન સંસ્થા શરૂ કરી. તેમાં વિકલાંગોને સરકારી યોજનામાં મળતા લાભ અને હક મેળવવામાં તેમને મદદ કરતી.’ 

૨૦૦૪માં બેંગ્લોરમાં થયેલ સ્પેશિયલ સ્પોર્ટસમાં તેણે પહેલીવાર સુવર્ણચંદ્રક મળ્યો. ત્યારપછી તો નીતાએ અનેક ચંદ્રકો જીત્યા. એ દરમિયાન તેની કમરમાં નાખવામાં આવેલી પ્લેટ તૂટી જતાં સારવાર માટે અમદાવાદ જવું પડ્યું. ત્યાં એનો પરિચય પરાગ પંચાલ સાથે થયો અને બન્ને એકબીજાને ગમવા લાગ્યા એટલે લગ્ન કર્યાં ૨૦૦૬માં.

‘પરાગ અને મારા વિચારો ખૂબ મળે છે. મારા જીવનમાં ફરીથી ખુશીઓએ પગલાં કર્યાં. મારા જીવનનો ખરો રાજકુમાર તો પરાગ જ છે. પરાગને પોલિયો છે એટલે તે ઘોડી લઈને ચાલે છે. શરૂઆતમાં તો તેઓ હેન્ડીકેપ ઈન્ટરનેશનલના પ્રોજેક્ટ કરતા હતા પણ પછી બે વરસ તેમની નોકરી ન હતી. અમે ડિપ્રેશનમાં આવી ગયા.૧૫૧ જગ્યાએ તેમણે એપ્લાય કર્યું હતું પણ કોઈ નોકરી ન મળી હેન્ડીકેપ હોવાને લીધે. છેલ્લે દશ જ રૂપિયા બચ્યા ત્યારે અમે આપઘાત કરવાનું જ વિચાર્યું હતું કે બીજા જ દિવસે સરકારી નોકરી માટે કોલ આવ્યો. તેમાં પરીક્ષા આપવાની હતી તેમાં પાસ થયા અને આઈટીઆરમાં નોકરી મળી ગઈ. આમ, બે ત્રણવાર જીવનમાં મારી કસોટી થઈ પણ હિંમત રાખતા એ દિવસો પણ પસાર થઈ ગયા. ત્રીજી એકવાર ૨૦૧૦ની સાલમાં હું કચ્છથી અમદાવાદ આવી રહી હતી વ્હીલચેરમાંથી ટ્રેનમાં મને ચઢાવી જ રહ્યા હતા કે ટ્રેન ચાલુ થઈ ગઈ અને મારો પગ ફસાઈ ગયો. મારા પગમાં કોઈ સંવેદના ન હતી પણ તો ય પગ તૂટી ગયો અને ફ્રેકચર થયું. ગરમીના દિવસો અને એક તરફ પડી રહેવાને કારણે મને ઈન્ફેકશન થયું અને હું જીવનમરણ વચ્ચે ઝોલાં ખાવા લાગી. મારો દીકરો ત્યારે બે જ વરસનો હતો. ડૉકટરોએ હાથ ઉપર કરી દીધા એટલે પરાગ દીકરાને છેલ્લીવાર મને મેળવવા લઈ આવ્યા. દીકરાની આંખોમાં જોતાં જ હિંમત ન હારવાનું નક્કી કર્યું. છ મહિના હું પેરાપ્લેજિક હોસ્પિટલમાં રહી. બીજા દર્દીઓને પણ મદદ કરતી, હિંમત આપતી સાજી થઈ ઘરે આવી. અત્યાર સુધીમાં નાની મોટી ૨૫ સર્જરી મારા પર થઈ ચુકી છે. પણ હું ખુશ છું. મારા પતિ અને દીકરા સાથે સુખી સંસાર ભોગવુું છું. પણ પછી મને વિચાર આવ્યો કે મારા જેવા અનેક વિકલાંગોને મદદની જરૂર છે. કારણ કે આપણે ત્યાં વિકલાંગોને બોજ માનવામાં આવે છે. ૨૦૧૦માં એટલે મેં સંસ્થા શરૂ કરી જે દ્વારા વિકલાંગો પર થતી હિંસા અટકાવવાનો પ્રયત્ન કરું છું. તેમની સાથે થતાં ભેદભાવ સામે તેમને ટકવાની હિંમત આપું છું અને તેમને કામ અપાવીને પગભર કરવાના પ્રયત્નો કરું છું. વિકલાંગ બાળકોની માતાપિતા પણ અવગણના કરતાં હોય તે મેં જોયું છે. તેઓ બીજા પર નિર્ભર હોવાને કારણે સ્વજનો તેમને લૂંટી લેતા હોય છે. બિમારીમાં પણ મદદરૂપ ન થાય એવે સમયે તેમને પોતાના અધિકાર અને હક માટે જાગૃત કરું છું. વિકલાંગોને લોકો પહેલાં કામ પર ન રાખતા એટલે મેં કેટલીક મોબાઈલ કંપનીઓને કોલસેન્ટરમાં વિકલાંગોને રાખવાનું સૂચન કર્યું. તેમને ખાતરી આપી કે તેઓ વધુ સારું કામ કરશે. બન્યું પણ એવું જ એટલે આજે અનેક કંપનીઓ હવે વિકલાંગ લોકોને કામ આપવા માટે આગળ આવે છે. તે છતાં સમાજમાં રસ્તા, મકાનો કે વ્યવસ્થા એવા નથી કે વિકલાંગો સરળતાથી સામાન્ય જીવન જીવી શકે. મારી જ વાત કરું તો હું વ્હિલચેરમાં અને મારા પતિ કાખધોડી સાથે ફિલ્મ જોવા જઈએ કે હોટલમાં કે પાર્કમાં ફરવા જઈએ તો લોકો જોઈ રહે છે. પહેલાં મને લાગી આવતું પણ હવે તેનો આનંદ ઉઠાવું છું. 

આજે મને લાગે છે કે ભગવાને મારી સાથે સારું જ કર્યું. જો હું પેરાપ્લેજિક ન થઈ હોત તો આજે લગ્ન કરીને સામાન્ય ગૃહિણીની જેમ જીવતી હોત કચ્છના ગામમાં, જ્યારે આજે હું દુનિયા ફરી આવી છું મારા કામને કારણે. મારા જીવનને એક ધ્યેય મળ્યો છે. દરેક દિવસ મારા માટે એક પડકારરૂપ હોય છે અને તેને પાર પાડવું મને ગમે છે. મારો દીકરો જન્મ્યો તે પણ એક પડકાર હતો અને પછી તે ચાલતા નહોતો શીખતો કારણ કે તેણે ઘરમાં અમને ચાલતાં જોયાં જ ન હોય, ત્યારે એને ચાલતાં કરવો તે પડકાર હતો. હવે તે જેમ મોટો થાય છે તેમ અમારી સ્થિતિને સમાજમાં સ્વીકાર્ય બનાવવાનાં પ્રયત્ન કરે છે તે જ મારી જીત. તે સ્કુલમાં કહે કે મારી મમ્મી માટે કેટલીક વ્યવસ્થા કરવી પડશે તો તે મિટિંગમાં આવી શકશે. બસ આનાથી વધુ શું જોઈએ?’

You Might Also Like

1 comments