બકા, દિલ તો પોકેમોન હૈ જી (mumbai samachar)

21:57






‘યે પોકેમોન ... પોકેમોન ક્યા હૈ?...’ દરરોજ અખબાર ખોલોને પોકેમોનના નિતનવા ન્યૂઝ આઈ મીન સમાચાર જાણવા મળે. પોકેમોન વળી કઈ બલા છે ? અને એમાં એવું તો શું છે કે આખી દુનિયા દીવાની થઈ રહી છે ? તેને કોણે બનાવ્યું ને શું કામ બનાવ્યું તે પણ અનેક સમાચારોમાંથી જાણી શકાય પણ મારા જેવા અનેક હૈયા ફુટ્યા હશે જેમને સમજાયું નહીં હોય કે ‘પોકેમોન આયા કહાં સે ....પોકેમોન જાયેગા કહાઁ પે...’ ‘યસ બકા, દિલ તો બચ્ચા હૈ જી...’ આજે અવનવા ખેલ કરે છે. તેને સીધે સીધું કશું જ કહેવું નથી કે કરવું નથી. બકા નામનો મેનિયા વરસેક પહેલાં ઈન્ટરનેટ પર સવાર થઈને સોશિયલ મીડિયા દ્વારા આપણા બધાના દિલને બકામય કરી દીધા હતા. એ પહેલાં પોટ્ટર મેનિયા પણ આવ્યો હતો. માઈન્ડ વેલ આપણે અહીં ગુજરાતી સમાજના વિશ્વની જ વાત કરીએ છીએ. દુનિયાના સમાજની નહીં. ગુજરાતી સમાજને જે મેનિયાએ ટચ કર્યું હોય તે વિશે તેમાં હાલમાં લેટેસ્ટ પોકેમોન મેનિયા ચાલી રહ્યો છે. પોકેમોન આમ તો જાપાનથી એક્સપોર્ટ કરવામાં આવ્યો છે શેઠ પણ દરેકને તેની ક્યુટ આંખોએ ભરમાવ્યો છે. એમ કહી શકાય કે યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ... વળી તેમાં બિઝનેસ અને હેલ્થ પણ છે, અને દિલ જે ઈચ્છે બધું જ પોકેમોન આપે છે. તમે આમ આશ્ર્ચર્યથી શું જોઈ રહ્યા છો... ? નહીં તો શું બધા ગાંડા છે કે પોકેમોનને શોધીને પોકેટમાં કરવા લાંબા પ્રવાસો કરી રહ્યા છે. 

છેલ્લે મળેલા એક સમાચાર મુજબ અમેરિકામાં મળતા ૧૪૨ જાતિના કુલ ૪૨૬૪ પોકેમોન એક ભાઈએ મેળવી લીધા છે. તે માટે એણે પ૦ કલાક પીછો પકડ્યો હોય એવું પણ બન્યું છે. લાગે છે કે એ ભાઈને બીજા બધા જ કામ છોડીને ફક્ત ને ફક્ત પોકેમોન પકડવાનું ઘેલું લાગ્યું છે. ત્રણ રેર એટલે કે અલભ્ય પોકેમોન તેના પોકેટમાં નથી તે માટે એણે એશિયા અને યુરોપના પ્રવાસે નીકળવું પડશે. તમે આ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં શક્ય છે તેને કોઈ ટ્રાવેલ સ્પોન્સર મળી પણ ગયો હોય. પોકેમોનની દુનિયામાં કુછ ભી હો શકતા હૈ. તમને જો પોકેમોનમાં રસ ન પડતો હોય કે તે તમને નકામું લાગતું હોય તો યુ આર આઉટ ઓફ ડેટ.. એટલે કે વૃદ્ધ થઈ ગયા છો. જે બાળકો પોકેમોનની સાથે ઊછર્યા છે તેમને માટે પોકેમોન જીવથી વહાલા છે. તમને જો યાદ હોય તો તમારાં બાળકો કે પૌત્રો થોડાં વરસો પહેલાં એટલે કે લગભગ વીસેક વરસ પહેલાં ટીવી પર પોકેમોન કાર્ટૂન જોતાં હશે. પોકેમોન સૌ પ્રથમ ગેમ હતી અને તે જાપાનમાં નેવુંના દાયકાની શરૂઆતમાં બહાર પડી હતી. પેસિફિક સાગર પાર કરીને આ ગેમ જાપાનની બહાર પહોંચી ત્યાં તો ટેલિવિઝનના શો રૂપે પોકેમોન ઘરઘરમાં પહોંચી ગયો હતો. જાપાનમાં આ પોકેમોન ફીવર ધીમે ધીમે ફેલાયો પણ અમેરિકામાં તો તેનો વાયરો જોરદાર હતો. સ્ટારવાર્સના ફેનક્રેઝને પાછળ ધકેલીને પોકેમોને આખાય વિશ્ર્વ પર સત્તા જમાવી. પોકેમોન કાર્ડનું ટ્રેડિંગ બાળકો કરવા લાગ્યા હતા. પોતાની બધી બચત આપી દઈને, ભૂખ લાગતાં બર્ગરનો નાસ્તો કરવાની લાગણીઓને બાજુ પર હડસેલીને કાર્ડની ખરીદી કરતાં ભૂલકાંઓના કિસ્સાઓ અખબારમાં સ્થાન પામતાં હતાં. પછી તો પોકેમોન ફિલ્મ આવી, વીડિયો ગેમ આવી. અને સતત નવો રોમાંચ ઝંખતી માનવજાતે સ્માર્ટફોન સાથે મેળ ખાતી રિયાલિટી ગેમ એટલે કે પોકેમોન ગોની શોધ કરી. આ રમતની શોધ કરનાર જ્હોન હેન્ક જેને ગઈકાલ સુધી ખાસ લોકો જ જાણતા હતા તેને આખું વિશ્ર્વ જાણવા માડ્યું. તે છતાં તેના વિશે એટલે કે પોકેમોન વિશે અનેક સવાલો કેટલાક લોકોને થાય છે.

તો જે પેઢી પોકેમોન સાથે જ ઉછરી છે તેમને ક્યારેય કોઈ સવાલ નથી થતા. તેમના માટે પોકેમોન તેમને સદાય બચ્ચા મેન્ટાલિટીમાં રાખે છે. કેટલાક પ્રૌઢો જેમ કહે છે કે અભી તો મૈ જવાન હું તેવી જ રીતે પોકેમોન સાથે લાગણીથી જોડાયેલી પેઢી કોઈપણ ઉંમરે હજી બચ્ચા હું જી કહેતાં અચકાતી નથી. 

આ ગેમ મોટાં બચ્ચાંઓ માટેની જ છે, કારણ કે તેને માટે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટ પેક તથા ઘરની બહાર એકલા અધરાત, મધરાતે પણ પ્રવાસ કરવાની ત્રેવડ જોઈએ. અથવા પૈસાદાર માતાપિતા જોઈએ જે તમને આ બધું જ પૂરું પાડી શકે. આવા પૈસાદાર માતાપિતાના નલ્લા બાળકો પણ પોકેમોન પાછળ દિવાના હોય તેમાં નવાઈ શી! પોકેમોન કાલ્પનિક પાત્ર છે જે પ્રાણી છે મનુષ્ય પણ નહીં. તેને જમા કરવું એટલે તેને પઝેશ કરવું બીજા પાસે હોય એના કરતાં વધુ મેળવવું તે સાયકોલોજીનો ઉપયોગ અહીં થયો છે. એક વાત સારી એ છે કે તે માટે તમારે એક રૂમમાં કોમ્પ્યુટર કે ટીવી સામે ખોડાઈ નથી રહેવાનું. તમારે કમ્પલસરી બહાર નીકળવું પડે. કારણ કે આ પોકેમોન આખાય વિશ્ર્વમાં છૂટાં છવાયા વિખેરી દેવામાં આવ્યા છે. કેટલાક ખાસ પોકેમોન તો જાપાનના ફિજી માઉન્ટન પર જ મળી શકે એમ છે. એટલે કે પોકેમોન મેળવવા માટે તમારે પ્રવાસ કરવો પડે કે ટ્રેકિંગ કરવું પડે. તમે ખુલ્લી જગ્યામાં ચાલો તો તમારું મન પ્રફુલ્લિત બને છે. શરીરમાં કેટલાક હેપ્પી કેમિકલ ભળે છે જે તમારા ડિપ્રેશનને ઢાળી દેવા સક્ષમ હોય છે. વળી ચાલવાથી મનની સાથે તનને પણ ફાયદો થાય જ. બહાર નીકળો એટલે તમે બીજી વ્યક્તિઓને પણ મળો જ. પોકેમોન સોશિયલ ગેમ છે. તેમાં તમારે લાઈવ પોકેમોન પકડનારા બીજા સાથે આદાનપ્રદાન થાય જ. 

ઈન વે પોકેમોન તમને બંધિયારપણામાંથી એક રીતે મુક્ત કરે છે. આટલાં વરસો સુધી માતાપિતાની અને સાયકોલોજીસ્ટ્સની એક જ ફરિયાદ હતી કે યુવાનો કોમ્પ્યુટર અને ટીવીની સામે બેસી રહે છે અને બંધિયાર માનસિકતા ધરાવતાં થઈ જાય છે. સોશિયલ તો થતાં જ નથી. હવે તમે જોશો તો ગ્રુપમાં છોકરાઉં અડધી રાતે પણ રસ્તા પર ફરતાં દેખાશે. બાગબગીચા અને બીચ પર ટહેલતાં દેખાશે. હા તેમને સામાજિક મેળાવડા અને સગાં સંબંધીઓમાં પોકેમોન જેટલો રસ નહીં જ પડે જે ગુજરાતી માતાપિતાની ઈચ્છા હોય છે. એ તો કદી પૂરી ન થાય કદાચ. પોકેમોનની સાથે તેઓ લાગણીથી જોડાઈ શકે છે. તેમને આ પોકેમોન ક્યૂટ લાગે છે. તેની આંખોમાં તેઓ સમરકંદ બુખારા ઓવારી જવા તૈયાર હોય છે. કેમ ન હોય પોકેમોનના કાર્ટૂન શો જોયા હોય તો સમજાશે કે પોકેમોન કામધેનુની જેમ દરેક નકારાત્મકતાને, સંઘર્ષોને પાર કરીને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરી શકે છે. વાસ્તવિકતામાં નહીં સ્માર્ટફોનની ગેમમાં જ સ્તો. તેનો રોમાંચ કદી ઓછો નથી થતો, કારણ કે તેમાં નિતનવી જનરેશન અને લેવલ ઉમેરાતાં જાય છે. એકનું એક રુટિન આજની પેઢીને કંટાળાજનક લાગે છે. 

આજે માનવીને જીવનમાં સતત રોમાંચ, સાહસ અને અચિવમેન્ટ અર્થાત સફળતા જોઈએ છે. રૂટિનથી કંઈક જુદું જે જીવનની વાસ્તવિકતામાં હરદમ શક્ય બનતું નથી તેથી વર્ચ્યુઅલ રિયાલિટીની શોધ માણસે કરી. પ્રેમ, સંબંધો દરેક બાબતે તે વર્ચ્યુઅલ તરફ વળી રહ્યો છે. આને એસ્કેપિઝમ પણ કહી શકાય. બાકી રિયાલિટીમાં તો પોકેમોન એક બિઝનેસ છે જેમાં તમારાં સંવેદનો, લાગણીઓને બહેલાવીને કેટલાક લોકો પૈસા કમાશે. તેમાં પણ રુટિન આવશે એટલે સતત નવા સ્તરે સ્પર્ધાઓ થશે. તેમાં પણ નબળા અને પાછળ રહી જનારા લોકો હશે. જેમને બીજાની સફળતાઓ જોઈને પોતે રહી ગયાનો અહેસાસ થશે. 

સ્ટીવ જોબ્સ, ઝુકરબર્ગ, બિલ ગેટ્સની સાથે જ્હોન હેન્કનું નામ ઉમેરાયું તો કેટલાક બીજાં નવાં નામો પણ ઉમેરાશે જેમ કે આ મેનિયાને ચાલુ રાખવા માટે કે હજી પણ નવા રોમાંચ માટે નવી ગેમ, નવા લેવલ નવી શોધો કરનારા બહાર આવશે. ગેમ બનાવવાની, ગેમ રમવાની અને ગેમ કરવાની સ્પર્ધાઓનું બજાર ગરમ છે. વાસ્તવિકતા અને કલ્પનાને જોડવાની રમતો થઈ રહી છે. સ્ટારવોર્સ, હેરી પોટ્ટર અને હવે પોકેમોન. આ તો હજી શરૂઆત છે એવું ન કહી શકાય. શેખચલ્લીની વાત તો ખબર હશે જ જે કલ્પનામાં જ રાચતો રહેતો. કલ્પનામાં જ તે કામધંધા કરતો, સફળ થતો. હકીકતમાં તે કોઈ જ કામ બરાબર ન કરતો પણ મોટો પૈસાદાર માણસ થવાની કલ્પનાઓમાં જ રાચ્યા કરતો. એમ ક્યારેક એવો પણ વિચાર આવે અમારા જેવાને આ કાલ્પનિક પોકેમોન પકડવા માટે પૈસા અને સમય બરબાદ કર્યા બાદ હાથમાં શું આવે ? જ્હોન હેન્ક જેવા કેટલાક થોડાઘણા લોકો કમાશે પણ કેટલાક લોકો પહાડ ખોદી પોકેમોન પકડશે પણ હાથમાં કશું નહીં આવે. કદાચ એ કલ્પનાના પોકેમોન વાસ્તવિકતામાં પોકે પોકે રડાવી પણ શકે તે શક્યતાને હાલમાં કોઈ જોવા માગે કે ન માગે પણ તેનું ય અસ્તિત્વ છે જ. આપણે વર્ચ્યુઅલ ખોરાક ખાઈ શકતા નથી કે પાણી પી શકતા નથી. કે ન તો વર્ચ્યુઅલ ઘરમાં રહી શકીએ છીએ કે ન તો વર્ચ્યુઅલ સંબંધોને ક્ધઝ્યુમ કરી શકીએ છીએ. એ દરેક બાબત માટે તમારે વાસ્તવિકતાની ધરતી પર આવવું પડશે. વરસાદ, વાવણી, ખેતરમાં કામ કરીને પાક ઉછેરવો ને તેને આપણા ભાણાં સુધી પહોંચાડવા માટે રુટિનને સ્વીકારવું પડશે. તે ક્ષેત્રમાં નવા પ્રયોગોમાં ગ્લેમર નથી એટલે લોકોને બહુ રસ નથી પડતો. શેખચલ્લીની જેમ હું પણ કલ્પના કરું છે કે પોકેમોન ફરી પાછા આપણને ધરતી સાથે જોડી આપે..... આગળ તમે એમાં ઉમેરો કરો. છે કોઈ જે નવી ગેમ બનાવી શકે વાસ્તવિકતા તરફ પાછા વળવાની!

You Might Also Like

0 comments