પોલી લાગણીઓ નહિ પોલાદી વ્યક્તિત્વનો સ્વીકાર (mumbai samachar)

21:21

                               





આજકાલ સોશિયલ મીડિયા પર દીકરી વિશેની કવિતાઓ લાગણીઓની ચાસણીમાં બોળીને મૂકવામાં આવે છે. સ્ત્રી એટલે ફક્ત દીકરી નથી તે વ્યક્તિ પણ છે તેવું કેટલા માતાપિતા માનીને તેને ઉછેરે છે? બીજી સ્ત્રી પણ કોઈની દીકરી છે તે કેમ ભૂલી જવાય છે? 

સોશિયલ મિડિયા પર હમણાં એક ખૂબ સરસ સંદેશ જોયો. હું દીકરી છું, બહેન છું કે પત્ની છું એટલે મને આદર આપો એમ નહીં પણ હું એક વ્યક્તિ છું એમ સમજીને મારો આદર કરો. દીકરીના ગુણગાન ગાતાં માતાપિતા દીકરી અને દીકરાના ઉછેરમાં આજે પણ સૂક્ષ્મ ભેદભાવ કરે છે. બદલાવ આવ્યો છે કે દીકરીને ભણવા માટે વિદેશ પણ મોકલશે પણ તેને વ્યક્તિ તરીકે પોતાના પગભર ઊભા રહેવાના સંસ્કાર આપવાની દરકાર નહીં કરે. તેના માટે સારું સાસરું જોઈને વિદાય કરવાની વાત કરશે. કેમ દીકરીને માટે પોતાનું ઘર ન હોય? આજે પણ તેણે બીજાના ઘરે જવાનું અને એ બીજાના ઘરે પણ દીકરી નહીં વહુ બનીને જવાનું. એટલે જ ફરતા સંદેશાઓમાં કહેવાય કે દીકરી હોય તો માતાપિતાને માટે બારણું ખોલશે. તેમની દરકાર કરશે. તો એ દીકરી કેમ પોતાના પતિના માતાપિતાને પોતાના માતાપિતા જેટલો પ્રેમ અને આદર ન આપી શકે? કારણ કે સાસુસસરા પણ માતાપિતા બનતા નથી. સગી દીકરી કે દીકરા જેટલો પ્રેમ બીજાની દીકરીને નથી જ થઈ શકતો એટલે સામે એ મળતો નથી. 

દીકરી વિશેની લાગણીસભર કવિતાઓ ફોવર્ડ કરતાં પિતા કેમ રસ્તા પર જતી છોકરીને દીકરીની જેમ જોતાં નથી? ત્યાં તો એ સ્ત્રી વ્યક્તિ બની જશે તેને ફક્ત સ્ત્રી-પુરુષનો સંબંધ કહેવામાં આવશે. તો દીકરીને પણ એક વ્યક્તિ તરીકે જ ઉછેરો અને આદર આપો. તેને પોતાને ગમે એ રીતે જીવન જીવવા દો, લગ્ન કરીને બીજાના ઘરે જવાનું છે એવું ક્યારે ય ન કહો. હા, જીવનની રાહમાં કોઈ રાહબર મળે ને તે એની સાથે જોડાવા માગતી હોય તો વાત અલગ છે. જો દીકરીને વ્યક્તિ તરીકે ઉછેરવામાં આવી હશે તો તે ક્યારેય સાસરે જઈને આપઘાત નહીં કરે. સ્ત્રીના આદરની કોઈપણ વાતને નારીવાદ કહીને ઊતારી ન પાડો. નારીવાદને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. લજ્જા ડાયરીઝ કરીને ડિજિટલ મુવમેન્ટ શરૂ થઈ છે મુંબઈમાં. તેઓ સમાજમાં સ્ત્રીને શરીર તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જોવામાં આવે તે માટે વિવિધ સ્તરે કેમ્પેઈન કરી રહ્યા છે. વ્યક્તિ તરીકે પોતાનો સ્વીકાર કરાવવા માગતી મહિલા-પુરુષ પ્રત્યે પણ કોઈ અન્યાય કરવા નથી જ માગતી. હવે મહિલાઓ જાગૃત થઈ રહી છે પોતાના વ્યક્તિત્વ તરીકેના સ્વીકાર માટે. લજ્જા ડાયરીઝમાં ફક્ત સ્ત્રી હોવાને લીધે થતાં અન્યાય વિરુદ્ધ અવાજ છે. એક મેસેજ તેમાં એમ પણ છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે તે વાયકાને ખોટી પાડીને પોતાના વ્યક્તિત્વ માટે એક થાઓ. તો બીજો મેસેજ છે કે સેનેટરી નેપકીનને છાપામાં લપેટીને બોમ્બની જેમ છુપાવો નહીં, તે કોઈને ઘાયલ નહીં કરે. સ્ત્રીની બ્રાનો સ્ટ્રેપ દેખાય તેને પણ ઈસ્યુ બનાવવામાં આવે છે તો જો સ્ત્રીઓ બ્રા પહેરે જ નહીં તો સંસ્કારોનું શું થાય? એવા પ્રશ્ર્નો સમાજને થશે તો કામના સ્થળે થતાં જાતીય ભેદભાવ વગેરે અનેક પ્રશ્ર્નો તેઓ ઊઠાવી રહ્યા છે. ફક્ત ભારત જ નહીં દરેક દેશમાં સ્ત્રીનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય તેની મુવમેન્ટ ચાલી રહી છે. ડિઝનીએ પણ હવે બદલાતા સમયમાં નવા વિચારો ધરાવતી પ્રિન્સેસ બનાવી છે કે જે પ્રિન્સની રાહ નથી જોતી. હાલમાં જ ડિઝનીની મોના નામની ફિલ્મ રજૂ થઈ રહી છે. પોતાનું ભાગ્ય તે પોતે જ ઘડે છે. આવો બદલાવ લાવવાની જરૂર પડી કારણ કે બાળકોને જે ફિલ્મ દર્શાવવામાં આવે છે તે એમના મનમાં મૂલ્યોનું ઘડતર કરે છે. અત્યાર સુધી સુંદર દેખાવડી કુંવરી હંમેશા દેખાવડા સાહસિક રાજકુંવરની રાહ જોતી હોય જે તેને રાક્ષસના એક દંડિયા મહેલમાંથી છોડાવે, જેની સાથે તે પરણે ને પછી ખાધું, પીધું ને રાજ કરે ને વાર્તા પૂરી થાય. છોકરી પરણીને સાસરે જાય તે એનો અલ્ટીમેટ ગોલ હોય તેવા સંસ્કાર હવે બાળપણથી બાળકોના મનમાં રોપાય તે યોગ્ય નથી એવું ડિઝનીએ વિચારીને નવા જમાનાની પ્રિન્સેસ હવે ફિલ્મમાં રોલમોડલ તરીકે રજુ કરી છે જેમાં પ્રિન્સેસ  પિતાએ નક્કી કરેલા વર સાથે પરણવાને બદલે પોતાનું જીવન પોતાની રીતે ઘડે છે. 

અંબર રોઝ નામની અમેરિકન મોડલ, અભિનેત્રી, ફેશન ડિઝાઈનર અને લેખિકા (તેણે હાઉ ટુ એ બેડ બીચ નામે તાજેતરમાં પુસ્તક લખ્યું છે.) પણ છે. તેણે તાજેતરમાં એક શો શરૂ કર્યો છે અંબર રોઝ શો જેના પર સ્ત્રીઓ પણ પોતાની સેક્સુઆલિટી વિશે વાત કરશે. શોમાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને આવશે. અંબર માને છે કે વ્યક્તિ તરીકે સ્ત્રી પણ બિન્દાસ પોતાની વાત કરી શકે અને તેને સ્લટ એટલે કે ખરાબ કહીને જોવાની જરૂર નથી. પોઝિટિવ બોડી ઈમેજની જેમ દરેક બાબત પોઝિટિવ તરીકે લેવાની જરૂર છે. લોકોએ સ્ત્રીને તેના કપડાં અને દેખાવ કે પસંદગી વડે મૂલવવાની જરૂર નથી હોતી. સ્ત્રી પણ વ્યક્તિ છે અને તેના પોતાના ગમા અણગમા હોઈ શકે. 

સ્ત્રીના વ્યક્તિત્વને આદર આપવાની કે જાતીય સમાનતાની વાત કરીએ ત્યારે હંમેશા તેને નારીવાદ કહીને બાજુએ હડસેલી દેવામાં આવે છે. કારણ કે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાના વિચારો એટલી હદે દ્દઢ થઈ ગયા હોય છે કે સ્ત્રીના વ્યક્તિત્વ તરફ થઈ રહેલો અન્યાય મોટાભાગના સમાજને દેખાતો જ નથી. તે પોતાની મરજીથી કપડાં પહેરે કે પોતાની મરજીથી લગ્ન કરે કે લગ્ન પહેલાં સેક્સ કરે કે પછી લગ્ન બાદ પોતાના સંતોષ કે અસંતોષની વાત કરે કે પછી સમાનતાથી રહેવાના અધિકારનો ઉપયોગ કરે તે સ્વીકારવું હજી આજે પણ ભારતીય ગ્રામ્ય સમાજ કે મધ્યમવર્ગીય સમાજમાં શક્ય નથી બનતું. હા, દીકરીના જન્મને હવે સ્વીકારવામાં આવે છે ખરો, તેને ભણાવવામાં આવે છે પણ તે છતાં છેવટે તો તેણે લગ્ન માટે યોગ્ય મૂરતિયો મળી રહે તે સંદર્ભે જ જીવવાનું હોય છે. દીકરી ઘરમાં કામ ન કરે તો ચાલે, મોડી ઊઠે તો ચાલે પણ વહુ બનીને આવેલી દીકરી જેવી ખરી પણ તેણે મોડા ઊઠવાનો અધિકાર નહીં કે કામ કરવાનો ઈન્કાર કરી દે તે ય ન ચાલે. હજી આવા અનેક સ્તરે સૂક્ષ્મ હિંસાઓ સ્ત્રી હોવાને લીધે થતી રહે છે. સ્ત્રી પર થતી હિંસા અટકાવવા માટે કાયદાઓ બનાવવા કરતાં માનસિકતા બદલવાની જરૂર છે. જાતીય સમાનતાની વાત થતી હોય ત્યારે કોઈ સ્ત્રી લગ્નના નામે સેક્સુઅલ સંબંધો બાંધે અને પછી તેને બળાત્કાર કહીને પુરુષને ગુનેગાર બનાવે તે યોગ્ય નથી થતું. દીકરીનો ઉછેર જો વ્યક્તિ તરીકે થાય તો આવા કિસ્સાઓ પણ ન બને. સમાજમાં બદલાવ આવે તો અનેક સમસ્યાઓ ઓછી થઈ શકે. સ્ત્રીની માનસિકતા નબળી ન રહે અને તેનું જીવન બીજાના પર નિર્ભર ન રહે. નારીવાદથી એક કદમ આગળ જઈને જાતીય સમાનતાની વાત અહીં થઈ રહી છે. વિચારો બદલાઈ રહ્યા છે અને તેના બીજ નખાઈ ગયા છે પણ વૃક્ષ બનતા થોડા વરસો લાગશે. દીકરીઓ હવે કહી રહી છે અમને અમારી ઓળખ જાતે જ બનાવવા દો તેના પર કોઈ લેબલ ન લગાવો.

You Might Also Like

0 comments