આઈટી પ્રોફેશનલ બન્યો ખેડૂતોનો માર્ગદર્શક (mumbai samachar)

06:08




ખેડૂત માન્ડયાના ઓર્ગેનિક સ્ટોરમાં ટામેટાં અને મરચાંની થેલી લઈને આવે છે. ૪.૫ કિલો ટમેટાં અને ૧.૨૫ કિલો મરચાનું વજન થાય છે અને કડકડતી થોડી નોટો લઈને પાંચ મિનિટમાં તો તે બહાર નીકળી જાય છે. હજી વરસ પહેલાં આટલી સરળતાથી ખેડૂત પોતાનો માલ વેચી નહોતો શકતો. જુલાઈ ૨૦૧૫માં આ વિસ્તારના શેરડીની ખેતી કરતાં ૨૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. બેગલૂરુથી ફક્ત ૧૦૦ કિલોમીટર અને મૈસુરથી ૪૦ કિમી.ના અંતરે આવેલા માન્ડ્યાના ખેડૂતો જબરદસ્ત કર્જમાં ડૂબેલા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાનું દેવું માન્ડ્યાના ખેડૂતોએ ૨૦૧૪-૧૫ના વરસમાં લીધું હતું. પાકના ઘટતા ભાવ અને કોઈપણ માર્ગદર્શન વિના ખેડૂતો બેહાલ થઈ રહ્યા હતા. કેટલાય ખેડૂતોએ ખેતી છોડીને શહેરમાં કમાવા જતા રહ્યા. નવી પેઢી તો ખેતી કરવા જ નહોતી માગતી. પરંતુ આ બધું બદલાયું મધુચંદનના પ્રયત્નોથી.
૩૭ વરસનો આઈટી પ્રોફેશનલ મધુચંદન ચિક્કાદેવૈઆ જેનો જન્મ અને ઉછેર માન્ડયાની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થયો હતો, કારણ કે મધુના પિતા ત્યાં વાઈસ ચાન્સેલર હતા. મધુ આઈટી પ્રોફેશનલ થઈને ડ્રીમ જોબ માટે કેલિફોર્નિયા સ્થાયી થયો હતો. તેણે મોટી કંપનીઓમાં ૧૫ વરસ સુધી કામ કર્યું. તે માટે દુનિયાભરમાં તે ફર્યોં. પૈસા તો ઘણાં કમાયા પણ હવે તેને લાગ્યું કે જે ગામ, સમાજે તેને ઘડ્યો છે તેનું ઋણ ફેડવાનું છે. તેને માન્ડ્યા પરત ફરવાની ઈચ્છા હતી. બસ ૨૦૧૪ના ઓગષ્ટમાં તેણે અમેરિકા છોડીને માન્ડ્યામાં જઈ ખેતી કરવાનું નક્કી કર્યું. કારણ શું? પોતાનું ફાર્મ હાઉસ કરી આરામનું જીવન વ્યતિત કરવાની તેની ઈચ્છા હતી. સાથે શક્ય તે સમાજ માટે કામ કરવું.
તેણે ભારત આવીને જોયું કે ખેડૂતો પોતાનું કામ છોડીને શહેરોમાં જઈને કામની શોધમાં રખડવા લાગ્યા. ખેતરના પાકમાંથી તેમનું ગુજરાન ચાલવું જોઈએ તે અનેક સમસ્યાઓને લીધે થઈ શકતું નહોતું. શહેરમાં જઈને કોઈ ડ્રાયવર બનતું તો કોઈ રંગારો કે તો કોઈ પ્યૂનની નોકરી કે ઘરકામ પણ કરવા તૈયાર થતાં. કામ કાયમી ધોરણે પણ મળે નહીં એટલે ઘરનું ગુજરાન ચલાવવાની સમસ્યા તો રહેતી જ હતી. આ બધું જોતાં મધુએ જે કંઈ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના રહેવાસ દરમિયાન શીખવા મળ્યું હતું તે યાદ આવ્યું. ઉપરાંત તેને લાગ્યું કે ખેતીના ધંધાને જ વિકસાવવાની જરૂર છે. સૌ પહેલાં તેણે ભારત આવીને નોંધ્યું કે કેટલાક લોકો ઓર્ગેનિક ખેતી કરતાં હતાં પણ કેટલાક નહોતા પણ કરતાં.
સૌ પહેલાં તેણે ખેડૂતોને એકત્રિત કરવાનું નક્કી કર્યું. આઠેક મહિના લોકોને સમજાવીને માન્ડ્યા ઓર્ગેનિક ફાર્મર કો-ઓપરેટિવ સોસાયટી બનાવી. તેણે જોયું કે કેમિકલનો વપરાશ ખેડૂતોને કૅન્સરના મહારોગ આપી રહી હતી તો ગ્રાહકોને પણ તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થતું જ હતું. એટલે જરૂરી હતું કે ઓર્ગેનિક ઉત્પાદન જ થાય. બીજું કે ખેડૂત સીધું જ વેચાણ કરી શકે તેવી પરિસ્થિતિ તેને નિર્માણ કરવી હતી. જો વચ્ચેથી વચેટિયા હટી જાય તો જ ખેડૂતને અને ગ્રાહકને ફાયદો થાય એમ હતો. તેણે બેંગલૂરુમાં અનેક હૉટેલો તથા સોસાયટીને સીધા જ અનાજ તથા શાકભાજી, ફળ વેચવાનો પ્રયત્ન કર્યોં જે સફળ ન થઈ શકયો. એટલે તેણે બેંગલૂરુ જતા હાઈવે પર રેસ્ટોરન્ટ ખોલી જેમાં ઓર્ગેનિક ફુડ જ વેચાતું. સાથે જ તેણે માન્ડ્યા ઓર્ગેનિક સ્ટોર શરૂ કર્યોં. આમ ખેડૂતોનો માલ સીધો જ વેચાતા તેમને પૈસા મળવા લાગ્યા. હવે તેમણે ઉત્પાદન પર ધ્યાન આપવાનું હતું.
અહીં બીજી એક સમસ્યા હતી કે ખેડૂતોને મજૂરો મળતા નહોતા. અને મળે તો તેમની મજૂરી પોષાતી નહોતી. ખેડૂતોને મદદ કરવા અહીં મધુએ બીજો એક રસ્તો કાઢ્યો. ફેસબુક પર એક પેજ બનાવ્યું અને લોકોને શ્રમદાન કરવાનું આહ્વાન આપ્યું. ખેડૂતોને પૈસાની જરૂર કરતાં રોપણી માટે, કાપણી માટે માણસોની જરૂર હતી. કેટલાય શહેરી લોકોને ખેતરમાં કામ કરવાની ઈચ્છા હોય છે તેઓ વીક ઍન્ડમાં જરૂર આવશે તેવી મધુને ખાતરી હતી. બસ ફેસબુક પર શ્રમદાનની અપીલ કરતાં જ કેટલાક લોકોએ શ્રમદાન માટે આવવાનું નક્કી કર્યું. ખેતરને જો યોગ્ય સમયે ખેડવામાં ન આવે કે રોપણી કે કાપણી કરવામાં ન આવે તો પાક લઈ શકાતો નથી. આ રીતે માણસોના અભાવે મોટાભાગના ગરીબ ખેડૂતોને ખેતીમાં વીસથી પચીસ ટકા તો નુકસાન જતું જ. તેને શ્રમદાનથી ટાળી શકાયું. ફેસબુક અપીલથી લગભગ હજારેક જેટલા સ્વયંસેવકો ખેડૂતોને મળ્યા, જે દ્વારા ફટાફટ કામ થવા લાગ્યું.
અમેરિકા છોડીને પાછા આવતી વખતે તેણે વિચાર્યું નહોતું કે તે આટલા મોટા પાયે ખેડૂતોને મદદરૂપ બનશે. આજે તો મધુ અનેકવાર ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી તેના રહેવાસી કેમ્પ કરીને વધુને વધુ લોકોને ઓર્ગેનિક ખેતી તરફ પાછા વાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ઓર્ગેનિક ખેતી વિશે અનેક માન્યતાઓ છે. એક તો તે મોંધું પડે. બીજું તેનું ઉત્પાદન ઓછું થાય અને કેમિકલવાળા પાક કરતાં તે મોંધાભાવે વેચાય એટલે લોકો ખરીદે નહીં. મધુએ અહીં ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી વધુમાં વધુ પાક સારી રીતે લેવાય તેની કાળજી લેવાનું શરૂ કર્યું. ફર્ટિલાઈઝરમાં રહેલા કેમિકલને કારણે લોકોની જમીન અને સ્વાસ્થ્ય બન્નેનું નુકસાન થતું હતું. એટલે તેમને પોતાના દાદાઓ જે રીતે ખેતી કરતાં હતાં તે રીતે ફરીથી ખેતી કરવાનું શરૂ કરવાનું સમજાવવા પડ્યા. સૌથી વધુ નુકસાન કેમિકલને કારણે થતું હોવાનું તેમને સમજાતાં કામ સરળ થયું. પછી તો ધીમે ધીમે અનેક યુવકો જેઓ શહેરમાં નોકરી કરવા ગયા હતા તે પાછા આવ્યા. લગભગ ૫૭ ખેડૂતો જેઓ ખેતીનો વ્યવસાય છોડીને નોકરીએ લાગ્યા હતા તેઓ નોકરી છોડીને પાછા ખેતીના વ્યવસાયમાં આવતા મધુને પોતાની મહેનત કરી સાર્થક લાગી. અને હવે તો મધુનો ઉત્સાહ ઓર વધી રહ્યો છે. તેનો વિચાર છે કે ૨૦૨૦ સુધીમાં આખાય ય માન્ડ્યા જીલ્લાને તે ઓર્ગેનિક ખેતી તરફ વાળી દે.
મધુને અફસોસ છે કે ભારતમાં ખેડૂતોની સ્થિતિ સારી નથી. તેમની સાથે યોગ્ય વ્યવહાર થતો નથી. વળી સારા એગ્રીકલ્ચરીસ્ટ પણ નથી જે વ્યવહારું જ્ઞાન ધરાવતાં હોય. ખોટી સલાહોને કારણે ખેતીને અને ખેડૂતને નુકસાન થાય છે. ખેતી જેવો સારો કોઈ વ્યવસાય નથી તેને વિકસાવવાની ખાસ કરીને ઓર્ગેનિક ખેતીનો પ્રચાર અને પ્રસાર વધુમાં વધુ થવો જોઈએ. આજે મધુને પોતાનું જીવન સફળ અને સાર્થક થયું હોવાનું લાગે છે. તે કહે છે કે આટલા આનંદ અને સુખ અમેરિકાની નોકરીમાં પણ નહોતા.

You Might Also Like

0 comments