વેઈટરથી ઓલિમ્પિક્સ સુધીનો સંઘર્ષ (mumbai samachar)

20:44
બદરીનાથમાં સવારના ચાર વાગ્યાની એલાર્મ વાગે છે. નાનકડી ક્રિષ્ના હોટલમાં વેઈટરનું કામ કરતો ૨૫ વરસનો મનીષ રાવત તરત જ ઊભો થાય છે. હજી તેની ફરજ શરૂ થવાને વાર છે. તેની સાથે હોટલમાં કામ કરતાં બીજા લોકો સૂતાં છે. મોઢા પર પાણી છાંટી મનીષ તરત જ પગમાં બૂટ પહેરી પહાડોના રસ્તા પર રેસવોકિંગ કરવા નીકળી પડે છે. આ કંઇ એકાદ દિવસની વાત નથી, બલકે તેનો રોજનો નિયમ છે. નોકરી કરવા ઉપરાંત તેની ધગશનું આ પરિણામ છે. 

આખો દિવસ વેઈટર તરીકે ખૂબ મહેનતનું કામ કરવા ઉપરાંત તેને બીજા છૂટક કામ પણ કરવા જ પડે છે. એ પ્રમાણે કરે તો જ એ પોતાની માતાને ઘર ચલાવવા માટે ૧૫૦૦ રૂપિયા આપી શકે છે. આકરી મહેનત સિવાય કોઇ પર્યાય નથી. આજથી ૧૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૨ની સાલમાં મનીષ જ્યારે કેવળ દસ વરસનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. પરિવાર કંઇ નાનો નહોતો. મનીષના ત્રણ નાના ભાઈ બહેન અને મા સહિત પાંચ જણાનો પરિવાર હતો અને તેમનો નિર્વાહ કરવો કંઇ સહેલું કામ નહોતું. ભાઇ બહેનોમાં મોટો હોવાથી ગભરાયા વિના જવાબદારી જલદી ઉપાડી લીધી. મનીષની ભણવાની ઇચ્છા તો હતી જ એટલે શાળામાં જવા ઉપરાંત તેણે બીજાના ખેતરોમાં મજૂરીનું અને ઘરકામ કરવાનું શરૂ કર્યું. પરિણામે ભણવાના ખર્ચ સિવાય ઘરનું ગાડું પણ ગબડવા લાગ્યું. ૨૦૦૬ની સાલમાં તેણે પોતાના ગામ સત્તારથી (ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે) નજીકના શહેર બદરીનાથની હોટેલમાં પાર્ટટાઈમ વેઈટર તરીકેનું કામ પણ સ્વીકારી લીધું. 

પોતે ખેલકૂદ તરફ કઇ રીતે વળ્યો એ વિશે કારણ આપતા મનીષ કહે છે કે ‘ગામની સરકારી શાળામાં ભણતર એટલું સારું ન હોવાથી બાળકો રમતગમતમાં વધુ પરોવાયેલા રહેતાં. તે સમયે હું ક્રિકેટ જ રમતો હતો. શાળામાં આવવા જવા માટે મારે સાત કિલોમીટર પહાડ પર ચઢવું ઊતરવું પડતું હતું. આમ પણ પહાડો પર રહેવાવાળાને ચાલવાનું વધુ પ્રમાણમાં જ રહેતું હોય છે. એટલે મેં પછી રેસવોકિંગ કરવાનું શરૂ કર્યું, કારણ કે એમ કરવાથી એથ્લેટ્સ ક્વોટામાં મને પોલીસમાં નોકરી મળવાની સંભાવના વધી જાય. જો એ નોકરી મળી જાય તો દસ હજાર રૂપિયાનો પગાર મળી શકે. આટલો સરસ પગાર મળે તો પછી ઘર ચલાવવામાં કોઈ કરતાં કોઇ તકલીફ ન રહે.’ પરિણામે તેણે રેસવોકિંગની પ્રેકટિસ કરવાનું ચાલુ રાખ્યું. 

ઘર ચલાવવામાં માતાને મદદ કરવાની હોવાથી આગળ વધુ ભણવાનું તો શક્ય જ નહોતું એટલે તેને એકમાત્ર આશા હતી સ્પોર્ટસ ક્વોટા દ્વારા સરકારી નોકરી મેળવવાની. ૨૦૧૦માં તેણે પોલીસમાં નોકરી મેળવવા માટે અરજી કરી. તે સમયે મનીષ રેસવોકિંગમાં રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો હતો, પણ કોઈ કારણોસર તે નોકરી મેળવવામાં અસફળ રહ્યો. 

જોકે તે છતાં હિંમત હાર્યા વિના તે રેસવોકિંગની પ્રેક્ટિસ કરતો રહ્યો. એક તબક્કે તેને એવું જરૂર લાગ્યું હતું કે રેસવોકિંગમાં સમય અને પૈસા બરબાદ કરવા કરતાં કોઈ બીજી નોકરી કરીને તે વધુ પૈસા કમાઈને ઘરે આપી શકે પણ તેના કોચે તેને વાર્યો. કોચને એનામાં આશાનું કિરણ દેખાતું હતું. કોચે તેને કહ્યું કે તું રેસવોકિંગ કરવાનું બંધ નહીં કરતો કારણ કે તારામાં પ્રતિભા છે જે તને ઓલિમ્પિક સુધી લઈ જશે.

સારી વાત એ છે કે તેમની વાત અક્ષરશ: સાચી પડી. રેસવૉકિંગ માટે તેણે સખત મહેનત કરી હતી જેના ફળ તેને મળ્યા. મનીષના ટાઈમિંગને લીધે તેને ઓલિમ્પિક્સ માટે પસંદ કરવામાં આવ્યો. જોકે તેણે વેઈટર તરીકે કામ કરવા ઉપરાંત ક્યારેક ગાઈડ તરીકે કામ કરીને પૈસા પણ કમાઈ લેવા પડતા હતા. તો વળી ક્યારેક ખેતરમાં ટ્રેકટર ચલાવી આપવાનું કામ પણ કરતો. આમ, બે ત્રણ નોકરીઓ કરીને તે પોતાના ભાઈ-બહેનોનું ભરણપોષણ કરતો અને પોતાના ધ્યેય તરફ આગળ વધતો રહેતો. 

રેસવોકિંગને આપણે ત્યાં હજી કોઈ ખાસ જાણતું નથી. રેસવોકિંગમાં લાંબું ચાલવાનું હોય દોડવાનું નહીં. રેસવોકિંગ કરતી સમયે હંમેશાં એક પગ જમીન પર હોવો જોઈએ. જો બન્ને પગ હવામાં આવી જાય તો તમને ડિસક્વોલિફાઈડ કરવામાં આવે. આ રીતે એક પગ જમીન પર રાખીને ચાલવાથી કુલાનું હલનચલન વધુ થાય છે. જેને જોતાં થોડું અડવું લાગી શકે. તેમાં પણ મનીષ પહાડોના ગામમાં પ્રેક્ટિસ કરતો ત્યારે ગામવાળાઓ તેને જોઈને મજાક ઉડાવતા અને હસતા. કેટલીક વખત તો મોબાઈલમાં ફિલ્મ ઉતારી બધાને ફોર્વર્ડ કરી તેને મજાકનું સાધન બનાવતા. એક તો પૈસાની અછત વળી અન્ય કામકાજ કરીને રોજ સવારે તેણે ફાટેલાં બૂટ પહેરીને પ્રેક્ટિસ કરવાની રહેતી. કોઈપણ જાતની સગવડ વિના અને જીવનનિર્વાહ માટે કપરી મહેનત કર્યા બાદ મનીષ ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહ્યો હતો તેમાં પણ તેણે ઘણું સહેવું પડતું. એ દરેક તકલીફોની પરવાહ કર્યા વિના મનીષ પોતાની ક્ષમતા વધારતો રહ્યો. પહાડી વ્યક્તિઓ ખડતલ હોય છે એટલે તેમના માટે રેસવોકિંગ જેવી રમતો કરવી સરળ પડે છે. કારણ કે રેસવોકિંગ દેખાય છે તેટલી સરળ નથી હોતી. તેમાં શરીરનું જે રીતનું હલનચલન અને સાથે સ્પીડનું તાદાત્મ્ય સાધવાનું હોય છે તેમાં ભૂલ થવાની સંભાવના હોય છે. ભારતમાંથી કુલ નવ રેસવોકર ઓલિમ્પિક માટે પાસ થયા પણ જગ્યા ન હોવાને કારણે ત્રણ જણને ડ્રોપ કરવામાં આવ્યા હતા. 

રિયો ઓલિમ્પિક માટે મનીષને રશિયન કોચ એલેકઝાન્ડર આર્ટસિબસેવે તાલીમ આપી હતી. તેમને મનીષ પાસેથી આશા છે કે આવનારા ચાર વરસ બાદના ઓલિમ્પિકમાં તે જરૂર મેડલ જીતી શકે એમ છે. આપણા ભારતમાં અનેક પ્રતિભાશાળી યુવાનો છે પણ તેમને યોગ્ય તક અને તાલીમની સુવિધા મળતી નથી. જો મનીષને યોગ્ય તાલીમ અને સુવિધા મળ્યા હોત તો શક્ય છે તે કાંસ્ય ચંદ્રક તો ચોક્કસ લઈ આવી શક્યો હોત. જો કે ઓલિમ્પિકમાં મેડલ ન મળ્યો તે છતાં વિશ્ર્વના અનેક ચેમ્પિયનો કરતાં તે આગળ હતો. તેણે ૨૦ કિલોમીટરનું અંતર ૧.૨૧.૨૧ ના સમયમાં પૂરું કર્યું હતું જે કાંસ્ય ચંદ્રક વિજેતા કરતાં ફક્ત ૩૭ સેક્ધડ ઓછું હતું. ખેર, પણ જીવનના અનેક સંઘર્ષમાં પણ મનીષે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે તે માટે તેને સલામ.

You Might Also Like

0 comments