ગુજરાતી ગૃહિણીએ સાઈકલથી સર કર્યાં ઊંચાં શિખર (mumbai samachar)

21:13

હિમાલયના દુર્ગમ પહાડી રસ્તાઓ અને એકસ્ટ્રિમ વાતાવરણ ઠંડી, ગરમી અને વરસાદ તે વચ્ચે ગુજરાતના ત્રેવીસ જણાએ મનાલીથી ટોબાના રૂટ પર સાઈકલ ટ્રેકનું આયોજન કર્યું. જ્યાં આ પહેલાં ક્યારેય સાઈકલ ટ્રેક થયો જ નહોતો. આવા અઘરા સાહસમાં સુરતની ગુજરાતી ગૃહિણી અજિતા ઈટાલિયા પહેલી જ વાર સાઈકલ લઈને નીકળી પડે છે.

૧૨ જુલાઈ ૨૦૧૬ના રોજ ઊંચા પહાડોમાં એક બાજુ ઊંડી ખીણ અને બીજી બાજુ પહાડ જેવા સધ્ધર પતિ સહિત બીજા ૨૨ પુરુષ સાથે અજિતાએ મનાલીથી સાઈકલને પહેલું પેડલ માર્યું ત્યારે મનમાં વિચારના વમળ ઘુમરાતા હતા. આગલી રાતે એક્સાઈટમેન્ટને લીધે ઊંઘ પણ નહોતી આવી બરોબર. સતત વિચારતી હતી આવનારા આઠ દિવસ માટે. આ સાઈકલ ટ્રેક પર આવવાનો નિર્ણય યોગ્ય તો હતો? ઉતાવળામાં ખોટો નિર્ણય તો નથી લેવાઈ ગયોને? મનની વાત જીવનસાથી જગદીશે સમજી લેતાં તેણે ટપારી. હે ય અજિતા મૈ હું ના... નકામા વિચારો છોડ અને જમ કે પેડલ માર. ખીણ તરફ બહુ ન જતી. બહુ ફાસ્ટ નહીં, બહુ સ્લો નહીં, ગ્રુપની સાથે જ રહેવાનો પ્રયત્ન કરવાનો ન આગળ ન પાછળ. વચ્ચે વચ્ચે પાણી પીતી રહેજે. ઢાળ ઊતરતી સમયે ગ્રીપ જાળવજે.... અનેક સલાહ-સૂચન સાથે તકેદારી અને પ્રેમ એમાં હતા એ ૩૫ વરસની અજીતા બરાબર જાણતી હતી. 

અજીતા અને જગદીશના લગ્નને ૧૭ વરસ થયા. બે દીકરાઓ અને પતિ સાથે સુરતમાં એશથી રહેતી અજિતાએ ખૂબ સુખસગવડભર્યું જીવન જોયું છે. ક્યારેય ટ્રેકિંગ પણ કર્યું નહોતું તેમાં અચાનક ત્રણ મહિના પહેલાં નક્કી કર્યું કે હિમાચલના પહાડો પર સાઈકલ ટ્રેક પર જવું છે. બે વરસ પહેલાં ૧૩ વરસનો દિકરો અને પતિ જગદીશ લેહ-લદાખ સાઈકલ ટ્રેક પર જઈ આવ્યા હતા. દીકરાએ આગ્રહ કર્યો કે મમ્મી તું પ્રયત્ન કરે તો કરી શકે. ત્રણ મહિના પહેલાં સાઈકલ શીખવાનું શરૂ કર્યું. પણ જોઈએ તેવી પ્રેકટિસ ન થઈ શકી ખાસ કરીને પહાડોના વળાંકવાળા, ઢોળાવવાળા રસ્તા પર થોડી ઘણી પણ પ્રેકટિશ થઈ શકી હોતતો સારું એવું અજિતાને મનાલીથી ટોબાની સાયકલ ટ્રેક શરૂ કરતાં જ સમજાયું. આમ પણ તે કંઈ સાયકલ ટ્રેક પર આવવા વિશે અવઢવમાં જ હતી એક તો ક્યારેય સાહસ ખેડેલું નહીં અને બીજું ટ્રેકમાં કોઈ સ્ત્રી નહોતી. પતિ-મિત્ર જગદીશે કહ્યું અરે એમાં શું સાહસતો એને જ કહેવાયને જે કપરું હોય, કોઈએ ન કર્યું હોય. અને હું તો છું જ સાથે પછી શું ચિંતા? 

૧૯ જુલાઈએ ટ્રેક ખતમ કરી પરત આવેલી અજિતાએ ક્ષણોને તાદ્દશ્ય કરતાં કહે છે. ‘આમ નિર્ણય લઈ લીધો જ હતો એટલે ટ્રેક શરૂ કર્યા બાદ પસ્તાવા કરતાં થોડી હિંમત કરી પેડલ મારવા સિવાય કશું જ વિચારવું નહીં. વળી પતિ જગદીશ તો એક્સપર્ટ સાઈકલ ટ્રેકર હતો અને સતત તેને પ્રેરણા અને બળ આપવા સાથે જ હતો એટલે બીજી તો કોઈ ચિંતા હતી જ નહીં. અમારે રોહતાંગથી સ્પિતી થઈને ટોબા જે સિમલા નજીક આવ્યું ત્યાં પહોંચવાનું હતું. એક તો મેં ક્યારેય આટલી રફ ટફ જિંદગી જોઈ નહોતી. બીજું ઊંચાઈ પર ઓક્સિજનની કમી તમને માનસિક રીતે પાછળ પાડી દેવા માટે પૂરતી હતી. ત્રીજું પહાડી પાણી મારા પેટમાં પચવા માટે ભારે હતું. ૩૩૧ કિલોમીટરનો આ કપરો રસ્તો કપાશે કેમ કરીને તે વિચારને વારંવાર બાજુએ હડસેલીને હું સાઈકલના પેડલ મારી રહી હતી. થોડો સમય જગદીશે જોયું કે હું બરાબર સાઈકલ ચલાવતી હતી એટલે તેમણે સૂચનો ઓછા કરીને મને સતત પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. સૌથી આગળ સાઈકલ ચલાવનાર સતત મારી પાછળ રહેતો હતો. બે દિવસ બાદ અમે રોહતાંગ પાસ પસાર કરીને ત્રીજે દિવસે સ્પિતીમાં પ્રવેશ્યા તો રસ્તો એકદમ ખરાબ અમારો ટ્રેકિંગ રૂટ મોટરેબલ રોડ નહોતો. પથરા અને માટી સતત ચેલેન્જ આપી રહ્યા હતા તો રસ્તામાં આવતાં વહેળાઓ એ મુશ્કેલીઓમાં વધારો કરતાં હતા. ઝરણાંઓમાં પથરાઓ વચ્ચે સાઈકલ ઊંચકીને લઈ જવી પડતી. ચલાવવાનું તેમાં શક્ય નહોતું. આવા ચાલીસથી પચાસ વહેળાઓ રસ્તામાં પાર કર્યાં. તેમાંય આ ટ્રેક પર પહેલાં ક્યારેય સાઈકલ ટ્રેકિંગ થયું નહોતું એટલે અમારો પહેલો અનુભવ હતો. રસ્તાઓ ખૂબ ખરાબ હતા વળી ચારેબાજુ માટી, પથ્થર અને પાણી. ગામ પણ આવે તો માંડ દસેક ઘર હોય પણ 

માણસો તો ભાગ્યે જ જોવા 

મળે. આમ જોવા જઈએ તો આખોય રસ્તો ડિપ્રેસિંગ હતો. ચોથા દિવસે હાઈ ઓલ્ટિટ્યુડ અને લો ઓક્સિજનને કારણે હું સાવ ભાંગી પડી હતી. ૪૫૦૦ ફિટની હાઈટ પર હતા. થોડીવાર મને ઓક્સિજન ચેમ્બરમાં રાખવામાં આવી. દવા આપવામાં આવી ત્યારે માંડ ઠીક થઈ. સાહસ કોને કહેવાય અને જીવનમાં કેમ જરૂરી છે તે મને પહેલીવાર સમજાઈ રહ્યું હતું. પહેલી વાત તો હું આઠ દિવસ આવા રસ્તાઓ પર સાઈકલ ચલાવી શકી તે મને પોતાને જ નવાઈ લાગે છે. જ્યારે અમે ટોબા પહોંચ્યા તો મને લાગ્યું કે જીવનમાં પહેલીવાર મેં મારી જાતને આટલી આકરી કસોટીમાંથી પસાર થતાં જોઈ. ત્યારે મને લાગ્યું કે મારામાં સાહસ કરવાની શક્તિ હતી જે મેં ક્યારેય ઉપયોગમાં લીધી જ નહીં કે ઓળખી જ નહીં. રોજ આઠથી દશ કલાક સાઈકલ ચલાવવાની અને તે પણ આવા પથરાળ રસ્તાઓ પર રોજ સાંજે મને તાવ આવી જતો. જોકે મને જ નહીં ત્રેવીસે ત્રેવીસ જણા થાકી જતાં. હાથ-પગ તો એવા દુખતા કે બસ વાત ન પૂછો. વળી ટેન્ટમાં રહેવાનું સાચે જ મારા માટે પહેલી જવારમાં ખૂબ મુશ્કેલ ટ્રેક હતો. હવે હું પહેલાંથી તૈયારી કરવામાં માનવા લાગી. શારીરિક અને માનસિક તૈયારીઓ કર્યા બાદ જ આવા અઘરા ટ્રેક કરવા જોઈએ. હું નસીબદાર હતી કે સારી રીતે ટ્રેક પાર પડ્યો. 

સાઈકલ ટ્રેકમાંથી એક વાત શીખી કે દરેકે જીવનમાં એકાદવાર તો સાહસ કરવું જ જોઈએ. તો તમને પોતાની શારીરિક-માનસિક શક્તિનો ખ્યાલ આવે. કોઈપણ સાહસમાં ફક્ત શારીરિક તાકાત નહીં પણ દ્દઢ ઈચ્છાશક્તિ પણ જરૂરી હોય છે.’


You Might Also Like

0 comments