સંબંધોમાં દીવાલ ન ચણો

20:46







એક જોક સોશિયલ મિડીયામાં ફરી રહી હતી કે સ્ત્રીઓ શું કામ વધુ પ્રમાણમાં છૂટાછેડા લઈ રહી છે? કારણ કે તેમને ખબર છે કે ખૂન કરવું ગેરકાનૂની છે અને સ્ત્રીઓ એ જાણે છે. 

ફેમિલિ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્ર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મોટી ઉંમરે છૂટાછેડાનું પ્રમાણ છેલ્લા દશેક વરસથી વધી રહ્યું છે. તેનું કારણ છે કે સ્ત્રીઓ પોતાનાં વ્યક્તિત્વ અંગે જાગૃત થઈ રહી છે. તેમને પોતાની સ્પેસ જોઈએ છે. એમ પણ કહી શકાય કે સ્ત્રીઓનો એક સેચ્યુરેશન પોઈન્ટ આવે ત્યારે તેમની સહનશક્તિ ખતમ થઈ જતી હોય છે. યા તો તે આપઘાત કરે કે પછી છૂટાછેડા લે. મેં કહ્યું હોય નહી ભારતીય સ્ત્રીઓ એમ જલ્દી છૂટાછેડા લે નહીં અને આપે નહીં. તો મિત્રે કહ્યું કે તાજેતરમાં જે એક કેસ થયો હતો તે કહું. દક્ષિણ મુંબઈના ધનાઢ્ય વિસ્તારના એક યુગલે પચાસ વરસનાં લગ્નજીવન બાદ છૂટાછેડા લીધાં. બન્ને એક જ ઘરમાં રહે છે કારણ કે હવે તેમને છૂટા થઈને નવેસરથી ઘર લેવું પોષાય એમ નથી. વળી અમુક ઉંમર બાદ કેટલીક આદતો બદલવી અઘરી હોય છે. છૂટાછેડા લઈને બન્ને સાથે રહે છે એટલું જ નહીં હવે રોજ સવારે ચાની ટ્રે લઈને પુરુષ ભૂતપૂર્વ પત્નીના બેડરૂમમાં પરવાનગી સાથે ચા પીવા જાય છે. બસ એટલો જ વખત બન્ને સાથે સમય વીતાવે. પછી બન્ને પોતપાતાની રીતે જીવન જીવે. ઘર મોટું હોવાથી વાંધો નથી આવતો. કાયદાકીય રીતે છૂટા પડવાથી માનસિક બોજો ઓછો થયો હોવાનું પેલા બહેનનું કહેવું છે. 

આ પ્રસંગ યાદ આવ્યો કારણ કે એક મિત્રનો થોડો જ સમય પહેલાં મેઈલ આવ્યો. તેઓ ખૂબ દુખી હતા. તેમની પત્નીને છૂટાછેડા જોઈએ છે અને તેમને નથી જોઈતા. પત્નીને છૂટાછેડા શું કામ જોઈએ છે તેનું કારણ તેમને સમજાતું નથી. અનેક લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેની પત્ની ટસની મસ નથી થતી. પત્ની કોઈ લેબોરેટરીમાં કામ કરે છે. તેમની ઈચ્છા હતી કે હું તેમની પત્ની સાથે વાત કરું. તેના પત્નીને હું ઓળખું છું એટલે વાત કરી તો જાણવા મળ્યું કે પેલો મિત્ર પતિ તરીકે ખૂબ ડોમિનેટિંગ અને શંકાશીલ હતો. એને કારણે એ બહેનને સખત સ્ટ્રેસ રહેતો હતો. તેમને બે બાળકો હતા. એક બાળકે દસમું પાસ કર્યું અને બીજાએ બારમું પાસ કર્યું. બહેન મેનોપોઝમાંથી પસાર થઈ રહ્યા હતા અને હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ હતી એટલે, બસ સાથે નથી રહેવા માગતા. છૂટાછેડા સિવાય તેનો પતિ જુદા રહેવાની વાત માનતો નથી એટલે જ કેસ ફાઈલ કર્યો છે. બહેને પતિ સાથે ખુલ્લા મને વાતો કરી છે પણ પતિ સ્વીકારવા તૈયાર જ નથી કે તેનો સ્વભાવ ડોમિનેટિંગ છે અને શંકાશીલ છે. મેરેજ કાઉન્સિલર પાસે જવા પણ તૈયાર નથી. તેમનાં પ્રેમલગ્ન હતાં તે વાચકોની જાણ ખાતર. આપણે ત્યાં ડોમેસ્ટિક વોયલન્સ ન હોય એટલે સ્ત્રીને કોઈ દુખ હોય તેવું માનવું પુરુષને અઘરું લાગે છે.

પુરુષ પ્રેમ કરીને સ્ત્રીને ચાંદ તારા તોડી લાવવાની વાત કરે પણ લગ્ન પછી જેમ જેમ સમય વીતે તેમ ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ લેવા માંડે. બન્ને વ્યક્તિઓ કામ કરતી હોય ત્યારે સ્ત્રી ઘરનાં વધુ કામ કરે તે તો જાણે એ સ્વીકારી શકે પણ જ્યારે તેનાં કામની કદર કરવાને બદલે પતિ ગમે તેમ બોલે કે તેની દરકાર ન કરે ત્યારે ઉંમર થતા સ્ત્રી વિચારે કે વધુ શું કામ સહન કરવું? અત્યાર સુધી સ્ત્રીઓ આખીય જીંદગી કામ કરતી આવી છે તે પુરુષે જોયું હોય પોતાની માતામાં અને અન્ય આસપાસની સ્ત્રીઓમાં. એટલે સ્ત્રીને પણ થાક લાગે કે તેને તાણ સહન ન થાય એવો વિચાર ન કરવામાં આવે તો સ્ત્રીઓ હવે પુુરુષને છોડીને જતાં અચકાતી નથી. આ લેખ સ્ત્રીઓ માટે નથી પુરુષો માટે જ છે. જે સ્ત્રીને ચાહો છો તેની ઈચ્છાઓ પૂરી કરો છો પણ તેને શું ગમે છે ? નથી ગમતું? તે સમજીને તેની કદર કરો. કારણ કે સ્ત્રી છોડીને જાય તે પુરુષને ગમતું નથી કે તેના અહમને સ્વીકાર્ય હોતું નથી. 

અહીં રાજેશ ખન્ના, મુમતાઝની ફિલ્મ યાદ આવે છે, આપ કી કસમ. શંકાશીલ સ્વભાવને કારણે હિરો હીરોઈનને છોડી દે છે પછી પસ્તાય છે પણ ઘણું મોડું થઈ ગયું હોય છે. હીરોઈનને તેના માતાપિતાએ બીજાની સાથે પરણાવી દીધી હોય છે. આમ પહેલાં પુરુષ સ્ત્રીને છોડી દેતો- યા તો બીજી સ્ત્રી તેના જીવનમાં આવે એટલે અને ક્યાં તો શંકાશીલ સ્વભાવને લીધે. પુરુષોનો સ્વભાવ સહન કરીને રહેતી સ્ત્રીઓ ત્યાગની મૂર્તિ ગણાતી હતી તે દિવસો હવે રહ્યા નથી. પેલા મિત્રએ જ્યારે મને પૂછ્યું કે તેની પત્ની કેમ છૂટી થવા માગે છે ? કેમ તેની ઈચ્છાની કદર નથી કરતી? શા માટે લગ્નના વીસ વરસ બાદ દૂર જવા માગે છે? તેને બીજા માટે લાગણી છે? વગેરે વગેરે પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો ત્યારે કહેવું પડે કે, સ્ત્રીને ચાહતા હો તો લગ્ન થયા એટલે વાત પૂરી થતી નથી. પત્નીના વ્યક્તિત્વનો સ્વીકાર કરો. તેના વિકાસમાં પૂરતો સહકાર આપો અને તેને બદલવાનો પ્રયત્ન ન કરો. મોટેભાગે સ્ત્રી છૂટાછેડા બીજાં લગ્ન કરવાં માટે લેતી નથી. જ્યારે મોટાભાગના પુરુષો છૂટાછેડા લીધા બાદ તરત જ પરણી જતાં હોય છે. કારણ કે મોટાભાગના પુરુષોને એકલા રહેવાનું ગમતું નથી કે ફાવતું નથી. અહીં એકબીજા પર આરોપ મૂકવાની વાત નથી. જરૂરી નથી કે સ્ત્રીનો વાંક ન હોય, પરંતુ લગ્ન સંસ્થા આજે તૂટી રહી છે તે સૌ કોઈ સ્વીકારશે. સંબંધો જોડવા કે તોડવા સહેલા નથી હોતા અને જે સંબંધ પ્રેમથી બાંધવામાં આવ્યો હોય તેની માવજત કરવી જરૂરી છે. આજે વિશ્ર્વમાં અંદાજે ૭૦ ટકા છૂટાછેડાના કેસ સ્ત્રીઓ દ્વારા જ ફાઈલ કરવામાં આવે છે. જીવનમાં તાણ વધી રહી છે. વસ્તુઓની ડિમાન્ડ વધી રહી છે. સમય જતાં એકબીજાની આદત પણ પડી જતી હોય છે એટલે રોમાંચ રહેતો નથી. વળી સોશિયલ મિડિયા અને ટેકનોલોજીની સરળતાને કારણે રોમાંચ અને રોમાન્સ બહાર મળી શકે છે. પણ તેને કારણે જે સંબંધ પહેલાંથી જ જીવનમાં છે તેને નજરઅંદાજ કરવાનો? હા કેટલીક સ્ત્રીઓ એવી જરૂર હોય કે તે પોતે પણ સંબંધને મહત્ત્વ આપવાનું ચૂકી જાય છે.વાંક સ્ત્રીનો પણ હોઈ શકે છે પરંતુ પ્રેમ લગ્નમાં પણ લગ્ન બાદ સ્ત્રી-પુરુષના સંબંધમાં મૈત્રી કે સંવાદ ન રહે તો તે સંબંધ સૂકાઈ જતો હોય છે. અહીં ભગવતીકુમાર શર્માનું ગીત યાદ આવે કે ‘પાસ પાસ તોય કેટલાય જોજન, દૂરનો આપણો વાસ, આમ તો ગગન સાવ અડોઅડ તો ય છેટાનો ભાસ..’ સંબંધ આવી કક્ષાએ પહોંચે ત્યારે સાથે રહેવાનો કોઈ અર્થ દેખાતો નથી. કોઈ પણ સંબંધ અચાનક બંધ નથી થતો કે તેનો અંત અચાનક આવતો નથી. રોજીંદી ઘટમાળમાં જીવાતું જીવન એ જીવંત હોય એવું જરૂરી નથી. એ સંબંધના સમયગાળા વચ્ચે અનેક બાબતો બની ગઈ હોય છે. કેટલીક વ્યક્તિઓની સહનશક્તિ વધુ હોય છે તો કેટલીક વ્યક્તિઓ સહન કરવાની ના પાડી દે છે. 

અહીં વળી એક કિસ્સો યાદ આવે છે. એકવાર અમારી કામવાળી બાઈ બદલીમાં બીજી બાઈ મૂકી ગઈ. એ નવી બાઈને જ્યારે પૂછ્યું કે તું ક્યાં કામ કરે છે ? તો કહે કે ફલાણા મકાનમાં ફલાણી બહેનને ત્યાં. બીજા દિવસે તેણે મને લખતાં જોઈ એટલે પૂછ્યું કે તમે લેખક છો તો લો હું તમને એક નવી નવાઈની વાત કહું. હું જે બહેનને ત્યાં કામ કરું છું તે જ ફ્લેટમાં બીજા ભાઈ પણ રહે છે પણ તેમનાં રસોડાં અને બાઈઓ જુદાં છે. વાત સાંભળીને મારી જીજ્ઞાસા જાગે તેની રાહ જોતી એ ચૂપ થઈ ને સવાલની રાહ જુએ છે. કેમ એવું? પૂછતાંની સાથે બાઈએ રસભર્યા હાવભાવ સાથે વાત માંડી કહે, ‘પેલા બહેન અને ભાઈ પતિ પત્ની છે. હવે તેમની ઉંમર થઈ છે. બાળકો પરણેલા છે અને જુદાં રહે છે. એકાદ બે દિવસે બાળકો આવીને ખબર કાઢી જાય. બાકી પેલા સાથે રહેતાં માજી અને ભાઈ વચ્ચે કોઈ સંબંધ જ ન હોય તેમ રહે. તેમની વચ્ચે એકબીજાની સાથે કોઈ વાત નહીં દરકાર નહીં. વન બેડરૂમનું ઘર છે. બે રૂમમાં તેમના રસોડા જુદા ફક્ત ટોઈલેટ બાથરૂમ એક. પેલા બહેનતો મજાના હરે ફરે ને જલસા કરે. એક જમાનામાં શિક્ષિકા હતા. તેમના મિત્રો સાથે ગોવા જાયને ક્યાં ક્યાં ફરવા જાય. તેમના પતિ બિચારા ચાલી ન શકે ટેકણ લાકડી વિના, પણ પૂછે ય નહીં. અરે, હોસ્પિટલમાં હોય તો પણ જોવા જાય નહીં. એકવાર પૂછ્યું તો કહે કરેલાં કર્મો ભોગવે મારે શું? બીજા પાસેથી જાણવા મળ્યા મુજબ પેલા ભાઈને ઓફિસમાં કોઈ બીજી સ્ત્રી સાથે લફરું હતું. ત્યારે તો બાળકો નાના હતા એટલે કહે છે કે સ્ત્રીએ સહન કર્યું પણ પછી તેમણે સીમારેખા દોરી કે બસ હવે તમારો મારા જીવન પર કોઈ અધિકાર નહીં. હું મારું જીવન જીવીશ. કહે છે કે પેલી બીજી સ્ત્રી પણ શી ખબર પેલા પુરુષના જીવનમાંથી જતી રહી અને પત્નીને પણ ગુમાવી. એવું પણ સાંભળ્યું કે જુવાનીમાં તેમનો સ્વભાવ ખૂબ અહંકારી હતો. પત્નીને પણ ખૂબ ત્રાસ આપ્યો. હવે પત્ની કહે છે કે મને કોઈ લાગણી તેમના માટે નથી. બસ પૈસા ન હોવાને કારણે છૂટા પડી શકે એમ નથી. અને છૂટાછેડા લેવાની કોઈ જરૂર નથી. આ ફ્લેટ કોઈને છોડવો નથી એટલે સાથે છતાં જુદા રહે છે. એકબીજા સાથે સમ ખાવા પૂરતી પણ વાત ન કરે. સાજેમાંદે પણ પૂછે નહીં. હવે તો પેલા બહેને પતિને માફ કરી દેવા જોઈએ ને? ’ 

એમ કેમ કહી શકાય કે માફ કરી દેવા કે નહીં? પેલી સ્ત્રીને પથ્થર જેવી બનાવવામાં પેલા પુરુષનો ફાળો પણ ખરો જ ને? બાકી એક જમાનામાં તેમની વચ્ચે પ્રેમ તો હશે જ ને બાળકો થયા હોય તે પ્રેમ વિના તો નહીં જ થયા હોય ને? 

કેટલીક બાબતો એવી હોય છે કે તેને માટે સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર હોય છે. લગ્નજીવન સરળતાથી, આદત મુજબ ચાલતા હોય એટલે જરૂરી નથી કે અંદર કશું જ અમળાતું નથી. પત્ની કશી જ ડિમાન્ડ ન કરતી હોય, કે તમને રોકટોક ન કરતી હોય, તમારી લાઈફમાં માથું મારવાનો અધિકાર છતાં તેનો ઉપયોગ ન કરતી હોય. તે કશું જ બોલતી ન હોય પણ તમારી બધી જ સગવડ સચવાતી હોય. તમે એને અઢળક પૈસા આપતા હોવ, હિસાબ ન માગતા હો, તેની દરેક સુખસગવડ પૂરી કરતા હો તેનો અર્થ એ નથી કે તેને કોઈ કમી નથી. તેની ઈચ્છાઓ તમને નકામી, બાલિશ લાગતી હોય. તમને લાગે કે દુનિયાની તેને શું ગમ પડે? તેના બોલવાની કોઈ કિંમત ન હોય, તેનું સ્થાન રસોડામાં જ હોય કે ઘરમાં જ હોય તેવું તમે માનતા હો તો તમે તેની ઈચ્છાઓને, સપનાઓને બુઠ્ઠા કરી રહ્યા છો. તમે એક એવી દીવાલ ચણી રહ્યા છો જેમાંથી આરપાર દેખાય છે પણ એકબીજા પાસે પહોંચી શકાતું નથી. અને જ્યારે આર્થિક રીતે સ્ત્રી પગભર હોય તો તેને ક્યારેક એવું લાગી શકે કે આવા ખોખલા સંબંધોની જરૂર નથી. ત્યારે છૂટા પડવાની વાત કરે તે શક્ય છે. 

સ્ત્રીને જરૂર હોય છે સંગાથની, હૂંફની, સંવાદની અને પુરુષની. હંમેશા પતિ બનીને રહો તો આજની નારી ક્યારેક મોઢું ફેરવીને પોતાની સ્વતંત્રતાની શોધમાં લગ્નજીવનની બહાર નીકળી જાય તે શક્ય છે. અને પુરુષને સમજાય જ નહીં કે ખોટ ક્યાં હતી સંબંધમાં. ખોટ સંબંધમાં નથી હોતી પણ જ્યારે સતત સામી વ્યક્તિને અવગણવામાં આવે. તેની લાગણીઓની કદર કરવામાં ન આવે ત્યારે એ વ્યક્તિ પથ્થર બની જઈ તમને ઘાયલ કરી શકે છે.

You Might Also Like

0 comments