માતૃત્વના મહિમાથી વ્યક્તિત્વના વિકાસ સુધી (mumbai samachar)

05:46



મુંબઈ નામના ટાપુ પર રહેતા લોકો સંયુક્ત કુટુંબ કરતાં ન્યુક્લિઅર એટલે કે વિભક્ત કુટુંબમાં વધુ રહે છે. તેવામાં મા બનતી આધુનિક નારીને કઈ કેટલાય પ્રશ્ર્નો સતાવતા હોય છે. જેમ કે બાળક ખૂબ રડે છે અને કશી જ ખબર નથી પડતી. અચાનક તેને પેટમાં દુખાવો થાય છે કે શરદી થાય છે પણ મટતી જ નથી, તે દૂધ નથી પીતું કે જમતું નથી. વરસ પૂરું થતાં તેની બર્થડે પાર્ટી રાખવી છે પણ રિટર્ન ગીફ્ટ માટે કોઈ નવી આઈડિયા સૂઝતી નથી. આસપાસના વિસ્તારમાં કોઈ સારા ટીચર છે કે ? પ્રોજેક્ટ માટે કોઈની મદદ જોઈએ છે વગેરે વગેરે અનેક પ્રશ્ર્નો હોઈ શકે. 

બાળક સિવાય પણ મા બનતી નારીને પોતાના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થતી અન્ય માતાઓ સાથે મિત્રતા કરવી હોય તો ક્યાં જાય? તેનો સિમ્પલ-સાદો જવાબ છે મુંબઈ માતાઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ શરૂ કર્યું છે નેહા કરે-કાનાબારે. 

નેહા પોતે ઈન્દોરની છે અને પરણીને મુંબઈ આવી છે. પોતે ખાનગી કંપનીમાં નેશનલ લેવલ મેનેજર તરીકે કામ કરે છે અને નવ વરસના જોડકાં બાળકોની માતા છે. બે વરસ પહેલાં તેને પોતાને લાગ્યું કે કેટલીક બાબત એવી હોય કે બીજી માતા જ કહી શકે તો કેમ નહીં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારા જેવી એકલી રહેતી માતાઓને એકબીજાની સાથે સંવાદ સાધવાનું સરળ પડે એવું ગ્રુપ શરૂ કરવામાં આવે. એટલે તેણે મુમો (મુંબઈ મોમ) નામે ફેસબુક ગ્રુપ શરૂ કર્યું. તેની ટેગ લાઈન છે એક બ્રેક તો બનતા હૈ. નેહા કહે છે કે મને સોશિયલાઈજિંગ કરવું હતું બીજી માતાઓ સાથે એટલે જ મને આ વિચાર આવતા અમલમાં મૂક્યો તો જે ઝડપે તેમાં ૨૫ થી ૮૫ વરસની માતાઓ જોડાતી ગઈ તે જોતાં મને પણ આશ્ર્ચર્ય થયું હતું. મેં વિચાર્યું હતું કે નાનું ગ્રુપ થશે બધા એકબીજાને મહિનામાં એકાદવાર મળશે પણ ફેસબુક પર ૬૭ હજાર જણા જોડાયા. આ ક્લોઝડ ગ્રુપ છે તેમાં ફક્તને ફક્ત મમ્મીઓ જેમને કંઈક જાણવું છે, જણાવવું છે તેઓ જોડાય છે. અને પછી તો ૯૮ વોટ્સએપ્પ ગ્રુપ પણ બન્યા વિસ્તાર પ્રમાણે. તેમાં સેલિબ્રિટિ માતાઓ પણ જોડાઈ. 

આ ગ્રુપ પર તેઓ દરેક દિવસ જુદી રીતે ઉજવે છે. સોમવારે બ્લોગર અને બુક વિશે વાત કરે. તો મંગળવારે વાનગીઓ વિશે વાત થાય. બુધવારે દિલની વાત થાય તો રવિવારે સેક્સ અને રોમાન્સ વિશે વાત થાય. વળી એ ઉપરાંત મમ્મીઓ કોઈને કોઈ જાણકારી મળે એવા કાર્યક્રમ માટે મળે છે. ફક્ત ફન ખાતર બાળકો કે પતિ વગર મિત્રો સાથે મોજમજા કરવા માટે ય એક મિટિંગ હોય છે. 

નેહા કહે છે કે દરેક મમ્મીઓ બહાર કામ કરવા નથી જતી તો કેટલીક માતાઓએ બાળક માટે બ્રેક લીધો હોય પછી કામ કરવું અઘરું પડતું હોય છે. તો એ માટે પણ આવું ગ્રુપ ઉપયોગી બને છે. એકબીજાને ઉપયોગી- સહયોગી બનવું એ જ તો મુખ્ય બાબત છે ગ્રુપ બનાવવાની. કેટલીક મમ્મીઓ જેમને પાર્ટી ઓર્ગેનાઈઝ કરવી હોય કે કશુંક બાળક માટે જોઈતું હોય તે બીજી મમ્મીઓ તેને મદદ કરે તો બન્નેને ઉપયોગી બને છે. કોઈ મમ્મી સારા નાસ્તા બનાવતી હોય ઘરે અને વર્કિંગ મધર હોય તેને માટે આ માહિતી ઉપયોગી બને છે. અમે અહીં કઈ બિઝનેસ માટે ગ્રુપ નથી બનાવ્યું પણ એકબીજાને ઉપયોગી થઈ શકીએ તો કંઈ ખોટું નથી. જેમ કે એક બનાવ વિશે કહું સાન્તાક્રુઝ વોટ્સ એપ ગ્રુપમાં રહેતી એક મહિલાના પિતા અંધેરી લોખંડવાલા એકલા રહેતા હતા. તેઓ અચાનક માંદા પડ્યા. એ બહેનને ખૂબ ચિંતા થઈ તે ઘરેથી નીકળી પણ ટ્રાફિકને કારણે કલાકેક થાય એમ હતો એટલે તેણે મુમો વોટ્સગ્રુપમાં મદદની માગણી મૂકી. વાયા વાયા દરેક ગ્રુપમાં વાત પહોંચી અંધેરીના ગ્રુપમાં ત્યાં એક સભ્ય એ જ મકાનમાં રહેતી હતી જેમાં સાન્તાક્રુઝવાળી મહિલાના પિતા રહેતા હતા. તરત જ તે મદદે પહોંચી ગઈ. પિતા બેભાન હતા તે ડોકટરને બોલાવીને સારવાર પણ શરૂ કરી. 

કેટલાકના બાળકો એડીએચડી કે ડિસલેક્સિક હોય એટલે કે સ્પેશિયલ ચિલ્ડ્રન હોય તો તેવી માતાઓને બાળકના ઉછેર માટે અનેક સમસ્યા હોય છે. તેવી માતાનું પણ એક ગ્રુપ છે જેમાં સ્પેશિયલ કાઉન્સેલિંગની વાત થાય. એકબીજાના અનુભવો કામ આવે. આવે વખતે કેટલું સારું લાગે તે તો માતા બનનાર સ્ત્રી જ સમજી શકે છે. 

આટલેથી જ તેઓ નથી અટકતા ગ્રુપ દ્વારા ઘણાં ચેરિટીના કામ થાય. રમકડાં, કપડાં વગેરે ભેગાં કરીને અનાથાલાયમાં આપવામાં આવે. સિનિયર સિટિઝન હોમની મુલાકાત લેવામાં આવે. 

અને હવે આ ગ્રુપ ફક્ત મુંબઈ પૂરતું જ મર્યાદિત નથી. ઈન્દોર, દિલ્હી, સિંગાપુર, જયપુર વગેરે શહેરોમાં પણ ગ્રુપ થયું છે. મમ્મીઓ દ્વારા ચાલતું, મમ્મીઓ માટેનું આ ગ્રુપ હવે દુનિયાનું સૌથી મોટું ગ્રુપ બનવા જઈ રહ્યું છે. અને તેનો બધો શ્રેય નેહા કરે કાનાબારને જાય છે. આ મમ્મીઓના ગ્રુપમાં ૯૦ ટકા મમ્મીઓ ગૃહિણી છે. આટલું મોટું ગ્રુપ મેનેજ કઈ રીતે થાય તો નેહા કહે છે કે ઘણી માતાઓ ટેલેન્ટેડ છે. તેમાંથી જ થોડી માતાઓએ જવાબદારી ઊઠાવી લીધી છે. અમે કોઈ પ્રોફેશનલને નથી રાખ્યા. વાહ, આજની આધુનિક મમ્મીઓએ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સુપેરે સંગમ સાધીને બાળ ઉછેર સાથે પોતાના વ્યક્તિત્વને તથા આવડતને જાળવવાનું કામ પણ કરી રહી છે.




You Might Also Like

2 comments