પ્લેબોય હ્યુ હેફનરનું ઐયાશ જીવન (સાંજ સમાચાર) 3-10-17

19:48

 કોઈપણ પુરુષને ઈર્ષ્યા આવે તેવું જીવન જીવનાર પ્લેબોય હ્યુ હેફનર અને પ્લેબોય મેગેઝિનનું નગ્ન પાનું

91 વરસને વયે લોસ એન્જલસમાં આવેલ પ્રખ્યાત મેગેઝિન પ્લેબોયના સ્થાપક અને સંચાલક હ્યુ હેફનરનું અવસાન થયું. પ્લેબોય મેગેઝિન વિશે તમારામાંથી ઘણાં પુરુષો જાણતા હશે. ચોરીછુપેથી એ મેગેઝિન પુરુષો મંગાવતા કે પછી વિદેશથી આવતા ભાઈબંધ લઈ આવતાં. વળી તેને જોવાતું ય ચોરીછુપેથી જ. આ મેગેઝિન એક એવું મેગેઝિન હતું કે અંગ્રેજી ન જાણનારા ય તેને જોતાં. આ એકમાત્ર એવું મેગેઝિન હતું-છે કે સૌ પ્રથમ તેનું સેન્ટર પેજ જોવાય છે. પુરુષો માટેનું આ મેગેઝિન હતું એમ કહી શકાય કારણ કે તેના સેન્ટર પેજ પર સુંદર લલનાઓના ન્યુડ એટલે કે નગ્ન ફોટા છપાતા હતા. જો કે આ ફોટો ખૂબ જ એસ્થેટિકલી લેવાયા હોય તે છતાં તે પોર્ન મેગેઝિન ગણાતું. જો કે એક ફોટાને બાદ કરતાં તેમાં વાંચવા લાયક લેખો પણ રહેતા. માર્ટિન લ્યુથર કિંગની મુલાકાત પણ તેમાં છપાઈ ચૂકી છે. તેના સેન્ટર પેજની સાથે પુરુષોની મુલાકાતો માટે પણ પ્લેબોય ચર્ચામાં હતું.  પ્લેબોય મેન્સનમાં જ તેણે પોતાના જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો. કેસાનોવા બાદ પ્લેબોય શબ્દને પોપ્યુલર બનાવનાર હ્યુ હેફનર ખરા અર્થમાં પ્લેબોય હતો. તેને સુંદરીઓ સાથે રમતો રમવી ગમતી. પરફેક્ટ પુરુષ તરીકેના દરેક ગુણ કહો તો ગુણ અને અવગુણ કહો તો અવગુણ હ્યુ હેફનરમાં હતા. છેલ્લા કેટલાય વરસોથી તે સિલ્ક પાયજામા અને સ્મોકિંગ ગાઉનમાં જ દેખાતો હતો. લગભગ 1960ની સાલમાં તેણે પોતાની ઓફિસ પોતાના બેડરૂમમાં શિફ્ટ કરી લીધા બાદ તેણે બેડરૂમમાં પહેરવાના સિલ્ક પાયજામા-શર્ટ અને સ્મોકિંગ ગાઉનને ઓફિસયલી પણ અપનાવી લીધા હતા. આ હેફનરનું  બાળપણ ખૂબ અલગ હતું.   
 1922માં શિકાગોમાં જન્મેલા અને ઉછરેલા હેફનરનું બાળપણ ખૂબ સાદું અને સરળ હતું. તેના પિતા ગ્લેન એલ્યુમિનિયમ કંપનીમાં અકાઉન્ટન્ટ હતા તો માતા ગ્રેસ શિક્ષિકા હતી. તેમના ઘરમાં એકદમ ચુસ્ત ધાર્મિક વાતાવરણ હતું. નો ડ્રિન્ક, પત્તા નહીં રમવાના, રવિવારે રેડિયો પણ નહીં સાંભળવાનો.(રવિવાર ચર્ચમાં પ્રાર્થના કરવા જવાનો દિવસ ગણાય એટલે ઘરમાં કંટાળો આવે તો બાળકો ઘરના વાડામાં બેસીને પેઈન્ટિંગ કરે કે વાંચે, લખે. હેફનર માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં મશગૂલ રહેતો કે માતાની બૂમ પણ તેને સંભળાતી નહીં. શાળામાં પણ ભણવા કરતાં તેને કાર્ટૂન કરવામાં રસ પડતો એટલે શિક્ષકોને તે સાંભળતો નહીં.  તેની માતાને સમજાતું નહીં કે તેની સાથે શું કરવું એટલે  એને સાયકોલોજીસ્ટ પાસે લઈ ગઈ. ત્યાં ડોકટરે જણાવ્યું કે હ્યુ તો ખૂબ ઈન્ટેલિજન્ટ છે. તેનો આઈક્યુ 152 હતો, પણ તેને લાગણી ઓછી પડે છે. એટલે ડોકટરે તેની માતાને વધુ મમતા અને પ્રેમભર્યું વલણ અપનાવવાની સલાહ આપી. મોટો થઈને સતત પાર્ટીઓમાં રહેનારો હ્યુ નાનો હતો ત્યારે શરમાળ અને પોતાનામાં જ રચ્યોપચ્યો રહેતો. દરમિયાન તેના એક મિત્રના પિતા આર્ટિસ્ટ હોવાથી એસ્કવાયર મેગેઝિન મંગાવતા. તેમાં હ્યુને ખૂબ રસ પડતો. તેના ફોટા, કાર્ટુન, રોમેન્ટિક લેખો વગેરે. હ્યુ તેમાંથી કેટલાક ફોટાઓ અને કાર્ટુનો પોતાના રૂમમાં પિનઅપ કરવા લાગ્યો. તેની માતાને ગમતું નહીં પણ હવે હ્યુ ભણવામાં ય ધ્યાન આપતો હતો એટલે સ્વીકારી લીધું. પછી તો તે પોતાની સ્કૂલના અખબાર માટે ચિત્રો કરતો. ધીમે ધીમે લોકોમાં ભળવા લાગ્યો. કોલેજ કર્યા બાદ તે બીજા વિશ્વયુદ્ધ સમયે લડાઈમાં પણ ગયો. એ દરમિયાન પણ તેણે ચિત્રો ચીતરવાનું છોડ્યું નહીં. હા, તેના ચિત્રો પોર્નોગ્રાફિક રૂપ લેવા માંડ્યા હતા. તેણે એક નાના મેગેઝિન સાથે પણ કામ કર્યું અને છેવટે 1953માં પ્લેબોયનો પહેલો અંક પ્રગટ થયો હતો. જો કે પ્લેબોય શરૂ કરતાં પહેલાં તે એસ્કવાયર મેગેઝિન સાથે પત્રકાર તરીકે સંકળાયેલો હતો. ત્યાં તેણે પગાર વધારો માગ્યો હતો તે ન મળતાં તેણે નોકરી છોડીને પોતાનું મેગેઝિન શરૂ કર્યું. જો તેને પગાર વધારો મળી ગયો હોત તો કદાચ આજે પ્લેબોય ન પણ હોત.
વરસો સુધી હ્યુ મોટેભાગે તેની ઓફિસમાં અને ઓફિસની પાછળ આવેલા નાના બેડરૂમમાં પડ્યો રહેતો. તે મેગેઝિનના પાનાઓમાં જ જીવતો હતો એવું કહી શકાય. ચોવીસે કલાક તે મેગેઝિનની ડિઝાઈન, લખાણ, ફોટા અને કાર્ટુનના એડિટિંગમાં જ રચ્યો પચ્યો રહેતો. અમેરિકામાં આ પહેલાં ભાગ્યે જ કોઈ પુરુષે સ્ત્રીના કલર નગ્ન ફોટા જોયા હતા. એટલે પુરુષોમાં એ મેગેઝિન માટે તાલાવેલી રહેતી. શરૂઆતમાં કેટલાકે તેને વખોડ્યું, વિરોધ કર્યો  અને સંસ્કારહીન મેગેઝિન પણ કહ્યું. તે છતાં ધીમે ધીમે પ્લેબોય પબ્લિશિંગ હાઉસ અને સેક્સુઅલ એમ્પાયર બની ગયું.
હ્યુ હેફનર પ્લેબોય પ્રસિદ્ધ કરતાં પોતે પણ પ્લેબોય બની ગયો. પુરુષ હોવાને કારણે  પુરુષોની માનસિકતા સમજનાર હ્યુએ શરૂઆતમાં સ્ટ્રગલ કરી પણ પછી તેણે ક્યારેય પાછા ફરીને જોયું નથી. સ્ત્રીના શરીરનો ઉપયોગ કરીને, તેણે પોતાનું એમ્પાયર ઊભું કર્યું એમ કહી શકાય. પ્લેબોયના સૌ પ્રથમ ન્યુડ સેન્ટર પેજ પર તે સમયે પુરુષોના સપનાંઓની રાણી ગણાતી મરલિન મનરો હતી. હ્યુ હેફનર પણ મનરોનો દિવાનો હશે કારણ કે તેણે 1992માં મનરોની કબરની બાજુમાં પોતાની કબર માટે મોંઘા ભાવે એટલે  કે 75 હજાર ડોલરમાં જગ્યા ખરીદીને રાખી હતી. હ્યુ હેફનરને ત્યાં જ દફનાવવામાં આવ્યો. અનેક રંગીન વાયકોઓ રચીને હ્યુ હેફનરે પોતાનો આગવો ઈતિહાસ રચી દીધો છે. તેણે સ્ત્રીઓનો બન્ની તરીકે ઉપયોગ કર્યો. જો કે એવું ય કહી શકાય કે પૈસા અને પ્રસિદ્ધિ માટે હ્યુ હેફનરની રહેમ નજર માટે અનેક સ્ત્રીઓ તત્પર રહેતી હતી. પ્લેબોયને કારણે અનેક સ્ત્રીઓએ પ્રસિદ્ધિ મેળવી છે.
નગ્ન સૌંદર્ય અને નગ્ન મહેફિલોનું સામ્રાજ્ય હ્યુ જીવ્યો ત્યાં સુધી માણતો રહ્યો છે. જો કે  તેણે લગ્નતો ત્રણ જ વાર કર્યા હતા, પણ તેના મેગેઝિનની દરેક મોડેલ સાથે શારીરિક સંબંધો બાંધતો એવી વાયકા છે. તો તેણે 1000 સ્ત્રીઓનો સાથ માણ્યો છે એવું ય કહેવાય છે. સાચું ખોટું હેફનર જાણે પણ તેણે રાજામહારાજા જેવી ઐયાશીભરી લાઈફસ્ટાઈલ અપનાવી હતી. તેની આસપાસ હંમેશા યુવાન સ્ત્રીઓ રહેતી, અને તે સતત પાર્ટીઓ આપતો રહેતો જેમાં  એ સ્ત્રીઓનો સાથ માણવા અનેક મહાનુભવો આવતા. ખેર, આ બધું સારું કે ખરાબ તે મૂલવનારા મૂલવતાં રહ્યા અને હ્યુ હેફનર પોતાની જીંદગી પોતાની ટર્મ્સ અને કન્ડિશન્ડ પર જીવ્યો અને મૃત્યુ પામ્યો.  

You Might Also Like

0 comments