રાજકારણ અને સ્ત્રીનું અજ્ઞાન (saanj samachar)

07:58
 રાજકારણની ચર્ચા કરવામાં સ્ત્રીઓને રસ નથી હોતો કારણ કે તેમને નક્કર કામ કરવાના હોય છે.

એક પાર્ટીમાં ચર્ચા ચાલી રહી હતી દુનિયાના રાજકારણની અને તેમાં મને ચુપ જોઈને એક મિત્ર બોલ્યા સ્ત્રી પુરુષની માનસિકતાની કોલમ સિવાય બીજા વિષયો લખવામાં ય હાથ અજમાવવો જોઈએ (કટાક્ષમાં) જો ફાવે તો ? અને મન ચકરાવે ચઢ્યું કે પુરુષ અને સ્ત્રીને બાકાત રાખીને  કોઈ વિષય છે ખરો ?  નજર સામે એક દ્રશ્ય ભજવાયું.
ચિલ્ડ બિયરનો ગ્લાસ ઉપાડતાં એણે કહ્યું, -- શું રોજ રોજ એની એ જ વાતો .... સ્ત્રી પુરુષના ઝઘડા.... ઓરભી ગમ હૈ જમાનેમેં..... 
અદાથી ચિલ્ડ બિયરના ગ્લાસની બહાર જામેલા ટીપાંઓ પર રમત રમતાં તીરછી આંખે જોતાં તેણીએ પુછ્યું,   જેમ કે ?” (સાથે જ ટીશર્ટને આગળથી જરા નીચે ખેંચ્યું ને સ્કાર્ફને હટાવ્યો ગળા પરથી)
પુરુષની નજર ક્લિવેઝની ગહરાઈઓમાં અટવાઈ ગઈને વિચારો વાણી થઈને બહાર ન આવી શક્યા. તેણીએ ફરીથી પૂછ્યું“ જેમકે ? અને પછી સિગરેટના ધુમાડાંને વિખેરતી તેણી જ બોલવા લાગી, ખેડૂતોની આત્મહત્યાનવા પક્ષોનું ગઠબંધન, જુના પક્ષોનું એ ગઠબંધનને વખોડવું, એક પાર્ટીના નારાજ સભ્યો બીજી પાર્ટીમાં જોડાયા, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો કે પછી જિગ્નેશ માવાણી કે અલ્પેશ ઠાકોર?  આ વખતે ગુજરાતમાં કોની સરકાર રચાશે? આપણા વડાપ્રધાન હાલમાં કેટલામાં દેશના પ્રવાસે ગયા છે?,  યમનમાં કે સિરિયામાં કે અફઘાનિસ્તાનમાં બોમ્બમારામાં કેટલા નાગરિકો માર્યા ગયા, કેટલા બાળકો અનાથ થયા, પાકિસ્તાને શું કહ્યું ને કાશ્મીરમાં અલગતાવાદીઓની સભા વગેરે વગેરે...અને મારકણી અદાઓથી તેને જોઈ રહી. એ મૂંગા મૂંગા શબ્દ અને સમસ્યાઓને  ક્લિવેઝની ગહરાઈમાં ખોવાતા જોઈ રહ્યો.
એસીમાં કુશાંદે બેસીને ચિલ્ડ બિયર કે વ્હિસ્કીના ગ્લાસ પીતાં, પાસેથી પસાર થતી શોર્ટ સ્કર્ટ પહેરેલી છોકરીના સેક્સી પગની લંબાઈ માપતાં કે ક્લિવેઝની ગહરાઈને પ્રમાણતા  કેટલાય પુરુષો દુનિયાભરના ગંભીર વિષયોની ચર્ચા કરી શકે છે. યા તો પાનના ગલ્લે માવો મસળતા કોંગ્રેસ અને ભાજપમાં કોણ જોડાયું અને કોણ કેટલી સીટ મેળવશે તે ચર્ચાઓ રસપૂર્વક કરતાં હોય ને રસ્તા પરથી સુંદર સ્ત્રી પસાર થાય ત્યારબાદ શું થાય તે કહેવાની જરૂર છે?  ચર્ચાઓ તો કરવી જ જોઈએ પણ બેઝિક – મુખ્ય મુદ્દાની વાત  છે આપણી અનુકૂળતા અને રસ ખરેખર શેમાં છે. તેનું પ્રામાણિક સંશોધન થવું જોઈએ.  
સામાન્ય રીતે દરેક સ્ત્રીને સલામતીમાં રસ હોય  છે તો  દરેક પુરુષને સત્તાને સેક્સમાં રસ છે. પછી તે ગાંધીજી હોય કે રજનીશ. ઉપ્સ સોરી મોરલીવાળા મોહનને રસ હતો સેક્સમાં એવો  રસ મહાત્મા મોહન એટલે કે ગાંધીજીને નહતો.  સતત તેમણે બ્રહ્મચર્યની વાત કરી, પ્રયોગો કર્યા. પણ સ્ત્રીઓ ત્યારેય તેમની આસપાસ હતી.  સિત્તેર વરસ બાદ  બાપુએ બ્રહ્મચર્યના પારખા કર્યા હતા. તેમાં સફળ થયા કે અસફળ થયા તેના વિશે અનેક વાદવિવાદ થયે રાખે  છે. તેમની સાથેના નેતાઓ તેમના સેક્સના વિરોધની સાથે સહમત નહોતા. જવાહરલાલ નહેરુ પણ ગાંધીજીના બ્રહ્મચર્યની વાત સાથે સહમત નહોતા જ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મિસિસ માઉન્ટબેટન સાથેના સંબંધો  જગજાહેર જ છે. બન્ને વાતોમાં ગુલતાન હોય એવી તેમની તસ્વીરો પણ ગુગલ પર મળી આવશે.
ભારત પાકિસ્તાનના ભાગલા, સ્વતંત્રતાનો સંગ્રામ જેવી અનેક સમસ્યાઓ હતી છતાં, મહાત્મા બાપુએ   સ્ત્રીની સાથે નગ્ન સુવાના પ્રયોગ કર્યા. માનીએ કે ન માનીએ સ્ત્રી અને  પુરુષ જીવનના  સિક્કાની બે બાજુઓ છે. જન્મ વખતે બાળકની જાતિ જાણવાની ઇંતેજારી દરેકને હોય છે. અને જો બાળકને જાતિ ન હોય તો  કલ્પના કરી શકો છો .... જાતિના નામે તો અનેક કાગારોળ મચી છે દુનિયાભરમાં. આઈએસઆઈએસ હોય કે બોકો હરેમ હોય દરેક ત્રાસવાદી સંગઠનનો પહેલો ભોગ સ્ત્રી જાતિ બને છે. આ પુરુષો સ્ત્રી અને બાળકીઓને તાબામાં લઈને બળાત્કાર કરે છે. બળાત્કારનો ભોગ બનીને પાછી આવેલી મહિલાઓને જો ગર્ભવતી ન હોય તો સ્વીકારવામાં આવશે તેવી શરત સિરિયા અને ઇરાકમાં બૌદ્ધિક પુરુષોએ મુકી છે. આ રીતે જન્મેલા હજારો આફ્રિકન બાળકોને ઘેટાંબકરાની જેમ ઉછેરવામાં આવે છે. આ બધી વાતો જાણીને ચર્ચીને કેટલાં બુદ્ધિવાદી પુરુષો કામ કરવા આવા કોઈ વિસ્તારમાં ગયા.
અરે એ છોડો ચેનલોમાં એસી સ્ટુડિયોમાં બેસીને ખેડૂતોની સમસ્યાઓની ચર્ચા કરતા કે સરહદે શહિદ થતાં સૈનિકની ચર્ચા કરતાં લોકોમાંથી કેટલાએ બીજા રાજકીય પુરુષોને વખોડવા સિવાય નક્કર પગલાં લેવાની  પહેલ કરી કોણે એમ કહ્યું કે હવેથી હું એસી લકઝરી કારમાં નહીં ફરું એટલા રૂપિયા જરૂરતમંદ ખેડૂતોમાં કે સૈનિકોના પરિવારમાં વહેંચી દઈશ. એમ ન થાય તે તો સમજ્યા પરંતુ, જો દરેક વ્યક્તિ  પોતાનો પાનમાવો અને હોટલનો ખર્ચાનો એક દિવસ જતો કરીને પણ ભંડોળ ભેગું કરે તો અનેક સમસ્યા હલ થઈ શકે. રજનીશના સેક્સના  પ્રયોગો વિશે અનેક વિવાદો સર્જાઈ ચૂક્યા છે અને અનેક પુસ્તકો લખાઈ ચુક્યા છે. પણ તેને ભગવાન કહેનારો મોટો વર્ગ હતો. આશારામબાપુથી લઈને અનેક બીજા બાપુઓના લક્ષણો આપણને સમજાઈ ચુક્યા છે.  તેઓ સેક્સ કૌંભાડોમાં જ પકડાયા છે. તે છતાં બીજા અનેક બાપુઓ અને ગુરૂઓ પારકે પૈસે લીલાલહેર કરતાં જ હશે.
નોબેલ વિજેતા પચૌરીથી લઈને તહેલકો મચાવનાર તરુણ તેજપાલ ઉપર સેક્સુઅલ અબ્યુઝના કેસ ચાલી રહ્યા છે. રાજકારણની ચર્ચાઓ અને રાજકારણ બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે એવું કહી શકાય.
 પુરુષોનું પુરુષાતન સેક્સ અને સત્તાને સાબિત કરવામાં પુરવાર થતું હોય છે. દરેક સત્તાશાળી પુરુષો પ્રત્યે સ્ત્રી આકર્ષાય છે. અને દરેક સત્તાશાળી પુરુષોની આસપાસ સ્ત્રી હોય જ છે. પુરુષને જન્મ આપનાર સ્ત્રી છે તો પુરુષ વિના સ્ત્રીનું અસ્તિત્વ ન હોઈ શકે. માનવજાતિ આખી સ્ત્રી પુરુષના પાયા પર ઊભી છે.  તેમની માનસિકતાને કારણે સમાજ છે. અને સમાજને કારણે સમસ્યા.
પુરુષપ્રધાન સમાજમાં પુરુષોની હિંમત ઓછી પડે છે. ખેડૂતોના આત્મહત્યાની ચર્ચાઓ કરનારા ક્યારેય જઈને જુએ છે કે તે દરેકના પરિવારની સ્ત્રી,બાળકોનું શું થયું ? આત્મહત્યા કરનાર પુરુષ કે બળાત્કાર કરનાર પુરુષ અને પબમાં બેસીને આ પ્રકારની બૌદ્ધિક ચર્ચા કરનાર પુરુષોની માનસિકતામાં ફરક છે ખરો ? આવા કેટલાય પ્રશ્નો મારા ચિત્તને ઘમરોળવા માંડ્યા. સ્ત્રી  કે પુરુષને બાકાત રાખીને વિચારવાના અનેક પ્રયત્નો દંભને પોષતા આવ્યા છે.
સેક્સ અંગે કે સમાનતા વિશે વાત કરવી આપણને બૌદ્ધિક નથી લાગતી. સાંજની નવરાશે છાંટોપાણી કે ચાપાણી કરતાં રાજકારણની ચર્ચાઓ કરવી બૌદ્ધિક હોઈ શકે પણ ઘરમાં રસોઈ કરવી કે શાકભાજી લેવા જવું તે નકામાં સ્ત્રીએ કરવા જેવા કામ કહી શકાય. કારણ કે તેમાં બૌદ્ધિકતા નથી. વિશ્વની સમસ્યાઓની ઠાલી ચર્ચા કરવા કરતાં સાંજની રસોઈ બનાવી જમાડે તે વધુ રચનાત્મક કામ ગણી ન શકાય ?  બે વરસ પહેલાં દિલ્હીમાં એક રાજકીય સભાવખતે રાજસ્થાનના ખેડૂતે આત્મહત્યા કરી ત્યારે ત્યાં મંચ ઉપર પણ પુરુષો જ હતા અને સભામાં પણ પુરુષોની બહુમતી  જ જણાઈ આવતી હતી. આત્મહત્યાને લાઈવ કચકડામાં જડનારા પણ પુરુષો જ હતા. અને એકબીજા પર આક્ષેપ કરનાર દરેક પક્ષના સભ્યો પણ પુરુષો જ હતા. આજ મહિને આન્ધ્ર પ્રદેશમાં ભરબપ્પોરે રસ્તા પર બળાત્કાર કરનાર પુરુષ અને તેની વિડિયો ઉતારનાર પણ પુરુષ. આઈએસઆઈએસ અને તાલિબાનો પણ પુરુષો જ છે. કેમ સ્ત્રીઓના આતંકવાદી સંગઠન નથી ?  અહીં વળી કોઈ બુદ્ધિવાદી એવી ય દલીલ કરે કે સ્ત્રીઓ પણ આંતકવાદી સંગઠનમાં હોય છે, પણ ભાઈ કેટલા ટકા? પત્નિને ત્રાસવાદી કહીને હસી લેતાં પુરુષોની સંખ્યા પણ ઓછી નથી. પુરુષે હવે પોતાના વિશે ખૂબ તટસ્થતાથી વિચારવાની જરૂર છે. દુનિયાની ચિંતા કરવા કરતાં પોતાની જાતિની,  સ્ત્રી જાતિની માનસિકતા સમજવી પડશે. તો કદાચ સમાજની સમસ્યાનો હલ ટૂંક સમયમાં મળે ય ખરો. નહીં તો સરળ છે એસીમાં બેસીને ફોનની સ્ક્રિન પર કોઈ લલનાના અંગોને માપતાં સમાજની સમસ્યાઓની ચર્ચા કરી નપુંસકતાને પોષવી.


You Might Also Like

0 comments