સિગારેટ-સુરા નહીં પણ એકલતા પુરુષોની દુશ્મન (mumbai samachar)

21:35







બોસ્ટનગ્લોબ મેગેઝિનનો પત્રકાર બિલી બેકર લખે છે કે જ્યારે મને એવું ભાન કરાવવામાં આવ્યું કે જો હું મારા તરફ ધ્યાન નહીં આપું તો જીવનથી હારી જઈશ. પણ ત્યારે જ ખ્યાલ આવ્યો કે એ ચેતવણી મોડી હતી, હું ખરેખર એ સ્ટેજ પર પહોંચી જ ગયો હતો. આગળ તે લખે છે કે આ રિઅલાઈઝેશન કરાવવા માટે જ એ ઘટના બની હતી કદાચ. થોડા દિવસ પહેલાં એડિટરે તેમની કેબિનમાં બોલાવીને કહ્યું કે તમે મિડલ-એજ પુરુષોને મિત્રો નથી હોતા તે વિષય પર એક લેખ તૈયાર કરો.

એક્સક્યુઝ મી ? મારે તો ઘણાં મિત્રો છે. શું તમે મને લૂઝર કહી રહ્યા છો? મારા આ પ્રતિભાવ બાદ એડિટરે ખુલાસો કર્યો કે મોટા ભાગના પુરુષોની ઉંમર જેમ જેમ વધે છે તેમ પોતાના અંગત મિત્રો ગુમાવે છે, તેની અનેક સાબિતીઓ મળી રહી છે. આ બાબત તેમની તબિયત પર માઠી અસર કરે છે.

અચ્છા? સારું હું વિચારીશ. આવું કહીને મધ્યમ વયે પહોંચેલો બિલ પોતાના ટેબલ તરફ જતાં પોતાના જીવન વિશે વિચારવાનું શરૂ કરે છે. તેને પોતાના હાઈસ્કૂલના મિત્રોની યાદ આવે છે. તેમાંના એકાદ બેને બાદ કરતાં કેટલાયને તે છેલ્લા વરસ કે બે વરસથી મળ્યો જ નથી. તો કેટલાકને દસકાઓથી જોયા નથી. એ જેમને મિત્રો માનતો હતો તેમની સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતો પણ મળવાનું તો શક્ય બનતું જ નહોતું. તેને પોતાનું ભવિષ્ય એકલતાના અંધારામાં ખોવાઈ જતું જણાયું. સાવ સામાન્ય લાગતો વિષય તેના માટે મહત્ત્વનો બનવા લાગ્યો.

કોઈપણ પુરુષને એમ કહીએ કે તે ડેન્જર ઝોનમાં પ્રવેશી રહ્યો છે તો તે તરત જ કબૂલ નહીં કરે. તમને લાગશે કે આપણા ભારતદેશમાં એકલતા મેળવવા માટે ઝંખવું પડે તેવી સ્થિતિ છે. તો ભૂલો છો, જરા તમારી આસપાસના પ્રૌઢ વ્યક્તિની આંખમાં આંખ પરોવીનો જોશો તો એક જાતની નિસહાય એકલતા જણાઈ આવશે. બગીચામાં કે ખાલી રેલવે પ્લેટફોર્મના બાંકડા પર એકલા કે ટોળાંમાં બેઠેલા પ્રૌઢ પુરુષ જે રીતે દોડતી દુનિયાને જોતો હશે તેમાં ભાગ્યે જ ઉત્સાહનો અણસાર જોવા મળશે. ગામના ચોતરાઓ પર કે બસસ્ટેન્ડ પર બેસી રહેતા એકલતાના ટાપુ પર સ્થિર થઈ ગયેલા પુરુષોને જોઈને બે ઘડી વિચાર કરજો. કેમ ક્યાંય તમને આ રીતે સ્ત્રીઓ એકલી બેઠેલી નથી દેખાતી? જોકે તેમાં પિતૃસત્તાક માનસિકતા પણ કામ કરે જ છે. તે છતાં ટોળાંમાં રોજ બેસવા આવનાર પ્રૌઢની કેટલીય વાતો અન્યને ખબર નહીં હોય. વળી તેમાં મુખ્યત્વે તો એકલતાનો ઓછાયો જ તેને કનડતો હશે.

અમેરિકામાં વસેલા ભારતીય જનરલ સર્જન વિવેક મૂર્તિએ અનેક વાર અમેરિકન પુરુષો માટે કહ્યું છે કે કેન્સર, હાર્ટ ડિસીઝ કે ઓબેસિટી(મેદસ્વિતા)નો રોગ લોકોને ગ્રસી નથી રહ્યો પણ એકલતા લોકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરી રહી છે. આ ન દેખાતો રોગ આખાય વિશ્ર્વમાં ધીમી ગતિએ લોકોને કોતરી રહ્યો છે. હાલમાં જ એક દૂરના સ્વજનને મળવા જવાનું બન્યું. ગુજરાતના નાના શહેરમાં જ્યાં મેગા શહેરની ભાગદોડ નથી. એ સજ્જન ઘરમાં એકલા અને પથારીવશ હતા. તેમના પત્ની થોડાં વરસ પહેલાં ગુજરી ગયા છે. બાળકો થયા નથી. હવે ભાગ્યે જ કોઈ તેમને મળવા આવે છે. હા કેટલાક યુવાન સહૃદયી તેમનું ધ્યાન રાખે છે પણ મળવા આવવાનું ઓછું બને છે. નેવું વરસની ઉંમર છે અને પથારીવશ અવસ્થામાં સિગારેટની આદત છૂટી નહોતી. દેખાઈ રહ્યું હતું કે સિગારેટે જ તેમને હજી સુધી એકલા નહોતા પડવા દીધા. અહીં સિગારેટને પ્રમોટ કરવા માટે આ નથી લખ્યું પણ માનવીય સંબંધોની વાસ્તવિકતાનો ચિતાર આપવા લખ્યું છે.

અહીં બિલની વાત ફરીથી. તે પોતાના સમય વિશે આગળ લખે છે કે તે પરાંમાં બે બાળકો અને પત્ની સાથે રહે છે. રોજ કલાક બે કલાક કામ પર જવા આવવાનો સમય જાય. તેની પાસે વીક ડેઝમાં બાળકો માટે કે ઘર માટે સમય જ હોતો નથી. પત્રકાર હોવાથી ક્યારેક તો વીકએન્ડમાં પણ કામ કરવું પડે. કસરત કરવાનો સમય પણ માંડ મળતો હોય ત્યાં મિત્રો સાથે જસ્ટ હેન્ગઆઉટ કરવાનો સમય ક્યાંથી હોય? આ વાંચતા વિચાર આવ્યો કે આપણે ત્યાં તો આનાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ છે. મુંબઈમાં કે પછી ભારતમાં નાના શહેરોને બાદ કરતાં લોકો રોજના બેથી પાંચ કલાક કામ પર આવવા જવાના વિતાવે છે. કામના આઠ કલાક જોડીએ તો મોટાભાગના પુરુષો દસથી બાર કલાક ઘરની બહાર કામ નિમિત્તે રહે છે. તેમની પાસે મિત્રોની સાથે વીતવાનો સમય જ ન હોય તે સમજી શકાય છે.

કેમ્બ્રિજ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રિચાર્ડ એસ સ્વાર્ટઝે ધ લોન્લી અમેરિકન ડ્રિફટીંગ અપાર્ટ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી નામનું પુસ્તક લખ્યું છે. ડો. રિચાર્ડ કહે છે કે મોટાભાગના પુરુષો કામની વ્યસ્તતામાં ફેમીલિ ટાઈમ માંડ આપી શકતા હોય ત્યાં પોતાના માટે સમય કેવી રીતે કાઢે? એટલે જેમ જેમ તેમની વ્યસ્તતા વધવા લાગે તેમ તેઓ મિત્રો સાથેનો સમય ઓછો કરવા માંડે છે. આજની કટથ્રોટ કોમ્પિટિશનમાં મોટેભાગે તેમની પાસે સમય જ રહેતો નથી. ૧૯૮૦ના દાયકા બાદ થયેલા અનેક અભ્યાસ જણાવે છે કે જે લોકો સામાજિક રીતે સંકળાયેલા રહે છે તેમના કરતાં એકલા પડી ગયેલા લોકોને કાર્ડિયો, વેસ્ક્યુલર, અલ્ઝાઈમર જેવી સમસ્યાઓનો વધુ સામનો કરવો પડે છે. પછી ભલે ને તે વ્યક્તિ ડાયેટ કરતી હોય કે રોજ કસરત કરતી હોય, સિગારેટની જેમ એકલતા પણ વ્યક્તિને ધીમા ઝેરની જેમ અસર કરે છે.

તમને લાગશે કે આવું તે કંઈ હોતું હશે? પણ ૨૦૧૫માં જ બ્રિંગહામ યુનિવર્સિટી દ્વારા ત્રણ લાખ પાંત્રીસ હજાર લોકોનો પાત્રીસ વરસ સુધી ભેગા કરાયેલા ડેટાનો અભ્યાસ કરતાં જણાયું કે એકલતામાં રહેતા કે એકલા પડી ગયેલા લોકો ૨૬ થી ૩૫ ટકા જલદી મૃત્યુ પામે છે. તેમના મૃત્યુમાં એકલતા એક મહત્ત્વનું ફેકટર હતું. ડૉ. રિચાર્ડ કહે છે કે એકલતા કરતાં પણ મોટાભાગના લોકો એકલતા અનુભવાય છે તે કબૂલ નથી કરતાં. બીજાની સામે એકલતા વિશે કહેતા તેમને શરમ આવે છે, તેમનો અહમ્ ઘવાય છે, કારણ કે લોકોમાં એવી માન્યતા છે કે એકલતા લાગે છે એવું કબૂલવું એટલે પોતે લૂઝર છે એવું કબૂલવું. સાઈકિયાટ્રિસ્ટ ડિપ્રેશનની જેમ એકલતાને પણ સ્ટીગમામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે એકલા પડી ગયા છે એમ કહીએ ત્યારે એવું કહી રહ્યા હોઈએ છીએ કે કુટુંબ કે સ્વજન સાથે આપણો મેળ નથી. મિત્રો નથી. પુરુષો મોટેભાગે પોતાનો અહમ્ સાચવવા એવું પણ જતાવે કે મને કોઈ ફરક નથી પડતો. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવનાર વ્યક્તિઓ કઈ રીતે રૂબરૂ સંપર્કમાં રહી શકતા હશે? સહેલું નથી હોતું એકલતાને કબૂલ કરવી કોઈપણ વ્યક્તિ માટે. સતત કામ કરતી અને લોકોની વચ્ચે રહેતી વ્યક્તિ પણ એકલી હોઈ શકે છે.

એવું નથી કે આવી વ્યક્તિઓ મિત્રો સાથે બેસતી નથી. ક્યારેક ફરવા જવું, પિકનિક પર જવું કે બીયર પીતાં તડાકા મારવા છતાં તમે એકલા હોઈ શકો છો. મિત્ર એટલે જેની સાથે દરેક અંગત વાત થઈ શકે. દરરોજ મળવાનું બની શકે. ફક્ત વોટ્સએપ્પ પર કે ફેસબુક પર ખબર પૂછી લેવાના અને વાત પણ નહીં કરવાની તેને મિત્રતા કહી શકાય ખરી? ફેબ્રુઆરી ૨૦૧૭માં બોસ્ટનમાં થયેલી એક કોન્ફરન્સમાં ચર્ચાયું કે પુરુષોને ભેગા થવા માટે કોઈકને કોઈક પ્રવૃત્તિની જરૂર હોય છે જ્યારે સ્ત્રીઓ ફોન ઉપર પણ મિત્રતા રાખી શકે છે. એટલે કે ખુલીને વાત કરી શકે છે. સ્ત્રીઓ લાંબી વાતો કરે છે તેનો ફાયદો આ પણ છે. ડૉ. રિચાર્ડ પણ કહે છે કે તેમની પત્ની ફોન પર બહેન સાથે કલાકો સુધી રોજ વાત કરે છે. જ્યારે હું પાંચ મિનિટ જ વાત કરી શકું. મારા દરેક પુરુષ મિત્રો પણ ફોન પર લાંબી વાત કરતા નથી. પુરુષે જો એકલા ન પડવું હોય તો થોડો પ્રયત્ન કરવો પડશે. પોતાના કોચલામાંથી બહાર આવવું પડશે. મને આની સાથે નથી ફાવતું કે મને સમય નથી એવું કહેવાને બદલે એવી કોઈ પ્રવૃત્તિ શોધો કે જેમાં તમારે બીજા પુરુષ મિત્રો સાથે નિયમિત મળવું પડે. જેમ કે મેરેથોન દોડવી, દર રવિવારે એકાદ કલાક રમતો રમવી કે પછી જીમમાં જવું કે રોજ સવારે બીચ પર મિત્રો સાથે ચાલવા જવું.

તન અને મનના સ્વાસ્થ્ય માટે મિત્રો સાથે નિયમિત સમય વિતાવવો આવશ્યક છે. નહીં તો શક્ય છે કે તમે ચીડચીડિયા અને કંટાળાજનક પ્રૌઢ વ્યક્તિ બનીને રહી જશો. પાંત્રીસ વરસની વયથી જ તમે પૈસા કમાવાના ચક્કરમાં એકલા ન પડી જાઓ તેનું ધ્યાન રાખવાનું શરૂ કરો. મિત્રો બનાવો એટલું જ નહીં તેમની સાથે નિયમિત વાતો કરો, સમય વીતાવો.

You Might Also Like

0 comments