પૈસા વિના જીવી શકાય? (સાંજ સમાચાર)

04:48


ઈન્ટ્રો – સૌને દિવાળીની શુભકામના. ખરાં અર્થમાં સમૃદ્ધ જીવન જીવતાં એક વ્યક્તિની વાત માંડીએ, હોંકારો દેજો... 

પૈસા વિના જીવી શકાય? એ પ્રશ્નનો ઉત્તર શું હશે તે આપણે જાણીએ જ છે.  આજે એવી દરેકની માન્યતા છે કે પૈસા વિના ડગ પણ માંડી ન શકાય, આપણા સાધુઓ  પણ એવું જ માને છે. એક જમાનો હતો કે સાધુઓ સહજ જીવન જીવતા હતા. આજે પણ કદાચ ક્યાંક રડ્યા ખડ્યા કોઈ સાધુજીવન જીવતાં હશે. લક્ષ્મી સુખ સંપત્તિ લાવે છે પણ શું ખરેખર સુખનું સમાધાન આપણે અનુભવીએ છીએ?  આજે આપણે ઉપભોક્તાવાદની માર્કેટમાં સતત ઘસડાઈ રહ્યા છીએ. ગમે તેટલા પૈસા હોય તો પણ અસંતોષ સતત આપણને સ્ટ્રેસ અને સંઘર્ષમય જીવન જીવવા પ્રેરે છે.  સમૃદ્ધિ સાથે લક્ષ્મીને ચોક્કસ જોડી હશે આપણા પૂર્વજોએ. ત્યારે રૂપિયા નહોતા. બાર્ટર સિસ્ટમ સમાજમાં હતી. બધા પોતપોતાના હુન્નરથી એકબીજાને ઉપયોગી થતા હતા. ધાન્ય કે ધાન કે અનાજ જે કહોતે ખરી રીતે સમૃદ્ધિનું પ્રતીક છે. તેના વિના જીવવું અશક્ય છે. તેને માટે પૈસાની જરૂર નહોતી. પૈસાની શોધ નહોતી થઈ ત્યારે પણ અનાજ ઊગતું જ હતું. એટલે અહીં આજે માર્કેટને ચલાવતાં પૈસાની નહીં પણ વિચારોની અને જીવનને સમૃદ્ધ રીતે જીવી શકાય કે નહીં તે વિશે વાત કરીશું.  ગાંધીજીએ સાદું અને સરળ જીવન અપનાવ્યું હતું, તેમની જેમ જીવવાની  હિંમત ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા મળી શકે. હા અત્યાર સુધી કેટલાક ગાંધીઅન ફિલોસોફીની રીતે જીવતાં જોવા મળ્યા છે, પણ હવે તો તેમાં પણ દેખાડો જ વધુ લાગે. તેમની ફિલોસોફી પ્રમાણે જીવવું એટલે સમાજ માટે જીવવું, સાદાઈથી જીવવું. તમને આજે અમેરિકામાં પૈસા વિના જીવતા ડેનિયલ જેમ્સની વાત કરવી છે. જે કાર્બન ફુટ(કચરો, પ્રદુષણ) પેદા નથી કરતો અને કુદરત સાથે કુદરતી જીવન જીવે છે.
ડેનિયલ જેમ્સ શેલાબર્જર ઊર્ફે સુએલોના નામે જાણીતો એક અમેરિકન છેલ્લા સત્તરેક વરસથી વગર પૈસે જીવે છે. જો કે આ વાત સાંભળીને આપણને ભારતીયોને નવાઈ ન લાગે કારણ કે આપણે ત્યાં કેટલાય સાધુઓ એવું જીવન જીવતા હોય છે. પણ ભૌતિકવાદમાં માનતા અને ઉપભોક્તાવાદમાં જીવતા દેશ અમેરિકામાં સુએલોએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તેના કેટલાય અમેરિકન મિત્રો પૈસા વગર જીવી શકાય તે માનવા તૈયાર નહોતા. (આજે તો આપણે ત્યાં પણ આજ પરિસ્થિતિ છે.) પૈસા તેમના માટે હવા જેટલા જ અગત્યના છે જો કે હવે તો ભારતમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે સુએલોના જીવનસંદેશ પર નજર નાખવા જેવી છે. 1961ની સાલમાં અમેરિકાના ડેનેવરના પરા અર્વાડામાં જન્મેલા સુએલોએ કોલોરાડો યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીસ્ટની ડિગ્રી લીધી છે.  તેણે ડોકટર બનવાનું પણ વિચાર્યુ હતું. 1987માં તેની પાસે નોકરી હતી , બેંકમાં અકાઉન્ટ હતું. લેબ આસિસ્ટન્ટ તરીકે વરસો સુધી કામ કર્યા બાદ તે પીસ કોર્પમાં જોડાયો હતો ત્યાં આદિવાસી ગામડાઓમાં  લોકોને પોષક આહાર મળે , ફર્સ્ટ એઇડ શિખવાડવું  અને દવાઓ મળી રહે તેનો ચાર્જ તેને સોપાયો હતો. તેણે પ્રથમ બે વરસમાં જ નોંધ્યું હતું કે ગામડાઓમાં લોકો કૃષિ પેદાશ વેચીને વધુ પૈસા મેળવતા હતા અને તે પૈસા વડે તેઓ તેમને અત્યાર સુધી જરુરી નહોતી એવી દરેક વસ્તુઓ ખરીદતા હતા જેમકે ટીવી, ઠંડા પીણાઓ, જંક ફુડ વગેરે ... તેઓ પહેલાં કરતાં વધુ બિનઆરોગ્યપ્રદ જીવન તરફ ગતિ કરી રહ્યા હતા.પહેલાં કરતાં તેઓ વધુ માંદા પડી રહ્યા હતા. તેને દેખાઈ રહ્યુ હતું કે પૈસા આવવાને કારણે લોકોના જીવન દેખીતી રીતે સુધરી રહ્યા હતા પણ તેમનું જીવન અને સ્વાસ્થય કથળી રહ્યું હતું. તેને પૈસા બાબતે અનેક પ્રશ્નો થયા પણ હજી તેને કેટલાક સવાલોના જવાબો નહોતા મળતા તેથી તે મોઆબ વિસ્તારમાં શિફ્ટ થયો.એક મહિલા સેલ્ટરમાં તે કામ કરવા લાગ્યો. તેને લોકોને મદદરુપ થવું હતું,પણ મદદ કરવા માટે પૈસા લેતા તેનું હૈયુ ડંખતુ હતું. તેને લાગતું કે કોઇની સેવા કે મદદ કરવાના ભાગરુપે બદલામાં પૈસા મેળવવા તે અપ્રામાણિક લાગતું હતું. તેને બાળપણમાં શીખેલા ક્રિશ્ચિયાનિટીના પાઠ યાદ આવતા હતા. દરેક વસ્તુ મફત હોવી જોઇએ. કોઇ કોઇના જ ઉપકાર હેઠળ કે દેવામાં ન હોય. કોઇની પણ વસ્તુ માટે માલિકીભાવ ન હોય. ગુનાહિત લાગણી વિના કે કોઇના વિશે અભિપ્રાય કે ભેદભાવ રાખ્યા વિનાનું જીવન હોય...તેને લાગતું કે આપણે પૈસાના ગુલામ બની રહ્યા છીએ. પૈસા સિવાય મુક્તિ હોઇ શકે તેવા જીવનની શોધ તેણે આદરી..તદ્દન મુક્ત જીવનની શોધમાં તે થાઈલેન્ડ બુધ્ધ મોનેસ્ટ્રીમાં જઇ રહ્યો. ત્યાંથી તે ભારત આવ્યો અને સાધુઓ સાથે રહ્યો. તેણે જોયું કે આ સાધુઓ પૈસાવગર  ચિંતા મુક્ત જીવન જીવતા હતા. તેને સાધુ જીવન જીવવું હતું પણ તેણે વિચાર્યું કે ભારતમાં સાધુ જીવન જીવવું સહેલું હશે. ખરી કસોટીતો જ થાય જો એ ભૌતિકવાદ અને પૈસાને જ સર્વસ્વ માનતા દેશમાં જઇને સાધુજીવન જીવી શકે. એટલે તે અમેરિકા પરત ફર્યો. 2000ની સાલથી તેણે દરેક પ્રકારની માલિકીનો ત્યાગ કર્યો. પૈસા, ક્રેડિટ કાર્ડ ,બેંક અકાઉન્ટ, ઘર બધું જ ત્યાગીને તે ઉટાહ વિસ્તારમા આવેલ એકાદ ગુફામાં જઇને રહેવા લાગ્યો. કોઇની પાસેથી  પણ તે કોઇ મદદનો સ્વીકાર નથી કરતો. આસપાસમાંથી જે કંઇ સહજતાથી મળે તે ખાય, પીએ છે. તેણે 2009ની સાલમાં નજીકમાં આવેલ માઓબ શહેરની લાયબ્રેરીમાંથી પોતાનો  બ્લોગ નામે લિવિંગ વિધાઉટ મની પણ શરુ કર્યો જેના ઉપર પૈસા વગર જીવી શકાય કે નહીં ?... પૈસા કઇ રીતે છોડવા.?.. વગેરે લોકોના મનમાં ઊઠતા પ્રશ્નોના પોતાના અનુભવ પરથી જવાબો લખે છે. તેણે બ્લોગ પર કબૂલ્યું છે કે જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તેને હંમેશા કશાકને કશાકની ખોટ સાલતી હતી. આજે તેને પૈસા વગર જીવવામાં કશાયની ખોટ સાલતી નથી કારણ કે તે દરેક ક્ષણમાં જીવે છે. ગઈકાલની કે આવતીકાલની ચિંતા કરતો નથી. માંદો થાય તો શું  તેની પણ ચિંતા કરતો નથી. દેશનું અર્થશાસ્ત્ર કે માર્કેટની મંદી,ચડતીની તેને કોઇ અસર થતી નથી. તેણે બ્લોગ પર  લખ્યું છેકે પૈસા તમને સતત ઓછપનો અનુભવ કરાવે છે. પૈસા ગઇકાલ (દેવુ) અથવા આવતીકાલ (ઉધાર)  દર્શાવે છે પણ ક્યારે ય તમને વર્તમાન દર્શાવી નથી શકતો. ડેનિયલ સુએલોની ફિલોસોફી આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલી છે. છેલ્લા સાત વરસમાં તે બે વાર પાછો ઘરમાં આવીને રહ્યો પોતાના માતાપિતાની સેવા માટે. તેના પિતા ગુજરી ગયા બાદ વળી તે ચાલી ગયો હતો. લોકો તેને ભાગેડુ અને દંભી પણ કહે છે. તેણે પોતાના બ્લોગ પર સરસ જવાબ આપ્યો છે. સુએલો કહે છે કે હું ભાગેડુ નથી. વસ્તીમાં રહું છું. માનવજાત એકબીજા પર નિર્ભર છે. પણ પૈસાને માટે નહીં તે જ મારે પુરવાર કરવું છે. જીવન માટે આપણું અસ્તિત્વ અને એકબીજાનો સહકાર જરૂરી છે પૈસા નહીં. પૈસાને લીધે જ ભ્રષ્ટાચાર પ્રવેશે છે. ભ્રષ્ટાચાર રહિત જીવન મારે જીવવું છે એટલે જ સરકારી કોઈ જ મદદ હું લેતો નથી. મારું ખાવાનું ઊગાડું છું, કપડાં, જૂતાં બનાવી લઉં છું. અને હા ટેકનોલોજી કે વિકાસનો વિરોધી નથી. (તે ફેસબુક ઉપર પણ છે જસ્ટ ચેક ઈટ) સુએલોને મોટી પ્રકાશન સંસ્થાએ તેની આત્મકથા લખવાની ઓફર કરી ત્યારે એણે શરત મૂકી કે એ માટે હું એકપણ પૈસો નહીં લઉં અને તમારે પુસ્તક મફતમાં વેચવાનું. પેલી કંપનીએ શરત કબૂલ ન કરી. પછી તેના પર પુસ્તક બીજા પાસે લખાવ્યું ત્યારે પણ સુએલો એ થોડી પ્રત મફતમાં વેચાય જ એવી શરત મૂકી. સુએલો કહે છે કે હું તાણરહીત જીવન જીવું છું. આપણે એવું કહી શકીએ ખરા?
આપણે તેને અનુસરી ન શકીએ તોય આપણી રોજિંદી ચિંતાઓને કંઇક અંશે સમજીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જરુર કરી શકીએ. આજે ધનતેરસે આપણે સાચી સમૃદ્ધિની પૂજા કરી તેને આપણા જીવનમાં ફરીથી આવવા પ્રાર્થના કરીએ.  

You Might Also Like

0 comments