સોશિયલ મીડિયા સંવેદનાના તાર ઝણઝણાવી શકે (mumbai samachar)

08:13



હેલ્લો મેમ ... પર્સનલ મેસેજ બોક્સમાં મેસેજ ચમકે... તમારે અંગત રીતે તેમની સાથે વાત ન કરવી હોય તો પણ મેસેન્જરમાં મુજસે દોસ્તી કરોગી જેવા સવાલો મોટાભાગની સ્ત્રીઓને મળતા હોય છે. ગુજરાતીની વાત કરીએ તો મેં અંગત રીતે કરેલા અભ્યાસ મુજબ દરેક ઉંમરની સ્ત્રીઓની સાથે દોસ્તી કરવા માટે ગુજરાતના પુરુષો તૈયાર હોય છે. તમે એમને ફ્રેન્ડલિસ્ટમાં સામેલ કર્યા હોય કે ન કર્યા હોય તો પણ અંગત મેસેજ મોકલીને સંપર્ક કરવા પ્રયત્નો કરે. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. કેટલાક વળી જવાબ ન આપો તો કહે કે અરે જવાબ તો આપો. અને જો સ્ત્રી એમ લખે કે અંગત વાતચીત નહીં કરે તો સામે એવું ય કહે કે તો પછી ફ્રેન્ડસ શું કામ બનાવ્યા. ફેસબુક પર મોટાભાગના પુરુષો ડેટિંગની શોધમાં જ આવતા હોય છે. તેમાં જરૂરી નથી કે ફિજિકલ સંપર્ક કરવા માગે પણ માનસિક જરૂરિયાત અને સંતોષ માટે પણ સંબંધની ઈચ્છા હોય. સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે પુરુષો મોટેભાગે સ્ત્રીના દેખાવ પર ફીદા થઈ જતા હોય છે. સુંદર યુવતી કે મહિલાના ફોટાઓ પર જે રીતે લાઈક કે કોમેન્ટ લખાય તેના પરથી પુરુષની માનસિકતા છતી થતી હોય છે. ઉંમરના બાધ વગર કોમ્પલિકેટેડ સંબંધોના સમીકરણો સાયકોલોજિસ્ટ પાસે પહોંચતા જ હોય છે. સોશિયલ સાયબર સાયકોલોજી કહી શકાય.

ફાયનાન્સ ઓનલોઇન ડોટ કોમ દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૧૭ % પુરુષો ડેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જ્યારે માત્ર ૭ ટકા સ્ત્રીઓ જ ડેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પણ જો આ સર્વે આપણે ત્યાં થાય તો ટકાવારી ચોક્કસ વધી જાય. સોશિયલ મીડિયા દરેક વખતે ખરાબ જ હોય તેવું નથી. આજે અહીં તેના સારા પાસાંઓને જોવાનો પ્રયત્ન કરીશું. સોશિયલ મીડિયા દ્વારા પુરુષત્વને નવો આયામ મળે છે તે તો દરેક સંશોધનકારો સ્વીકારે જ છે. કઇ રીતે તે જોઇએ---

પુરુષોને બહુ સોશિયલ થવું ગમતું નથી હોતું. ભલે કહેવાતું હોય કે પુરુષોની સાયકોલોજીમાં કંઇ કોમ્પલિકેટેડ નથી હોતું. સિમ્પલી મેનમાં સિમ્પલ શબ્દ આવતો હોવા છતાં સોશિયલ મીડિયામાં પુરુષોની આઇડેન્ટિટી કળવી મુશ્કેલ હોય છે. સાયકોલોજિસ્ટ અને માર્કેટિંગવાળા બેઉ જણાઓએ તેનો અભ્યાસ કર્યો છે. માણસો આદતના ગુલામ હોય છે અને સોશિયલ મીડિયા પણ આદત તરીકે હવે આપણા જીવનમાં દખલ દઈ જ રહ્યું છે. ફેસબુકથી લઈને બ્લોગ, ટ્વીટરથી લઈને વોટ્સએપ મોબાઈલ દ્વારા જીવનની ઝીણીમાં ઝીણી બાબતોનું અપડેટ સતત થતું રહેતું હોય છે. અને તેમાં પણ પૌરુષત્વના એવા પાસાં છતાં થાય છે જે જાણીતા છે છતાંય અહીં બદલાયેલા જણાય છે. પુરુષો મોટેભાગે ભાવનાઓને વ્યક્ત કરવાનું ટાળે છે કે અમારા સ્ત્રીઓની સરખામણીએ વાતો ઓછી કરે છે અને લાગણીઓ વ્યક્ત કરવાની તેમને આદત નથી હોતી. પણ સોશિયલ મીડિયા પર પુરુષો હવે એવા એવા વિષયો પર સંવાદ કરે છે જે સામાન્ય રીતે તેઓ ટાળતા હોય છે અથવા ક્યારેય એ વિષયો પર ચર્ચા જ નથી કરતા હોતા.

સોશિયલ મીડિયાએ પુરુષોની ભીતરની છબીને બહાર લાવી દીધી છે. ક્યારેક નવાઈ લાગે કે આ પુરુષની માનસિકતાનો તો ખ્યાલ જ નહોતો. ડેડીસ બ્લોગ અને ડાયપર કેવી રીતે બદલવા, બાળકો સાથે મિત્રતા કેવી રીતે કેળવવી અને અફકોર્સ ડેટિંગ અંગે પણ સલાહ-સૂચનોની આપલે કરે છે. પુસ્તકો, રાજકારણ અને સ્પોર્ટસ તો એમના એવરગ્રીન વિષયો છે અને રહેશે જ. પુરુષો ગ્રુપ થેરેપીમાં બોલવા કરતાં તેમના માટે સોશિયલ મીડિયા વધારે સરળ છે એવું કહી શકાય. સ્ત્રીઓની એક ફરિયાદ હોય છે કે સોશિયલ મીડિયામાં પુરુષોને સ્ત્રીઓ સાથે અંગત મૈત્રી કરવામાં ખાસ્સો રસ હોય છે. પણ તેમાં બિચારા પુરુષો શું કરે તેમને પૂર્વજો તરફથી એટલે કે મન મળ્યું છે મર્કટ જેવું... પુરુષ માત્રનો રસ એક પત્નિવ્રતમાં નથી ટકી શકતો. તેમને પોતાની પત્નિ અને ગર્લફ્રેન્ડ સિવાય દરેક અન્ય સ્ત્રી માટે ફેન્ટસી કરવી ગમતી હોય છે. સોશિયલ મીડિયાનો મોટો ફાયદો એ કે તેમને ફેન્ટસી માટે અનેક રસ્તા મળી રહે છે. ખરેખર પોર્ન જોતાં જો પકડાઈ જવાના ડર હોય કે વાયરસથી ડરતાં હોય તો ય સોફ્ટ પોર્ન જોવાનું તેઓ ટાળી નથી શકતા. સોશિયલ સાઈટના ઉપયોગથી મૈત્રી કરી પોતાની ફેન્ટસી સુધી પહોંચવાના ય પ્રયત્નો કરશે. પુરુષો સૌથી વધુ યુટ્યુબનો ઉપયોગ કરે છે. તેમને અન્ય વિષયોની સાથે આઇટમ સોન્ગ જોવા પણ ગમતા હોય છે. આ બાબતે પુરુષની ઉંમરમાં કોઇ બાધ હોતો નથી. લવરમૂછિયાથી લઈને ધોળી મૂછવાળાને પણ થોડો સમય પહેલાં ટેલિવિઝન પર એક મોબાઈલ ઓપરેટરની જાહેરાત આવતી હતી તેમાં દાદાને મુન્ની બદનામ હુઇ ગીત સાંભળતા પૌત્રી પકડે છે. જાહેરાતવાળા જાહેરાત બનાવતા પહેલાં દરેકના માનસનો અભ્યાસ કરતાં હોય છે. એની વે મોબાઈલ પર કે કોમ્પયુટર પર પુરુષો સ્ત્રીઓના ફોટા કે ગીતો જોવામાં વધારે સમય વીતાવે છે. તેનું કારણ ટેસ્ટેટેરોન જ છે.

મોબાઈલ , આઈપેડ સાથે તમે કેટલી ય વાર પુરુષોને ડીનર ટેબલ પર, ફંકશનમાં, મીટિંગમાં, શ્મશાનમાં, ટ્રેનમાં ઊભા ઊભા , ફિલ્મ જોતાં કે પછી તમારી સાથે વાત કરતાં પણ મેસેજિંગ કે ટેક્સ્ટ વાંચતા કે લખતાં જોયા હશે. આ ટેકનોલોજી આપણને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર આપે છે. કેટલા પુરુષો તો અડધી રાત્રે બાથરૂમ જવા ઊઠે તો સાથે મોબાઈલ લઈને જાય. અરે દિવસે ય ઓફિસ ટોઇલેટમાં તમે તો એક હાથે મોબાઈલ પર ટેક્સ્ટ કરતાં કે વાંચતા જોયા જ હશે. ઇટ્સ કોમ્પલિકેટેડ રાઈટ? વહેલી સવારના આપણે ત્યાં પહેલાં કર મધ્યે તું ગોવિંદ .... શ્ર્લોક બોલીને ખાલી હાથ જોઇને સવાર પડતી પણ હવે ઊઠીને સીધા મોબાઈલ લઈને ટ્વીટર, ફેસબુક, ઇમેઇલ જોતાં પુરુષોમાં તમે તો નથી જ ને? આદત પડી જતી હોય છે વારે વારે મોબાઈલ જોવાની. અપડેટ રહેવાની અને એમાં ય જો ... ગર્લફ્રેન્ડ હોય તો... પછી કહેવું જ શું. નવા લવ ફોટો, લવક્વોટ શોધવા .... ઇમોકેશન વગેરે વગેરે ઉંમર અચાનક નાની થઈ જતી અનુભવાય... થેન્કસ ટુ સોશિયલ મીડિયા...ટેસ્ટેટેરોન પણ વધી જાય.

પુરુષોના મનમાં સેક્સના વિચારો ન હોય ત્યારે સ્પોર્ટસના વિચારો હોય છે. ટ્વીટર, ફેસબુક,બ્લોગ અને વ્હોટ્સએપ ઉપર પણ સતત સ્પોર્ટસ અંગે ટીકાટિપ્પણ અને ચર્ચાઓ... પોતાની લાઈક માઇન્ડેડ વ્યક્તિઓ સાથે ગ્રુપિંગ પણ થાય. ટ્રેકર્સથી લઈને ફુટબોલર, ક્રિકેટર, મેરેથોન, રાજકારણ, સાહિત્ય વગેરે વગેરે અનેક ક્ષેત્રે પુરુષત્વની હરીફાઈ હોય. સ્પોર્ટસમાં જે પેશનથી તમે પુરુષો ચર્ચા કરો રમતમાં જે રીતે એકરૂપ થઈ જાઓ તે જોઇને અમને સ્ત્રીઓને ખરેખર ઇર્ષ્યા પણ આવે અને સારું ય લાગે કે હાશ... અહીં કોઇ બીજી સ્ત્રી નથી તમારું ધ્યાન જે અમારાથી દૂર કરી રહી છે. ટ્રેનમાં કે બસની મુસાફરીમાં ય પુરુષોને મોબાઈલ પર ક્રિકેટ કે ફુટબોલની ગેમ રમતાં જોયા છે. અહીં પુરુષોની હરીફાઈ સ્ત્રીઓ નથી કરી શકતી.

મહત્ત્વની વાત એ કે સોશિયલ મીડિયા પુરુષત્વનું એવું પાસું રજૂ કરે છે કે જે પહેલાં અજાણ્યું હતું. તે એ કે પુરુષો પણ કનેક્ટ થવા ઉત્સુક હોય છે. સંવાદ સાધવા તત્પર હોય છે. તે પછી અન્ય પુરુષો સાથે હોય કે પછી સ્ત્રી સાથે હોય. તેઓ ફક્ત ટાઈમપાસ નથી કરતા પણ મિનિંગફુલ રીતે જોડાવા, જાણવા ય ઉત્સુક હોય છે. સોશિયલ મીડિયાનું સૌથી સારું પાસુ એ છે કે સરખો રસ ધરાવતી દુનિયાના કોઇપણ ખૂણામાં રહેતી અનેક વ્યક્તિઓ સાથે આપણને જોડી આપે છે. મેન ટુ મેન ટોક અહીં શક્ય બનતી હોય છે. ફિલ્મ, મ્યુઝિક , રાજકારણ, રમતગમત , પ્રવાસ, વાંચન આ મુખ્ય વિષયો હોય છે જ્યારે મેન ટુ મેન ટોક ચાલતી હોય સોશિયલ મીડિયા પર, હા તેમાં ગાળો ય આવે જ... શબ્દો, વાક્યો અને માહિતીની આપલે સાથે મંતવ્યોની હારોહાર વણાઈ જતી મેનલી સ્લેન્ગ લેન્ગવેજ.... નો વે ત્યાં અમારો પ્રવેશ નથી. પૌરુષિય સંવાદ સ્ત્રી વગર પણ શક્ય બને છે અને સ્ત્રી સાથે ય શક્ય બને તે સોશિયલ મીડિયા પર. પુરુષોને બોલકા, સંવાદ સાધતા કરી મૂકવા માટે સોશિયલ મીડિયાનો આભારે ય માનવો જ ઘટે.

You Might Also Like

0 comments