ઊંડા અંધારેથી પરમ તેજ તરફ - આત્મનિરીક્ષણ (mumbai samachar)

01:31




ગયા અંકમાં પુરુષોને સતાવતી એકલતા વિશે લેખ સંબંધે અનેક સવાલો પુરુષો તરફથી મળ્યા. કોઈકનું માનવું છે કે લગ્ન કર્યા હોય તો એકલતા ન અનુભવાય તો તેની સામે સવાલ આવ્યો કે લગ્ન ન કર્યા હોય તે પુરુષનું શું? શું લગ્નથી ખરેખર એકલતા દૂર થાય? આ બધા સવાલોએ બીજો લેખ લખવા પ્રેરી. આજે ધનતેરસ અને દિવાળીનું પર્વ હોય અને એકલતા અને ગમગીનીની વાત કરવી કે નહીં તે વિચાર પણ આવ્યો. દિવાળીનું પર્વ અમાસના દિવસે આવે. આપણે દીવા પ્રગટાવી અંધકારને દૂર કરીએ. મુંબઈમાં તો અંધારું જણાય નહીં પણ અંતરિયાળ ગામોમાં જાઓ તો દીવાનું પ્રાગટ્ય અંધારામાં અનેરી આભા રચે. ખૂબ બધું અંધારું અને ટમટમતા તેલના દીવાઓ સુંદર, શાંત વાતાવરણ ઘડે. એમાં નીતર્યા વિચારો ન આવે તો જ નવાઈ. એટલે જ જ્યારે બીજા દિવસે સવારે નવા વરસની આભા જીવનમાં પણ નવા પરોઢની લાલિમા જુએ.

દીવાના સૌમ્ય પ્રકાશમાં લાંબેની નહીં પણ પાસેની વસ્તુઓ સ્પષ્ટ દેખાય. જીવડાંઓ પણ તેના તરફ આકર્ષાય. આ સૌમ્યતા સો વૉલ્ટના બલ્બના કંડીલમાં ન જણાય. એક જમાનો હતો જ્યારે દિવાળીમાં ક્યારેય કોઈ બારણા બંધ ન હોય. આસપાસના પડોશીઓ સતત એકબીજાના ઘરમાં અવરજવર કરે. નવા વરસે તો સગાંવ્હાલાંઓ પણ ભેગા થાય. તે છતાં કેટલાક વિધુર, એકલા પુરુષોના ઘરમાં બપોરે એકલતાનું અંધારું ઘેરી વળે. ૪૫ અને ૫૪ વરસની વય એવી હોય છે કે ત્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળની સાથે એક અંતર અનુભવાય છે. અધૂરાં સપનાંઓ પૂરા કરવાની શક્યતાઓ નહીંવત હોય છે. તો સપનાંઓ જોવાની હિંમત ખૂટી ગઈ હોય છે. વર્તમાનમાં જીવવાનું આપણા શાસ્ત્રો કહે છે પણ તેને અનુસરવું અઘરું હોય છે. વળી વધતી વયની સાથે આવતી પોતાની કે પોતાના સ્વજનની બીમારી. બાળકોનું પોતાના વિશ્ર્વમાં ખોવાઈ જવું વગેરે પુરુષ પોતાની સંવેદનાને ક્યાંક અંદર બંધ કરી દે છે. બાહ્ય રીતે તે સ્વસ્થ રીતે બોલે છે, ભળે છે પણ અનેક બદલાતી પરિસ્થિતિઓ અને વધતી વયને સ્વીકારવું કે પહોંચી વળવું મુશ્કેલ લાગે છે. ન કહેવાયેલી વાત સ્ટ્રેસ બનીને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ પેદા કરે છે.

કેટલીય વાર આપણે સાંભળીએ છીએ કે નાની વયે ફલાણા ભાઈને હાર્ટએટેક આવી ગયો. કશું જ નહોતું ને અચાનક ચાલી ગયા. બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટી આ ઉંમરે વધે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસની દવાઓ દસમાંથી આઠ વ્યક્તિઓ લેતી હશે. તો વળી એવુંય બોલાય કે કોઈ જ વ્યસન નહોતું તે છતાં એવું કેમ બન્યું? વ્યસનનો પક્ષ નથી લેવો પણ વ્યસન ધરાવનાર સ્ટ્રેસથી તાત્પૂરતા મુક્ત થતાં હોય છે, વળી મોટેભાગે તેઓ મિત્રો સાથે વ્યસન નિમિત્તે પણ મળતાં હોય છે. જ્યારે સાદો, સરળ માણસ બહારથી સ્વસ્થ હોય, દરેક કામ હસતાં હસતાં કરતો હોય પણ તેની અંદર ન સમજાય એવી ગડમથલ ચાલતી હોય. તે વિશે તેને પત્ની સાથે કે મિત્ર સાથે સંવાદ કરવાની આદત ન હોય તો તે ડિપ્રેશન અનુભવે છે. તેની અસર તરત જ બહાર દેખાય એવું જરૂરી નથી. આજના ગ્લોબલ જમાનામાં સતત ઉપભોક્તાવાદ, ભવિષ્યના પેન્શન અને બીમારીમાં સલામતીને પણ વીમા દ્વારા ખરીદવાની. માર્કેટ તમારામાં સતત અસલામતીનો ભય ભરે છે. જેથી એ ભય દ્વારા તમે વધુને વધુ સલામતીની ખરીદી કરો. સલામતી ખરીદવા માટે તમને વધુ પૈસા જોઈએ. જેટલા પણ હોય તેટલા પૈસા આજે ઓછા જ પડે. એટલે ફેઈલ્યોરિટીનો ભય પણ પુરુષને સતત અંદરથી કોરી ખાતો હોય છે. જેમ જેમ ઉંમર વધે તેમ એ ભય વધુ ઘેરો બનતો જાય. મિત્રો અને સ્વજનના ટોળાંથી ઘેરાયેલો રહેતો વ્યક્તિ પણ હૃદયના કોઈક ખૂણે અસલામતીના ભયને પાળીને બેઠો હોય.

પહેલાના જમાનામાં સંતોષ હતો એટલે પૈસા ઓછા હોય કે ન હોય તો પણ સુખ હતું. આજે સુખ આપણે બહાર જ શોધીએ છીએ. પરિણીત હો તો પત્નીને કેટલું સોનું આપી શકાયું, કેટલા દેશોમાં ફરવા લઈ શકાયું. બાળકોને વિદેશમાં ભણવા મોકલી શકાયા કે નહીં? અપરિણીત હોય તો પછી મારું કોણ કરશે એટલે પૈસા કમાવામાં જીવન જીવવાનું રહી જ ગયું હોય. મિત્રો અને સ્વજનો સાથે સંબંધો નિભાવવાનો સમય ન મળ્યો હોય. જે વ્યક્તિ પોતાની ચિંતા, ભય વિશે બીજી વ્યક્તિ સાથે વાત નથી કરતી તેને એકલતા અને અસલામતી સૌથી વધુ અનુભવાય છે. પુરુષ તરીકે પોતે ચિંતિત કે ભયભીત હોય કે પછી સો કોલ્ડ જવાબદારીઓ નિભાવી ન શક્યો હોય તો તેને પુરુષત્વની નાલેશી લાગે. સ્ત્રીઓની ઉપર જેમ સમર્પણ, ત્યાગ, સેવા અને સદાચારના સ્ટિગ્મા હોય છે તેમ પુરુષોને માથે પણ આ સ્ટિગ્મા ચોંટેલા હોય છે. જેના વિશે કહેવાતું કે વિચારાતું નથી. પુરુષપ્રધાન સમાજની તકલીફો પુરુષોને પણ નડે છે. વળી ન્યુક્લિઅર ફેમિલી થવાને લીધે આવી એકલતા વધી રહી છે. ગામડાઓ ખાલી થઈ રહ્યા છે તો શહેરોમાં દરેકે દુનિયા નાની જ રાખી હોય છે. વળી, યુવાનીમાં કમાણી એ જ એકમાત્ર લક્ષ્ય રાખ્યું હોય છે. ઉંમર વધતાં પોતાની ક્ષમતા ઓછી થઈ રહી છે તે સ્વીકારવું અઘરું બને છે. બોલીવૂડમાં પણ જુઓને પચાસ વરસના અભિનેતાઓ યુવાન પ્રેમીની, લડાયક હીરોની ભૂમિકાઓ કરતા હોય છે. લોકોને હજી પણ રજનીકાન્ત કે શાહરુખ, સલમાન, આમિર હીરો તરીકે ગમે. એ લોકો જે રીતે સ્ક્રીન પર વર્તતા હોય છે તે રીતે એટલી જ વયનો પુરુષ વર્તી શકે છે ખરો? તો એ લોકો શું કામ ચાલે છે? ફેન્ટસી - પુરુષોનેય આ ઉંમરે આવું કરી શકાય તેવી કલ્પના ગમે છે. બાકી વાસ્તવિકતામાં તો આસપાસ દેખાતા યુવાનોમાં તેમનું સ્થાન રહ્યું હોતું નથી. જનરશેન ગેપ દેખાતો હોય છે. સ્વીકારવો અઘરો લાગે છે. યુવાન સ્ત્રીઓ હવે કાકા કહે. કેટરિના, અનુષ્કા સલમાન સાથે ફિલ્મમાં ઈશ્ક કરશે, પણ તમારી સામે જોશેય નહીં.

આવા અનેક રિજેકશન, ફેઈલ્યોરિટી પુરુષને સતત એકલો પાડી દે છે. સતત બદલાતી દુનિયા સાથે તાલ મિલાવવો સહેલો નથી રહેતો. હા, સોશિયલ મીડિયા તમને નવી ઈમેજ ઊભી કરવામાં થોડાઘણા અંશે મદદરૂપ થાય છે. પણ માનસિકતા કેવી રીતે બદલાય? આ બધું ફરીથી વિગતે લખ્યું કારણ કે પહેલાં તો અંધારું જોવું પડશે. સ્વીકારવું પડશે પછી તેમાં સમજણનો દીવો પ્રગટાવવાનો છે. આપણું અજવાળું ઊભું કરવાનું છે. તેમાં હવે લાંબે નહીં પણ નજીકનું જોવાનું છે. પાસે જે છે તેનો સ્વીકાર અને તે પરિસ્થિતિને સુંદર બનાવવાની છે. ભૂતકાળ પણ અંધારામાં જ છે. તેને જોવાની કે પકડી રાખવાની મથામણ છોડી દેવી જોઈએ.

નવો શોખ કેળવવો. જે પહેલાં કરી નહોતા શક્યા એ હવે કરવું. જેમકે તબલા, સિતાર, ગિટાર જેવા કોઈ વાજિંત્ર શીખવા બહાર જાઓ. ભણવાની ઈચ્છા હોય તો ભણો, રમતગમત માટે ક્લબમાં જોડાઓ. પેઈન્ટિંગ શીખવાનું ગમતું હોય તો તે કરો. સમાજસેવા કરવી હોય તો ફક્ત પૈસા આપીને છૂટી ન જાઓ. ખરેખર કામ કરો. જેમ કે ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન આપવું. આમ કરવાથી તમે ફરીથી યુવાન સમાજ સાથે જોડાશો. તમારી ઉંમરની વ્યક્તિઓ સાથે પણ નવું શીખો કે નવા સ્થળોને એક્સપ્લોર કરો. જીવનની એકવિધતા તોડીને બહાર નીકળો. નવા વિશ્ર્વનું દર્શન થશે. ભણવાનું કે શીખવાનું કમાણી માટે જ હોય તે માન્યતાને તોડો. અભ્યાસ કોઈપણ ઉંમરે પોતાના આનંદ માટે થઈ શકે. સ્ત્રીઓ જેમ પોતાનું વિશ્ર્વ નથી રચતી કે પોતાના આનંદ માટેનો અવકાશ નથી રાખતી એ જ રીતે પુરુષ પણ માળખામાં બંધાઈને પોતાનું વિશ્ર્વ નથી ઊભું કરતો. પોતાનું વિશ્ર્વ એટલે આંતરિક વિકાસનું વિશ્ર્વ. પોતાના વ્યક્તિત્વને સતત વિકાસ તરફ લઈ જશું તો એકાંત સભર બનશે. વિકાસ એટલે સત્તા નહીં. સંસ્થાઓમાં પ્રમુખ કે ટ્રસ્ટી થવું એવું નહીં. ફરીથી નીચેથી શરૂઆત કરો. ગ્રાસરૂટ લેવલની વ્યક્તિઓ સાથે જોડાઓ. બીજાની સાથે વાતો કરો. સંવાદ કરવાની કળા શીખવા જેવી છે. બીજાની સાથે અને પોતાની જાત સાથેનો સંવાદ તમને ક્યારેય એકલતાના અજગરને ભરખવા નહીં દે. ચાલીસની ઉંમર બાદ દરેક પુરુષે પોતાની જાત સાથે અને જાત માટે થોડો સમય વિતાવવો જોઈએ. પૈસાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ નથી આવતી. હા, સગવડો જરૂર આવે. જીવન સમૃદ્ધ બને છે સભરતાથી, સંતોષથી. દરેક સગવડ તમને વધુ ને વધુ એકલતા આપે છે તે વિશે વિચારજો. જ્યારે તમે નાના હતા અને સગવડો નહોતી ત્યારે વધુ આનંદ હતો એવું મોટાભાગનાને ફેસબુક પર અને મેગેઝિનોમાં કહેતાં જોઈ શકાશે. તો પછી આજે એ જ આનંદ કેમ નથી? દિવાળી પર એવા મિત્રો અને સગાંવ્હાલાંને રૂબરૂ મળીએ જેમને લાંબા સમયથી મળ્યા નથી. અહંકાર બાજુએ મૂકીને સામે ચાલીને મળવા જાઓ. તમારા પ્યુન, ક્લાર્ક કે કામવાળાને ઘરે શુભેચ્છા આપવા જાતે જાઓ. ગિફ્ટ મોકલી છૂટી ન જાઓ. વોટ્સએપ અને ફેસબુકને પાંચેક દિવસ બંધ કરી રૂબરૂ લોકો સાથે સમય વિતાવો.

આ દિવાળીએ દીવો પ્રગટાવી થોડું આત્મનિરીક્ષણ કરીએ અને નવા વરસથી નવી શરૂઆત કરીએ. સૌને દિવાળીની શુભેચ્છા.



You Might Also Like

0 comments