શુભ લાભનું બૂમરેંગ (સાંજ સમાચાર)

21:50શુભ+ઈચ્છા અને શુભ+લાભની વાત કરીએ. ક્યારેક જોયું છે કે કેટલાક લોકો લાભશુભ પણ લખે છે. શુભ એટલે મંગળપ્રદ- કલ્યાણકારી. લાભ એટલે ફાયદો. આજે બધા વેપારીભાઈઓ અને બહેનો નવા વરસના મુર્હતના સોદા કરશે. આખું ય વરસ પોતા અને બીજાને માટે પણ ફાયદાકારક અને કલ્યાણકારી બની રહે તેવી શુભેચ્છા સાથે. હકિકતમાં તો આપણી સંસ્કૃતિમાં બીજાનું શુભ ઈચ્છવાનું ચલણ છે. બીજાનું સારું થાય, મંગળ થાય, કલ્યાણ થાય એટલે તે બૂમરેંગ થાય. જે સામે જોરથી ફેંકાય તે જ પાછું આવે. નકારાત્મક અને હકારાત્મક સમીકરણો વિશે આજના સકસેસગુરુઓ મેનેજમેન્ટમાં સફળતા  માટેના પાઠ ભણાવે છે. એમાં મોટેભાગે હરિફાઈમાં આપણે કેવી રીતે આગળ વધવું. આપણે કેવી રીતે વધુ લાભ મેળવવો તેના પાઠ હોય છે. 
એ પાઠ દરેકને સુખશાંતિ આપી શકે છે ખરા? સફળતાની સાથે સ્ટ્રેસની માત્રા પણ વધી રહી છે. માણસ સેલ્ફસેન્ટર્ડ થતો જાય છે એવી ફરિયાદો આપણે સાંભળીએ છીએ. ક્યારેય વિચાર કરીએ છીએ કે આવું કેમ થાય છે? બીજાનું શુભ વિચારવાની આપણી સંસ્કૃતિ છે. દરેક વ્યક્તિ બીજાનું શુભ વિચારે. કલ્યાણ ઈચ્છે તેનો લાભ સૌને મળે. વેપારી પોતાની આવકનો અમુક હિસ્સો દાન માટે રાખે. તેને માટે કોઈ કર એટલે કે ટેક્સનો લાભ લેવાની મનસા નહોતી. ખમતીધર વેપારી મહાજન બને. સમાજના કેટલાય કામો જેને આર્થિક તેમ જ વ્યવહારુ કુશળતાની જરૂર હોય તેનો ટેકો આ મહાજન બની રહે. સરકાર અને પ્રજા જ્યાં નબળાં પડે ત્યાં ટેકો બનીને ઊભા રહે, એટલે જ તેમને ખમતીધર કહેવાતા. શુભ કરનારને લાભ થાય જ છે. દરેક વખતે લાભ આર્થિક સંબંધે જ ગણતરી નથી કરવાનો હોતો. તમને સુખ શાંતિનો અહેસાસ કરાવે તે પણ લાભ જ કહેવાય. જેમ ચોપડામાં લાભ એકલું નથી લખાતું તેમ સુખ પણ શાંતિ વિનાનું ન હોય. સુખ એટલે સગવડ નહીં. સુખ એટલે તમારા હૃદયને આનંદ આપે. જીવનમાં હાશની અનુભૂતિ થાય એટલે મનને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. આજે જ્યારે માનવીને સતત તાણગ્રસ્તતાનો રોગ લાગુ પડ્યો છે ત્યારે સૌ પહેલાં આપણે તેને શબ્દોમાં મૂકીએ છે ને સાહેબ ત્યારે કહીએ છીએ કે આજે કંઈક અસુખ લાગે છે. જીવને અસુખ લાગે ત્યારે શાંતિ ન અનુભવાય. શાંતિ ન હોય તો સુખ ન અનુભવાય. અસુખ લાગવું કહીએ ત્યારે ઘણું બધું કહેવાઈ જતું હોય છે.
આજનું વિજ્ઞાન પણ કહે છે કે નેવું ટકા રોગ માનસિક તકલીફોને કારણે જ ઉદભતા હોય છે. તેને સાયકો સોમેટિક પણ કહેવાય છે. આજે લાભપાંચમ છે એટલે શાણા વેપારીની જેમ આજે આપણે લાભની જ વાત કરવાની છે. લાભ એ જ જે આપણને સુખ-શાંતિ આપે. સતત અભાવ અને અસુખ આપે તેને લાભ કહી શકાય જ નહીં. આજે આપણે ચોપડામાં શુભલાભ લખવાની સાથે આપણો કેટલોક સમય પણ દાનમાં આપવાનો છે તે લખી લેવું  જોઈએ. આજે માણહું પાસે ટેમ જ નથી એવું ય વારંવાર સાંભળવા મળે છે. આપણે રોજ કેટલો સમય મેસેજ ફોર્વડ કરવામાં અને નકામા મેસેજીસ વાંચવામાં વીતાવીએ છીએ તો ખ્યાલ આવશે કે રોજનો એકાદ કલાક આપણે વેડફી દેતા હોઈએ છીએ. વધારે હોવાની શક્યતા છે પણ એક કલાકની વાત હાલ તો કરીએ. ગયા વરસે યુનાઈટેડ હેલ્થ ગ્રુપે એક અભ્યાસ કર્યો તેમાં જણાયું કે જે વ્યક્તિઓએ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોએ બીજાને મદદરૂપ થવા માટે જાતે સમય આપ્યો છે તેમણે સુખશાંતિનો અહેસાસ કર્યો છે. આવા 96 ટકા લોકોને જીવનનો ખરો અર્થ મળ્યો છે. આપણું મગજ કેટલાક કેમિકલ લોચા કરી શક છે જેને લીધે સુખ અને અસુખનો અહેસાસ થતો હોય છે. સતત અસુખનુ કેમિકલ આપણને બેચેન રાખે છે. શરીરમાં કશેક સતત એ બેચેની કણાની જેમ પીડા બનીને ભોંકાયા કરે છે. એ અસુખ આપણા શરીરમાં સ્ટીફનેસ એટલે કે જડતા લાવે છે. શરીરની લવચીકતા ઓછી થતાં તે સહજતાથી મુવમેન્ટ નથી કરી શકતું. હા ક્યારેક જેન્યુઈન શારીરિક તકલીફો પણ હોઈ શકે છે, પણ તમે જોયું હશે કે મનમાં અસુખ ન હોય તો ગમે તેટલી શારીરિક તકલીફો પણ સારું જીવન જીવનારને સંતોષી અને શાંતિથી જીવતાં રોકી શકતી નથી. આ કેમિકલ લોચાને આપણે જાતે ટ્રીગર કરી શકીએ છીએ. અભ્યાસીઓ કહે છે કે તમારો સમય બીજાને આનંદ આપવા માટે વાપરશો ત્યારે તમારું મગજ સુખનો કેમિકલ રિલિઝ કરે છે. કોઈ માંદાની સેવાચાકરી. કોઈ વડિલ કે વૃદ્ધને મદદરૂપ થવું કે ગરીબ બાળકોને ભણાવવા, કોઈની એકલતા દૂર કરવી,  આપણી આસપાસના વિસ્તારની ગંદકી સાફ કરવી વગેરે અનેક બાબતો જેમાં આપણને આર્થિક લાભ ન થવાનો હોય તે છતાં જે આનંદ-સુખનો અનુભવ થઈ શકે છે તે પૈસાના લાભ મેળવવાથી નથી થઈ શકતો. પૈસાની પણ જરૂર છે જીવનમાં પણ માત્ર પૈસાના લાભથી સુખ-શાંતિ કે શુભ થઈ શકતું નથી. 
એટલે આજથી જ્યારે આપણે નવા હિસાબકિતાબની શરૂઆત કરીએ છીએ ત્યારે હવે સમયનો હિસાબ કિતાબ પણ રાખવાની જરૂર ઊભી થઈ છે. ટેકનોલોજીને કારણે આપણો ઘણો સમય બચી જાય છે. તો ખાસ્સો સમય બગડે પણ છે. ટેકનોલોજીને કારણે આપણે સોશિયલ મીડિયા પર એક નવું વિશ્વ ઊભું કરી દીધું છે. તેમાં આપણે કશે જ ગયા વિના પણ દુનિયાની પાર્ટીમાં શામેલ થઈ જઈએ છીએ. 24 કલાક સાતેય દિવસ આ પાર્ટી ચાલતી હોય. તેમાં આપણે ફરીએ, ક્યાંક અટકીએ, કયાંક જરા સામી વ્યક્તિને જોઈએ, વાતચીત કરીએ અને ક્યારેક કશુંક ક્લિક થાય તો વધુ નજીક આવી એકબીજા સાથે જોડાઈએ પણ ખરા. પણ જોયું હશે કે મોટેભાગે આપણે નકામો સમય વેડફીએ છીએ. એટલો સમય બાળકો સાથે રમી શકાય. શેરી રમતો ભૂંસાતી જાય છે. બાળકોને યાદ અપાવીએ તેની સાથે શેરીમાં રમીને. કાર અને સ્કૂટર બાજુ પર મૂકીને ચાલીને શેરીમાંથી પસાર થઈએ તો રસ્તા પર આવતી જતાં અનેક વ્યક્તિઓની સાથે વાતચીત દ્વારા સંવાદ રચી શકીએ. વોચમેન, માળી કે પડોશી ઘર કે દુકાનદાર સાથે બે ઘડી સુખદુખની વાત થઈ શકે. એર કન્ડિશન્ડ ઘર, ગાડી અને દુકાનને લીધે સીધો કુદરત સાથે અને માનવીઓ સાથેનો સંપર્ક તૂટી રહ્યો છે. સહજતાથી જે પહેલાં સંવાદ અને સંવેદનાઓની આપલે થતી હતી તે થઈ શકતી નથી. થોડો સમય લોકો માટે, સમાજ માટે અને સવારનો થોડો ક સમય ફક્ત ને ફક્ત જાત સાથે સંવાદ કરવા માટે પણ રાખીએ. રોજ જેમ પૈસાના હિસાબનું રોજમેળ રાખીએ છીએ તેમ સમયના હિસાબનું રોજમેળ રાખીશું તો સમજાશે કે સમય ઈન્વેસ્ટ થયો કે વેડફાયો. જે સમય વીતાવવાથી સગવડ નહીં પણ સુખ અનુભવાયું હોય તેની સામે પ્લસ કરો અને જે સમય વીતાવ્યા બાદ થોડું ય અસુખ લાગ્યું હોય તો માઈનસ કરો ચિત્ર તમારી સામે સ્પષ્ટ થઈ જશે. 
તમારો સમય શુભ અને લાભ આપે એવી શુભેચ્છાઓ સાથે નવા વરસમાં નવા નવા વિચારોને અહીં વિસ્તારીને મારો અને તમારો સમય શુભ બને એવી પ્રાર્થના.You Might Also Like

0 comments