સંબંધના બંધનોનો કંટાળો 23-6-15

06:26



વેકેશનનો સમય અને ગરમીની મોસમ એટલે  દરિયા કિનારે ખાસ્સી ભીડ રહેતી હતી. એવામાં સાંજના સૂર્યાસ્તની રંગોળી જોતાં દરિયાની ઠંડી હવાની સાથે કિનારાની ભીડને ય જોઈ રહી હતી. મમ્મીઓ અને નાના બાળકોનો જાણે મેળો લાગ્યો હતો. ઠેર ઠેર માટીના ડુંગરા, કિલ્લાની રમતો રમાઈ રહી હતી તો મમ્મીઓ બાળકોને રેતી ન ઊડાવવા કે પાણીમાં ઊંડે ન જવા માટે બૂમાબૂમ કરી રહી હતી. મોટેભાગે બે ચાર સ્ત્રીઓ અને ચાર પાંચ બાળકો સાથે જ આવતા. પણ એક સ્ત્રી એકલી બેઠી  દૂર ક્ષિતિજમાં તાકી રહી હતી અને પાસે બે બાળકો રમી રહ્યા હતા. તે શું વિચારી રહી હતી જાણવા વિચારોનું એપ દબાવ્યું ....
જીવનનો કોઈ બીજો અર્થ હોય છે ખરો...   ? કે બસ જન્મવું, ભણવું, પરણવું છોકરા પેદા કરવા અને ....સમય પહેલાં કે પછી મરી જવું. પરંતુ,  ક્યારેય વિચાર્યું ન હોય તેવું જીવનમાં બની જતું હોય છે. શૈલા બિચારી શું કરશે હવે ? તેના પતિને બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને તે એને છોડીને જવાનો છે. લગ્નને દશ વરસ થયા પછી... ચાર્ટડ એકાઉન્ટ પતિ પાસે પૈસા ઘણા છે તે એને આપશે પણ હવે તે બે છોકરાઓ સાથે ફરી લગ્ન થોડી જ કરશે ? વળી છોકરાઓને છોડીને તો પુરુષ જઈ શકે સ્ત્રીનું શું ? બન્નેનું લગ્નજીવન અત્યાર સુધી તો બરાબર જ હતું પણ પેલી  લેખિકાના અકાઉન્ટસ સંભાળતા દિલ પણ સંભાળવા માંડ્યો. ખરી છે લેખિકા પણ ...પરણેલી છે , બાળક છે .. શું તેને બીજી સ્ત્રીનો વિચાર નહીં આવ્યો હોય ? એણે જ ક્યાંક લખ્યું હતું કે સંબંધો બંધાવાના અનેક કારણો હોય છે. અને જો બીજે સંબંધ બંધાય છે તેનો અર્થ એ જ કે જુનો સંબંધ હતો જ નહી. વાહ ...એવું કેવી રીતે હોઈ શકે ? માન્યું શૈલા હાઉસ વાઈફ છે, વાંચતી લખતી નથી. બસ સારી રીતે ઘર સંભાળે છે અને બાળકો ઉછેરે છે. મારી જેમ જ સ્તો. મને તો થોડા છાપા વાંચવાનો કે નોવેલ વાંચવાનો શોખ છે. શૈલાને એ પણ નથી ...તેથી શું ? કંટાળો આવ્યો તેના પતિને તો યાર લગ્ન કરતાં પહેલાં નહોતું વિચાર્યું ?
અને શૈલાને કંટાળો આવ્યો હોત તો ? મને પણ આવે જ છે ને.... રસેશ હાથ લગાવે તો ગમતું ય નથી ક્યારેક તો... અરે કોઈ અસર જ નથી થતી. આદત જે પડી ગઈ છે એકબીજાની. તે શું હું બીજા કોઈ પુરુષ સાથે..... અને તેનો કોઈ અર્થ છે ખરો... પછી એનાથી ય કંટાળો નહીં આવે તેનો કોઈ ભરોસો છે... વળી પેલી સ્ત્રી પણ તો પરિણીત છે એ અલગ વાત છે કે તેણે છૂટાછેડા લીધા છે. સેલિબ્રિટિઓમાં એવું ચાલે. હોઈ શકે કદાચ તેનો પતિ સારો ન હોય... બિચારી ખરેખર દુખી હોય. પણ તેથી શું તેને કોઈ બીજાનું ઘર ભાંગવાનો પરવાનો મળી જાય છે ? શૈલા નહોતી ગમતી તે પેલી બીજી સ્ત્રી જીવનમાં આવી તે પહેલાં નહોતું સમજાયું ?  જો છૂટા થવું હતું તો  બાળકો જ પેદા નહોતા કરવા. હજી ગયા વરસે તો બન્નેએ કેટલા ધામધૂમથી દશ વરસની એનિવર્સરી ઉજવી હતી. એ બધું નાટક કરવાની  શું જરૂર હતી ? શૈલા કહે છે તેને ત્યારે ખબર હોત તો આમ પાર્ટી ન આપત.  બધું અચાનક થયું એમ કહે છે પણ એવું હશે ? શું અમે અમારા પર કન્ટ્રોલ નથી રાખતા ?શૈલા કહે છે કે  ઠીક છે થોડું ફ્લર્ટ કરી લેવાય પણ સાવ આમ છોડીને નવી જીંદગી શરૂ કરવાની. સ્ત્રી સ્ત્રીની દુશ્મન કેમ બની શકે ? તે મને ક્યારેય સમજાયું નથી. જો તો પેલા કપલ્સ આજુબાજુ કોઈની પરવા કર્યા વિના કેવા એકબીજામાં મગ્ન છે. તેમને પણ થોડા વરસ પછી કંટાળો આવશે ને પછી આજનો પ્રેમ હવા થઈ જશે.

 ફેસબુકમાં લોકો કેવા પર્સનલ મેસેજીસ મોકલે છે. પરણેલી છું લખ્યું છે તો પણ .... અને પરણેલા લોકો જ મિત્રતા માટે ઝંખે છે. અરે આ તો કંઈ દારૂ છે જે દિલ બહેલાવવા માટે સંબંધ બાંધી દીધો. શક્ય છે હું જુનવાણી હોઉં પણ મને આ સંબંધોમાં ભૂસકા મારવાની વાત સમજાતી નથી. વળી બીજાને દુખી કરીને કોઈ સુખ કેવી રીતે શોધી શકે પોતાને માટે. દશ વરસ સુધી સાથે રહ્યા બાદ અચાનક બીજી સ્ત્રીના સુખ દુખ સારા લાગવા લાગે. અને શૈલાના દુખની તેને પરવા જ ન હોય એ કેવું ? ચલો પુરુષો તો આવા જ હોય પણ એક સ્ત્રી શું બીજી સ્ત્રીનો વિચાર ન કરી શકે ? શું રસેશના જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવે તો તે મને પણ.... છી છી ના આ કેવા વિચારો કરવા લાગી. રસેશ તો કેટલો સારો છે, ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ ક્યારેય મારા સિવાય ક્યાંય જાય નહી. અને મને બધી જ વાત કરે ઓફિસની, મિત્રોની.... કહે કે મારા જીવનની રજે રજ વાત તને ખબર હોવી જોઈએ. પણ તે દિવસે એ કોઈની સાથે વાત કરતો હતો ને હું જેવી બેડરૂમમાં ગઈ કે ચલ પછી ફોન કરીશ કહીને મૂકી દીધો. કોણ હતું પૂછ્યું તો જાણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. જવાબ આપવાની ઈચ્છા નહોતી સમજાયું એટલે મેં પણ સવાલ ન પૂછ્યો...અરે હું પણ વિચારોમાં બેસી રહીને ઘરે જવાનું મોડું થયું....    ”

You Might Also Like

1 comments

  1. Madam ,
    There is really do you have a " Thought reading App" Which can read anyone's Thoughts that running in them Mind ????
    Or its Just your Imagination or your own thoughts that you describe through your writings ???
    I'M eager to know it, Kindly Reply to my comment.

    ReplyDelete