મોડર્ન મૅસ્ક્યુલિનિટી -2

03:58


ગયા લેખમાં આપણે મોટી ઉંમરે પુરુષોને નડતા પુરુષાતનના પ્રશ્ર્નોે વિશે વાત કરી. અહીં એક બીજી વાત કહેવા માગું છું કે એકવાત સામાન્ય સમાજે એટલે કે પિતૃસત્તાક સમાજે નજર અંદાજ કરી છે તે નારીવાદ એટલે કે ફેમિનિઝમ અભિગમે પુરુષોના પ્રશ્ર્નોે પ્રત્યે પણ ધ્યાન આપ્યું છે. સ્વતંત્ર વિચાર ધરાવતી સ્ત્રી પોતાની સમસ્યાઓનો વિચાર કરે છે ત્યારે સામી વ્યક્તિની સમસ્યાઓને પણ જોઈ શકતી હોય છે. પુરુષ ઘરમાં આવે ત્યારે પાણીનો ગ્લાસ લઈને ન ઊભી રહેતી કે ફક્ત પુરુષ હોવાને લીધે તેમને ઘરમાં પંગુ ન બનાવવા માગતી સ્ત્રી કદાચ પુરુષપ્રધાન માનસને બેદરકાર અને લાગણીહીન લાગે, પરંતુ એ પુરુષને પોતાના પગભર જોવા માગતી હોય છે. આપણા ઘરોમાં જોઈએ તો છોકરી પોતાનું અને અન્યનું જમવાનું બનાવી લઈ શકે અને ખેતરના ય કામ કરી શકતી, જ્યારે પુરુષો પોતાની જાતે પાણીનો પ્યાલો પણ ન ભરી શકે કે એકલો હોય તો જમવાનું બનાવીને પણ ન જમી શકે તો આમાં પૌરુષ કરતાં પાંગળાપણું વધારે દેખાય છે. સ્ત્રીઓ બહાર અને ઘરના બન્ને કામ કરવા વધુ સક્ષમ બને છે.

સ્ત્રીઓ મલ્ટિટાસ્કિંગમાં માસ્ટર બને છે જ્યારે પુરુષોમાં મલ્ટિટાસ્કિંગ ગુણવત્તાનો અભાવ હોય છે. આ બાબતનો ખ્યાલ આવ્યો જ્યારે એક યુવાને કહ્યું કે આજે કેટલીક નોકરીઓ સરળતાથી સ્ત્રીઓને મળી જતી હોય છે જ્યારે પુરુષોને નથી મળતી. તેનો સૂર ફરિયાદનો હતો. પુરુષો પણ મલ્ટિટાસ્કર હોઈ શકે તેવું કંપનીના માલિકો જે પુરુષ હોય છે તેઓ પણ અભાનપણે સ્ત્રી અને પુરુષના ભેદ કરે છે. આધુનિક પુરુષની સામે બમણી તકલીફો છે એક તો તેમનામાં પુરુષાતનના કેટલાક બાંધેલી માન્યતાઓ પણ છે જ જેમકે હવે આધુનિક પુરુષને પિતા તરીકે પોતાનું યોગદાન આપવામાં આનંદ આવે છે. બાળકની જવાબદારી વહેંચી લેવામાં પૂરતો તે લાગણીશીલ બન્યો છે. તેમાં પણ ખાસ કરીને પોતાની દીકરી હોય તે ઈચ્છે પણ છે કે તેની દીકરી સુંદર, શરમાળ અને સમર્પિત ભાવ ન ધરાવે તો ચાલે પણ તે બુદ્ધિશાળી, સ્વતંત્ર અને સ્ટ્રોન્ગ વ્યક્તિત્વ જરૂર ધરાવતી હોય. તે પોતાની આગવી ઓળખ ઊભી કરે તો પિતા તરીકે ગર્વ અનુભવી શકે છે, પણ ઘરના કામકાજની જવાબદારી હજી તે ઉપાડી શકતો નથી કે તેમાં એ સહજ બની નથી શકતો. આ વાતની નોંધ વિમેન્સ નેશનના એકવીસમી સદીમાં પુરુષાતનના અભ્યાસમાં પણ જોવા મળી હતી. હજી પણ પતિપત્ની બન્ને કામ કરતાં હોવા છતાં ઘરની સાફસફાઈ, રસોઈ બનાવવાની જવાબદારી મોટાભાગે સ્ત્રીઓ પર જ હોય છે. બાળકોના ઉછેરમાં તેઓ સ્ત્રીને મદદરૂપ થવા તૈયાર હોય છે, પણ ઘરના કામકાજમાં તેમને રસ નથી હોતો. એની બધી જવાબદારી સ્ત્રી ઉપર જ આવે છે. આપણે ત્યાં કહેવાતું હોય છે કે અમેરિકા જઈને કેવા દરેક પુરુષો કામ કરે છે પણ ૨૦૧૪ની સાલમાં અમેરિકામાં બ્યુરો ઓફ લેબર સ્ટેટિક્સ રિપોર્ટ કહે છે કે ફક્ત ૧૯ ટકા પુરુષો જ ઘરના રૂટિન કામકાજ જેમકે સફાઈ, વાસણ ઘસવા, કપડાં ધોવા, રસોઈ કરવી વગેરે કરે છે. બાકીનાઓ તે કામ સ્ત્રીઓનું જ હોવાનું માને છે. આ પરિસ્થિતિ જો અમેરિકામાં હોય તો ભારતમાં શું પરિસ્થિતિ હશે તેની કલ્પના જ કરવી રહી.

આજના આધુનિક પુરુષને પણ પુરુષાતનના પ્રશ્ર્નોે નડે જ છે. તે હજી ટોક્સિક મસ્ક્યુલિનિટીમાંથી બહાર આવ્યો નથી. એકવીસમી સદીમાં પુરુષ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં કે રડવામાં નાનપ નથી અનુભવતો કે નબળાઈ નથી માનતો. તેને લીધે તે ઘણો ઓપન થઈ શકે છે, પરંતુ હજી મોટાભાગના પુરુષો મેચોમેન એટલે કે મસ્ક્યુલિન શારીરિક દેખાવ અને બળ પ્રદર્શનમાં માને છે. સેક્સ, સત્તા અને સફળતા એ પુરુષ હોવાના મંત્રો છે. જો કે આવું માનનારા પુરુષોને પોતાનામાં કશુંક ખૂટતું હોવાનો અનુભવ થાય છે. તેમને જીવનમાં સંતોષ નથી અનુભવાતો. આવા પુરુષોના વિચારોમાં એક ખોખલાપણું જોઈ શકાય છે. આ વિચારોને કારણે જ હિંસકવૃત્તિ જન્મ લેતી હોય છે. અને હિંસક પુરુષ સમાજમાં ગુનેગાર બનીને જ રહી જાય છે. મોટાભાગનાને સમજાતું પણ નથી કે પોતે કંઈક ખોટું કરી રહ્યા છે. સ્ત્રી વિશે ગમે તેમ બોલવું કે તેને એક સેક્સુઅલ એટલે કે જાતીય આનંદનું સાધન માનવું. સત્તા અને સફળતા માટે કોઈપણ સ્તરે નીચે ઊતરી જનાર પુરુષ અંદરથી એકલો અને ભયભીત હોય છે. તેનામાં આત્મવિશ્ર્વાસ હોતો નથી. તે કોઈની પણ સાથે જોડાઈ શકતો નથી એટલે તેની એકલતા અને અસલામતીની લાગણીઓ અનેક સમસ્યાનો શિકાર બનાવતી હોય છે. તે પોતાને અને આસપાસના વાતાવરણને કલૂષિત કરતો હોય છે. અને ઉંમર વધતા તે કર્કશ અને કડવા સ્વભાવનો બની જતો હોય છે. આવા પુરુષો મોટેભાગે સ્વાર્થી હોય છે, જ્યારે યુવાનીમાં તે કામ કરી શકતો હોય છે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ ઉંમર થતાં જ્યારે તે શારીરિક રીતે નબળો પડે છે ત્યારે એ પોતાની જાતને જ સ્વીકારી નથી શકતો, કારણ કે તેનું બધું ધ્યાન સેક્સ, સત્તા અને સફળતા પર જ કેન્દ્રિત થયું હોય છે. કોઈપણ રીતની પોતાની નબળાઈઓ તેને તોડી નાખે છે. એટલે જ ૪૦ વરસ પછી પુરુષોમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ વધુ હોય છે.

જે આજનો પુરુષ પિતા પોતાની દીકરીને આકર્ષક નહીં, પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ટ્રોન્ગ, બુદ્ધિશાળી સ્ત્રી તરીકે જોવા માગે છે એ પુરુષને પત્ની તરીકે જે સ્ત્રીની ઈચ્છા હોય છે તે તદ્દન વિરુદ્ધ હોય છે. સ્ત્રી બુદ્ધિશાળી ન હોય તો ચાલે પણ સુંદર, આકર્ષક હોય તેવી જ પત્નીની ઈચ્છા રાખતો હોય છે. પત્ની તરીકે સ્ટ્રોન્ગ વ્યક્તિત્વનો સ્વીકાર કરતાં પોતાનું પૌરુષત્વ તેને નડતું હોય છે. એટલે જ આજે જીમમાં જઈને મેચો મેન જેવું કસરતી શરીર બનાવનારા પુરુષોની સંખ્યા વધી છે. કસરતી , સ્વસ્થ શરીર હોવું જરૂરી છે પણ તે માટે મહેનત કરનાર પુરુષ ઘરમાં પોતાના કામ કરવા સક્ષમ હશે? આજે બે જણાં કમાતા હોય તે આવશ્યક પરિસ્થિતિ બની છે, પણ ઘરની દરેક જવાબદારી ઉપાડવાની વાત આવે ત્યારે પુરુષ પાછો પડે છે. જો તે થોડો પણ સંવેદનશીલ હોય તો આ ગુનાહિતતાનો ભાવ તેને અંદરખાનેથી પીડાતો જ હોય છે, પણ પોતાની નબળાઈ દર્શાવવાથી પુરુષાતન ઘવાતું હોવાની માન્યતા તેને તોડી નાખે છે.

કોઈપણ લાગણીઓ દબાવવાથી તેનું વિપરિત પરિણામ આવતું જ હોય છે તે સાયન્સે પણ પુરવાર કર્યું જ છે. માઈક કેમ્પબેલ મેનહુડ અને મેન કોચ વિશે લખે છે તેનું કહેવું છે કે પુરુષોએ પોતે આવતી પેઢી માટે રોલમોડલ બનવું પડશે. તમે આજના પુરુષની કલ્પના કરો તો બારમાં બેસીને સાથે પીતા પુરુષોની વાતો કેવી હશે.. રાજકારણ, સત્તા, સ્પોર્ટ્સ અને સ્ત્રીઓ વિશે અણછાજતી વાતો. અને જે બારમાં નથી જતાં તેવા પુરુષો પણ બીજા પુરુષો સાથે શું વાત કરતાં હોય છે. રાજકારણ, સત્તા, આધ્યાત્મિકતા અને નિંદાકૂથલી અને હા ભારતીય પુરુષો તો બૈરાંઓ પરના જોક પણ કરશે. શું કોઈ પુરુષ એમ કહી શકશે પોતાના મિત્રને કે મારે ઘરમાં અનાજ ભરવાનું છે કે સફાઈ કરવાની છે કે પત્નીને કામમાં મોડું થશે એટલે ઘરમાં રસોઈ બનાવવાની છે એટલે તે બહાર મોડે સુધી બેસી નહીં શકે... એક ક્ષણ જાતીય ભેદભાવથી બહાર નીકળીને આ બાબતે વિચારજો. એવું કદી ય નથી બનતું, કારણ કે હજી પુરુષાતનના ખોટા માળખામાંથી આપણે બહાર નથી નીકળ્યા. સ્ત્રી બહાર કમાવવા જતી હોય તો પણ વહેલી ઊઠીને ઘરના કામ આટોપી લેશે કે ટ્રેનમાં આવતાં વટાણાં ફોલશે કે શાકભાજી ખરીદશે કે સમારશે, પણ કેટલા પુરુષો તૈયાર થવા સિવાયના, બહારના કામ સિવાયના ઘરના કામ કરવા તેને સૂઝશે નહીં, કારણ કે તેની માનસિકતા એ રીતે ઘડવામાં જ નથી આવી હોતી. હા જો સ્ત્રી-પુરુષ સહમતિથી કામની વહેંચણી કરી લઈને એકબીજાના કામનો આદર કરીને સહજીવન જીવતાં હોય તો કોઈ પ્રશ્ર્ન જ ઊભો નથી થતો, પણ મોટાભાગે એવું હોતું નથી. મુંબઈની લોકલ ટ્રેનમાં પુરુષોના ડબ્બામાં એટલે જ શાકભાજી વેચનારા નથી દેખાતા કારણ કે કામ કરતી સ્ત્રી ઘરે જતાં શાકભાજી ખરીદી શકે છે. પછી તે ઑફિસર તરીકે કામ કરતી હોય કે રચનાત્મક કામ કરતી હોય કે પછી ક્લાર્ક તરીકે જ કેમ કામ ન કરતી હોય.

પુરુષોએ એક મધ્ય માર્ગ પસંદ કરવો પડશે મસ્ક્યુલિન કે સંવેદનશીલ વ્યક્તિત્વના બે વિરોધી છેડામાંથી. આજે પુરુષને પોતાની જાતને સમજતા તકલીફ અનુભવાય છે. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં આ મધ્યમ માર્ગ પુરુષોએ શોધી કાઢ્યો હતો. રોબર્ટ બ્લાયે આર્યન જ્હોનમાં આ બાબત લખી છે. હરક્યુલિસ જેને પૌરુષીય પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેના પિતા ઝિયસના દૃષ્ટાંત પરથી ઝિયસ એનર્જીનું નામ આપવામાં આવ્યું છે. મેલ ઑથોરિટી એક્સેપ્ટેડ ફોર ધ સેક ઑફ કોમ્યુનિટી. ઝિયસ એનર્જી એટલે બુદ્ધિશાળી, રોબસ્ટ હેલ્થ(ફોલાદી સ્વાસ્થ્ય), સંવેદનાસભર નિર્ણયાત્મક શક્તિ, સારી પ્રતિષ્ઠા અને ઉદાર નેતૃત્વ ધરાવતાં ગુણ પુરુષમાં હોય.

આજનો આધુનિક પુરુષ ડાયેલેમામાં જીવે છે. તેને કેટલીક બાબતો દેખાય છે, સમજાય છે, પણ તેના પર અમલ કરી શકતો નથી, કારણ કે ખોટી માન્યતાઓનું દબાણ તેને સ્વતંત્રતા આપતું નથી. બીજી એક બાબત જોઈએ તો સ્ત્રીઓનો શારીરિક આકર્ષણ તરીકે જ ઉપયોગ કરવાની વૃત્તિને કારણે પોર્નોગાફીક કલ્ચર પણ વધ્યું છે. ટેક્નોલૉજીને કારણે તે નાના બાળકોના હાથમાં પહોંચ્યું છે. સેક્સ વિશેની સાચી સમજ બાળકોને આપવામાં નથી આવતી અને પુરુષાતનના ખોટી માન્યતાઓ તેમનામાં રોપવામાં આવતી હોવાને કારણે નાની ઉંમરના છોકરાઓમાં બળાત્કાર કરવાનું પ્રમાણ વધ્યું છે અને હિંસા પણ વધી રહી છે. જે બાળક સ્કૂલમાં કે કૉલેજમાં ભણતો હોવો જોઈએ એ રિમાન્ડ હોમમાં અને જેલમાં જાય છે. પુરુષાતનના પ્રશ્ર્નોે જ આજે આપણી સમક્ષ સમસ્યાઓ બનીને ઊભા છે તેમાંથી બહાર નીકળવા માટે પિતૃસત્તાક માનસિકતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન આધુનિક પુરુષે કરવા પડશે. એ પ્રયત્નો થઈ રહ્યા છે ખરાં પણ તેની સંખ્યા ખૂબ જ ઓછી છે, વળી એવા પુરુષોને પુરુષો જ નાતબહારના ગણવા લાગે છે. આજે દુનિયામાં જે હિંસા ફેલાઈ રહી છે તે પુરુષોની પેદા કરેલી છે તે જોઈ શકાય છે. તેના મૂળ કારણમાં સેક્સ, સત્તા અને માની લીધેલી સફળતાની મહત્ત્વાકાંક્ષા જ છે એ પણ સમજી શકાય છે.

૨૦૧૬નું વરસ જઈ રહ્યું છે ત્યારે એક નવા વિચાર સાથે ર૦૧૭ના નવા વરસને વધાવીએ તો કંઈક વાત બને નહીં તો વરસોને સદીઓ વીતી જશે અને આપણે બાર્બરિક યુગને પેદા કરી પૃથ્વી પરથી માનવ અને માનવતા નષ્ટ કરીશું.

You Might Also Like

0 comments