મેવામાં નહીં, સેવામાં માનતો ડૉક્ટર (mumbai samachar)

03:52
ચોમાસામાં કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય ત્યારે કુદરત સોળે કળાએ ખીલેલી હોય છે. આખુંય ગુજરાત તે સમયે કેવડિયા તરફ જતું દેખાય. પણ એ સિવાય કેવડિયામાં શાંતિ હોય. ઉનાળામાં તો ત્યાં જવાની કોઈ હિંમત કરે નહીં. એ કેવડિયામાં સરદાર સરોવર બંધ સિવાય મળવા જેવી વ્યક્તિ છે ડૉ. અશોક અને જોવા જેવું છે તેમનું દવાખાનું. આ ડૉકટરની વાત સાંભળીને ઉત્તમકુમાર અને શર્મિલા ટાગોર અભિનીત આનંદઆશ્રમ ફિલ્મ યાદ આવી ગઈ. ફિલ્મમાં પૈસાદાર ઘરનો ડોકટર છોકરો ગામડામાં લોકોની સેવા કરવા રહેતો હોય છે. ફિલ્મની સ્ટોરીમાં બીજા ઘણાં એંગલ છે પણ અહીં ગામડામાં કામ કરતાં ડોકટરને યાદ કરવામાં આવ્યા છે. 

ડૉ. અશોક કેવડિયા કોલોનીમાં સરકારી ક્વાર્ટરમાં દવાખાનું ચલાવે છે. તેમના વિઝિટિંગ કાર્ડ પર નામ લખ્યું છે ડૉ. અશોક રાગિણી. નામ વાંચીને નવાઈ લાગી એટલે તરત જ અશોકભાઈ કહે છે કે રાગિણી મારી પત્નીનું નામ છે. તેની સહાય વગર મારું આદર્શ જીવન જીવવાનું સપનું ફળી શક્યું ન હોત. મને નામ પાછળ અટક લખવી ગમતી નથી કારણ કે તેનાથી તમારી જાતિની અટકળો લગાવવામાં આવે છે. હું નાત-જાતના ભેદભાવમાં માનતો નથી. માનવીય અભિગમને લીધે મારા જીવનનો રસ્તો જરા જુદો જ રહ્યો છે. ડૉકટર બનીને સમાજની સેવા કરવાની ઈચ્છા હતી અને તેથી મારે મારા વિસ્તારમાં પાછા ફરવું હતું. જો પત્નીનો સાથ ન હોતતો તે શક્ય બન્યું ન હોત. 

ડૉ. અશોકની વાત માંડીને કરીએ. નર્મદા કિનારે આવેલા રાજપીપળામાં તેમનો જન્મ અને ઉછેર. પિતા કરણસિંહ ગોહિલ શાળામાં પ્રિન્સિપાલ હતા. ભણવામાં હોશિયાર અશોકભાઈ બરોડા મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ થયા ત્યારબાદ સેવા રૂરલ ઝઘડિયામાં ઈન્ટર્નશિપ કરી રહ્યા હતા કે નક્કી થયું કે બસ સમાજને માટે જ કામ કરવું છે. તબીબી વ્યવસાયને સેવા ભાવે કરવો વ્યાવસાયિક સ્વરૂપ ન આપવું. પણ મિત્રોએ સલાહ આપી કે માસ્ટર કરી લેવું જોઈએ એટલે સુરત જઈને કોમ્યુનિટી જનરલ હેલ્થમાં માસ્ટર કર્યું. તેમણે ઈચ્છ્યું હોત તો તેઓ સુરતમાં કે અન્ય કોઈપણ શહેરમાં સ્થાયી થઈને તબીબી વ્યવસાયમાં કમાણી કરી શક્યા હોત પણ ના તેમની તો જીદ હતી ગ્રામ્ય પ્રદેશમાં જઈને જ કામ કરવું. તેમના લગ્ન તે સમયે થઈ ગયા હતા. સુરતના કઠોર ગામના ડૉ. પ્રભાતસિંહ વાઘેલાની દીકરી રાગિણી સાથે લગ્ન નક્કી થયા ત્યારે શરૂઆતમાં જ તેમણે રાગિણીને કહી દીધું હતું કે હું તને તારા પિતાના ઘરે છે એ સુખસાહ્યબી નહીં આપી શકું કારણ કે હું કમાણી કરવા માટે ડૉકટર નથી બન્યો. તને મંજૂર હોય તો જ લગ્ન કરજે. ડૉ. અશોક જ્યારે સુરતમાં માસ્ટર કરી રહ્યા હતા તે સમયે પણ શહેરની ઝૂંપડપટ્ટીઓમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા હતા. એમડીની ડિગ્રી લઈને તરત જ કેવડિયા વિસ્તારમાં સેવા આપવાનું નક્કી કર્યું. તેમના પિતા અને સસરા બન્ને નારાજ હતા. તબીબ વ્યવસાયમાં આદર્શ રાખીને જીવવું એ મૂર્ખામી લાગે. જેમ કે કોઈ પાસેથી કટ નહીં લેવો. કોઈ દવા કંપનીની ગિફ્ટ કે મફતના સેમ્પલ નહીં લેવા. દર્દીઓને સાચી સલાહ અને દવા આપવી. ખોટી રીતે જરૂર ન હોય તો પણ ગ્લુકોઝના બાટલા ચડાવવા નહીં.અને તપાસીને દવાની ફી ફક્ત દશ રૂપિયા રાખી. અને તે પણ ૨૦૦૪ સુધી બંધ કરી. ૨૦૦૪ની સાલથી ડૉ અશોકના દવાખાનામાં એક પારદર્શક ડબ્બો રાખ્યો છે તેમાં જેણે જે ફી આપવી હોય તે આપી શકે છે. ૧૯૯૫ની સાલમાં જ્યારે તેમણે વિનોબાના આદર્શ પર ચાલવાનું નક્કી કર્યું ત્યારે સંસ્થા બનાવવાની પણ તેમની ઈચ્છા નહોતી. પણ જો કેવડિયા રહેવું હોય તો ફંડ ભેગું કરવા માટે સંસ્થા બનાવવી પડે. ડૉ અશોક કહે છે કે, ઈશ્ર્વર હંમેશા મારી સાથે છે તેની પ્રતીતિ મને અહીં થઈ. તબીબ થઈને આવું કહું છું તે નવાઈ લાગે પણ મને હું કોણ છું એવો સવાલ સતત થતો અને તેને લીધે આંતરિક શોધ કરી. ત્યારે સમજાયું કે ઈશ્ર્વર છે અને સતત તમારું ધ્યાન રાખે છે. અને તેની મને ડગલેને પગલે પ્રતીતિ થઈ. સૌ પહેલા તો સંસ્થા વગર મને અહીં ઘર અને દવાખાનું કરવાની તક મળે તે પણ એક ચમત્કાર જ છે. અહીં આ વિસ્તારમાં તમે જમીન કે ઘર ખરીદી શકો નહીં. એટલે મેં સરકારમાં અરજી કરી. તે સમયે એટલે કે ૧૯૯૫માં નર્મદા નિગમમાં બહુ સારા અધિકારી હતા પીએસ સાહેબ તેમની પ્રતિષ્ઠા એવી હતી કે નિવૃત્તિ બાદ પણ સરકારે તેમની સેવા લીધી. તેમને મારા પર વિશ્ર્વાસ બેઠો અને તેમના પ્રયત્નોથી મને અહીં સરકારી ક્વાર્ટર રહેવા અને દવાખાના માટે મળ્યું તેથી મારે સંસ્થા બનાવવાની જરૂર ન રહી. સાથે જ આસપાસના આદિવાસીઓ માટે કેમ્પ કરું અને શક્ય તેટલો લોકોને ઉપયોગી થવાના પ્રયત્નો કરું. તે સમયે મારી પાસે મોટરબાઈક હતી. એકવાર મુંબઈના એક ડૉ. કીર્તિ શેઠ આવ્યા અને મને કામ કરતો જોઈને કહે અહીં આવા રસ્તા પર બાઈક ન ચાલે તેમણે મને બોલેરો ગાડી આપી એટલે મારું કામ સરળતાથી થવા લાગ્યું. મારી કોઈ સંસ્થા નથી એટલે મારા કામોની નોંધ કરીને લોકોને બતાવવાની રહેતી નથી. તે છતાં કેટલાક લોકોને મારા કામની ખબર હતી એટલે એ મિત્રોના સહારે મારું ઘર અને દવાખાનું ચાલી રહેતું. પછી જ્યારે પૈસા લીધા વિના તબીબી સેવા આપવાનું નક્કી કર્યું ત્યારે વિસનગરના ડૉ. મિત્ર મિહિરભાઈ જોશીનું જ્યોતિ ટ્રસ્ટ મારી સહાયે આવ્યું. જીવન યોગ અભિયાન નામે બૅન્કમાં ખાતું ખોલાવી આપ્યું. તેમાંથી મળતા રૂપિયાથી મારું ઘર ચાલી રહે છે, મારો દીકરો ભણે છે વકીલાતનું બેંગલોરમાં અને હું ડબ્બામાં ભેગા થતાં પૈસાથી દવાખાનું ચલાવું છું. લોકો માટે તબીબી કેમ્પ કરું છું. 

શરૂઆતમાં તો લોકોને નવાઈ પણ લાગતી અને વિશ્ર્વાસ પણ ન બેસતો કે ગ્લુકોઝના બાટલા ચઢાવ્યા વિના અને ખોટા ખર્ચાઓ વગર સાજા કેવી રીતે થવાય? બીજા ડૉકટરો જે કમાણી કરવામાં માનતા હતા તેમને પણ તેઓ અળખામણા થતાં પણ અશોકભાઈ બીજાને સુધારવામાં નથી માનતા. જેણે જે કરવું હોય તે કરે આપણું જીવન જ લોકોને સંદેશ પહોંચાડી શકે. તેમની પત્ની અને તેમણે શક્ય તેટલી ઓછી જરૂરિયાતમાં જીવવાનું રાખ્યું છે. એ જ સંસ્કાર દીકરા અદ્વૈતને આપ્યા છે. બન્નેએ પોતાના પિતાની સંપત્તિ કે પૈસો નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી તે આજદિન સુધી પાળી રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરીને પૈસો ભેગો નથી કરતા કારણ કે વિશ્ર્વાસ છે કે આજદિન સુધી ભૂખ્યા સૂવાનો વારો નથી આવ્યો તો ભવિષ્યમાં પણ નહીં જ આવે. 

પોતાના જીવનની ફિલોસોફી સમજાવતાં કહે છે કે જે સમાજમાં આપણે રહીએ છીએ, જેમાં આપણું પોષણ થાય છે એ સમાજને ઉપયોગી એવા કામો સાથે મળીને કરીએ. આપણા વિચારોને સંસ્થાગત-માળખાગત કર્યા વિના જરૂરી સહયોગ આપીએ. આવા કાર્યોમાં આપણી સહભાગીતા હોય, દાન નહીં, સહયોગ હોય. એવી સમજ કેળવીએ અને એ સમજને આનંદથી જીવીએ.

You Might Also Like

0 comments