સુંદરતા નગ્નતાની મોહતાજ નથી (mumbai samachar)

23:55
ગાઉન રાઉન્ડમાં હલીમાએ હેડ ટુ ટો શરીર ઢંકાય તેવો બ્લેક એન્ડ રેડ રંગનો આકર્ષક ગાઉન પહેર્યો હતો. તો બિકિની રાઉન્ડ માટે બ્લુ રંગની બુર્કિની અને પીળા રંગના હેડ કવર સાથે મેચિંગ સેન્ડલ પહેરીને તે સ્ટેજ પર આવી ત્યારે લોકોએ તાળીઓથી વધાવી હતીબ્યુટી કોન્ટેસ્ટ વિશે વારંવાર ચર્ચાઓ થતી રહી છે. કોઈ માને છે કે તે સ્ત્રીત્વને વિકસવાનો મોકો આપે છે. સ્ત્રીઓને વૈશ્ર્વિક પ્લેટફોર્મ આપે છે. વળી એવી પણ દલીલો થાય છે કે અહીં સુંદરતા ફક્ત તનની જ નથી જોવાતી મન અને બુદ્ધિની સુંદરતાને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તો સામે એવી પણ દલીલ થઈ શકે કે તો પછી થોડી ભરાવદાર કે થોડી મોટી વયની સ્ત્રીઓની સુંદરતાનું શું? તો એનો પણ રસ્તો થયો મિસિસ બ્યુટીક્વીનની સ્પર્ધાનું આયોજન થવા લાગ્યું. ભરાવદાર અને જાડી સ્ત્રીઓની પણ સ્પર્ધાનું આયોજન વિદેશોમાં થાય છે. બ્યુટી કોન્ટેસ્ટમાં પહેલી શરત એ પણ હોય છે કે બીકીની પહેરવી પડે. તમે ગમે તેટલા સુંદર હો કે બુદ્ધિશાળી હો પણ તમે બીકીની પહેરવાની ના ન પાડી શકો. આ બધા વચ્ચે અમેરિકામાં રહેતી ૧૯ વરસની મુસ્લિમ યુવતીએ હિજાબ પહેરીને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું.

એકબાજુ નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સ્થળાંતર કરીને અમેરિકામાં રહેતાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા ત્યારે સોમાલિયન અમેરિકન હલીમા એડન સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહી હતી. આમ તો મુસ્લિમ સમાજમાં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની મનાઈ હોય છે પણ આજે તો કેટલાય નવયુવાનો અનેક પરંપરાઓને વળોટીને પોતાનું જીવન જીવતાં જ હોય છે. જો કે આ યુવતીએ નક્કી કર્યું કે તે હિજાબ પહેરીને જ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેશે. બીકિની રાઉન્ડમાં તે બુરકિની (વિદેશમાં મુસ્લિમ મહિલાઓ આખાય શરીરને ઢાંકતા સ્વીમિંગ સ્યૂટ પહેરે છે.) પહેરીને જ ભાગ લેશે. કેનયન રેફ્યુજી કેમ્પમાં જન્મીને ઉછરેલી હલીમા જયારે સાત વરસની હતી ત્યારે તેનો પરિવાર અમેરિકામાં સ્થળાંતર કરી સ્થાયી થયો હતો. તેણે મિસ મીનોસોટા બ્યુટી પિજન્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું તે પહેલાં તેણે પોતાના પરિવારને અને પછી પોતાના સમાજને સમજાવ્યો હતો. તેણે આ સ્પર્ધામાં ભાગ લેવાનું કારણ એક જ આપ્યું કે તે સાબિત કરવા માગતી હતી કે હિજાબ પહેરનાર સ્ત્રીઓ કોઈ દબાણ હેઠળ નથી જીવતી. તેઓ પોતાની મરજી પ્રમાણે જીવન જીવી શકે છે. પોતાનો વિકાસ કરી શકે છે. જો કે સ્પર્ધા યોજનારાઓએ પણ તેની શરતોનો સ્વીકાર કરતાં કહ્યું કે સમય અને સંજોગો સાથે અમે પણ બદલાવા માટે તૈયાર છીએ. સૌંદર્ય ફક્ત નગ્નતામાં જ હોય તેવું જો તેઓ માનતા હોત તો હલીમા ક્યારેય તેમાં ભાગ લઈ ન શકત. સ્વ. કવયેત્રી કમલા દાસ બુરખો પહેરતા હતા અને તેના વિશે તે સમયે અખબારોમાં લખાયું હતું. જો કે તેમણે મુસ્લિમ સાથે લગ્ન કર્યાં હતાં. કમલા દાસની કવિતાઓ બોલ્ડ રહેતી કે તેના વિશે પણ વિવાદો સર્જાયા હતા. ખેર, ગયા મહિનાના અંતમાં યોજાયેલી મિનોસોટા બ્યુટી પિજન્ટમાં હલીમા પ્રથમ ત્રણમાં પણ સ્થાન ન મેળવી શકી પરંતુ દુનિયાને એક મેસેજ જરૂર પહોંચ્યો કે સૌંદર્યની વ્યાખ્યા બદલવી પડશે. હલીમાએ આખું શરીર ઢંકાય અને માથું ઢંકાય તેવા ડ્રેસ પહેર્યા હતા. ફક્ત તેનું મોંઢું જ દેખાતું હતું. હલીમાને ભવિષ્યમાં અમેરિકન એમ્બેસેડર બનવું છે. હાલમાં તેણે મુસ્લિમ યુવતીઓ વિશેની માન્યતાઓને ખોટી પાડવી હતી. સુંદરતા જોનારની આંખોમાં હોય છે તે વાત સાચી પરંતુ સૌંદર્ય સ્પર્ધાઓને હિસાબે સ્ત્રીઓમાં સૌંદર્ય એ સમાજના ધારાધોરણ મુજબ સ્વીકારાય તેવી માન્યતાઓ પણ ઘર કરી ગઈ છે. અનેક યુવતીઓ તે ધારાધોરણ મુજબ બનવાના પ્રયત્નોમાં માનસિક અને શારિરીક બિમારીઓનો શિકાર બનતી હોય છે. જો કે આવી સ્પર્ધામાં ભાગ લેવો કે ન લેવો તે પણ દરેક સ્ત્રીની પસંદગી પર અવલંબિત છે. સ્ત્રીએ શું કરવું કે ન કરવું તેના નિયમો લાદવાની જરૂર નથી. જ્યાં સુધી હલીમા જેવી છોકરીઓ પોતાની વાતને પુરવાર કરી શકે છે ત્યાં સુધી કશો જ ફરક નથી પડતો. જો કે હમણાં એલોેપેસિયાને કારણે વાળ ન ધરાવતી કેતકી જાનીએ પણ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈને સૌંદર્યની બાંધેલી વ્યાખ્યાઓને ખોટી પાડી જ હતી. ફક્ત વિરોધ કરવા કરતાં તમે કંઈક રચનાત્મક રીતે જુદું કરીને જે કહેવા માગો છો તો તે વધારે અસરકારક બને છે તે હલીમા અને કેતકી જેવી સ્ત્રીઓ સાબિત કરી રહી છે. ઉ

You Might Also Like

0 comments