ઘડપણમાં જવાનીનું જોમ (mumbai samachar)

05:58

કાંદિવલી દહાણુકરવાડીમાં એક મકાનના ત્રીજા માળે ફ્લેટની બહાર નેમપ્લેટ લાગેલી છે ડૉ. પ્રકાશ બંન્દ્રે ખ.અ.ઇ.યમ., ઙવ.ઉ. દરવાજા પર બેલ મારતા જ એક દૂબળા પાતળા વૃદ્ધ દરવાજો ખોલે છે. ૮૫ વરસના પ્રકાશ બંદ્રેને ઓગસ્ટ મહિનામાં જ પીએચ.ડીની ડિગ્રી મળી છે. એ માટે જ અમે તેમની મુલાકાત લેવા ગયા હતા. આટલી મોટી ઉંમરે પીએચ.ડી કરનાર કદાચ તેઓ પહેલી જ વ્યક્તિ હોવાને કારણે તેમનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડસમાં નોંધાય એવી શક્યતા છે.

તેમણે પીએચ.ડી કરી છે આંબેડકરના અખબારોમાં અને મેગેઝિનમાં છપાયેલા લેખ પર અભ્યાસ કરીને એક જ વરસના ગાળામાં લખેલો દળદાર અભ્યાસગ્રંથ બતાવતાં વાત માંડે છે. આજથી ત્રણ વરસ પહેલાં એટલે કે જ્યારે તેઓ ૮૨ વરસના હતા ત્યારે જલગાંવ યુનિવર્સિટીમાં આંબેડકર પર અભ્યાસ કરવા માટેનો એક વિભાગ છે તેની જાણ થતાં પૃચ્છા કરવા માટે ફોન કર્યો. તો જાણવા મળ્યું કે તેઓ ઈચ્છે તો ત્યાં જઈને પીએચ.ડી કરી શકે છે. બસ પછી તો પૂછવું જ શું ૮૨ વરસના દાદાજી (તેમને કોઈ દાદા કહે તે ગમતું નથી) સોરી પ્રકાશભાઉ બેગ લઈને એકલા ઉપડ્યા હતા જલગાંવ. પ્રકાશભાઉ મૂળે ખાનદેશ ધૂળેના. જલગાંવની બાજુમાં જ આવેલું ત્યાં તેમનો જન્મ અને એસએસસી સુધીનું શિક્ષણ. એટલે તેમને જલગાંવ જઈને ભણવામાં વાંધો નહોતો. જલગાંવના ડૉ. મસૂર પગારે તેમના ગાઈડ હતા. જે તેમનાથી ઉંમરમાં નાના હતા.આખાય કોલેજ કેમ્પસમાં લોકો તેમને નવાઈથી જોઈ રહેતા. કેટલાક તો તેમને પૂછતાં તમે એકલા આવો છો? આ બધું કહેતી વખતે પ્રકાશભાઉની આંખોમાં તરવરાટ દેખાય છે. પીએચ.ડી કરતાં પહેલાંના પ્રકાશભાઉની ઓળખ પણ કઈ નાનીસૂની નથી. તેમના વિશે વિગતે વાત જાણવા જેવી છે.

પ્રકાશભાઉના પિતા મિલ વર્કર હતા એટલે ગરીબી અને મહેનત બાળપણથી જ ઉછેરમાં મળ્યા હતા. એસએસસી બાદ તેઓ મુંબઈ આવ્યા અને પોસ્ટઓફિસમાં કામે લાગ્યા હતા. તે સમય એટલે કે આજથી પાંસેઠેક વરસ પહેલાંની વાત છે. પ્રકાશભાઉ કહે છે કે એ જમાનામાં સાને ગુરુજી સાથે હું ધૂળેમાં સંકળાયેલો હતો. એટલે સમાજસેવા અને સમાજ કલ્યાણના વિચારોે મારામાં કુમળીવયે જ રોપાઈ ગયા હતા. એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં આઠ વરસ કામ કરતા કરતા તેમણે આગળ ભણવાનું પણ ચાલુ જ રાખ્યું હતું. એમએ બીએડ કર્યું. કારણ કે તેમને શિક્ષક થવું હતું. પ્રકાશભાઉ કહે છે કે શિક્ષણ એવો વ્યવસાય છે કે તેમાં તમે સમાજનું ઘડતર અને સેવા બન્ને કરી શકો છો. એટલે શિક્ષક થવાની ઈચ્છા હતી. તે સમયે પોષ્ટમાં મારો પગાર ૧૯૫ રૂપિયા હતો અને શિક્ષક તરીકે મને ૧૧૦ રૂપિયાના પગારની ઓફર થઈ જે ઘણા જ ઓછા હતા પણ સેવા કરવી હતી એટલે તેમાં પૈસાની ગણતરી હતી જ નહીં. બસ ત્યારથી શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સાથે જ મૃણાલ ગોરે સાથે સંકળાવાનું બન્યું. અનેક સેવાકાર્ય કર્યા તે દરમિયાન જ એક ગુજરાતી મિત્રએ મને કાંદિવલીમાં તેમની જમીન લેવાનું કહ્યું. ૧૯૬૮ના સાલની વાત છે. હું ત્યારે એક બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. મારા લગ્ન થઈ ગયાં હતાં. મારી પત્ની સરકારી લેબર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા પછી તેઓ આસિસ્ટન્ટટ કમિશનર ઓફ લેબરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. પણ એ જમાનામાં પગાર બહુ નહોતા અને ખોટા કામ કરવાનું જ નહીં તે નક્કી હોવાથી અમારી પાસે પૈસા કેવી રીતે હોય જમીન ખરીદવાના? તે જમાનામાં તો ૩૫ હજારમાં જમીન મળતી હતી પણ એટલા રૂપિયા પણ અમારી પાસે નહોતા અને વળી જરૂર પણ નહોતી. તે છતાં મિત્ર આગ્રહ કર્યા કરતા હતા એટલે મે તેમને કહ્યું કે મારી ઈચ્છા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાની છે. તે માટે જમીન આપવી હોય તો કહે પૈસા તો પાસે નથી પણ દર મહિને હપ્તાથી પૈસા આપીશું. તરત જ મિત્રે હા પાડી અને દર મહિને પાંચસો રૂપિયા આપવાનું નક્કી કર્યું. અને રામ મનોહર લોહિયા શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી, તેમાં પ્રકાશભાઉ મેનેજિંગ ટ્રસ્ટી બન્યા. તેમની ભાવના હતી કે મરાઠી માધ્યમની સારી શાળા સ્થાપિત કરવી. અંગ્રેજીના ગુલામ નહીં બનવાનું. એ સંસ્થાની શરૂઆત તેમણે પોતાના ઘરમાંથી જ કરી. શાળાનું મકાન બને તે પહેલાં એક બેડરૂમના તેમના ઘરના હોલમાં મોન્ટેસરીના વર્ગ શરૂ કરી દીધા હતા. એ સંસ્થામાં પછી તેઓ હેડમાસ્તર તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી સેવા બજાવી. આજે તો એ બાલક વિહાર શાળાનો છેલ્લો વર્ગ ચાલી રહ્યો છે. એક વરસ બાદ તે બંધ થઈ જશે. પછી ત્યાં વૃદ્ધાશ્રમની સ્થાપના થશે અને તેનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે.

૮૫ વરસની ઉંમરે પણ તેમનું કાર્ય સતત ચાલુ જ છે. તેમણે આ પહેલાં પણ પ્રભાત ફિલ્મ પર પીએચ.ડી કરવું હતું પણ સંસ્થાના કામોમાં તેમને સમય જ નહોતો મળ્યો. વળી તેમને એક જ્યોતિષીએ કહ્યું કે તમે કોઈ ડિગ્રી હવે નહીં લઈ શકો એટલે તેમણે ગાંઠ વાળી કે જ્યોતિષને ખોટો પાડવો અને શરૂ કર્યું પાછું ભણવાનું ૮૨ વરસની ઉંમરે. જો કે તેમને પગ વાળીને ક્યારેય બેસવું ગમ્યું નથી. નિવૃત્ત થયા બાદ ૭૦મા વરસે તેમણે ફોટોગ્રાફી અને ટેલિવિઝન માધ્યમનો અભ્યાસ કર્યો હતો. જેથી તેમની શિક્ષણ સંસ્થાની પ્રવૃત્તિને તેઓ ડોક્યુમેન્ટ કરવામાં ઉપયોગી થઈ શકે. વળી તેમનું કહેવું છે કે વ્યક્તિએ સતત જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. જેથી સિનિયર સિટીઝન્સ બન્યા બાદ સમાજને ઉપયોગી કામો કરી શકાય. પ્રકાશભાઉ કહે છે કે સાઈઠ વરસથી પંચોતર વરસ સુધીનો સમય વૃદ્ધોએ કોઈને કોઈ પ્રવૃત્તિ કરવી જ જોઈએ. એક તો તેમને ત્યારે કમાણી કરવાની જરૂર ન હોય અને તેમની પાસે ખાસ્સો સમય પણ હોય. સમાજના ઘડતર માટેના તેમને આવડે એ પ્રવૃત્તિ કરવાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને સમાજનું સ્વાસ્થ્ય પણ જળવાય.

પ્રકાશભાઉનું નામ લિમ્કા બુકમાં આવે કે ન આવે તેમનો જીવન માટેનો ઉત્સાહ અને સમાજ માટેની દરકાર માટે તેમને બિરદાવવાનું મન થાય છે. તેમણે ૮૨ વરસની ઉંમરે જ્યારે પીએચ.ડી કરવાનું નક્કી કર્યું કે રોજના ૧૫ કલાક તેઓ અભ્યાસ અને લેખન કાર્યમાં લાગી ગયા હતા એટલે જ તેઓ સંશોધન પેપરનું જાડું દળદાર પુસ્તક જેટલું લખાણ સખત મહેનત પછી એક વરસના ગાળામાં લખીને સબમિટ કરી શક્યા હતા. આમ તો આટલો ઓછો સમયગાળો પીએચ.ડી માટે સ્વીકાર્ય નથી હોતો પણ તેમની ઉંમર અને ધગશને જોઈને અપવાદરૂપે તેમના સંશોધન લેખનો સ્વીકાર કરવામાં આવ્યો. અને ૨૦૧૬ની ૧૬મી ઓગસ્ટે તેમના જીવનની મોટી મહત્ત્વકાંક્ષા પૂરી થઈ ડૉકટરેટ કરવાની. અભિનંદન પ્રકાશભાઉ અને તેમના પત્ની વસુધાને જેમણે પતિના દરેક કાર્યમાં સાથ આપ્યો.
You Might Also Like

0 comments