અમ્માનું એકલવાયું જીવન (mumbai samachar)

03:20









‘ ધમકી આપીને કે ખરાબ વર્તન કરીને કોઈ મારી પાસેથી કશું જ કરાવી ન શકે કે મેળવી ન શકે. ખરાબ પરિસ્થિતિ મને તોડી શકે નહીં પણ મને વધુ મક્કમ અને હઠીલી બનાવે છે. ’

તામિલનાડુના મુખ્યમંત્રીના પદ ઉપર રહેતાં જ મૃત્યુ પામનાર જયલલિતા માટે માથા પછાડીને રોનારી પ્રજા અને રોતાં સહકાર્યકરોને મૂકી જનાર અભિનેત્રીનું જીવન એકલવાયું હતું. અમ્માના હુલામણા નામે લોકોના હૃદય પર રાજ કરનાર જયલલિતાએ સિમી ગરેવાલને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘તેનેે રોમેન્ટિક પ્રેમમાં જરાય વિશ્ર્વાસ નથી. અનકન્ડિશનલ પ્રેમ તેણે ક્યારેય જીવનમાં જોયો નથી અને એવા પ્રેમનું અસ્તિત્વ હોય તેવું તે માનતી નથી.’ જયલલિતા એક સ્ત્રી છે અને સ્ત્રી તરીકે તેણે ઘણું સહન કર્યું છે તે એણે કબૂલ્યું છે ફક્ત એટલું ખરું કે તેણે જીવનમાં હાર માનવાનું કે રડીને બેસી રહેવાનું કબૂલ્યું નથી. હા, તે જ્યારે બાળકી હતી ત્યારે માતા વડવલ્લીથી દૂર રહેવાનું બન્યું હતું તે એને માટે ખૂબ દુખદ હતું.

શક્ય છે કે એ બાળપણનો ઝુરાપો તેણે હૃદયમાં સાચવી રાખ્યો હતો. માતાને મળવા માટે તેણે ઘણીએ રોકકળ કરી હતી. તેના પિતા જયરામ તો બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેના જીવનમાં માતા જ એક હતી જેના પર તે નિર્ભર હતી. વિધવા માતાના શિરે બે બાળકોને ઉછેરવાની જવાબદારી હતી. તેની માતા વેડવલ્લી જ્યારે ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રીના રોલ કરવા માટે મદ્રાસ(ચેન્નઈ) ગઈ ત્યારે બાળકોને બેંગલોર નાનાનાની પાસે મૂકીને ગઈ હતી. માતા માટેનો પ્રેમ અને તેમની ગેરહાજરીની વાત કરતાં જયલલિતાની આંખોના કિનારે એકાદું આંસુ આવીને પાછું વળી જાય છે. જાહેરજીવનમાં આવતા જ જયલલિતાએ પોતાની લાગણીઓને બખતર પહેરાવી દીધું હતું તેવું એણે પોતાની મુલાકાતમાં જણાવ્યું છે. જાહેરમાં તેણે ક્યારેય પોતાનો અવાજ ઊંચો થવા દીધો નથી કે પોતાનો ગુસ્સો જાહેર નથી કર્યો કે ન તો પોતાની નબળી બાજુ જાહેર થવા દીધી છે. જયલલિતાનો પોતાના પર એટલો ક્ધટ્રોલ હતો કે કદાચ બંધ દરવાજાની પાછળ પણ આંખો વરસતી હશે કે નહીં તે એક રહસ્ય જ રહે છે. ૧૯૭૮ની સાલમાં જયલલિતાની આત્મકથા કુમુદમ તમિળ વીકલીમાં પ્રસિદ્ધ થઈ હતી. તેમાં જયલલિતા જીવનમાં આવેલા ત્રણ પુરુષોને મૂલવે છે એક તો તેના પિતા જેમના વિશે તેના મનમાં ઉડાઉ અને આરામપ્રિય હોવાની છાપ છે. જો કે તે બે વરસની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. બીજા એમજીઆર જેમનો મોટો પ્રભાવ છે એના જીવન પર તે ક્યારેય નકાર્યો નથી પણ એમજીઆર ખૂબ જ ડોમિનેટિંગ અને શંકાશીલ વ્યક્તિ હતા. જયલલિતા ક્યારેય કબૂલતા નથી કે તેઓ એના ગળાડૂબ પ્રેમમાં હતા. હા, એટલું જરૂર કહે છે કે એમજીઆરનું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક હતું કે તેમની નજીક જનાર દરેક તેમના પ્રભાવમાં આવ્યા વિના નહીં રહે. એમજીઆર બુદ્ધિશાળી હતા એટલે તેમને ગમતા હતા એવું પણ કહી શકે છે પણ પ્રેમ અંગે કોઈ શબ્દ ઉચ્ચારતા નથી. ત્રીજો પુરુષ છે શોભન બાબુ જેમની સાથે ફિલ્મો તો કરી જ છે પણ સિત્તેરના દાયકામાં તેમના પ્રેમસંબંધોની વાત ચર્ચામાં હતી. પણ શોબન બાબુ પરિણીત હતા.

જયલલિતાની ઈચ્છા વકીલ બનવાની હતી. તેણે ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનું વિચાર્યું નહોતું. એમ કહી શકાય કે તેમનેે ક્યારેય ફિલ્મોમાં જવું જ નહોતું પણ ૧૬ વરસની ઉંમરે તેમની માતાના કહેવાથી કમને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું . તેમની માતાએ ક્યારેય તેના માથે બીજી કોઈ જવાબદારી નાખી નહોતી. અચાનક જયલલિતાએ માતાનું મૃત્યુ પોતે ૨૩ જ વરસની હતી ત્યારે જ થઈ જતાં સાવ નિરાધાર થઈ ગઈ હોય તેવી લાગણી અનુભવી હતી. બસ તે જ અરસામાં એમજીઆરનો તેના જીવનમાં પ્રવેશ થયો. તેની માતા બાદ એમજીઆરે જયલલિતાના જીવનનો દોર સંભાળી લીધો. તેણે લખ્યું છે કે એમજીઆર તેની પાછળ જાસૂસ મોકલતો. તેના પર સતત નજર રાખતો. જયલલિતા જેવી સ્વતંત્ર સ્વભાવ ધરાવતી સ્ત્રી માટે આ વધુ પડતું હોવા છતાં તેણે વિરોધ ન કર્યો પણ સાવ સમર્પણે નહોતું કર્યું. એટલે જ કદાચ એમજીઆરને સતત ભય લાગતો હોવાથી તેમના પર સતત વોચ રખાવતા હશે. એમજીઆર સાથે તેણે ૨૮ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક વખત એવો પણ આવ્યો કે એમજીઆર ઈચ્છતા નહોતા કે તેમના સિવાય બીજા કોઈની સાથે જયલલિતા કામ કરે. પણ જયલલિતાએ બીજી વ્યક્તિઓ સાથે કામ કર્યું. એમજીઆરને માટે એ સ્વીકારવું સહેલું નહીં હોય. જયલલિતાએ ફિલ્મોમાં કામ કરવું બંધ કર્યું કારણ કે તેને રાજકારણ તરફ લઈ જવામાં એમજીઆરનો ફાળો ઓછો નથી. ફિલ્મોમાં સફળ કારકિર્દી બાદ તેમાં નીચે ઊતરવું સ્ટ્રોંગ વ્યક્તિત્વની સ્વામી જયલલિતા માટે સહેલું નહીં હોય. એમજીઆરની ભરપૂર સફળતા અને સત્તાનો ફાયદો જયલલિતાને પણ મળ્યો જ છે. દેખાવમાં સુંદર જયલલિતા ફક્ત શોભાની કે ગ્લેમરની પૂતળી નહોતી તે બુદ્ધિશાળી પણ હતી એટલે પોતાના આસપાસના પરિસરમાંથી અને અનુભવમાંથી ઘણું શીખી. એકવાત તેણે ગાંઠે બાંધી લીધી હતી કે બીજા કોઈ પર વિશ્ર્વાસ ન મૂકવો ફક્ત પોતાના પર જ મદાર રાખવો. આવું કોઈ ત્યારે જ નક્કી કરે જ્યારે જીવનમાં અનેક ખત્તાઓ ખાધી હોય.

જયલલિતાની આત્મકથાનક નવલકથા લખવામાં મદદ કરનાર વલ્લમપુરી જ્હોન ભૂતપૂર્વ સાંસદ જે તેમની ખૂબ નજીક હતા એમણે જયલલિતા વિશે અનેક વાતો કરી છે. ૧૯૭૦ની આસપાસ જ્યારે એમજીઆર અને જયલલિતા વચ્ચે થોડી દૂરી સર્જાઈ અને શોભન બાબુનો પ્રવેશ થયો ત્યારબાદ છેક ૧૯૮૧માં ફરીથી એમજીઆર અને જયલલિતાના સંબંધો સુધર્યા. બન્ને વળી મિત્રો બન્યા પણ એમજીઆરની સતત વોચથી જયલલિતાને ફસાઈ ગયા હોવાની લાગણી પણ થતી. ૧૯૮૩માં જયલલિતા સાંસદ બની. ૧૯૮૪માં એમજીઆરને સ્ટ્રોક આવતા જયલલિતા મુક્ત બની પોતાની પ્રતિભા સાબિત કરવામાં હતી કે એમજીઆર જે તેના પર વોચ રાખતા હતા તેમણે પાર્ટીના ડેપ્યુટી પદથી જયલલિતાને દૂર કર્યા. સંબંધો અને અહંકારમાં રાજકારણે પ્રવેશ કર્યો. તે વખતે એક મેગેઝિનમાં જયલલિતાએ કહ્યું હતું કે એમજીઆરનો મારા પર ઘણો પ્રભાવ છે તેની ના નહીં, પણ હવે હું મારા પગ પર ઊભી છું. મારો વિકાસ થયો છે. મારા જીવનની જવાબદારી હવે મારી પોતાની છે. આજ પછી મારા પર બીજા કોઈનો પ્રભાવ નહીં રહે. મારું જીવન કે વિચારો અને વર્તનને હવે બીજું કોઈની દોરવણી હેઠળ નહીં ચાલે. અને બસ ત્યારબાદ એક નવી જયલલિતાનો જન્મ થયો. તેની સાથે અનેક કોન્ટ્રવર્સી જોડાયેલી રહી. પુરુષોનું ક્ષેત્ર ગણાતા રાજકારણમાં મકક્મ પગલે એક સ્ત્રીએ પ્રવેશ કર્યો એટલે અનેક વાતો વિવાદો થવાના જ હતા. જયલલિતાએ ત્યારબાદ સ્ત્રીનું ઘરેણું કે નબળાઈ ગણાતી લાગણીઓને સ્થાને મક્કમ મનોબળને ધારણ કર્યું. અનેક કાવાદાવાઓ અને વિરોધો વચ્ચે પોતાનું સ્થાન સ્થિર કર્યું તે તો દરેકે માનવું જ પડે. તેમણે એકવાર કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશતાં નક્કી હતું કે પોતે જે નીતિમાં માને છે તેમાં કોઈ બાંધછોડ ક્યારેય કરવી નહીં. ત્રાગાં તો કરવા જ નહીં પણ પોતાની વાત પર મક્કમ ઊભા રહેવું. પોતાના એકલવાયાપણાને ઓવરકમ કરીને જયલલિતાએ લોકોના હૃદય પર રાજ કરવાનો રસ્તો શોધી લીધો. જો કે અભિનેત્રી તરીકે પણ તેમણે લોકોના હૃદય પર રાજ કર્યું અને રાજકારણી તરીકે પણ ફક્ત તેમના હૃદય પર કોઈ રાજ કરી શકે તે શક્ય ન બન્યું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના...આ ગીત જયલલિતાના જીવન વિશે વિચારતા, વાંચતા યાદ આવી ગયું.

You Might Also Like

0 comments