પોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar)
03:17
‘મને દિવ્યાંગ કે ડિસએબલ કે વિકલાંગ તરીકે ઓળખાવું નથી ગમતું. અમને સામાન્ય ઓળખ જોઈએ છે. ફક્ત સુવર્ણા રાજ તરીકે જ ઓળખાવું ગમે. કોઈ અલગ ઓળખ નથી જોઈતી. ફક્ત અમને જરૂર છે તો સંવેદનશીલ સમાજની. સમાજમાં જેમ દરેકને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે છે એ રીતે અમને પણ સહજતાથી, સરળતાથી સમાજમાં કામ કરી શકીએ તેવી સગવડ જોઈએ છે.’ ૩૫ વર્ષીય સુવર્ણા રાજના અવાજમાં રોષ અને દુખ ફોન ઉપર વાત કરતાં પણ અનુભવી શકાય છે. દિલ્હીમાં રહેતી સુવર્ણા રાજ વિકલાંગોને ન્યાય મળે, યોગ્ય માર્ગદર્શન મળે એ માટે કામ કરી રહી છે. તેને બન્ને પગમાં પોલિયોને કારણે તે આધાર વિના ચાલી નથી શકતી એટલે તેણે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે. વ્હીલચેરમાં બેસીને સુવર્ણાએ ટેબલટેનિસમાં દેશવિદેશમાં અનેક મેડલ જીત્યા છે.
નાગપુરમાં જન્મેલી સુવર્ણા જ્યારે બે વરસની હતી ત્યારે એને બન્ને પગે પોલિયોની અસર થઈ હતી. ઘરમાં પિતા એક માત્ર કમાનાર વ્યક્તિ. ચાર ભાઈ બહેનો હોવાને કારણે સુવર્ણાને વધુ સગવડ મળી શકે એમ નહોતી. લોકો અને સમાજના મહેણાંટોણાં અને બિચારીના લેબલ સાથે તેણે બારમાં ધોરણ બાદ ભણવાની સાથે કામ કરવાનું પણ શરૂ કર્યું. સુવર્ણા કહે છે કે હું ભણવામાં હોશિંયાર હતી. બારમાં ધોરણમાં સારા માર્કસ આવતા પિતાએ સ્કુટી અપાવ્યું. એટલે મારા માટે બહાર આવવું જવું સરળ થઈ પડ્યું. નહીં તો પહેલાં કાખઘોડી સાથે જ આવતી જતી. સ્કુટીના પેટ્રોલના પૈસા મેં ક્યારેય પિતા પાસે માગ્યાં નથી. નાનાં મોટાં અનેક કામ કરતા મેં બીકોમ અને એમકોમ પણ કર્યું. સાથે જ મને સ્પોર્ટ્સનો પણ શોખ હતો એટલે પેરાએથલિટમાં હું ભાગ લેવા માંડી અને મારા જીવનને દિશા મળી. ત્યાં મારી ઓળખ પ્રદિપ રાજ સાથે થઈ. તેમને પણ પોલિયોને કારણે પગમાં ખોડ છે. પ્રદિપ ડિસએબિલિટી સેકટરમાં યુથ લીડર હતા અને પોતે પણ પેરા સ્પોર્ટસ રમતા હતા. અમને પ્રેમ થયો અને લગ્ન થયા. લગ્ન બાદ પતિ અને સાસરા પક્ષનો સહકાર મળતાં મારામાં આત્મવિશ્ર્વાસ વધ્યો. એ પહેલાં મારા સંબંધીઓ અને આસપાસવાળા બધા કહેતાં કે કેટલી સુંદર છે, પણ બિચારીના પગ જ નથી ચાલતા. જો પગ હોત તો આટલી સુંદર છોકરીને કોઈપણ પરણવા તૈયાર હોત. એ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો. આજે પણ સમાજના લોકો અપંગ વ્યક્તિઓને જે રીતે જુએ છે તે બિચારાપણાની રીતે! તેઓ સમજતા કેમ નથી કે અમે પણ સામાન્ય વ્યક્તિ તરીકે જ ભણી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. હા ફક્ત અમારા શરીરમાં કોઈને કોઈ ખોડ છે. તેને કારણે અમે માણસ નથી મટી જતાં.
આજે હું ભગવાનનો પાડ માનું છું કે ભલે મને અપંગ બનાવી, કારણ કે જો હું પણ મારી બહેનોની જેમ સામાન્ય હોત તો લગ્ન કરીને ઘરમાં બેઠી હોત સામાન્ય ગૃહિણી બનીને. જ્યારે આજે હું મારી ટેલેન્ટને કારણે દેશવિદેશ ફરી રહી છું. મારું આગવું વ્યક્તિત્વ છે. તેને માટે મારા પતિ પ્રદિપનો હું આભાર માનું છું. લગ્ન બાદ તેમણે મને કહ્યું કે તારામાં ઘણી શક્યતાઓ છે તેને ઘરમાં બેસીને વેડફવાની જરૂર નથી. તેમણે મને ટેબલ ટેનિસ રમતાં શીખવાડ્યું.
ટેબલ ટેનિસમાં સુવર્ણાને એટલી ફાવટ આવી ગઈ કે પેરાસ્પોર્ટ્સમાં તેણે સતત જીત મેળવવા માંડી. રાજ્યકક્ષાએ ચેમ્પિયન બન્યા બાદ દેશમાં ચેમ્પિયન બની અને છેવટે તે આંતરરાષ્ટ્રીય પેરાએથલિટ્સમાં તેણે ૨૦૧૩માં બ્રોન્ઝ મેડલ અને ગ્રુપનો ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. સુવર્ણાએ બાળકને જન્મ આપ્યા બાદ પણ તેણે કામ કરવાનું છોડ્યું નહીં. તેની હાલમાં ચીફ કમિશનર ઓફ પર્સન વીથ ડિસએબિલિટીમાં એક્સેસિબલ ઓડિટ મેમ્બર તરીકેની નિમણૂક કરી છે. એ સિવાય તે સમર્થન નામની સંસ્થા સાથે જોડાઈને વિકલાંગોને પગભર થવા માટે મદદરૂપ થાય છે. તેમાં પણ વિકલાંગ સ્ત્રીઓને ભણતરનું મહત્ત્વ સમજાવી તેમને બીજા પર નિર્ભર રહેવા કરતાં પોતાના પર નિર્ભર રહેવાના સૂચનો સાથે તેમને બનતી સહાય પણ આપે છે.
ઓડિટર તરીકે કામગીરી બજાવે છે ત્યારે સરકારની માનસિકતા બદલાઈ રહી છે ખરી? તે સવાલના જવાબમાં સુવર્ણા કહે છે કે મોટા પ્રોગ્રામોનું આયોજન થાય છે, પણ વિકલાંગોને સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ તેનો ફાયદો નથી. મેં પહેલાં જ કહ્યું ને કે લોકોમાં સંવેદનશીલતા નથી તે નેતાઓ અને સરકારી લોકોને પણ લાગુ પડે છે. વિકલાંગોને કામ શીખવાડાશે કે કાર્યકુશળ બનાવાશે, પરંતુ બહાર જવા આવવા માટે જે ઈન્ફ્રસ્ટ્રકચર જોઈએ તે જ નહીં હોય તો કામ પર જશે કેવી રીતે? વ્હીલચેરમાં જનાર વ્યક્તિ રસ્તા પર કેવી રીતે જાય? રેલવે, મેટ્રો કે બસ પણ વિકલાંગોને માટે ક્યાં હોય છે? બીજું કે વિકલાંગ કોને ગણી શકાય પણ તે નક્કી નથી થતું. ડિસએબિલિટી બિલ બે વરસથી પેન્ડિંગ જ છે પાસ થતું નથી. એટલે બીજી અનેક વ્યક્તિઓને તેનો ફાયદો મળતો નથી. કેટલીક બિમારીઓ એવી હોય છે કે તેને ડિસએબિલિટિમાં મૂકી શકાય. કેટલીક ક્રોનિક બીમારીઓને પણ ડિસએબિલિટિમાં ગણાવી જોઈએ પણ જ્યાં સુધી બીલ પાસ નહીં થાય ત્યાં સુધી એવા લોકોને કોઈ લાભ નહીં થાય. આ બિલ હવે ક્યારે પાસ થશે તે પણ કહી શકાય એમ નથી. એક તરફ સુગમ્ય ભારત અભિયાન થઈ રહ્યું અને બીજી તરફ બીલ પણ પાસ ન થાય ત્યાં સુધી કોઈપણ અભિયાન સફળ ન થઈ શકે. અમે ઓડિટર તરીકે અમારી વાત મૂકીએ પણ સંવેદનશીલતા ન હોય તો તેમને સમજાય કેવી રીતે? વિદેશમાં દરેક મકાનો કે સેવાઓ વિકલાંગોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવે છે. આપણે ત્યાં આવો વિચાર કરવામાં જ નથી આવતો. ફક્ત લોકો બિચારા કહીને દયા ખાય છે. ગમે તેટલી કેપેબેલિટી હોય તો પણ કંપનીઓ વિકલાંગોને નોકરીએ રાખવા જલદી તૈયાર નથી થતી. વિકલાંગો પર વિશ્ર્વાસ મૂકી જોવાની માનસિકતા લોકોમાં નથી. તેમને દયા નહીં પણ આત્મનિર્ભર બનીને આત્મસન્માનપૂર્વક જીવવું હોય છે. અમે બધા સતત એ જ પ્રયત્ન કરીએ છીએ કે લોકોની માનસિકતા બદલાય. અફસોસ એટલો જ છે કે હજી અમારે અમારા અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે. હા, મારા જીવન માટે મને અફસોસ નથી. મારી પંગુતાએ મને વધુ સક્ષમ બનાવી છે. હું હાલમાં માસ્ટર ઓફ સોશિયલ સાયન્સનો પણ અભ્યાસ કરી રહી છું.
સુવર્ણા રાજ આજે પણ પોતાની જાતને વધુ સુસજ્જ બનાવવા માટે અભ્યાસ કરી રહી છે. તે પોતાની ક્ષમતાને વધારવા માટે સતત જ્ઞાન મેળવવામાં માને છે. દેશવિદેશમાં અનેક સેમિનાર અને કોન્ફરસમાં તેના અનુભવો અને સંઘર્ષ અંગે બોલવા માટે બોલાવે છે. તેને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ રોલ મોડલ એવોર્ડ, નેશનલ યુથ એવોર્ડ, નેશનલ વિમેન એક્સલન્સ એવોર્ડ પણ મળ્યો છે.
0 comments