અમેરિકા છોડીને સેવા માટે ગામને કર્યું વ્હાલું (mumbai samachar)

01:08








તેમણે ઈચ્છ્યું હોત તો અમેરિકામાં રહેતા સ્વજનો અને મિત્રો સાથે સ્થાયી થઈ શકત પણ આદિવાસી વિસ્તારમાં આજીવન કાર્ય કરનાર ડૉક્ટર દક્ષા પટેલે સેવાનો ભેખ ધર્યો હતો







‘મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે સમાજસેવા જેવા ક્ષેત્રમાં હું કામ કરીશ. પરંતુ, બાળપણથી મારો સ્વભાવ જરા ઊફરા જ ચાલવાનો હતો. મારી વિચારધારા થોડી રિબેલિયશ ખરી જ. ’ આ શબ્દો હતા ડૉ. દક્ષા પટેલના. સદાય ઉત્સાહિત રહેતા અને વયમાં ૭૦ પણ દેખાવે ૫૦ના દક્ષા પટેલનો જન્મ મુંબઈમાં, ઉછેર વલસાડમાં અને ભણતર સુરત, ઇંગ્લેડ અને અમેરિકામાં, પણ કાર્યક્ષેત્ર રહ્યું માંગરોળ અને ધરમપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગામડાંમાં. સમાજસેવાના કોઈ ભાર વગર તેમણે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સહજતાથી ઘણું કામ કર્યું છે.

સ્વ. ડૉ. દક્ષા પટેલની મુલાકાત મુંબઈ સમાચાર માટે લેવાનો અવસર આ પહેલાં મળ્યો હતો પણ હજી તેમની મુલાકાત છપાય તે પહેલાં જ અચાનક તેમનું મૃત્યુ થયું.

ધરમપુર નગારિયામાં આવેલા આર્ચ દવાખાનાના પ્રાંગણમાં ધરમપુરના છેવાડાના ગામમાંથી આવેલી અભણ આદિવાસી લલિતાબેન શ્રદ્ધાંજલિ સભાને સંબોધતા કહી રહ્યા હતા કે તેમના ગામમાં ક્યારેય કોઈ ડૉકટર આવ્યા જ નહોતા. આસપાસના ત્રીસેક કિલોમિટર સુધી કોઈ ડૉકટર નહોતા. સુવાવડતો ઘરમાં જ થતી. ન પૂરતાં કપડાં હોય કે ન તો પૂરતી સગવડ હોય. ઈન્ફેકશન લાગે કે ગર્ભને જન્મ દેતાં માતાનું મૃત્યુ થાય તો બસ જોઈ રહેવું પડતું. વીસેક વરસ પહેલાં ડૉકટર દક્ષા પટેલે ધરમપુર વિસ્તારમાં કામ કરવાનું આ જ કારણોસર શરૂ કર્યું હતું. તે પહેલાં વિદેશમાં તબીબીશાખામાં એમડીની ડિગ્રી લઈને માંગરોળના આદિવાસી વિસ્તારમાં લગભગ ૮૦ના દાયકામાં કામ શરૂ કર્યું હતું. નવેમ્બર મહિનાની ૨૯મી તારિખે અચાનક ગંભીર બીમારી બાદ તેમનું નિધન થયું. તેમને શ્રદ્ધાંજલી સભામાં લોકોની હાજરી જોઈને તેમની ચાહનાનો ખ્યાલ આવતો હતો. માંગરોળ અને ધરમપુર તાલુકાના ઊંડાણના ગામડાઓમાંથી કિલોમીટરોનો પ્રવાસ કરીને હેલ્થવર્કરો આવ્યા હતા જેમને સ્વ. ડૉ દક્ષાબહેન પટેલે તૈયાર કર્યા હતા.

એક બહેન ગળામાં ડૂમો ભરાયેલા સ્વરે કહી રહ્યા હતા કે હું મહારાષ્ટ્રને અડીને આવેલા ગામની હેલ્થવર્કર છું અને આખું ગામ મારી પાસે બીમારી વખતે દવા લેવા અને સલાહ લેવા આવે. મને કંઈ તકલીફ પડતી તો ગમે ત્યારે સહજતાથી ડૉ દક્ષાબહેનને ફોન કરી શકતી. હવે કોને કરીશ...અમને કોણ મદદ કરશે?

ડો. દક્ષા પટેલ આર્ચ હેલ્થ સેન્ટર દ્વારા સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્ય-આરોગ્ય ક્ષેત્રે મરતાં દમ સુધી ધરમપુરમાં કામ કર્યું હતું. ઇંગ્લેડ જઇને દાકતર તરીકે ત્રણેક વરસ કામ કર્યા છતાં ભારતમાં પરત આવવાનો વિચાર કેમ આવ્યો તે પ્રશ્ર્ન થાય જ. તેમની સાથે અભ્યાસ કરનારા અમેરિકા કે ઇંગ્લેડમાં સ્થાયી થયા હતા. દક્ષાબહેને આ પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે તેઓ લગ્ન બાદ જ પતિ અનિલ પટેલ સાથે વધુ અભ્યાસ અને કામ કરવા ઇંગ્લેડ રહ્યા હતા. ૧૯૯૭માં અમેરિકામાં જઈને પણ જ્હોન હોપક્ધિસ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનમાં પબ્લિક હેલથનો નાનો કોર્સ પણ કર્યો. અનિલ પટેલે લગ્ન પહેલાં જ નક્કી કર્યું હતું કે તેઓ ગામડાંમાં જઈને કામ કરશે. અને ઇંગ્લડેમાં કે અમેરિકામાં રહેવું નથી. પાછા ભારત આવવાનું જ છે, એટલે કોઇ સવાલ જ નહોતો ત્યાં અભ્યાસ બાદ રોકાવાનો.

દક્ષાબહેનનો જન્મ જૈન વેપારી કુટુંબમાં. પણ બાળપણથી તેમને સવાલો થતા. ક્યારેય સમજ્યા વગર કશું જ સ્વીકારવાની કોઇ વાત જ નહોતી. લોકો દેરાસરમાં પૂજા કરે પૈસા ચઢાવેને બહાર બેઠેલા રક્તપિત્ત ધરાવતી વ્યક્તિઓને હડધૂત કરે તે એમનાથી સહન નહોતું થતું. ખાધેપીધે સુખી કુટુંબમાં ઉછેર અને ગ્રામ્ય વિસ્તારનો કોઇ અનુભવ નહી. જીવ પાછો શોખીન... પરણવું તો હતું પૈસાદાર વ્યક્તિને જે રાણીની જેમ રાખે પરંતુ, સંવેદનશીલ સ્વભાવને કારણે ડોકટરીના ફાઇનલ વરસમાં ઇન્ટર્નશિપ કરવાની હતી ત્યારે ગરીબોની લાંબી લાઈન જોઇને અને જે રીતે તેમની સાથે વ્યવહાર થતો દુખ થતું. જ્યાં સુધી એકપણ દર્દી હોય ત્યાં સુધી તેઓ ચા પીવા પણ ન જતા. દક્ષાબહેનની વિચારધારા સ્વતંત્ર મિજાજની હતી. સિત્તેરના દાયકામાં જ્યારે સ્ત્રીઓ પતિની મરજીથી જ જીવનના દરેક નિર્ણયો લઈને જીવતી ત્યારે એવું જીવન જીવવાની તેમની કોઇ તૈયારી નહોતી. એટલે જ્યારે અનિલ પટેલે તેમને પ્રપોઝ કર્યું અને ગામડાંમાં કામ કરવાની વાત કરી ત્યારે પહેલો વિચાર એ જ આવ્યો કે મારા વ્યક્તિત્વને જાળવવા માટે ગામડાંમાં રહેવામાંય વાધો નથી. ઇંગ્લેડમાં જ દીકરા આકાશનો જન્મ થયો પણ તેને લઈને માંગરોળ નર્મદા કિનારે પતિ અનિલ પટેલ સાથે પરત આવ્યા.

માંગરોળમાં સ્થાયી થવાના વિચાર સાથે જ નક્કી કર્યું કે તેમણે સ્ત્રીઓના આરોગ્ય માટે કામ કરવું છે. કારણ કે સ્ત્રી ડોકટર હોવાને કારણે મહિલાઓ સહજતાથી તેમની સામે ખુલી શકે. શરૂઆતમાં તો તેમને ખૂબ જ આઘાત લાગતો જે રીતે આદિવાસી સ્ત્રીઓ સુવાવડ ઘરે કરતી. તેમને દાઈ ટ્રેઇનિંગની તાતી જરૂર લાગી. પણ તેમને સમજાવવું સહેલું તો નહોતું જ. તેઓ સામે સવાલ કરે કે તે કેટલી સુવાવડ કરાવી કે તને ખબર પડે. ધીમે ધીમે ધરમપુર વિસ્તારમાં તેઓ ટ્રેઇનીંગ માટે આવ્યા તો જોયું કે આ વિસ્તારમાં સ્વ. નવનીત ફોજદાર સિવાય બીજા ડોકટર નહોતા. કામ એટલુ વધ્યું કે તેમણે માંગરોળ આવવા જવામાં પાંચેક કલાકની મુસાફરી અઠવાડિયે બે કે વધુવાર કરવી પડતી. પતિ અનિલ પટેલે કહ્યું કે તને યોગ્ય લાગે તો ધરમપુર જ રહે તો કામ વધુ થશે. અને ૨૦૦૦ની સાલથી દક્ષાબહેન ધરમપુર રહેવા લાગ્યા એટલે દવાખાનું પણ શરૂ થયું. આજે આર્ચ દવાખાનામાં રોજના સો ઉપરાંત દર્દીઓ હોય એ નવાઈ નથી રહી એ ઉપરાંત અંતરિયાળ ગામોમાં જઈને હેલ્થ વર્કરોને અને દાઈને તાલીમ આપવાનું કામ પણ વિસ્તરતું જ ગયું. બહેનોની અનેક સમસ્યાઓનું અહીં નિવારણ થાય જ. પછી તો મોટી જગ્યાની જરૂર લાગી ધરમપુરમાં નગારિયા વિસ્તારમાં સ્વજનો અને મિત્રોની મદદથી કેમ્પસ ઊભું થયું જ્યાં ફુલફ્લેજ્ડ લેબોરેટરી સાથે આજે પણ દવાખાનું ચાલી રહ્યું છે. આ દવાખાનામાં રોજના સો-દોઢસો જેટલા ગરીબ દર્દીઓ આવતા થયા. જરૂર પડે તો આદિવાસીઓને શહેરમાં મોટા ડૉકટરની સેવા મેળવી આપવાનું કામ પણ દક્ષાબહેન કરતાં હતા. એક આદિવાસી બહેને કહ્યું કે સદાય હસતાં ચહેરે સ્વાસ્થ્ય તપાસ કરતાં ડૉકટર તેમની સાથે સામાન્ય સ્ત્રીની જેમ જ વાત કરતાં ક્યારેય તેમની સાથે વાત કરતાં ડર નહોતો લાગતો.

તે સમયે અંતરિયાળ વિસ્તારમાં ગામડાંની નજીકમાં કોઇ એમબીબીએસ ડોકટર સેવા અર્થે નહોતા. હા, ખાનગી દવાખાના ધરમપુર અને વલસાડમાં અનેક હતા પણ તેમની પાસે જવાના પૈસા આ ગરીબ આદિવાસી પાસે ન હોય. અને જો જવું જ પડે તો કેટલી ય ઉધારી કરવી પડે કે ખેતર વેચવું પડે. હવે ધરમપુરમાં રાજચંદ્ર હોસ્પિટલ છે પણ હજી અંતરિયાળ ગામોમાં દર્દીઓ માટે સેવા આપવા ડૉકટરો નથી. જ્યાં રસ્તા ન હોય તેવા ડુંગરાળ ગામડાંઓમાં હેલ્થ કેમ્પ યોજવા અને લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું કામ ડૉકટર દક્ષાબહેને કર્યું. નહીં તો આદિવાસીઓ બીમારી વખતે ભગત-ભૂવાની પાસે જઈને ડામ લેતા હતા. તબીબ વ્યવસાય સેવા માટે પણ છે એ તો હૃદયથી સમજાય તો જ શક્ય બને. મનનો સંતોષ અને માનવીય વલણ હોય તો જ એ શક્ય બને. દક્ષાબહેને સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે રિસર્ચ પ્રોજેક્ટ પણ કર્યા હતા.

અઘરું છે શહેરના સુખસગવડ છોડીને ગામડાંમાં ગરીબો માટે કામ કરવું પણ તેમાં જે જીવનની સાર્થકતા લાગે તેની તુલના ન થઈ શકે. દક્ષાબહેને આરોગ્ય વિષયક પુસ્તિકાઓ આદિવાસી ગ્રામ્ય બોલીમાં અને સરળ ગુજરાતી ભાષામાં લખી છે જેને કારણે માસિક, સુવાવડ,મેનોપોઝ જેવા વિષયે ગ્રામ્ય પ્રદેશોમાં રહેતી સ્ત્રીઓને સાચી માહિતી મળે અને તેમને સરળ જીવન જીવવા માટે ઉપયોગી થાય. વળી તેનું ફક્ત દશેક રૂપિયામાં વિતરણ કરતા રહ્યા છે. અંતરિયાળ આદિવાસી ગામડાંમાં જ્યાં રસ્તાઓ સીધા સરળ ન હોય ત્યાં કામ કરવા જાય એવી તબીબ મહિલાઓની ખોટ દક્ષાબહેને પૂરી હતી. ધરમપુરનો એ વિસ્તાર ફરી નવી તબીબ મહિલાની-એક મસીહાની રાહ જોઈ રહ્યો છે.



You Might Also Like

0 comments