માતૃત્વની કસોટી આકરી

07:59







 માતૃત્વની અનુભૂતિ સ્ત્રી માટે મહત્ત્વની હોય જ છે, પરંતુ ત્યારબાદ તેની કારર્કિદી પર બ્રેક લાગવી જોઈએ?  આ સવાલ આધુનિક નારીનો પીછો નથી છોડતો.

જે લોકોને સ્પોર્ટસમાં રસ હશે તેમણે અને ન રસ હોય તેમણે પણ સેરેના વિલિયમ્સનું નામ તો સાંભળ્યું જ હશે. ન સાંભળ્યું હોય તેમને માટે વિગતો, સેરેના વિલિયમ્સ અમેરિકન ટેનિસ પ્લેયર છે. તેણે સિંગલ, ડબલ્સ મળીને કુલ  39 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. 23 વખત તેણે સિંગલ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ મેળવ્યું છે. તો 14 વખત વિમેન્સ ડબલ્સમાં, 2 વાર મિક્સ ડબલ્સ જીતી છે. દરેક ટેનિસ ટાઈટલ જીતનારી તે રોડ લેવર અને સ્ટેફી ગ્રાફ બાદ ત્રીજી ખેલાડી છે. તેની સ્ટ્રેન્થ એટલી છે કે તે દરેક સરફેસ પર (ક્લે, હાર્ડ અને લોન) રમી શકે છે અને જીતી શકે છે. તે ગયા વરસ સુધી નંબર વન રેન્કિંગ ધરાવતી હતી. પણ આ વરસે તેને કોઈ રેન્ક આપવામાં નથી આવ્યો અને તે વિશે વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી હતી.
સેરેનાએ ગયા વરસે બાળકીને જન્મ આપ્યો.  તેણે ટેનિસની રમતમાંથી એક વરસનો બ્રેક લીધો હતો. દીકરીના જન્મ બાદ તેને લોહીમાં ગાંઠા પડી જવાને કારણે ફરીથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેની પ્રસુતિ ઘણી પીડાદાયક રહી હતી. એટલે ત્યારબાદ તેના શરીરને રિકવર થવા માટે અને માતૃત્વને માણવા માટે બ્રેક લીધો હતો. આ વરસે તેણે ફરી પાછા ટેનિસ કોર્ટમાં રમવા આવવાનું નક્કી કર્યું ત્યારે એને કોઈ સિડિંગ એટલે કે રેન્કિંગ ન આપવામાં આવ્યો. જે ટેનિસ એસોસિઅશનનો નિયમાનુસાર છે. આ પહેલાં પણ બીજી ટેનિસ સ્ટાર્સે (કીમ ક્લિજસ્ટર, વિક્ટોરિયા એઝરેન્કા) બાળકને જન્મ આપ્યાના બ્રેક બાદ ફરીથી રમતમાં આવ્યા હતા ત્યારે નવેસરથી શરૂઆત કરવી પડી હતી. કીમ ક્લિજસ્ટરે 2009માં કમબેક કરીને ચેમ્પિયન ટ્રોફી પણ જીતી હતી. જો કે તે સમયે તે 26 જ વરસની હતી.  સેરેના વિલિયમ્સ 23 વાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની ચૂકી હોવા છતાં તેણે ફરીથી શરૂઆત કરવાની આવી, એટલે કે ગયા વરસની નંબર વનને આ વખતે 451 રેન્ક આપવામાં આવ્યો. આમ જોઈએ તો રમતમાં પર્ફોમન્સ અને જીત જ મહત્ત્વના હોય છે તે છતાં રેન્કિંગ માટે ઊહાપોહ થયો. તેને નોનસિડિંગ રેન્જમાં મૂકવામાં આવી તેનો મતલબ એ થાય કે તેના જીતવાના ચાન્સ છે જ નહીં. પહેલાં 32 રેન્કમાંથી જીતવાની શક્યતા નક્કી કરાતી હોય છે.
કેટલાકનું માનવું છે કે પ્રસુતિ બાદ સ્ત્રીએ ફરીથી નવેસરથી શરૂ કરવાનું હોય તેનો અર્થ એ કે સ્ત્રીની ક્ષમતા પર શંકા કરવામાં આવે છે. પુરુષો પિતા બન્યા બાદ બ્રેક લેતા નથી અને રેન્ક ખોતા નથી. સેરેના તો ખૂબ જ સક્ષમ ખેલાડી રહી ચૂકી છે. તેણે વરસનો બ્રેક શું લીધો નંબર વન પરથી સાવ છેલ્લે મૂકી દેવામાં આવે કારણ કે તેણે બાળકને જન્મ આપ્યો છે.  જો આ ભેદભાવ સ્ત્રીના માતૃત્વ ધારણ કર્યા બાદ થશે તો કોઈ ટેનિસ સ્ટાર નિવૃત્તી પહેલાં માતા બનવાનું ઈચ્છશે જ નહીં.  માતૃત્વને મહાન ગણવામાં આવે છે, પરંતુ ત્યારબાદ સ્ત્રીને એક વ્યક્તિત્વ તરીકે જોવામાં કે મૂલવવામાં નથી આવતી. આપણે ત્યાં તો બાળકને જન્મ આપ્યા બાદ ફિલ્મમાં સ્ત્રીને મુખ્ય ભૂમિકામાં પણ લોકો જોવા તૈયાર નથી હોતા. બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીની કારર્કિદી પર સવાલ ઊઠવા લાગે છે. ટેનિસ સ્ટાર સેરેનાને માટે પણ આ જ માપદંડ રાખવામાં આવ્યા ત્યારે એ ચર્ચાનો વિષય બને છે. તે છતાં સેરેના રેકેટ લઈને મેદાનમાં ઉતરે છે. તે પોતાની દીકરીના જન્મથી ખૂબ ખુશ છે. જો કે જ્યારે આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે જ સેરેના છેલ્લી ઘડીએ તેના છાતીના મસલ્સના પેઈનને કારણે ફ્રેન્ચ ઓપનમાંથી બહાર નીકળી ગઈ છે. સતત જીતનારી યોદ્ધાએ છેલ્લી ઘડીએ બહાર થઈ જવું પડે લડ્યા વિના તે દુખદ બાબત હોઈ શકે અને તેમાં પણ જ્યારે તે માતા બન્યા બાદ પહેલીવાર હરિફાઈમાં શામેલ થતી હતી. જો કે એણે દરેક પરિસ્થિતિને એક વિરલ યોદ્ધાની જેમ જ સ્વીકારી લીધી છે. તેણે ખૂબ સ્વસ્થતાપૂર્વક કહ્યું કે હું દરેક હતાશાથી ઉપર ઊઠી ગઈ છું. મેં ઘણું ગુમાવ્યું છે ખાસ કરીને માતા બન્યા પછી. પ્રેકટિશ કરવા માટે મારી દીકરીની સાથે વિતાવવાનો સમય. હું પ્રેકટિસ કરતી હોઉને મોનિટર પર મારી નજર પડે અને દીકરીને રમતી જોઉં ત્યારે થતું કે તેની પાસે પહોંચી જાઉં, પણ મને ખબર છે કે તમારે કશુંક પામવા માટે કશુંક ખોવું પડે છે. હું પાછી આવીશ આ જ કોર્ટ પર અને મારું સ્થાન પાછું મેળવીશ.
માતા બનવું એટલે કેટલી મોટી જવાબદારી છે તે સેરેના ખૂબ સારી રીતે જાણે છે. અને ખુશ છે કે તેને દીકરી મળી છે. એણે થોડા મહિના પહેલાં એક મેગેઝિનને મુલાકાતમાં જે કહ્યું હતું તે દરેક સ્ત્રીએ યાદ રાખવા જેવું છે. તેના વાક્યો વાંચીને થયું કે સેરેના શું કામ ટેનિસની રાણી છે. તે ખૂબ સ્પષ્ટતાથી વિચારે છે અને પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે એટલે. તેણે કહ્યું કે  સ્ત્રીઓ હંમેશા પોતાને મર્યાદિત રીતે જ જુએ છે. મેં પણ એવી ભૂલ કરી હતી. હું જ્યારે અઢારમું ગ્રાન્ડ સ્લેમ જીતવા જઈ રહી હતી ત્યારે ખૂબ જ સ્ટ્રેસમાં હતી. જીતી શકીશ કે નહીં તેની શંકામાં રહેતી હતી એટલે દરેક મેચ હારી રહી હતી તે વરસે. મારા કોચ પેટ્રિકે યુએસ ઓપન વખતે આ વાત નોંધી અને કહ્યું કે સેરેના આ મને સમજાતું નથી કે તું અઢારમી વખતના ગ્રાન્ડ સ્લેમ માટે શું કામ વિચારે છે, શું કામ 30 કે 40માં ગ્રાન્ડ સ્લેમ વિશે વિચારતી નથી. એ શબ્દો મને અસર કરી ગયા.  હું અઢારમી વખત  જ નહીં ત્યારબાદ ઓણીસમી, વીસ, એકવીસ વખત ચેમ્પિયન બનતી ગઈ. જીતતી ગઈ. જો હું પહેલાં નંબરે ઊભી રહી શકતી હોઉં તો શા માટે મારે બીજા નંબરે ઊભા રહેવું જોઈએ? આપણે સ્ત્રીઓ જ મર્યાદિત રીતે વિચારતી હોઈએ છે.  મને સમજાતું નથી કે સ્ત્રીઓ કેમ મર્યાદિત બનીને વિચારે છે, પણ એટલું સમજાય છે કે આપણને કેટલીકવાર  સમજાવવામાં આવે છે કે શીખવાડવામાં આવે છે કે પુરુષોની જેમ વધુ ઊંચા સપના ન જોવા જોઈએ. આપણે પણ વડાપ્રધાન કે ચીફ ઓફિસર બની શકીએ એવો વિચાર આપણામાં રોપવામાં આવતો નથી. જ્યારે એ જ ઘરમાં છોકરાને કહેવામાં આવે છે કે તે જે ઈચ્છે તે બની શકે છે. મને ખૂબ આનંદ છે કે મારે દીકરી છે. મારે તેને શીખવાડવું છે કે સપના જોવાની ને તેને પૂરા કરવા માટે કોઈ મર્યાદા તેને માટે નથી. હું સમજણી થઈ તે પહેલાંથી જ ટેનિસ રમતી હતી, મને ફક્ત ફિનિંશિંગ લાઈન જ દેખાતી હતી, અને જ્યારે તમને ફિનિશિંગ લાઈન દેખાતી હોય છે ત્યારે તમે ધીમા નથી પડતા ક્યારેય.
માતા બન્યા બાદ સ્ત્રીને જાહેરજીવનમાંથી ઘરમાં પૂરી દેવામાં આવે છે. બાળકને જન્મ આપ્યા બાદ ઉછેર તો પિતા પણ કરી જ શકે છે, પરંતુ પિતાને દરેક જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે. માતૃત્વ ધારણ કર્યા બાદ સ્ત્રી નબળી નથી પડતી પણ વધુ સક્ષમ બને છે. તે વિશ્વની રચયિતા છે તે ધીમી પડતી નથી.  સેરેના કહે છે એમ માનસિકતા જ છે જે સ્ત્રીને મર્યાદિત વિચારધારામાં બાંધી રાખે છે. અને એ માનસિકતા તેના મગજમાં રોપવામાં આવે છે સમાજ દ્વારા, હવે તેમાં બદલાવ આવી રહ્યો છે. સેરેના વિલિયમ્સ ઘાયલ હોવાને કારણે હરિફાઈમાંથી બહાર છે, માતૃત્વએ તેને વધુ ફોકસ દૃષ્ટિકોણ આપ્યો છે. સ્ત્રીનું શરીર નબળું હોત તો તે બાર બાર બાળકોને જન્મ આપી જ શકે નહીં. આદિવાસી સ્ત્રીઓ તો બાળકોને જન્મ આપ્યા બાદ તરત જ પાછી ખેતરમાં કામ પર લાગી જતી હોય છે.   



You Might Also Like

0 comments