મસ્તીકી પાઠશાલા

02:01








જીવનમાં રોમાંચ બરકરાર રાખવા માટે નિતનવા નુસખાની શોધ પુરુષને હોય છે.

પુરુષાતનની સાબિતી આપ્યા વિના છોકરો પુરુષ બનતો નથી. મુછનો દોરો ફૂટે અને તેને વળ આપતા રોમાંચ અને સાહસના ઘોડા થનગને. જો કે આજના ડિજિટલ યુગમાં સાહસ કે રોમાંચ પણ મોટાભાગના (એટલે કે કેટલાક આમાંથી બાકાત ખરા)છોકરાઓ ઈન્ટરનેટ ઉપર જ ખેડે છે.  મસ્ક્યુલિનિટિ સાબિત કરવા માટે શારિરીક અને માનસિક  રીતે તાકતવર હોવું જરૂરી છે. જે કેટલાક સાહસ અને રોમાંચ હકીકતમાં ખેડી શકે છે તેઓ યા તો લશ્કરમાં જાય છે કે પછી રમતના ક્ષેત્રમાં જાય છે. સ્ત્રીઓ કરતા પુરુષોને રમતમાં જીતતા હારતા જોવાની પણ લોકોને મજા આવે છે. એટલે જ ફુટબોલ અને ક્રિકેટ લીગના મેળા રચાય છે.  ટેકનોલોજી આવતા લોકોની રોમાંચ અનુભવવાની તલપ પણ વધી રહી છે. કારણ કે ખરા અર્થમાં સાહસ ખેડ્યા સિવાય પણ રોમાંચ અનુભવવાના અનેક રસ્તાઓ મળી રહે છે.  રોમાંચ હોર્મોનને સ્ટીમ્યુલેટ કરી આનંદની અનુભૂતિ આપે છે. એ અનુભૂતિને વારંવાર મેળવવાની ઝંખના થાય છે. એ ઝંખના કે તલપ જે કહો તે  નવા નવા નુસખા શોધે છે રોમાંચની સફરના.
ડિજિટલ ટેકનોલોજીની ક્રાંતિએ અનેક નુસખાઓ હાથવગા કરી આપ્યા છે. આજકાલ એક નવું ચલણ કિશોરવયના છોકરાઓમાં ધૂમ મચાવી રહ્યું છે. કોઈકની મશ્કરી કરતો, મોટેભાગે મોટીવયના પુરુષનો જ મજાકમસ્તી કરતો વીડિયો ઉતારવાનો અને તેને યુટ્યુબ પર લોડ કરવાનો. આ વીડિયો જોઈને લાઈક કરનારાઓનો મોટો વર્ગ છે. જેમનામાં આવી મજાક કરી શકવાની હિંમત ન હોય પણ બીજાને મજાક બનતા કે મજાકમાં ડરી જતાં જોઈને બિભત્સ આનંદ આવે છે.
વ્હોટ્સ એપ્પ પર હાલમાં એક વીડિયો ફરી રહ્યો છે. ચીનનો છોકરો છે તેના પિતાને મજાકનું સાધન બનાવી રહ્યો છે. તેને અંગ્રેજીમાં પ્રેન્ક કહે છે. કોઈને એ રીતે અચાનક ડરાવવા કે ડઘાવવા અને તેમાંથી હાસ્ય નિપજાવવું. બીજાથી આપણે વધુ હોશિયાર છીએ તે સાબિત કરીને પણ અન્યને મજાકનું સાધન બનાવવામાં આવે છે. પશ્ચિમનું અનુકરણ આપણે ત્યાં થતું આવ્યું છે. આ પ્રેન્ક એટલે કે મજાકમસ્તીની વીડિયો બનાવવાનું આપણે ત્યાં પણ આવી ગયું છે. ગયા અઠવાડિયે ત્રણ મુંબઈના છોકરાઓને પકડવામાં  આવ્યા. એ કિશોરો લોકલ ટ્રેનના મોટરમેનની મસ્તી કરી તેનો વીડિયો ઉતારતા હતા. આમ જોઈએ તો સામાન્ય બાબત લાગે એ છોકરાઓ મોટરમેનને જુદાં જુદાં સવાલો પૂછતા કે અંકલ મારું એક જ સપનું છે ટ્રેન ચલાવીને ગોવા લઈ જવાનુંઆ ટ્રેન ચલાવીને અમેરિકા લઈ જવાય કેવગેરે વગેરે ધડમાથા વિનાના સવાલો પૂછીને કામ કરતા મોટરમેનને હેરાન કરતા અને તેનો વીડિયો ઉતારતા. તમને યાદ હોય તો એવા શો પણ આવતા ટેલિવિઝન પર જેમાં લોકોને બકરા બનાવવામાં આવતા. વિદેશમાં જ આવા શો થતા હતા પણ પછી બકરા બનાવવાના શો અહીં પણ થવા લાગ્યા.
બીજાને ઉલ્લુ બનાવવાનો આનંદ પુરુષને ખૂબ આવતો હોય છે. મસ્તી તોફાન મિત્રો વચ્ચે થાય ત્યાં સુધી વાંધો નથી આવતો, પરંતુ જાહેરમાં કોઈની પણ મજાક ઊડાવવી કે તેને ફક્ત મનોરંજન માટે ઉલ્લુ બનાવીને મજાકનું સાધન બનાવવું ક્યાં સુધી યોગ્ય છે ? આ મસ્તી પોતાનાની સાથે થાય તે યોગ્ય કહી શકાય પણ અજાણ્યા સાથે કરવી તે યોગ્ય ખરી? વળી તેને જાહેરમાં લોકોની સામે મૂકવું. વારંવાર બીજી વ્યક્તિને ખસિયાણી પાડવી જાહેરમાં મનોરંજક રોમાંચ મેળવવા માટે તે ખરેખર યોગ્ય કહેવાય  એ વિચારવું પડે. મુંબઈના એ રીતે મસ્તી કરીને વીડિયો બનાવતા યુવાનોને પકડવામાં આવ્યા. કારણ કે મસ્તીમજાક  ક્યારેક નુકસાન પણ પહોંચાડી શકે છે.
થોડો સમય પહેલાં કિશોરો ચાલુ લોકલ ટ્રેનમાં સ્ટન્ટ કરતાં પકડાયા હતા. બારણા પર લટકવાનું અને ચાલુ ટ્રેને ઉતરવાનું ને ચઢવાનો સ્ટન્ટ. છોકરો કિશોર વયનો થાય ત્યારે એને પોતાની પૌરુષેય માનસિકતા પુરવાર કરવી હોય છે. જરાક ગફલત થઈ કે જીવ ગયો જ સમજો. આમિરખાને ગુલામ ફિલ્મમાં ટ્રેનની સામે ભાગીને છેલ્લી ઘડીએ બાજુ પર કૂદી જવાનો સ્ટન્‌ટ કર્યો હતો. શ્વાસ અધ્ધર થઈ જાય એવા રોમાંચક ઉત્તેજનાની અનુભૂતિ કરાવતા સાહસ કરવા માટે નિતનવા રસ્તા શોધતા કિશોરોને એકવાર અમે ચાલુ રિક્ષાની પાછળ લટકી જવાનું અને પછી કૂદી જવાનો સ્ટન્ટ કરીને રોમાંચ મેળવતા જોયા. જો કોઈનો હાથ છટક્યો અને પાછળથી વાહન આવતું હોય તો એક્સિડન્ટ થવાનો પૂરો ચાન્સ હોય છે. કેટલાક લોકો બીજાના જોખમે સાહસ કરે છે. જોખમ હોય તેવા સ્ટન્ટમાંથી હવે પ્રેન્ક સ્ટન્ટ પર આવીને રોમાંચ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ યુટ્યુબ વીડિયો જોઈને લાઈક મેળવીને ફેમસ થવાનું. આ લાઈક દ્વારા કેટલીકવાર પૈસા પણ મળતા હોય છે. જેમ વધુ વીડિયો જોવાય તેમ જાહેરાત પણ મળે અને તેના પૈસા મળે. રોમાંચ, પ્રસિદ્ધિ અને પૈસા આ ત્રણ બાબત ભેગી થાય એટલે કેટલાક યુવાનો રસ પડે જ.
આપણા મગજમાં ડોપામાઈન નામનું રસાયણ છે તે કોઈપણ ઉત્તેજનામાં આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. ડોપામાઈન સાથે બીજી પણ અનેક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે મગજમાં જ્યારે આપણને થોડો ભય, ઉત્તેજના અને ચિંતા થાય. આ બધી જ અનુભૂતિ આપણને રોમાંચ દરમિયાન થતી હોય છે. ફ્રોઈડ તો કહે છે કે દરેક એક્સાઈટમેન્ટ સેક્સુઅલ હોય છે. સાવ એવું કદાચ ન ય હોય પણ કોઈપણ રોમાંચ સમયે આપણા દરેક અવયવ તંગ થઈ જતા અનુભવાતા હોય છે. સેક્સુઅલ એક્સાઈટમેન્ટમાં પુરુષને રસ પડે જ છે પણ તે માટે દરેક વખતે  દુનિયામાં બડાઈ મારવી શક્ય નથી. એટલે જ સતત ટેન્શન ઊભું કરતી રમતો વધુ એક્સાઈટમેન્ટ એટલે કે ઉત્તેજના, રોમાંચનો અનુભવ કરાવે છે. વળી તેમાં પૌરુષત્વનું પ્રદર્શન પણ જાણેઅજાણે થઈ જાય છે. સ્ત્રીઓમાં એ પૌરુષેય તત્વ જોવું ગમતું નથી.
કોઈપણ બાબત રૂટિન બની જાય છે ત્યારે તેમાંથી એક્સાઈટમેન્ટ ખતમ થઈ જાય છે. નિતનવા એક્સાઈટમેન્ટ કે રોમાંચની શોધમાં મસ્તીમજાકના વીડિયો બનાવીને મૂકવાની શરૂઆત થઈ છે. સેલ્ફીની જેમ જ પોતાના રોમાંચનો વીડિયો અપલોડ કર્યા બાદ તેના પર લાઈકની ગણતરી રોમાંચને બરકરાર રાખે છે. પોતાના પિતાની સતત મજાક ઉડાવવી કે રસ્તે જતાં રાહદારીની મજાક ઉડાવવી કે પછી મિત્રોને ડરાવવાના પેંતરા અજમાવવામાં ય પુરુષોને સાહસ કર્યાનો રોમાંચ અનુભવાય છે. નવું કરવાની દરેકની ક્ષમતા જુદી હોઈ શકે, કોઈને પર્વતો સર કરવા હોય તો કોઈ રમત રમે તો કોઈ વળી ફક્ત રમત જોઈને એક્સાઈટ થાય. તો કોઈ નવા મિત્રો બનાવે તો કોઈ વળી રૂટિનમાંથી મુક્ત થવા માટે કોઈ નવો શોખ કેળવે.
બીજાને ડરાવીને હિંસક આનંદ મેળવવાનો ટ્રેન્ડ પણ મસ્તીની પાઠશાળામાં આવે છે. મોટી ઉંમરે નવા સાહસ કરવાની મનસ્થિતિ ચોક્કસ બદલાય છે. એટલે જ મોટેભાગે યુટ્યુબ પર કે સોશિયલ મિડિયામાં મસ્તીભર્યા વીડિયો કિશોર કે યુવાનો દ્વારા જ અપલોડ થતા હોય છે. પૌરુષેય માનસિકતા સીડી પર તેમનું આ પ્રથમ પગલું હોય છે. ત્યારબાદ તેના માપદંડો બદલાય છે પણ પુરુષ તરીકે સાબિત થવાની માનસિકતા નથી બદલાતી. ડ્રગ્સની આદત જેવી આ રોમાંચ અનુભવવાની આદત પુરુષને ક્યારેક બળાત્કારના તો ક્યારેક મર્ડરના વીડિયો બનાવવા સુધી પણ લઈ જાય છે. દરેકમાં આવી રોમાંચને સતત અનુભવવાની તાલાવેલી નથી હોતી. જેમ દરેક ડ્રગ્સ એડિક્ટ નથી હોતા, કે બળાત્કારી નથી હોતા. ઉત્તેજનાની નવી મંઝિલો શોધનારા મસ્તીની પાઠશાળાના સભ્યો જ હોય છે. આમાંથી જ કોઈ હિટલર બને છે તો કોઈ સદ્દામ હુસેન કે પછી ઓસામા બિન લાદેન જેમને પર પીડનમાં રોમાંચ અનુભવાય. આતંકવાદીઓ પણ બેરહમીથી કોઈ નિર્દોષનું ગળું રહેંશી નાંખે તેની વીડિયો ઉતારે ત્યારે રોમાંચ અનુભવતા જ હશે.



You Might Also Like

0 comments