ઓક્સિજન ગુજરાતી ફિલ્મ

02:03







બે દિવસ પહેલાં દીપકે ઘરે આવતા કહ્યું કે  ગુજરાતી ફિલ્મ જોવા જવાનું આમંત્રણ છે..કોઈ ચિન્મય પુરોહિતનો ફોન હતો. જવું છે? જરા વિચાર કરીને કહ્યું કે ચાલ જોઈએ તો ખરા...પૈસા અને સમય બરબાદ કરીને કેટલીક ગુજરાતી ફિલ્મો જોઈ હતી. નહીં ગમે તો અડધેથી ઊભા થઈ જઈશું. આ ફિલ્મ વિશે સાંભળ્યું નહોતું, વાંચ્યું નહોતું અને કોઈ જ આશા કે અપેક્ષા વિના જોવા ગયા.
ચિન્મય પુરોહિત લિખિત, દિગ્દર્શિત આ ફિલ્મની શરૂઆત નબળી હતી. થયું કે ફસાયા... પણ શરૂઆતના એકાદ બે નબળા સીન પસાર કર્યા બાદ, ધીમે ધીમે ફિલ્મની વાર્તા ગુંથાતી ગઈ. ખ્યાલ આવ્યો કે આ મૌલિક લેખન હોઈ શકે. ફિલ્મના મુખ્ય પાત્રોની વરણી સારી હતી અને એકટિંગ પણ એકંદરે સારી જ હતી. એવું લાગ્યું કે ગુજરાતી ફિલ્મમાં હિરો અને હિરોઈન પ્રભાવ પાથરી શકે છે. હિન્દી ફિલ્મોમાં પણ જોશો તો દરેક વ્યક્તિ કંઈ હિરો મટેરિયલ નથી હોતી. અમિતાભનો દીકરો હોય કે આમિર ખાનનો ભાણીયો હોય દેખાવમાં સારા હોવા છતાં તેમનામાં એ કરિશ્મા નથી હોતો. અંશુલ ત્રિવેદી આ ફિલ્મનો હિરો છે જે શેક્સપિઅર જોષીનું પાત્ર ભજવે છે. મૂળ વડોદરાનો અંશુલે આ પહેલાં સરસ્વતી ચંદ્ર જેવી ધારાવાહિકમાં મોટી ભૂમિકા ભજવી છે. 
ફિલ્મનું મુખ્ય પાત્ર શેક્સપિઅર જોષી માને છે કે જીવનને રંગભૂમિની જેમ જીવવાનું છે અને દરેકે પોતાનું પાત્ર ભજવવાનું છે કોઈ ઈન્વોલ્વમેન્ટ સિવાય. દરેકના જીવનમાં એક ખાલીપો હોય છે જેને લાગણીઓની જરૂર હોય છે. એ લાગણીઓને સિંચવાનું કામ શેક્સપિઅર શરૂ કરે છે. આ શેક્સપિઅર જોષી એ ખાલીપાને ભરવા માટેનો વ્યવસાય શરૂ કરે છે. નાટકને થિયેટરમાંથી વાસ્તવિકતામાં લઈ આવે છે. નતાશા(વ્યોમા નંદી) શેક્સપિઅરના પ્રેમમાં છે અને તેની વ્યવસાયિક પાર્ટનર પણ બને છે. દર્શન જરીવાલા, રોહિણી હટ્ટંગડી, અરવિંદ રાઠોડ જેવા મંજાયેલા કલાકારોએ પણ નાની અસરકારક ભૂમિકાઓ ભજવી છે.
આ લાગણીઓના વ્યવસાયનો કોન્સેપ્ટ કદાચ આપણી ગુજરાતી પ્રજાને ગળે ન ઉતરે પણ વિદેશમાં આવો વ્યવસાય ચાલે છે. ફિલ્મમાં કેટલાક દૃશ્યો થોડા ક્રિસ્પ કટિંગ માગી લે છે. થોડા દૃશ્યોને અવગણીએ તો મનોરંજક ફિલ્મ બની રહે છે.  સ્ટોરી, ફિલ્માંકન અને અભિનય માટે ત્રણ સ્ટાર આપી જ શકાય. લાગણીઓની વાત હોવા છતાં લબદાવેડા ટાળી શક્યા છે દિગ્દર્શક. ચિન્મય પુરોહિતે આ પહેલાં ધારાવાહિકો બનાવી છે પણ પહેલીવાર ગુજરાતી ગુજરાતી ફિલ્મ બનાવી છે.  કહી શકાય કે શરૂઆત સારી છે. ગુજરાતી ફિલ્મોને ઓક્સિજન આપે એવી આ ફિલ્મ બની છે. નવાઈ લાગે છે કે આના વિશે ખાસ ચર્ચાઓ થઈ નથી અને લખાયું નથી. ગુજરાતી ફિલ્મમાં કશુંક નવું અને ફ્રેશ જોવું હોય તો ઓક્સિજન પર પસંદગી ઢોળી શકાય.



You Might Also Like

0 comments