મિયાં ફુસકી કે તભા ભટ્ટને જાણો છો?

10:16






  બાળવાર્તાઓના ભીષ્મપિતામહ જીવરામ જોષીનું નામ તો સાંભળ્યું જ હશે...એ જ મિયાં ફુસકીના જનક  

લાંબુ પાતળું શરીર, હડપચી ઉપર બકરા જેવી દાઢી, ગોળ આંખો, માથે ટાલ(ક્યારેક ટોપી) પહેરવેશમાં ચટાપટાવાળો લેંઘો ઉપર ખમીસ અને કોટ અને એમની સાથે હોય ગોળમટોળ શરીર ધરાવતા એક બામણ, ધોતિયું ને માથે પાઘડી. ઓળખો તો કોણ? ઓળખો તો કોણ? તમે કહેશો, અમે તે કાંઈ નાનાં બચ્ચાં છીએ?  હા, ના, જરા થોભો વિચારો... ગો બેક ટુ ચાઈલ્ડહુડ, આઈ મીન બાળપણમાં પાછા જાઓ તો ઉપરનું વર્ણન વાંચતા જ મિયાં ફુસકી અને તભા ભટ્ટ યાદ આવશે. મિયાં ફુસકીની ફુસકી બહાદુરીના ડંકા હજીય વાંચનારના મનમાં વાગતા હશે. ફસકી પડે પ઼ડે તે ફુસકી એમ ફુસકી નામ આવ્યું.  
હમણાં જ વેકેશન પુરુ થયું. કોઈએ બાળવાર્તાઓનો ઉલ્લેખ કર્યો ને યાદ આવ્યું કે  નાના હતા ત્યારે વેકેશનમાં ઝગમગ અને ફુલવાડી નામનું બાળકો માટેનું છાપું ઘરે આવતું. વેકેશનમાં ફેરિયાની રાહ જોતા ઊભા રહીએ. પેપરવાળો ટાઈમસર આવે પણ તો ય એને ધમકાવી નાખીએ, કેમ મોડો આવ્યો ને છાપું ખોલીને વાંચવા જ બેસી જવાનું. એમાં જીવરામ જોષીની વાર્તાઓ પણ હોય. પછી તો પપ્પા લાયબ્રેરીમાંથી મિયાં ફુસકી, અડુકિયો-દડુકિયો , છકો-મકો, છેલ-છબો  વગેરે વાર્તાઓની ચોપડી પણ લઈ આવે. મિયાં ફુસકી અને તભા ભટ્ટની સિરિઝ આજના હેરી પોટર જેટલી જ અમારા માટે મહત્ત્વની હતી.
1998ની સાલમાં અમદાવાદમાં જીવરામ જોષીને મળવાનું નક્કી કર્યું હતું ત્યારે એ મિયાં ફુસકીના સર્જકને જોવાની, મળવાની તાલાવેલી હતી. ઘણું શોધ્યા બાદ તેમની સાથેના સંવાદોની ડાયરી હાથ લાગી. હજી પણ યાદ છે કે મે મહિનાની સાંજે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક બેઠા ઘાટના સ્વતંત્ર મકાનમાં (ભાળવાર્તાની કમાઈમાંથી બનાવેલું મકાન) મિયાં ફુસકીના જનક જીવરામ જોષીને મળવાનું થયું હતું. સફેદ કૂરતો, પાયજામો અને સફેદ રૂના પૂણી જેવી દાઢી પર કાળી ફ્રેમના ચશ્મા સાથે પ્રેમાળ આવકાર આપતા 95 વરસના જીવરામ જોષી આજે પણ સ્મૃતિમાં સચવાયેલા છે. 2004ની સાલમાં 102 વરસની વયે તેમનું નિધન થયું હતું. 95 વરસના જીવરામદાદાને મળી ત્યારે તેમનાં સ્વરમાં કંપન હતું પણ યાદશક્તિ સતેજ હતી. તેમની બાળવાર્તાઓની સ્વપ્નનગરી સમું તેમનું જીવન પણ વાર્તાસમું લાગે. જીવરામદાદા ત્યારેય કશું જ ભૂલ્યા નહોતા.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું 300 ઘરની વસ્તીવાળું નાનું સરખું ગરણી ગામ. ગરણીનું નામ આવતાં જીવરામદાદાની આંખોમાં ચમક આવી ગઈ હતી. કરચલીવાળા હાથ લાંબા કરી ગરણી ગામની શેરીમાં રખડતાં બાળકો બતાવતાં હોય તેમ બોલ્યા હતા, ગામડાગામનો વાસ, બકરાં અને બાળકો બન્ને સાથે રખડે. મારા પિતાનું નામ ભવાનીશંકર. બામણિયું કરે અને હું રખડું. ગરણેશ્વર મહાદેવ પાસે રમું અને કરણુકી નદીમાં ધૂબાકા મારું... મારા પિતા રામાયણની કથાઓ કહેતા એ કથાઓ સાંભળવી ગમતી કારણ તેમાં આવતા પાત્રો મને આકર્ષતા, ખાસતો હનુમાનજીનું પાત્ર. મને થતું હનુમાનજીની સાથે દૂર ક્યાંક જઈને ડુંગર લઈ આવું. એ જીજિવીષાએ જ મને વાર્તાનો ખજાનો લઈ આવવા પ્રેર્યો હોય  
ગામમાં શાળા નહોતી. ગામથી 4 માઈલ દૂર પાનસરા ગામમાં શાળાએ ભણવા જતાં. ભણવામાં હોંશિયાર લેખાતા. તેઓ જ્યારે 7 વરસના હતા ત્યારે જર્મન અને ઈંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ચાલતું હતું, તે સમયે તેમણે પહેલું વહેલું ઊડતું વિમાન જોયું હતું. તેમને શાળામાં રોજ લોન્ગ લીવ કિંગ એવું બોલાવડાવતા. એ સમયે જીવરામભાઈને સેનામાં ભરતી થવાની કલ્પનાઓ કરવી ગમતી. 1919ની સાલમાં તેમના પિતાનું અવસાન થયું એટલે ભણવાનું અધુરું રહ્યું, કારણ આગળ ભણવા માટે તો શહેરમાં જવું પડે.  દયા પ્રભૂની કહીને ઘેર ઘેર ભીક્ષા માગવા જવું પડતું. તેમના મોટાભાઈ અમદાવાદ હતા એટલે એક વખત ભણવા માટે ભાગીને અમદાવાદ પહોંચ્યા તો ભાઈએ લાફો મારીને સ્વાગત કર્યું હતું. રિચી રોડની ચંદ્રવિલાસ લોજમાં એક ટંક ખાઈને ભણ્યા. ઘણીવાર ફૂટપાછ ઉપર સૂઈ રહેતા. ત્યારે રાષ્ટ્રીય શાળામાં ભણતા. પ્રાધ્યાપક ધરમાનંદ કૌસાંબીનું જીવનચરિત્ર વાંચ્યું. તેમાં કાશીનું સુંદર વર્ણન વાંચી પગપાળા કાશી ભણવા પહોંચી ગયા. કાશીમાં સાધુબાવાની સંગત પણ કરી અને ક્રાંતિકારીઓ સાથે અંગ્રેજો સામે સશસ્ત્ર લડત પણ લડ્યા. કાશીમાં ત્રાટક વિદ્યા શીખતા થોડો સમય માટે આંખ પણ ગુમાવી હતી. તો એકવાર સી.આઈ.ડીથી બચવા પોલીસો સામે પિસ્તોલ તાકી મકાન કુદાવી કાશીની ગલીઓમાં ખોવાઈ ગયા હતા.
કાશીના હિન્દી વર્તમાનપત્ર આજમાં દાદાએ લેખો લખ્યા. દસ રૂપિયા પુરસ્કાર મળ્યો અને પછી તો પુરસ્કાર માટે લખવાનું ચાલુ રાખ્યું. ગામની શાળામાં હસ્તલિખિત અઠવાડિક પણ ચલાવેલું. અમદાવાદ હતા ત્યારે હાઈસ્કૂલમાં બાળમિત્ર વાંચતા. એકવાર બાળમિત્રમાં બાળવાર્તાની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો અને તેમની વાર્તાને ઈનામ પણ મળ્યું હતું. ત્યારબાદ બાળમિત્રમાં નિયમિત લખતા હતા. બાળવાર્તા સિવાય તેમણે અન્ય વાર્તા પણ લખી હતી. કુમાર સામયિકમાં પ્રવાસવર્ણન પણ લખ્યા હતા. કાશીમાં ઈન્દ્રવદન ઠાકોર સાથે મુલાકાત થઈ હતી તે અમદાવાદ પાછા આવીને તેમને મળ્યા અને ગુજરાત સમાચારમાં બાળકો માટેનો વિભાગ સંભાળ્યો. એ જવાબદારીમાંથી તેમના કેટલાક પાત્રોનો જન્મ થયો હોવાનું જીવરામદાદાએ કબૂલ્યું હતું.
તેમના કેટલાક પાત્રો સાચાં છે તો કેટલાક કાલ્પનિક છે. એકવાર વડોદરાથી ટ્રેનમાં અમદાવાદ આવતા એક ભિખારી જોયો. જાડો અને બટકો. અને છાપામાં લાંબા-પાતળા માણસની જાહરાત જોઈ ને છકા-મકાનો જન્મ થયો. તેઓ જ્યારે કાશીમાં હતા ત્યારે નરસિંહ ટોલા નામના મહોલ્લામાં મંદિરની પાછળ એક મિયાંનું ઘર હતું. તેનું નામ અલી મિયાં. ઘોડાઘાડી ચલાવતા. એ મિયાં સ્વભાવે રમૂજી હતા. સાંજ પડે એટલે બધા એમને શહેરના બનાવો વિશે પૂછતા. શરીરે દૂબળા-પાતળા હતા એટલે કેટલાક તેમની મશ્કરી પણ કરતા. તેમના રમૂજી સ્વભાવ તથા દેખાવ ઉપરથી મિયાં ફુસકી લખવાની પ્રેરણા મળી અને પછી કોમી એકતાના વિચારે તેમાં તભા ભટ્ટનું પાત્ર લીધું. એક હિન્દુ અને એક મુસલમાન છતાં બન્ને જીગરજાન ભાઈબંધ. મિયાં ફુસકીને દેડકાંની બીક તો તભા ભટ્ટને લાડુઓનો શોખ. છકો-મકો એક ઊંચો તો બીજો ટૂંકો. મિયાં ફુસકીમાં મિયાં પાતળા તો ભટ્ટજી જાડા. તેના કારણે સ્વાભાવિક રીતે વાર્તાઓમાં રમૂજ ઉત્પન્ન થાય અને એટલે જ આ પાત્રો બાળકોનાં પ્રિય પાત્ર બની રહ્યાં છે. મિયાં ફુસ્કી અને છકો મકો વાર્તા ઉપરથી ફિલ્મો અને સિરિયલ પણ બની છે, તો તેમનાં નાટકો પણ ભજવાયા છે.
જીવરામદાદાએ ગુજરાતનાં બાળકોને 500થી વધુ પુસ્તકોની ભેટ આપી છે. 1952માં ઝગમગ નામનું બાળકો માટેનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. કોઈપણ માતબર દૈનિક જેટલો જ ઝગમગ બાળ સાપ્તાહિકનો ફેલાવો હતો. ગુજરાતમાં પ્રથમવાર દૈનિકમાં બાળકો માટેનું પાનું શરૂ થયું તેનો યશ જીવરામ જોષીને ફાળે જાય છે. એટલું જ નહીં, પણ ગુજરાતનું પ્રથમ બાળસાપ્તાહિક ઝગમગની સફળતાએ બાળકો માટે પણ અલગ સાપ્તાહિક હોઈ શકે તે સાબિત કરી બતાવ્યું. તે સમયે ઈન્ટરનેટ નહોતું લોકો પત્રો લખતાં.  તેમને રોજ થેલો ભરીને વાચકોના પત્રો આવતા. મિયાં ફુસકીનું મોત વાર્તા લખી ત્યારે મિયાં ફુસકીને જીવાડો, મારો નહીં એવા હજારો પત્રો આવેલા. એ વાર્તામાં ખરેખર મિયાં મરતા નથી. દાદાને બાળકો વહાલા હતા અને બાળકોને મિયાં ફુસકી એટલે તે પાત્રને મારી નાખવાનો જીવ ચાલે જ નહીં ને. જીવરામ દાદાએ આમ અનેક પાત્રોની સિરિઝ આપણને આપી છે. મોટાભાગના મોટેરાઓએ મિયાં ફુસકી અને છકો-મકો, અડુકિયો દડુકિયો વાંચ્યા જ હોય. જીવરામ જોષી સાથે મિયાં ફુસકી અને તભા ભટ્ટપણ ઈતિહાસમાં અમર થઈ ગયા છે. 



You Might Also Like

1 comments