જિંદગી ફૂટબોલનું મેદાન છે

05:48



ફુટબોલ વર્લ્ડ કપમાં કોઈ જીતશે તો કોઈ હારશે, જીવનમાં પણ હારજીતનો સામનો ખેલદિલીથી કરવો પડે.


ચાર વરસ પહેલાં ફૂટબોલની ફાઈનલ મેચ ભારતમાં અનેક લોકોએ ઊજાગરા કરીને જોઈ. એ બધામાં હું પણ સામેલ હતી. બે બળુકી ટીમ રમી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર મારા બીજા મિત્રો અને સ્વજનો સાથે ચર્ચા ચાલી રહી હતી. અફકોર્સ રમત બાબતે જ. દૂર બેઠા ય અમે સાથે જ મેચ જોઈ રહ્યા હતા. કઇ ટીમ જીતશે તેનો દરેકને અંદાજો હતો જ તે છતાં ય દરેક નારી મેસ્સીની ટીમ જીતે તેની પ્રાર્થના કરી રહી હતી. કારણ કે સારું રમતો મેસ્સી રૂપકડો તો છે ઉપરાંત તે સમયે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થતો હતો. આર્જેન્ટિનાએ એક પણ ગોલ ન કર્યો કે તે હારી તેના કરતાં ય મેસ્સીએ એક પણ ગોલ ન કરી શક્યો તેનો આઘાત હતો તેના પ્રશંસકોમાં હાર પછી મેસ્સી પોતે ય હારને સહજતાથી પચાવી નહોતો શકતો એ તેના મોં પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. મોટાભાગના પુરુષો, છોકરાઓ અને આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓ રડી રહ્યા હતા. પણ મેસ્સી નહોતો રડ્યો. તેણે ચહેરા પર મહોરું પહેરી લીધું પણ મેચની સેરેમની પત્યા બાદ કલાક પછી મીડિયા સામે આખરે કેપ્ટન મેસ્સીએ કબૂલ્યું કે મને મળેલા અંગત એવૉર્ડ કે કશું જ મને સાંત્વન આપી શકે એમ નથી. મારે જીતવાનું જ હતું મારા હજારો દેશવાસી ફેન માટે. જેઓ જીતને ઊજવવા માગતા હતા. આ વરસે શરૂઆતની જ મેચમાં ક્રોશિયાની ટીમ સામે આર્જેન્ટિના ખરાબ રીતે હારી. તે સમયે તેના કોચ સમ્પોલીની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી. તે ખૂબ જ સ્ટ્રેસમાં હતો, હોવો જ જોઈએ પણ જ્યારે તમે એવી પરિસ્થિતિમાં હો કે તેનો સ્વીકાર કરવા સિવાય છૂટકો નથી. કિનારે બેઠા તેણે ટીમના પર્ફોમન્સને જોવાનું જ હતું. 

કેપ્ટન મેસ્સી કદાચ છેલ્લીવાર વર્લ્ડકપ રમી રહ્યો હતો. તેની ક્ષમતા હોવા છતાં તે ટીમને મદદરૂપ ન બની શક્યો. તેની બોડી લેન્ગવેજમાં પણ હારી ગયેલી વ્યક્તિની હતાશા મેદાનમાં રમત ચાલુ હતી ત્યારે પણ જણાતી હતી. એવું જ ઈજિપ્તની મેચમાં થયું. મો.સલાહ ઈજિપ્તનો સ્ટાર પ્લેયર છે. તેની પોપ્યુલારિટીની વાર્તાઓ ઘડાઈ રહી છે. પણ તે એકપણ ગોલ ન કરી શક્યો. જો કે તેની બોડી લેંન્ગવેજ એટલી નિરાશાજનક નહોતી. અઘરું છે તમારા મનની સ્થિતિને તમારા શરીર પર હાવી ન થવા દેવું. હારજીતની એટલી અસર થાય છે કે ગયા વરસે ફાઈનલમાં પહોંચેલી ટીમ આ વખતે ક્રોશિયાની સામે શરૂઆતની મેચમાં જ હારી જાય તે દર્શકોથી પણ સહન થઈ શક્યું નહોતું. આર્જેન્ટિનાના દર્શકો રડી પડ્યા અને એક સમયનો આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી મારાડોના ડિએગો પણ રડી પડ્યો હતો. જીવનમાં પણ એવું જ બનતું હોય છે કે જેની અપેક્ષા રાખી હોય તે ન બને અને નિરાશ થઈ જઈએ, રડી પડીએ કે આપઘાત પણ કરી બેસીએ. રમતો આપણે શું કામ રમીએ છીએ કે જોઈએ છીએ? એ સવાલ વિશે વિચારીએ તો સમજાય કે રમત આપણને સ્ટ્રોન્ગ બનાવે છે. તનથી જ નહીં મનથી પણ. સતત ઊભી થતી વિષમ પરિસ્થિતિમાં ઝઝૂમવાનું શીખવાડે છે. હાર કે જીત બન્ને નમ્રતાથી સ્વીકારવાનું શીખવે છે કારણ કે કશું જ સ્થાયી નથી. દર ચાર વરસે વર્લ્ડ કપ આવશે અને હાર-જીતનાં સમીકરણો બદલાતાં રહે છે. સતત કોઈ જીતી શકતું 

નથી. 

સહજતાથી હારવું કોઇપણ પુરુષ માટે અઘરું હોય છે. તો ય મેસ્સીમાં સ્પોર્ટસમેન સ્પિરિટ હતો કે તેણે મેદાનમાં કોઇ નારાજગી કે આઘાત વ્યક્ત ન કર્યો. અગેઇન પુરુષનો ટેસ્ટેટોરોન તેને સરળતાથી હાર સ્વીકારવા દેતો નથી. કારણ કે દુનિયા જીતને જ યાદ રાખે છે, પૂજે છે. હારેલી ટીમને કે હારેલી ટીમના કોચને કોઇ યાદ નથી રાખતું. પણ જીતને સતત યાદ કરીને તેનો નશો મમળાવવામાં આવે છે. જીતનો ય એક નશો હોય છે. તો હાર તમને ખતમ કરી નાખે છે એવું ય નથી. ખરું પૌરુષત્વ એમાં જ હોય છે જે હારે નહીં. જો તમે ૨૦૧૪ની ફૂટબોલ વર્લ્ડ કપ જોઇ હોય તો... જર્મનીએ એક ગોલ વધારાના સમયની શરૂઆતની ૧૨મી મિનિટે માર્યો અને બાકીની મિનિટોમાં બાજી જીત તરફી ટીમની જ થઈ ગઈ હતી. આર્જેન્ટિનાની ટીમ માનસિક રીતે હારી ગઈ હતી તે સ્પષ્ટ દેખાતું હતું. ગોલ પહેલાં અને પછીની રમતનો ટેમ્પો બદલાઈ ગયો. કોઇપણ હરીફાઈમાં જીતની સામે હાર નક્કી હોય છે. પણ હારને પચાવવી અને આગળ વધે તે જ ખરી સ્પોર્ટસમેનશીપ હોય છે. હારવું અને હારને સ્વીકારવી તે બન્ને બાબતમાં થોડો ફેર છે. હાર સ્વીકારનાર ભવિષ્યમાં પોતાની જીત જોતો હોય છે અને હારી ગયેલ વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી.

મેસ્સી નંબર વન ખેલાડી રહી ચૂક્યો છે તેની પાછળ જીવનમાં હાર સ્વીકારીને બેસી ન રહેવાની તેની જીદ્દ હતી. વરસો સુધી તેણે આ સફળતા મેળવવા સખત મહેનત કરી છે. નાનો હતો ત્યારથી જ તેને ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હતો. ફૂટબોલ સરસ રમતો પણ દુબળો પાતળો મેસ્સી એક રોગથી પીડાતો હતો. તેને ૧૦ વરસની ઉંમરે ગ્રોથ હોર્મોન ડેફિસિઅન્સી નામનો રોગ થયો હતો. તેમાં શારીરિક અને માનસિક તકલીફો થાય. હાડકાની અને શરીરની ડેન્સિટી ઓછી હોય. માનસિક રીતે ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થાય. તેની ટ્રીટમેન્ટનો ખર્ચ મહિને એક હજાર ડોલર આવતો જે તેના માતાપિતાની ક્ષમતાની બહાર હતો. પિટ્યુટરી ગ્લેન્ડમાં તકલીફ હોવાને કારણે રોગ થાય છે. તેણે હોર્મોનના ઈન્જેકશન લેવા પડે કે રેડિએશન કે સર્જરી કરાવવી પડે. આર્જેન્ટિનામાં જન્મેલા મેસ્સીએ ટ્રિટમેન્ટના ખર્ચને પહોંચી વળવા માટે બાર્સેલોના આવવું પડ્યું અને ત્યારથી એ બાર્સેલોનાની ટીમ સાથે રમે છે. દસ વરસ સુધીમાં એટલે કે ૧૯૯૪થી ૨૦૦૦ સુધીમાં નેવેલ્સ ઑલ્ડ બોયઝ ક્લબ તરફથી રમતાં તેણે ૫૦૦ ગોલ કર્યા હતા. તેની રમતને લીધે તેની ડિમાન્ડ હતી પરંતુ, તેની બીમારીને લીધે બાર્સેલોના તેને ટીમમાં લેવા ન લેવા બાબતે અવઢવમાં હતા, પરંતુ બાર્સેલોનાને પણ પોતાની જીત માટે સારા પ્લેયરની જરૂર હતી એટલે છેલ્લી ઘડીએ ટીસ્યુ પેપર પર કોન્ટ્રેક્ટ કરીને મેસ્સીને ટીમમાં લીધો. ફૂટબોલ માટે સખત શારીરિક માળખું અને ઊર્જાની જરૂર હોય છે. મેસ્સીએ તેના નસીબને પોતાના આત્મવિશ્ર્વાસથી બદલી નાખ્યું. તેને મેદાનમાં રમતો જોઈને કોઈને ખ્યાલ પણ ન આવે કે તેને હોર્મોનલ ગ્રોથ ડેફિસિયન્સીની તકલીફ છે. મેસ્સી અત્યાર સુધી સ્ત્રીઓ અને પુરુષોનો હોટ ફેવરિટ સ્ટાર રહ્યો છે. 

આજનો હાઈએસ્ટ ગોલ સ્કોરર પોર્ટુગલનો ખેલાડી રોનાલ્ડો પણ ગરીબીમાં ઉછર્યો છે અને ૧૫ વરસની ઉંમરે તેને હાર્ટ બીટ વધી જવાની બીમારી થઈ હતી. તે માટે એણે ઓપરેશન કરાવવું પડ્યું. આ બીમારીમાં પણ ફૂટબોલ રમી શકવું અશક્ય હતું. જીવનમાં આવતા અનેક સંઘર્ષો અને અંતરાયોને પાર કરીને તમારે જીવવાનું હોય છે. જીતવાનું હોય છે. કોઈ એક જીતે છે તો તેની સામે કોઈ બીજું હારતું જ હોય છે. કોઈકે તો હાર સ્વીકારવી જ પડતી હોય છે. 

કોઇપણ વ્યક્તિ એવું વિચારતી હોય કે પોતે ખોટી જ ન હોઈ શકે કે પોતે હારી જ ન શકે તે નકરી બાલિશતા છે. દરેક પુરુષે પણ જીવનમાં ક્યારેક ને કોઇક જગ્યાએ હારનો સ્વીકાર કરવો પડતો હોય છે. જીતમાં જેમ માનસન્માન અને પ્રશંસા મળે તે ગર્વભેર સ્વીકારીએ છીએ તેમ હારમાં માનઅપમાન અને ક્યારેક ફિટકાર પણ મળે તે પૌરૂષીય છાતી રાખી સ્વીકારવો જ પડે. ક્રિકેટની રમતમાં પણ એવું નથી બનતું જ્યારે યુવરાજ સિંહે એક જ ઓવરમાં છ છગ્ગા માર્યા ત્યારે લોકોએ તેને માથે બેસાડ્યો પણ જેવું તેનું પર્ફોર્મન્સ લથડ્યું હતું ટ્વેન્ટી ૨૦ વર્લ્ડ કપમાં (૨૦૧૪) તેની રમતને કારણે શ્રીલંકા સામે હાર મળી તો એ જ લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો. તે સમયે સચિન તેંડુલકરે લોકોને અપીલ કરતાં કહ્યું કે યુવરાજના પાછલા પર્ફોર્મન્સ ન ભૂલી જવો જોઇએ. યુવરાજ સિંહ પણ ખરો મરદ છે તેણે એ વખતે બહુ ખેલદિલીપૂર્વક પોતાના પરાજયને સ્વીકારી કહ્યું કે તે આવતા પડકારો માટે તૈયાર છે. એ જ યુવરાજે કૅન્સર જેવી બીમારીને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી હાર નહોતી માની. કેમોથેરેપી જેવી શરીર અને મનને તોડી પાડતી થેરેપી બાદ પણ મેદાનમાં એટલા જ જોમ અને જુસ્સાથી પાછો ફર્યો છે. બીજાને નીચા પાડવું તે પણ એક જાતની હાર જ હોય છે. જે પ્રશંસકો યુવરાજ સિંહને પૈસા ખાનાર કે નકામો ખેલાડી કહીને ઉતારી પાડ્યો હશે તે પોતાની જાતને જ ક્યાંક નીચે પાડતો હોય છે. રમતગમતને જોતી સમયે તેને ખેલદિલીપૂર્વક જોવી તે પણ રમતનો ભાગ હોય છે. પણ આપણી અંગત બાયસ માન્યતાઓ અને અહંકારને તેમાં લાવીને ખેલદિલી ગુમાવી દઇએ છીએ. 

આપણી આસપાસ અનેક એવી વ્યક્તિઓ જોવા મળશે જે જરા જેટલી તકલીફોની સામે સર્વસ્વ જીવન હારીને જીવતાં હશે અથવા આપઘાત કરીને જીવન જ હારી જતાં હશે. જીતના પાયામાં હાર હોય છે. હાર છે એટલે જ જીત છે. જો હારનું અસ્તિત્વ ન હોય તો જીતનું ય અસ્તિત્વ ન જ રહે એ બાબત સમજવી જરૂરી છે. હારી ગયેલ વ્યક્તિને ય વધાવવો જોઇએ. તમારાથી શેક્યો પાપડ પણ નહીં ભાંગી શકાય કહેતી પત્ની કે મિત્ર પોતે ક્યાંક નીચા પડતાં હોય છે. દરેક વ્યક્તિની હારએ ઊંચે જવાનું પગથિયું જ હોય છે. દરેક સફળ વ્યક્તિઓ હારના એવા કેટલાંય પગથિયાં ચઢીને જ ઉપર પહોંચતી હોય છે.

સંસારમાં કોઇ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં કોઇ ક્ષેત્રે પણ હાર ન ખમી હોય. એટલે જ્યારે જીવનમાં હાર ખમવી પડે કોઇપણ રીતની પછી તે પરીક્ષામાં, પ્રેમમાં, નોકરીમાં, પ્રમોશન, બિઝનેસમાં કે રમતના મેદાનમાં હોય. તે હારથી નાસીપાસ થઈને દેવદાસની જેમ દારૂની બોટલ કે સિગરેટના કશમાં સમયને અને જીવનને વેડફો નહીં. તેને ખેલદિલીપૂર્વક સ્વીકારો, થયેલી ભૂલમાંથી શીખીને હારને પોતાના પક્ષે પલટવાની તૈયારી કરો. આજે નહીં તો ભવિષ્યમાં કશેક તો જીત મળશે જ. હારી જવાથી ન જીત મળશે કે ન તો જીતવાની ધગશ રહેશે. તમારો એટિટ્યુડ તમને હારમાં પણ હીરો બનાવી શકે છે.

You Might Also Like

0 comments