કલ્પના પારનો પ્રદેશ

08:00





સ્ત્રી તરીકે સમાજમાં આમ પણ જીવવું અઘરું હોઈ શકે પણ જ્યારે જાતીય પસંદગી જુદી હોય તો એ ગુનો બની જાય છે.  

કલ્પના કરો કે તમારી કલ્પનાનો પ્રદેશ તમને સમાજનો દુશ્મન બનાવી દે ...તો ... તમારા પરિવારજનો તમને પ્રિયપાત્રને બદલે વિચિત્ર પ્રાણી તરીકે જોવા લાગે. તમને લાગે કે જાણે કોઈ ઘોર પાપ કરી દીધું હોય પણ મન તે માનવા તૈયાર ન હોય. તમે તો એ જ છો પણ રાતોરાત દુનિયા બદલાઈ જાય છે. અઠવાડિયા પહેલાં અમદાવાદમાં એલિસ બ્રિજ પરથી બે સ્ત્રીઓએ આપઘાત કર્યો. બન્ને પરિણિત હતી અને બન્નેને બાળકો હતા. એક સ્ત્રીની ત્રણેક વરસની બાળકીને તેમણે પહેલાં જ સાબરમતી નદીમાં ફેંકી દીધા બાદ  બન્ને જણા એક સાથે કૂદી પડ્યા. સાથે રહેવા માટે આ જ એક રસ્તો હતો. બન્ને એકબીજાના પ્રેમમાં હતી પણ સમાજમાં તેઓ સાથે શાંતિથી રહી શકે એમ નહોતા. કારણ કે સમાજ તેમનો પ્રેમ સ્વીકારી શકે એમ નહોતો.
સ્ત્રીની સમસ્યાને હંમેશા નજરઅંદાજ કરવામાં આવી છે. સ્ત્રી હોવાને કારણે તેની જાતીય ઈચ્છા વિશે પણ તે બોલી કે વિચારી શકે સુદ્ધા નહીં ત્યાં સજાતીય સંબંધોની વાત કઈ રીતે કરી શકાય. વળી આપણે ત્યાં કાયદો પણ (ઈન્ડિયન પીનલ કોડ 377) સજાતીય સંબંધોને ગુનો ગણે છે. સ્ત્રી માટે સેક્સ વિશે વિચારવું કે બોલવું પણ અઘરું હોય છે. તેમાં ય જ્યારે ગરીબ ઘરની સ્ત્રી હોય તો તેણે એટલા કામ કરવાના હોય છે જીવવા માટે કે જાતીય ઈચ્છાઓ વિશે વિચારવાનો અવકાશ તેને ક્યારેય મળતો નથી. મધ્યમ વર્ગની સ્ત્રીઓને પોતાના વિશે નિર્ણયો લેવાનો અધિકાર હોતો જ નથી. માતાપિતા ઈચ્છે ત્યાં અને ત્યારે લગ્ન કરી લેવાના હોય છે. પુરુષ સાથે પણ લગ્ન કરે તો ય જાતપાત અને જ્ઞાતિને મહત્ત્વ અપાતું હોય ત્યાં સ્ત્રીના બીજી સ્ત્રી સાથેના સંબંધને સ્વીકારવાનો સવાલ જ નથી આવતો. મોટેભાગે આવી સ્ત્રીઓ કે જેમને લાગે કે તેમની જાતીય ઈચ્છાઓ બીજાઓ જેવી નથી એટલે કે તેમને પુરુષને બદલે સ્ત્રી ગમે છે ત્યારે પહેલાં તો પોતાના માટે જ અનેક સમસ્યાઓ અને મૂંઝવણ પેદા થતી હોય છે. એ વિશેની સમજ અને માહિતી હવે ઈન્ટરનેટના જમાનામાં સરળતાથી મળી શકે છે પણ ગામડાઓમાં કે મધ્યમવર્ગની સ્ત્રીઓ માટે ઈન્ટરનેટની દુનિયા પણ એટલી સરળતાથી પહોંચી શકાય એવી નથી હોતી. એટલે જ અમદાવાદમાં જે બે સ્ત્રીઓ પરિણિત હતી તેમને ખ્યાલ આવે તેમની જાતીય પસંદગી વિશે એ પહેલાં તો તેમના લગ્ન થઈ ગયા હશે અને બાળકો પણ થયા. તેઓ પોતાના પરિવારમાં સતત ગૂંગળામણ મહેસૂસ કરતી હશે. પતિ સાથેના સંબંધમાં તેમને સંતોષ ન પણ થતો હોય એવું શક્ય છે.
વિશ્વમાં દરેક જગ્યાએ સજાતીય સંબંધ ધરાવતી સ્ત્રીઓને સહજતાથી સ્વીકારવામાં નથી આવતી પણ ભારતમાં આવી સ્ત્રીઓની તકલીફો અનેકઘણી વધુ છે. એક તો માહિતીનો અભાવ, બીજું કે લોકોમાં સ્વીકારનો સવાલ જ નથી આવતો. ત્રીજું તેઓને પ્રેમીપાત્ર મળવું અઘરું હોય છે. આવી સ્ત્રીઓ મોટાભાગે ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે. ઘરમાં માતાપિતા પણ આ બાબતનો સ્વીકાર કરી શકતા નથી. જો તેમને ખબર પડે તો વહેલીતકે તેઓ એના લગ્ન કરી નાખે છે, પુરુષ સાથે જ સ્તો. તેને હંમેશા ચુપ રહેવાનું કહે છે. પોતાની ઈચ્છાઓને જાહેર કરવાની સખત મનાઈ હોય છે. જો આ અમદાવાદની એ સ્ત્રીઓ આશા અને ભાવના લગભગ ત્રીસેક વરસની હતી તેમણે અમદાવાદના રિવરફ્રન્ટ પર લિપસ્ટિકથી આત્મહત્યા પહેલાં લખ્યું કે અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઈ ગયા હતા, દુનિયાએ તોય જીવવા ના દીધા અમારી સાથે કોઈ પુરુષ નોતા.
સ્ત્રી પોતાને મનગમતા પુરુષ સાથે પણ સહેલાઈથી રહી શકે કે નહીં તે સમાજની ઈચ્છા પર આધાર રાખે છે. સ્ત્રીની પોતાની ઈચ્છા હોઈ શકે તે સ્વીકાર્ય હોતું નથી. મુંબઈ જેવા  શહેરોમાં હજી મુક્ત વાતાવરણ જોવા મળે છે પણ નાના શહેરો કે ગામડાઓમાં સ્ત્રી સહેલાઈથી પોતાની મરજીથી જીવન જીવી શકતી નથી. સજાતીય ઈચ્છા ધરાવતી અનેક સ્ત્રીઓ ગુમનામીમાં જીવે છે. અનિકેતા (નામ બદલ્યું છે) કહે છે કે તે ક્યારેય પોતાના વિશે કોઈની સાથે વાત કરી શકે એમ નથી. ઘરમાં તો નહીં જ પણ કોલેજમાં પોતાની મિત્રોને પણ એ વિશે ખબર નથી. તે એક સંસ્થામાં જોડાઈ છે પણ તે વિશે કોઈને જ ખબર નથી. ત્યાં એને એક મિત્ર મળી છે પણ એ બન્ને દુનિયામાં કોઈને ખબર ન પડે તેની તકેદારી રાખે છે. સહજતાથી મળી શકતા નથી કે ન તો પ્રેમ કરી શકે છે. લગ્ન કરવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. તેમણે ગયા વરસે પંજાબમાં સજાતીય યુગલે લગ્ન કર્યા હતા તેના સમાચાર વાંચ્યા બાદ આશા જાગી છે પણ અહીં તેમના ઘરમાં કે સમાજમાં હજી પણ કોઈ સ્વીકારી શકે તેવી શક્યતા જણાતી નથી.
 ગયા વરસે એટલે કે 2017માં એપ્રિલ મહિનામાં પંજાબની મનજીત કૌર જે સરકારી નોકરી કરે છે તેણે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા અને તેમની તસવીરો વાયરલ થઈ હતી. પહેલીવાર કોઈ સજાતીય સ્ત્રીઓના લગ્ન ધામધૂમથી તેમના પરિવારજનો કરાવી રહ્યા હતા. એ લગ્નને સ્વરા ભાસ્કર અને ઓનીર જેવા અનેક સેલિબ્રિટિએ ટેકો આપ્યો હતો. વરસો પહેલાં પણ ગુજરાતના એક નાના શહેરની બે છોકરીઓએ ઝેર પીને આપઘાત કર્યો હતો કારણ કે તેમના પરિવારજનો તેમના લગ્ન બીજે નક્કી કરી રહ્યા હતા.
અનિકેતા જેવી અનેક સ્ત્રીઓ મોટેભાગે લગ્ન કર્યા વિના કુંવારી રહેવાનું પસંદ કરે છે અથવા જીવન ટુંકાવી દે છે. તેમને કોઈ ત્રીજો રસ્તો દેખાતો નથી. આર્થિક રીતે સંપન્ન હોય તેવી સ્ત્રીઓને ખાસ વાંધો આવતો નથી. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે મોટા શહેરોમાં કે વિદેશમાં જઈને. બ્રિટિશરોના સંકુચિત માનસમાંથી જન્મેલો કાયદો 377ને હટાવવાની માગણીઓ થઈ રહી છે પણ હવે કદાચ બદલાય એવી આશા ઊભી થઈ છે. આ કલમ અનુસાર સજાતીય સંબંધો કે લગ્નો ગેરકાનૂની માનવામાં આવે છે. તે માટે સજા પણ થઈ શકે છે. હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે. કેટલાક લોકો ખુલીને પોતાના પ્રેફરન્સીસ જણાવી રહ્યા છે તે છતાં મોટાભાગની સ્ત્રીઓએ ખૂબ સહન કરવું પડતું હોય છે. આવા સંબંધોને આજે પણ મોટાભાગનો સમાજ સહજતાથી સ્વીકારતો નથી કે આદર કરતો નથી. પરિવારમાં, અડોશ પડોશમાં અને કામના સ્થળે પણ સજાતીય વ્યક્તિઓની મજાક ઊડાવવામાં આવે છે. તેમને ખૂબ અપમાનિત કરવામાં આવે છે. હકિકતમાં આવી વ્યક્તિઓ ખૂબ સંવેદનશીલ હોવાને કારણે જલ્દી ભાંગી પડે છે. ડિપ્રેશનમાં સરી પડે છે. આ લેખ લખવાનો ઈરાદો એટલો જ કે દુનિયામાં આપણાથી ભિન્ન લોકો પણ છે. તેમની ઈચ્છા, પસંદગી આપણાથી જૂદા હોઈ શકે છે.  તેમને સ્વીકાર, અપમાનિત ન કરો. સહજતાથી તેમને તમનું જીવન જીવવા દો. શક્ય હોય તો તેમની વિકટ પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરો. તમને સમજવામાં રસ નથી તો કંઈ નહીં પણ તમને જે સમજાતું નથી એ શક્ય નથી કે તે ખરાબ જ છે તેવું કહીને તેમને અપમાનિત ન કરો. તેમને શાંતિથી તેમની જીંદગી જીવવા દો. જેથી ફરી કોઈએ ફક્ત આ જ કારણોસર આપઘાત ન કરવો પડે.


You Might Also Like

0 comments