­
­

સંઘર્ષનાં સો વરસ

00:39




ખભે પર્સ અને હોઠો પર લિપસ્ટિક લગાવીને દોડીને ટ્રેન કે બસ પકડતી અને ૯ થી ૫ ઓફિસમાં કામ કરતી કે જીન્સ અને ટીશર્ટ પહેરેલી આધુનિક સ્ત્રીઓને જોઈને એવું માની લેવું કે સ્ત્રીઓ સ્વતંત્ર છે કે સ્ત્રીઓને કોઈ તકલીફ જ નથી તે ભૂલ ભરેલું છે. આવી ભૂલો પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ કરતી હોય છે. સ્ત્રીઓ આધુનિક કપડાં પહેરતી થઈ છે અને ઘરની બહાર કમાવવા માટે નીકળે છે, પરંતુ તેની સ્થિતિમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી. નારી સ્વાતંત્ર્ય કે જેને નારીવાદી કહીને ટોણો પણ મારવામાં આવે છે તે ચળવળ શરૂ થયાને સો વરસ થયા. ઈંગ્લેડ અને અમેરિકામાં તેની ઉજવણી થઈ રહી છે.

ઉજવણી તો કેમ કહેવાય પણ તે સફરજેટ મુવમેન્ટ કે જેમાં સ્ત્રીઓને મતાધિકાર મળે તે માટે સત્તાધીશો સામે ધા નાખવામાં આવી હતી. આજથી સો વરસ પહેલાં એટલે કે ૧૯૧૮ની સાલમાં પહેલીવાર બ્રિટિશ સ્ત્રીએ મત આપ્યો હતો. સફરેજ ચળવળની શરૂઆત તો તેનાય વરસો પહેલાં થઈ હતી. ઈંગ્લેડમાં ત્યારે માંડ ફક્ત સંપત્તિ ધરાવતી અને પરિણીત સ્ત્રીઓને જ મતાધિકાર હતો. એ સિવાય સ્ત્રીઓના મતની તેમને કોઈ જરૂર લાગતી નહોતી. ૧૯૧૮માં બ્રિટન બાદ ૧૯૨૦માં અમેરિકામાં સફરેજ ચળવળ શરૂ થઈ હતી. સ્ત્રીઓ વિચારી શકે છે કે પોતાનો મત ધરાવી શકે છે તે સ્વીકારવા પુરુષપ્રધાન સમાજ તૈયાર નહોતો. તે સમયે ભારતમાં પણ બ્રિટિશ રાજ્ય હતું તે યાદ રહે. સત્તા અને સંપત્તિની લાલચ પુરુષોમાં એટલી બધી હતી અને છે કે શક્ય હોય ત્યાં સ્ત્રીઓને સરખો અધિકાર આપવાથી કતરાતા હોય છે. બળિયો હોય તે નબળાને હડસેલો મારી વધુ જગ્યા પચાવી લે તે રીતે રીતસરની સામ્રાજ્યને એકહથ્થુ પોતાના હાથમાં રાખવાની વાત. અલગ વાત છે કે ભારત સ્વતંત્ર થતાં જ સ્ત્રીઓને સમાન મતાધિકાર મળ્યો હતો. સમાન મતાધિકાર, સમાનતાને બંધારણમાં મૂક્યા છતાં પણ સત્તા સ્થાને હજી સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માંડ ૧૧ ટકા જેટલું જ રહે છે.

સફરેજ શબ્દ વિમેન્સ સોશિયલ એન્ડ પોલિટિકલ યુનિયનના સભ્યોની ચળવળ સાથે સંકળાયેલો હતો. તેમની નેતા હતી એમિલીન પનખુરસ્ત જે રશિયનોની વિરોધ કરવાની રીતથી પ્રભાવિત હતા. જેમાં ભૂખ હડતાળ અને રેલી કાઢીને વિરોધ કરવો મહત્ત્વના હતા. ૧૮૯૩માં ન્યુઝિલેન્ડ સૌ પ્રથમ દેશ હતો કે જેણે સ્ત્રીઓને સમાન મતાધિકારનો અધિકાર આપ્યો હતો. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં તો ૧૮૯૫માં સ્ત્રીઓ પાર્લામેન્ટની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાગ લઈ શકતી હતી. પણ ૧૯૦૩ સુધી બ્રિટનમાં સ્ત્રીઓને સમાન મતાધિકાર નહોવાના કારણે જોરદાર લડત આપવાનું નક્કી કર્યું અને સફરેજ ચળવળ તીવ્રતાથી શરૂ થઈ. ભૂખ હડતાળ થઈ, રેલી કાઢવામાં આવી.

રેલીને અટકાવવામાં આવતી અને તેમાં ઝપાઝપી થતી, ચળવળમાં ભાગ લેનારી સ્ત્રીઓને જેલમાં પણ પૂરવામાં આવી. ભૂખ હડતાળ પર બેસેલાને જબરદસ્તીથી ખવડાવવામાં આવતું, આમ દરેક પ્રયત્નો થયા સ્ત્રીઓને પોતાની માગમાંથી પાછી વાળવા માટે, ૧૯૧૪ની સાલમાં પ્રથમ વિશ્ર્વયુદ્ધ શરૂ થવાને કારણે આ ચળવળ થોડો સમય બંધ રહી. ત્યારબાદ ૧૯૧૮માં સંપત્તિ ધરાવનાર સ્ત્રીઓને શરતી મતાધિકાર આપવામાં આવ્યો. ૧૯૨૮ની સાલમાં છેક ૨૧ વરસથી વધુ વયની સ્ત્રીઓને મતાધિકાર મળ્યો હતો.

૧૯૧૮ની સાલને સમાન અધિકારને પ્રથમ જીત માનીને હાલમાં બ્રિટનમાં તેની ઉજવણી સાથે સમાન અધિકારની માગણી માટે આજે પણ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેમાં ત્યાંની રાજકારણી અને લશ્કરમાં જોડાયેલી મહિલાઓ પણ સામેલ છે. એ વખતે એટલે કે આજથી સો વરસ પહેલાં આખીય ચળવળને સ્ત્રીઓએ ત્રિરંગ આપ્યો હતો. પરપલ લોયલ્ટી (નિષ્ઠા), વ્હાઈટ- પ્યોરિટી(પવિત્રતા) અને ગ્રીન ફોર હોપ(આશા) આ રંગોની હેટ, કપડાં, જ્વેલરી વગેરે વસ્તુઓને પણ વિરોધમાં સામેલ કરવામાં આવી હતી. અખબારોમાં સ્ત્રીઓને ઉતારી પાડવા માટે પુરુષોના કપડાંમાં પુરુષો જેવી દેખાતી મહિલાઓના કાર્ટુનો પણ દોર્યા હતા. આ ચળવળમાં ભારતીય સ્ત્રીએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેનું નામ હતું સોફિયા દુલિપ સિંઘ. લંડનમાં રહેતી મહારાજા દુલિપ સિંઘની (મહારાજા રણજીત સિંઘના સૌથી નાના દીકરા અને શીખ રજવાડાના છેલ્લા રાજા) ત્રીજી દીકરી હતી. ૧૯૦૩ની સાલમાં તે ભારત આવી હતી કિંગ એડવર્ડ સેવનનો રાજ્યાભિષેક જોવા માટે. ભારત આવીને બ્રિટિશરો જે રીતે ભારતીયો પર જુલ્મ કરી રહ્યા હતા તે જોઈને તેને આઘાત લાગ્યો હતો. ૧૯૦૯માં તે લંડન પરત ફરી હતી અને સફરેજ ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેણે પોતાના ઘરની બહાર સફરેજ ચળવળની માહિતી આપતું છાપું વેચવાનું શરૂ કર્યું હતું અને સરકારી ટેક્સ ન ભરીને અંગત રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ૧૯૧૨ની સાલમાં સફરેજ મુવમેન્ટ વધુ આક્રોશપૂર્ણ અને આક્રમક બની. પથ્થરો ફેંકવાથી લઈને આગ લગાડવાથી લઈને બૉમ્બ ફેંકવા સુધીની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ઈતિહાસમાં પહેલીવાર સ્ત્રીઓ પોતાના અધિકાર માટે આક્રમક બની હતી. ૧૯૧૩માં એમિલી ડેવિડસન નામની મહિલા કિંગના ઘોડા નીચે આવી જતાં મૃત્યુ પામી હતી. તે રાજાના ઘોડા પર સફરેજ સ્કાર્ફ બાંધવા માગતી હતી. આ વાત છે ૪ જૂન ૧૯૧૩ની.

હાલમાં બ્રિટનના એડનબર્ગ, બેલફાસ્ટ અને કાર્ડિફ નામના શહેરોમાં ત્રિરંગી સ્કાર્ફ સાથે રેલીઓ કાઢીને એ દિવસોની યાદ તાજી કરી તેમાં ભાગ લેનારી મહિલાઓ અને મૃત્યુ પામનાર મહિલાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમણે શરૂ કરેલી ઝુંબેશને કારણે જ આજે સ્ત્રીઓ મતાધિકારનો અધિકાર ભોગવે છે. સફરેજ ચળવળની પ્રણેતાઓને યાદ કરીને આજની મહિલાઓ ઈચ્છે છે કે હવે તેમનો અવાજ દબાવી દેવામાં ન આવે પણ સાંભળવામાં આવે. પાર્લામેન્ટમાં પચાસ ટકા સીટ મળવી જોઈએ. સમાનતા હજીપણ સ્ત્રીઓને પૂરી મળી નથી તે યાદ કરાવવાની જરૂર તેમને લાગે છે. એ ચળવળમાં ભાગ લેનારી સ્ત્રીઓની દીકરીઓ, પૌત્રીઓ વિશ્ર્વભરમાંથી બ્રિટન પહોંચીને રેલીમાં ભાગ લઈ રહી છે. કેટલાક પુરુષો પણ સ્ત્રીઓની સાથે સહમતિનો સૂર પુરાવવા ચાલ્યા હતા. આજે આ લેખ એ દરેક સ્ત્રીઓ માટે છે જેમણે વિરોધનો સૂર ઉઠાવવાની હિંમત કરી હતી. સમાનતાની માગણી કરી હતી. જેને કારણે આજે અમે ઘણું સ્વતંત્ર જીવન જીવી શકીએ છીએ. હજી જાતીય ભેદભાવ અને સમાનતા સંપૂર્ણપણે નથી મળ્યા તેની યાદ કરાવવા માટે પણ સો વરસ સંઘર્ષના યાદ કરવાની જરૂર છે. સમાન અધિકાર માટેની એ ચળવળે કેડી કંડારી જેના પર દુનિયાભરની સ્ત્રીઓ ચાલીને રાજમાર્ગ બનાવવા જઈ રહી છે. સો વરસનો એ સંઘર્ષ હજી પૂરો નથી થયો. જે સમયે દરેક દેશની પાર્લામેન્ટમાં પચાસ ટકા સ્ત્રીઓ હશે ત્યારે એની ખરી સફળતા કહેવાશે.

આપણે ત્યાં તો હજી છોકરીનો જન્મ આવકાર્ય નથી. દીકરાની આશા શિક્ષિત માતાપિતાને પણ હોય છે. છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા હજી પણ ઓછી જ છે. જાતીય ભેદભાવ, હિંસા અને બળાત્કારના પ્રમાણ ઓછા નથી. વિશ્ર્વમાં પચાસ ટકા સ્ત્રીઓ હોવા છતાં એકાદ ટકા સ્ત્રી પાસે જ સંપત્તિ હશે. આજે કેટલી સ્ત્રીના નામ પર ઘર છે? ટેક્સ બચાવવા માટે પતિ, પત્નીનું નામ મૂકે તે રીતે નહીં. પણ ખરા અર્થમાં ઘરની માલકણ કેટલી? આ સવાલનો જવાબ જ કહી દેશે કે સમાન અધિકાર કેટલી સ્ત્રીઓ હજી ભોગવે છે. આપણે ત્યાં પણ સ્ત્રીઓએ સ્વતંત્રતાની લડતની સાથોસાથ સ્ત્રી અધિકારની લડતો લડી છે અને હજી પણ લડી રહી છે.

You Might Also Like

0 comments