ઈસ શહરમેં હર શખ્સ પરેશાં ક્યું હૈ

06:17





 માણસોની ભીડ વચ્ચે પણ એકલતાને ઓવારે બેઠેલા આપણે જાતને બચાવી શકીએ ખરા?

અપના ગમ લે કે કહીં ઔર ન જાયા જાએ,
ઘર મેં બિખરી હુઈ ચીજોંકો સજાયા જાએ. – નિદા ફાજલી
નિદા ફાજલીની આ બહુ જાણીતી ગઝલ છે. જે વાત કરવી છે આજે તે આપણે બધા જાણીએ જ છીએ પણ ક્યારેક પરિવર્તનના વહેણમાં વહી જતા કેટલીક વાત ભૂલાઈ જાય છે. ગયા લેખમાં વાત કરી હતી કે સંબંધો ખરીદવા પડશે એવી નોબત બીજા દેશોમાં તો આવી જ ગઈ છે તે આપણા સુધી પહોંચતા ય વાર નહીં લાગે. લેખ વાંચીને કેટલાક વાચકોનો પ્રતિભાવ હતો કે એ નોબત ઘણી વહેલી અહીં આવશે. દરેક વ્યક્તિ એકલતાનો અનુભવ કરે છે. હતાશાનો અનુભવ કરી રહી છે કારણ કે તેને લાગે છે કે તે એકલી છે.એનો ઉપાય ખરો એ વિશે ચર્ચા થવી જોઈએ.  હું ન તો ગોડવિમેન છું કે ન તો કોઈ જાદુગર. હા વિચારવું અને લખવું ગમે છે એટલે આ વિષય પર કેટલાક વિચારો અહીં ચર્ચા તરીકે મૂકું છું તે ચર્ચા તમે ચાલુ રાખી શકો મને લખીને, કારણ કે શક્ય છે કોઈ મુદ્દો હું ચૂકી ગઈ હોઉં.
સૌ પ્રથમ આ એકલતા ક્યાંથી આવી રહી છે તે વિશે વિચારવાની જરૂર છે. તેમાં સૌથી પહેલું કારણ જે મને લાગે છે તે કે આપણે કુદરતથી વધુને વધુ દૂર થઈ રહ્યા છીએ. શહેરીકરણમાં સુવિધાઓ અનેક છે. તકલીફો ઓછી હોઈ શકે એવું લાગે પણ એવું હોતું નથી. કુદરતથી દૂર થઈ જવાથી આપણે કુદરતી રીતે જીવવાનું જ ભૂલી રહ્યા છીએ. દરેક બાબતે સ્વીચ દબાવતા પરિસ્થિતિ બદલાઈ જાય છે.  ઠંડી લાગે તો હીટર ઓન કરો અને ગરમી લાગે તો એસી ઓન કરો. જે મન થાય તે ખરીદો, ખાઓ, પીઓ અને જલસા કરો. સુખની વ્યાખ્યા આપણે એવી બદલી છે કે નવી પેઢીને કેવી રીતે સમજાય યોગ્ય સમયની રાહ જોવાનું. અભાવ અને ગરીબીનો અનુભવ કરવાનો. કેરી ખાવા માટે આતુરતાથી ઉનાળાની રાહ જોવી પડે. પણ આપણે જ્યારે પણ  મન થાય ત્યારે ફ્રિજરમાંથી કેરીનો રસ ખાઈ શકતા હોય તો  ઉનાળાનું મહત્ત્વ કેવી રીતે રહે. સતત એસીમાં રહેનારને ક્યારેય આંબાના ઝાડ કે લીમડાના ઝાડની સુગંધ કે ઠંડકનો અનુભવ કઈ રીતે થાય. આપણા જીવવને એટલું કૃત્રિમ કરી દીધું છે કે સંબંધો પણ કૃત્રિમ થઈ ગયા છે. પ્લાસ્ટિકયું સ્માઈલ અને લાગણીઓ આપણે ઈમોજીમાં વ્યક્ત કરતા થઈ ગયા છીએ.  
પ્રશ્ર્નોપનિષદમાં ઋષિ પિપ્પલાદે કહે છે કે મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા હોય તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે. આપણું ચિત્ત શાંત થતું જ નથી સતત ઘોંઘાટોમાં જીવીએ છીએ આજે. બધું જ જોઈએ છે. શાંતિ કે સંતોષ નથી રહેતા એટલે એન્કજાઈટી રહે છે. સતત બધું જ પામી લેવાની દોટમાં સ્ટ્રેસ રહે છે પરિણામે રોગ, સંઘર્ષ સાથે બીજી અનેક સમસ્યાઓ ઊભી કરી જીવનને ગૂંચવી નાખે છે. 
બીજું કે હવે આપણને સુખ પણ ઈન્સટન્ટ જોઈએ છીએ. જે કદી મળી શકતું નથી. દરેક ક્ષણમાં જીવવાની વાત આપણે વિસરી જઈએ છીએ. ગીતામાં કૃષ્ણએ પણ અર્જુનને ભૂતકાળ કે ભવિષ્યકાળ ભૂલીને સામે આવી પડેલું કર્તવ્ય નિભાવવાનું કહ્યું હતું. પશુઓ અને પક્ષીઓ ક્યારેય ભવિષ્યની ચિંતા કરતા નથી. હા બચ્ચા મૂકવા માટે પક્ષીઓ માળો જરૂર બાંધે છે મહેનત કરીને પણ તેને સાચવી રાખવાની ચિંતા કરતા નથી. માણસને માટે એ શક્ય ન બને કારણ કે માણસ વિચારી શકે છે, બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. તે છતાં તે દુખી છે, બધું ભેગું કરે છે ભવિષ્યને માટે...જે મળી રહ્યું છે અત્યારે તેને માણવાની આવડત ખોઈ બેઠો છે. જે ભવિષ્ય તેને ખબર નથી એને માટે તે વર્તમાનને વિસરીને ભવિષ્યના મહેલો ચણવામાં ખતમ થઈ રહ્યો છે. આમ જોઈએ તો આ ફિલોસોફિકલ બોરિંગ વાત છે. પણ જરા બે ઘડી થંભીને વિચારો. નિરવ મોદી અને વિજય માલ્યા કે પછી અંબાણી પાસે શું કમી છે?  તે છતાં તેઓ સુખી છે તેવું કહી શકાય ખરું?  હા એટલા પૈસા છે કે બધી સગવડો ખરીદી શકાય પણ તેનાથી સુખ ખરીદી શકાતું નથી. એક ક્ષણનો પણ જીવનનો શ્વાસ તે પૈસાથી ખરીદી શકાતો નથી. સમયને થંભાવી શકાતો નથી કે વીતેલા સમયને તેઓ ખરીદી નહીં શકે કે જાળવી નહીં શકે.  વાળ ધોળા થાય ત્યારે કાળા કરી શકાય છે પણ સમયને થંભાવી શકાતો નથી.
અમેરિકાનો પ્રખ્યાત લાઈફ કોચ ડૉ. રોન જેસન જેમણે ‘મેક અ લાઈફ નોટ જસ્ટ અ લિવિંગ’ પુસ્તક લખ્યું છે તે પણ ગીતામાં કૃષ્ણએ કહેલી વાત જ દોહરાવે છે. પણ જરા જુદી રીતે તે કહે છે કે માણસોને સફળ થવું છે અને સફળતા માટે લોકો પાંચ પી (ફાઈવ પી) ની પાછળ દોડે છે. પાવર, પોઝિશન, પ્રોસ્પેરિટી, પ્રેસ્ટિઝ અને પ્લેઝર....તેને આપણી ભાષામાં કહીએ તો સત્તા, સ્થાન-હોદ્દો, સંપત્તિ, સન્માન અને સુખ. પણ આ પાંચે બાબત હોય તો પણ જીવનમાં આનંદ હોતો નથી. બી.સી. ફોર્બ્સને ટાંકતા કહે છે કે અઢળક પૈસા, સો કોલ્ડ સફળતાથી સુખ મળે પણ ખરો. આનંદ તો સ્વાર્થ વિનાની લાગણીસભર પળોમાં જ હોય છે. જેસને હજારો નેતાઓના ઈન્ટરવ્યૂ કર્યા છે તેમાંથી એને જાણવા મળ્યું કે ખરી સફળતા આ પાંચ પીમાંથી નહીં, પરંતુ કમ્પલિટનેસ અને કોન્ટ્રિબ્યુશનમાંથી લાધે છે. પોતાની જાતને સંપૂર્ણ રાખવી અને જે ફળ મળે તે સમાજમાં વહેંચીને માણવું. કોઈ વ્યક્તિ પૂર્ણ ત્યારે જ થઈ શકે જ્યારે તે આસપાસના વાતાવરણ સાથે સંવાદ સાધી શકે. સંવાદિતા તમારા જીવનમાં રહેલી અધૂરપોને જીગ્સો પઝલની જેમ પૂર્ણ કરે છે. જીવનમાં સંવાદિતા હશે તો કુટુંબમાં પ્રેમ, શાંતિ હશે અને ઓફિસમાં સંવાદિતા હશે તો સમસ્યાઓને પાર કરીને વિકાસ થઈ શકે. આપણું ચાલે તો સુખને પણ ફ્રિજ કરી દઈએ. પણ પછી તેની એકવિધતામાં કંટાળો આવશે એટલે વળી નવો રોમાંચ શોધવાનો.

જે. કૃષ્ણમૂર્તિ ચોઈસલેસ અવેરનેસની વાત કહે છે. તેઓ કહે છે કે પસંદગીનો અવકાશ ત્યારે જ ઊભો થાય છે જ્યારે આપણે ગૂંચવાયેલા હોઈએ છીએ. ક્ન્ફયુઝ હોઈએ છીએ. જે ક્ષણે તમે જીવનને બાંધેલી વિચારધારાના માળખામાં પ્લાન કરો છો ત્યારથી તમે જીવતા નથી ફક્ત તેને નક્કી કરેલા સ્ટાન્ડર્ન્ડથી કન્ફર્મ કરો છો. (આટલા ટકા આવશે તો એન્જિનિયરિંગ કે ડૉકટરી કે ... કરાશે અને તો જ સારી નોકરી મળશે. અને તો જ સારી છોકરી મળશે. જો ટકા ન આવે કે સારી નોકરી ન મળે કે સારી છોકરી ન મળે તો બાંધેલી પેટર્ન ખોરવાઈ જાય.) એ કન્ફર્મ  કોન્ટ્રાડિકશન ઊભી કરે છે. એટલે જ કૃષ્ણમૂર્તિ કહે છે કે ચોઈસલેસ અવેરનેસ ... અત્યારની ક્ષણમાં જીવો ...જેમાં ભૂતકાળની પેટર્ન ન હોય કે ન ભવિષ્યનો ભય. અત્યારે બાળકની સાથે કુદરતમાં રમીએ. બાળકને કુદરતી રીતે મોટું થવા દઈએ. ધૂળમાં રમવા દઈએ, નદી કે તળાવમાં (સ્વિમિંગ પુલમાં નહીં) ધુબાકા મારવા દઈએ. વરસતા વરસાદમાં છત્રી ન ખોલીને નાહીએ. કેરીનો સ્વાદ ફક્ત ઉનાળામાં જ માણીએ. વધુ સગવડ કે કમાણી માટે કાળાં ધોળાં ન કરીએ તો શાતિથી સૂઈ શકીએ. વિદેશના દેશો ભલે ન જોઈ શકીએ પણ આપણામાં ગ્રામ્ય જીવનને જીવંત રાખવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે વતનમાં જતા નથી એટલે કેટલાય ગામડાંઓ ખાલી થઈ રહ્યા છે. તેને સ્વચ્છ ને સુંદર બનાવીશું તો વિદેશને અહીં લઈ આવી શકાય, ગામડાઓને શહેર બનાવવાના નથી કોન્ક્રિટનું જંગલ બનાવવાના નથી તેના કુદરતી સૌંદર્યને જાળવવાનું છે. આપણે આપણી નજીક જવાનું છે જેથી ભીડમાં ખોવાઈ ન જઈએ.

You Might Also Like

0 comments