નામમાં શું છે ? 13/3/12

02:58


પ્રખ્યાત નાટ્યકાર અને લેખ્ સેક્સપિઅરે ભલે કહ્યું હોય કે નામમાં શું . ફિલોસોફિ તરીકે આ વાત સારી લાગે પરંતુ, લગ્ન બાદ પોતાની દરેક ઓળખને બદલીને નવેસરથી જીંદગી શરુ કરતી યુવતીને માટે અસ્તિત્વના પ્રશ્નો પણ પજવી શકે. લગ્ન બાદ પિતાના નામની જગ્યાએ પતિનું નામ અને અટક પણ બદલાય ત્યારે આખી આઈડેન્ટિટી બદલાઈ જાય છે. તો વળી કેટલાક લોકો પત્નિનું નામ પણ બદલી નાખતા હોય છે. એમ કહો કે લગ્ન બાદ કેટલીક યુવતીઓએ તો પોતે જે ઘર,શહેર, લોકો સાથે રહેવા ટેવાઈ હોય તેને બદલવા સાથે પોતાની બધી જ ઓળખ નામ સુધ્ધાં બદલી નાખવાનું કહેવાય ત્યારે થોડો સમય તેને પોતાને જ પ્રશ્ન થતો હશે કે હું કોણ છું ?  
હાલમાં મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટે એવો રુલ અમેન્ડ કર્યો કે સ્ત્રીએ જો છુટાછેડાનો કેસ ફાઈલ કરવો હોય તો તે પોતાના પિતાની અટક અથવા જે કોઈપણ નામ તે વાપરતી હોય તે નામ સાથે કેસ ફાઈલ કરી શકે. ફેમિલિ કોર્ટ તેને પતિના નામ અને અટક સાથે જ કેસ ફાઈલ કરવાની ફરજ ન પાડી શકે. જો કે નવાઈની વાત એ છે કે લગ્ન બાદ સ્ત્રીએ પોતાનું નામ કે અટક બદલવી જ જોઈએ તેવો કોઈ કાયદો નથી. પણ આ  એક માત્ર રિવાજ છે. વીસમી સદીમાં અનેક મહિલાઓ લગ્ન બાદ પોતાની અટક બદલતી નથી. અને હવે તો કોઈપણ મહિલાને  અટક કે નામ બદલવાની ફરજ ન પાડી શકે. અને હવે કેટલાક પરિણીતો લગ્ન સમયે જ નક્કી કરે છે કે તેમના બાળકના નામની પાછળ માતા અને પિતાનું બન્નેનું નામ લાગશે પણ અટક નહીં લાગે. કાયદામાં જો તમે નામ બદલો તો ગેજેટમાં નોટિફિકેશન આપવું પડતું હોય છે તેને લીગલ બનાવવા માટે. પણ લગ્ન બાદ જો યુવતી પોતાની અટક બદલે છે તો મેરેજ સર્ટિફિકેટનો પુરાવો બસ થઈ રહે છે.
 વીસમી સદીમાં આધુનિક  યુવતીઓએ પોતે ઘર્ષણ ટાળવા કે પોતે પરિણીત છે તે બતાવવા માટે  બન્ને પક્ષની અટક લગાવવાની શરુ કરી. તો વળી ફેસબુકના જમાનામાં કેટલીક યુવતીઓ પોતાના જુના મિત્રો તેમને ઓળખે તે માટે  પણ બન્ને પક્ષની અટક લગાવવાની શરુઆત કરી છે. મોટેભાગે યુવતીઓ જ્યારે જાહેરજીવનમાં કાર્યરત હોય ત્યારે પોતાનું મેઈડન નેમ એટલે કે પહેલાં જે નામે તે ઓળખાતી હોય તે જાળવી રાખવા માટે અને પરિણીતા છે તે દર્શાવવા માટે બન્ને અટકો વાપરતી હોય છે.  પરંતુ કાયદાકીય કાગળો પર તેઓ પતિની અટક જ વાપરતા હોય છે. દુનિયાના અનેક દેશો જેવા કે બેલ્જિયમ, ચીન, કમ્બોડિયા, ક્યુબેક, જર્મની , ઇરાન, ઇટાલી, ફ્રાન્સ, કોરિયા,  મોટાભાગના અરેબિયન દેશો, આર્યલેન્ડ વગેરેમાં તો સ્ત્રીને લગ્ન બાદ પોતાનું નામ કે અટક બદલવાની ફરજ પાડવામાં આવતી નથી. ઊલ્ટાનું જર્મનીમાં તો પતિ ઇચ્છે તો પત્નિની અટક સ્વીકારી  શકે છે તો પત્નિ ઇચ્છે તો પતિની અટક સ્વીકારી શકે છે નહીં તો બન્ને પોતપાતાની અટક જ લગાવે છે. મલેશિયામાં પત્નિ પતિની અટક નથી લગાવતી પણ પતિ ઇચ્છેતો પત્નિની અટક અપનાવી શકે છે. જો પતિ અટક બદલે તો પછી તે પત્નિને છૂટાછેડા આપી શકતો નથી.
આમ, હવે મોટાભાગના દેશોમાં ભારત સહિત આજની નારીએ લગ્ન બાદ પતિની અટક અપનાવવી જરુરી નથી. પોતાની જન્મજાત ઓળખને તે ગૌરવપૂર્વક જાળવી રાખી શકે છે. હા , એ અલગ વાત છે કે તેમના બાળકની પાછળ કોની અટક લાગશે  અથવા નહીં લાગે તેની સ્પષ્ટતા માતાપિતાના મનમાં પહેલેથી જ હોય તો કોઈ તકલીફ રહેતી નથી. પણ અફસોસની વાત એ છે કે ભારતમાં મોટાભાગની સ્ત્રીઓને પોતાના આ અધિકાર વિશે ખબર જ હોતી નથી કે પછી તેમને પોતાની ઓળખ જાળવવાની સ્વતંત્રતા પણ સહજતાથી નથી અપાતી.

You Might Also Like

0 comments