શિક્ષિત યુવતી અને અભણ મહિલા બન્ને કરે છે ગામ માટે કામ..6/11/11

06:58


રાજસ્થાનના સોડા ગામમાં 28 વર્ષિય એમબીએ થયેલી યુવતી  છાવી રાજાવત સરપંચ તરીકે ગયા વરસે ચુંટાયા બાદ ગામને સ્વતંત્ર રીતે કારભાર કરતું કરવાના પ્રયત્નો કરે છે. છાવીના દાદા આ ગામના પહેલાં સરપંચ હતા. તેઓ નિવૃત્ત આર્મિ ઓફિસર છે અને પોતાની પૌત્રીને માટે ગર્વ અનુભવે છે. એમબીએ થઈને છાવી જયપુરમાં તેની માતાનું હોટલ બુટિક સંભાળતી હતી. સોડા ગામમાં  ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા હતા એટલે તેમણે મહિલાઓને નેતૃત્વ આપવાનું નક્કી કર્યું. તેમણે રાજાવત કુંટુંબની એકમાત્ર સંતાન છાવી જે જયપુરમાં રહેતી હતી તેને સરપંચ બનાવવાનું નક્કી કર્યુ. તે માટે છાવીને રાજી કરીને  ગામમાં લાવવા માટે બસ ભરીને ગામના લોકો જયપુર ગયા હતા. છાવી માટે ગામનું નેતૃત્વ સ્વીકારવું એટલું સહેલું નહોતું. પણ લોકોનો આગ્રહ અને જરુરિયાત જોઈને છાવીએ સરપંચની ચુંટણીમાં ઊભા રહેવાનું સ્વીકાર્યુ. અન્ય બે મહિલાઓની સામે તેની જીત થઈ. આજે જે ગામમાં   તેનું બાળપણ વીત્યું હતું તે  જુનવાણી સોડા ગામમાં જીન્સ પહેરીને તે પ્રોફેશનલી કારભાર ચલાવે છે.
તો બીજી તરફ બુંદેલખંડના જલાઉન ગામમાં  અભણ 65 વર્ષિય મુલાદેવીએ 15 વરસ પહેલાં બાજુના ગામ ઓરાઈમાં કામ કરતાં એનજીઓ પરમાર્થ સેવી સમાજની સલાહથી ગામની મહિલાઓને ભેગી કરીને બંગડી બનાવવાનો નાનો વ્યવસાય શરુ કર્યો હતો. આ વ્યવસાયમાંથી કમાઈને તેણે પોતાના ત્રણ બાળકોને મોટા કર્યા અને પરણાવ્યા. આજે મુલાદેવી ગામમાં ચોખ્ખાઈ, સ્વાસ્થય જળવાઈ રહે અને લોકોની હાલાકી દૂર થાય તે માટેના પ્રયત્નો કરે છે. તેમણે લોકોને સ્વચ્છ પાણી પીવાની સલાહ આપી. લોકો પહેલાં ગ્લાસ સાથે હાથ પણ માટલામાં બોળતા હતા. તેણે ડોયો લઈને પાણી પીવા માટે લેવાની લોકોને ટેવ પાડી. ગામમાં આ પહેલાં એકપણ ટોઈલેટ ન હતું. તેણે લોકોને સમજવ્યા કે લગ્નમાં ખર્ચો કરવાને બદલે ટોઈલેટ બનાવવા માટે પૈસા બચાવવા જોઈએ. એનાથી ઘરની મહિલાઓ માટે કાયમી રોકાણ થશે. આજે તેમના ગામમાં 200 ટીનના બારણા ધરાવતા ટોઈલેટ છે. લોકો ક્યારેક મજાક કરે છે કે આ ટોઈલેટના બારણે મુલાદેવીનો ફોટો ચિટાકડવો જોઈએ.આજે પણ નાયલોનની સાડીનો  છેડો માથે ઓઢીને પુરુષોનો ઘૂમટો કાઢતી મુલાદેવીની વાત ગામના લોકો ગંભીરતાથી સાંભળે છે. હાલમાં મુલાદેવી પાણીની સમસ્યા પર કામ કરી રહી છે. કારણ કે ગામની મહિલાઓને પાણી ભરવા માટે ખાસ્સો સમય આપવો પડે છે. અને તે વિસ્તારમાં પાણીની તંગી હંમેશા હોય છે.
કામ કરવા માગતી મહિલાઓને ક્યારેય  કોઈ મર્યાદાઓ નડતી નથી. તેઓ પોતાની આવડતથી પોતાનું ઘરતો ઊજાળે જ છે પણ સમાજને ય ઉપયોગી થાય છે. પછી તે જીન્સ, ટિશર્ટ પહેરે કે  સાડી પહેરી ઘૂમટો કાઢે તેનાથી કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે તેની વિચારધારાથી અને કાર્યથી

You Might Also Like

0 comments