આજની નારી - અફઘાનિસ્તાનમાં ઓનલાઈન લેખિકા સંગઠન છે.

06:44


તબોસ્સુમે અફઘાન વિમેન્સ રાઈટર્સને મળવું હોય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો તેણે કાબુલ જવા માટે  સાડાચાર કલાક ચાલવા ઉપરાંત પણ અનેક સંકટોને પાર કરવા પડે છે.
વીસ વરસની તબોસ્સુમ લખે છે કે , મારે જો કાબુલ આવવું હોય તો કોઈ પુરુષનો  સાથ જોઈએ જ . એકલી ન આવી શકું, હું લોગર ગામમાં રહું છું. જે  રાજધાની કાબુલની દક્ષિણપૂર્વમાં આવેલ છે. મારા ગામમાં પણ હું એકલી ઘરની બહાર નીકળી ન શકું. મને બહાર કામ કરવા જવું ગમે છે પણ  મારા ઘરવાળા મને તેની પરવાનગી નહીં આપે. અને મને પણ ખૂબ ડર લાગે છે કારણ કે મારી ફોઈ  જે નર્સ તરીકે એક દવાખાનામાં સેવા આપતી હતી તેને તાલિબાનોએ મારી નાખી હતી. 
આજની તારિખમાં ય અફઘાનિસ્તાનમાં    તાલિબાનનો ખોફ હોવા છતાં તબોસ્સુમ જેવી 75 જેટલી મહિલાઓ અફઘાન વિમેન્સ રાઈટર્સ નામની ઓનલાઈન વેબસાઈટમાં લખવા માટે અનેક સંઘર્ષો વેઠે છે. માશા હેમિલ્ટન નામની અમેરિકન પત્રકાર અને નોવેલિસ્ટે આ વેબસાઈટની શરુઆત  કરી છે. આ વેબસાઈટમાં લખતી મોટાભાગની મહિલાઓ પોતાની ઓળખ છુપાવે છે. તેઓ પ્રથમ નામ ધ્વારા જ કે ઉપનામ ધ્વારા જ  ઓળખાતી હોય છે. અફઘાનિસ્તાનમાં કાબુલ ઉપરાંત, હેરત,ફરગાના અને કંદહાર જેવા શહેરોમાં ગુપ્ત સ્થળેથી આ વેબસાઈટનું સંચાલન કરવામાં આવે છે. મોતનો ખતરો સતત માથા પર ઝળુંબતો હોવા છતાં પોતાના અંતરમનની વાત તેઓ લખીને લોકો સમક્ષ આ રીતે જ મૂકી શકે છે. તેમના લખાણોમાં વહેલા પરણાવી દેવા ઉપરાંત ઘરનાનો ત્રાસ, ભણવાની કે કામ કરવાની છૂટ ન મળવી, પોતાના સ્વજનોને તાલિબાનના હાથે મરતા જોવા, ઉપરાંત ક્યારેક તેઓ હવે ઓબામાના વક્તવ્ય અંગે કે રાજકારણ અંગે પણ પોતાનો મત પ્રદર્શિત કરતી થઈ છે. તો ક્યારેક કોઈ કવિતા કે વાર્તા પણ લખે છે. તો કોઈક નિબંધ ધ્વારા ઘાસની સુગંધ નામે પોતાને ગમતી વાત પણ કહે છે. ઓગષ્ટ  મહિનાથી  લેખિકાઓની ઓળખની ગુપ્તતા સાથે આ પ્રોજેક્ટ ફ્રિડમ ટુ ટેલ યોર સ્ટોરી ( તમારી વાત કહેવાની સ્વતંત્રતા)ને નામે જાહેરમાં લોકોને વાંચવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.  આ વેબસાઈટમાં લખવા માટેની પહેલી અને છેલ્લી શરત છે કે તે મહિલા અફઘાનિસ્તાનમાં જ રહેતી હોવી જોઈએ. અને મહિનામાં એકવાર તેણે પોતાની હાજરી વેબસાઈટ પર પુરાવવી જોઈએ. તબ્બોસુમ જેવી અનેક મહિલાઓ કેટલાય જોખમો વહોરીને ય  છેલ્લા બે વરસથી પોતાને જે લાગણી થાય છે તે ડર્યા વગર વેબસાઈટ પર આલેખે છે. આજે એકસવીમી સદીમાં જ્યારે વિશ્વમાં મહિલાઓ પોતાના દરેક નિર્ણયો જાતે લેતી હોવા છતાં નાની નાની બાબતમાં ય  સ્વતંત્રતાની હિમાયત કરતી હોય છે ત્યારે ..દુનિયાના ખૂણામાં આવી મહિલાઓ પોતાની વાત કહેવા માટે જાનનું  જોખમ ખેડે છે છતાંય પોતાની ઓળખ આપવાની હિંમત કરી નથી શકતી. શરીર અને મન પર તેઓ બુરખો ઓઢીને જ ફરે છે. અને જો તેઓ મુક્તીનો  શ્વાસ લેવા  એ પરદો થોડો પણ ઊંચો કરે તો તેમના હાથ કાપી નાખવામાં આવે છે. 

You Might Also Like

0 comments