કોણ વધુ રોમેન્ટિક મહિલાઓ કે પુરુષો !?14/2/12

07:30


પહેલાં ઇંડુ કે મરઘી એ પ્રશ્નની જેમ કોણ વધુ રોમેન્ટિક સ્ત્રીઓ કે પુરુષો એ ચર્ચા ઘરમાં પણ શરુ થાય તો ય અંત તુ તુ મેં મેં પર પહોંચી જાય. પ્રેમ લગ્ન કરનાર યુગલોને  આ સવાલ પુછ્યો તો પુરુષોએ એક ઝાટકે કહી દીધુ કે ઓફકોર્સ પુરુષો જ વધુ રોમેન્ટિક હોય છે. પણ એ અલગ વાત છે કે સ્ત્રીઓને ક્યારેય સંતોષ જ નથી હોતો  અને લગ્ન એ જ રોમેન્સ નથી!?  એમાં વધુ શું કરવાનું કે કહેવાનું હોય ?” કહેતા તેઓ હાસ્ય વેરે છે. તો સ્ત્રીઓ કહે છે કે,” લગ્ન પહેલાં પુરુષો ચોક્કસ રોમેન્ટિક હોય છે પણ લગ્નના થોડા જ વરસો બાદ તેમનો રોમાન્સ હવામાં ઓગળી ગયો હોય છે. એનું કારણ કે તેઓ સ્ત્રીઓ જેટલા કલ્પનાશીલ નથી હોતા. પણ સાચું કહેજો દરેક પત્નિને આ ફરિયાદ હોય  જ છે કે તેમનો પતિ તેમને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. ગૃહિણી કમ ફેશન ડિઝાઈરનું કામ કરતી પ્રિયા કહે છે કે ,  જો સ્ત્રી લગ્ન પહેલાં રડે તો તે આંસુ મોતી બની વહેતા હોય તેમ પુરુષને લાગે છે જ્યારે લગ્ન બાદ તે રડે તો કહેશે તને તો વાતે વાતે રડવાની આદત છે. આવું તો અનેક બાબતે બને છે. લગ્નના દશ વરસ બાદ બન્ને સાથે એકલા બહાર રોમેન્ટિક ડિનર પર ગયા હોય અને કલાકો સુધી હાથમાં હાથ નાખીને ટહેલ્યા હોય તેવું ભાગ્યે જ બને કે પતિ પત્નિ માટે ખાસ ફુલ ખરીદીને લાવે તે કલ્પના કરવી ય અઘરી છે.
આ વિષયે અનેક રિસર્ચ પણ થયા છે. હજી ગયા વરસે જ બફેલો યુનિવર્સિટિના સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોરા પાર્કે  વિદ્યાર્થિઓ પર કરેલા સંશોધન પરથી સાબિત કર્યુ કે છોકરીઓને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભણવા કરતાં ડેટિંગ કરવામાં અને રોમાન્સ વિશે વિચારવામાં વધુ રસ પડે છે. રોમાન્સ વિશે વિચારતી છોકરીઓને આવા વિષયો કરતાં ભાષા જેવા વિષયો વધુ ગમે છે. જયારે છોકરાઓને રોમાન્સ વિષે વિચાર્યા છતાં ગણિત, વિજ્ઞાન કે ટેકનોલોજીના ભણતરમાં રસ જરાય ઓછો નથી થતો. લોરાએ નોંધ્યું છે કે અમેરિકામાં  છોકરાઓના પ્રમાણમાં ઘણી ઓછી છોકરીઓ ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો પસંદ કરીને પોતાની કારર્કિદી ઘડે છે. જો કે લોરાનું સંશોધન આખાય વિશ્વની સ્ત્રીઓ માટે ઓછાવત્તા અંશે લાગુ પડે છે. સ્ત્રીઓને રોમેન્ટીક ફિલ્મો જોવી પણ વધુ ગમે છે. જ્યારે પુરુષો માટે બનતી ફિલ્મો મોટેભાગે હિંસક એટલે કે મારામારી અને ટેકનોલોજી આધારીત હોય છે. નોર્થનેસ્ટર્નના માર્કેટિંગ પ્રોફેસર નેઇલ રોઝિસે કરેલા એક સંશોધન પ્રમાણે મોટાભાગના પુરુષોના જીવનમાં કારર્કિદીના ક્ષેત્રે સફળતા મહ્ત્ત્વની હોય છે જ્યારે મોટાભાગની સ્ત્રીઓના જીવનમાં સારો પતિ મેળવવો મહત્ત્વનું હોય છે. જો તેઓ લગ્ન નથી કરી શકતી કે સારો જીવનસાથી નથી મેળવી શકતીતો તેઓ જીવનમાં નિષ્ફળતા અનુભવે  છે.
બહારથી દેખીતી રીતે લગ્નજીવન સુખી લાગતું  હોવા છતાં જરુરી નથી કે પત્નિઓને પોતાનો પતિ રોમન્ટિક લાગતો હોય. સૌથી સારો જીવનસાથી મળ્યો હોવા છતાં દરેક પત્નિને ક્યારેકતો એવું થાય છે કે કાશ મારો પતિ જરાક વધુ રોમેન્ટિક હોત. કાશ પતિઓ આપણી ઊંડે ધરબાયેલી અપેક્ષાઓને સમજીને તેને પૂર્ણ કરવાની કોશિષ કરતાં હોત... કાશ આ લેખ વાંચીને કોઇ પતિ (મારો પતિ પણ) પોતાની પત્નિને ગમતી  એકાદી રોમાન્ટિક ઇચ્છા પુરી કરવા વિશે વિચારે.... વિશ  યુ રોમેન્ટિક વેલેન્ટાઈન ડે


You Might Also Like

0 comments