ઐશ્વર્યા પાસે સાડી પહેરતાં શીખનાર ઓપરા વિન્ફ્રેને ઓળખો 31/1/12

07:26


જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી 58 વરસીય ઓપરા વિન્ફ્રી આજે દુનિયાની જાણીતી વગદાર અને ધનિક  વ્યક્તિઓમાં સ્થાન ધરાવે  છે.મુંબઈમાં તે ઐશ્વર્યા બચ્ચનની બાળકીને રમાડવા પણ ગઈ હતી. આ બહુચર્ચિત ઓપરાનો  ઓપરા વિન્ફ્રી શો પચ્ચીસ વરસ સુધી દર્શકોનો માનીતો રહ્યો હતો. આજે તેની કંપનીની પોતાની ચેનલ છે અને ઓ નામે મેગેઝીન પણ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. આજે સેલિબ્રિટી ગણાતી ઓપરા વિન્ફ્રીનું જીવન એક નવલકથા કે ફિલ્મથી ઓછું રોમાંચિત નથી.ચાલો તેના વિશે થોડું જાણીએ, પ્રસિધ્ધિ અને પૈસા તેને સરળતાથી નથી મળ્યા. ઘરકામ કરતી ટિનએજ સિંગલ મધર વર્મિતા લીના પેટે 29 જાન્યુઆરી 1954માં તેનો જન્મ મિસિસિપ્પીના એક પરગણામાં થયો. ત્યારબાદ તેની માતા તેને નાની હેટ્ટી મા લી પાસે મૂકીને બીજે ગામ કામે ગઈ. તેની નાની એટલી ગરીબ હતી કે ઓપરાએ ઘણો વખત બટાટા જે કોથળામાં આવતા તે થેલાંના કપડાં બનાવીને પહેરવા પડતા. બીજા છોકરાઓ તે જોઈને એની મજાક ઊડાડતા. પરંતુ, સારી બાબત એ હતી કે તે ત્રણ વરસની થઈ ત્યાં સુધીમાં તેને વાંચતા શીખવાડી દીધું હતું. તેની વાચાળતાને પ્લેટફોર્મ આપ્યું તેની નાનીએ એવું ઓપરાએ પ્રસિધ્ધ થયા બાદ કબુલ્યું હતું. ઓપરા છ વરસની થઈ ત્યારબાદ તે પાછી પોતાની માતા સાથે રહેવા ગઈ. ત્યાં સુધીમાં તેની માતાએ તેની બીજી બહેનને જન્મ આપ્યો હતો. ઘરનોકરાણી તરીકે કામ કરતી તેની માતાની સાથે રહેતાં ય ઓપરાની તકલીફોનો અંત નહોતો. તેણે 14 વરસની ઉંમર સુધી પોતાના પિતરાઈ ભાઈ, અંકલ, મિત્રોએ કરેલા જાતીય શોષણને પણ વેઠ્યું. વરસ 1986માં તેના એક એપિસોડમાં બાળવયે થતાં  શારિરીક શોષણની ચર્ચામાં જાહેરમાં પોતે પણ બાળપણમાં વેઠેલા શારિરીક શોષણની વાત પ્રથમવાર કહી હતી. જો કે આ પહેલાં 24 વરસની ઉંમરે તેણે પોતાના પરિવારમાં આ વાત કહી તો કોઈએ તેની વાત સ્વીકારી નહોતી. 14 વરસની ઉમરે તે ઘરેથી ભાગી ગઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. એ બાળક જન્મ્યાના થોડા જ દિવસોમાં મૃત્યુ પામ્યું. જો કે ત્યારબાદ તે પોતાના બાયોલોજીકલ પિતા વર્નોનની પાસે નેશવિલે, ટેનેસિ  ખાતે રહેવા મોકલવામાં આવી. તેના પિતા કડક   સ્વભાવના હતા પણ તેમણે ઓપરાને ભણવા માટે પ્રોત્સાહિત કરી. અને ઓપરાએ ત્યારબાદ પાછા વળીને જોયું નહીં. ડ્રામેટિક્સ, પબ્લિક સ્પીકિંગમાં તે રાષ્ટ્રીય સ્તરે ઇનામો જીતવા લાગી. તેણે વક્તવ્ય સ્પર્ધામાં જીત મેળવીને ટેનેસિ યુનિવર્સિટીમાં ભણવાની સ્કોલરશીપ જીતી. 17 વરસની વયે ભણવા સાથે તેણે બ્લેક  રેડિયો  ચેનલ  પર કામ મેળવ્યું. ત્યારબાદ તેણે નેશવિલેમાં જ મિડિયામાં કામ કરવાનું શરુ કર્યું.  તેને સૌથી નાની વયની અને  બ્લેક મહિલા તરીકે  એન્કરીંગ કરવાનું શ્રેય મળ્યું હતું. ત્યારબાદ તે બાલ્ટીમોર ખાતે શિફ્ટ થઈ અને લોકલ ચેનલમાંથી નેશનલ ચેનલમાં કામ કરવા લાગી. 1986ની સાલમાં તેનો  આજે તો તેના નામનું ઓપરા વિન્ફ્રે નેટવર્ક છે. અને તે દુનિયાની સૌથી શક્તિશાળી વગદાર  અબજપતિના લિસ્ટમાં  છે. ઓપરાએ જ્યારે એન્કર તરીકે અમેરિકન ચેનલ પર કામ કરવાની શરુઆત કરી હતી ત્યારે ચેનલોમાં અમેરિકન વ્હાઈટ એન્કરોની મોનોપોલી હતી. એ બધાની વચ્ચે નિષ્ઠા અને મહેનતથી બ્લેક ગરીબ ઓપરા આજે દુનિયાભરમાં પ્રસિધ્ધિના શિખરે ઊભી છે.
ગરીબી, અપમાન અને તકલીફોથી કંટાળીને વ્યક્તિઓ ખોટા રસ્તે પણ જઈ શકે છે તો મહેનત કરીને પોતાનામાં રહેલી આવડતને બહાર લાવીને માથું ગર્વથી ઊંચુ કરીને પણ જીવી શકે છે. ઓપરાએ જીવનમાં પોતે જોયેલી વાસ્તવિકતાને નજર સામે રાખીને ગરીબ, ત્રાહિત મહિલાઓને મદદરુપ થવા અબજો રુપિયાની સખાવતો કરી છે. પોતાની પીડાને નજર સામે રાખીને તેણે બીજાની ગરીબીનો, પીડાનો  આદર કર્યો છે. તે જે રીતે પોતાના શોમાં મહેમાનો સાથે સેન્સેન્લ થવા કરતાં સહજતાથી વર્તતી, તેમની વાતો કુતુહુલતાપૂર્વક રસ લઈને સાંભળતી, રડતી,હસતી કે તેની પાસે લોકો પોતાની અંગત વાત કરતાં અચકાતાં નહીં. ફક્ત પોતાના માટે નહીં પણ સમાજમાં ઉપયોગી થવા માટે પર્યાવરણ , ગરીબી., શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા ફેલાવવા તેણે અનેક કામો કર્યા છે.

You Might Also Like

0 comments