પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યા ભારત કરતાં રુવાન્ડા અને અફઘાનિસ્તાનમાં વધુ 7/2/12

07:28


આપણે ત્યાં કેટલાક રાજ્યોમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. અને લોકશાહી દેશ તરીકે નામના હોવા છતાં પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યામાં આપણે રુવાન્ડા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કરતાં ઘણાં પાછળ  છીએ.  રાજકિય પાર્ટિઓમાં મહિલાઓનું નેતૃત્વ હોવા છતાં આપણે ત્યાં લોકસભામાં 10.8 ટકા અને રાજ્યસભામાં 9 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. આજે  લોકસભામાં 545 સભ્યોમાં ફક્ત 59 મહિલાઓ છે. જ્યારે રાજ્ય સભાના 233 સભ્યોમાં 21 મહિલાઓ છે.   આમ, વિશ્વમાં  આઈપીયુ ધ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે(ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન  ) 187 દેશોના પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યાની સરખામણીમાં ભારતનો ક્રમ 99મો આવે છે.
એક દાખલો લઈએ, મણિપુરમાં સામાજીક મોરચે  લડી રહેલી શર્મિલા આઈરોમ, મેરી કોમ અને મેઇરા પૈબી જેવી મહિલાઓના ગુણગાન ગવાઈ રહ્યા છે પરંતુ, રાજ્યના રાજકિય પક્ષોમાં મહિલાઓનું પ્રદાન નહીવત જ છે. છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ફક્ત એક જ મહિલા લધોની દેવી જ એમએલએ હતી જે મુખ્ય મંત્રી ઓકરામ સિંઘના પત્નિ હતા. રાજ્યની આ વખતની ચુંટણીમાં વધુ મહિલા ઉમેદવાર ભાગ લે તેવી માગ થઈ રહી છે ત્યારે મહિલાઓ સુધ્ધાં એમ કહી રહ્યા છે કે ધારો કે મહિલાઓ ચુંટાઈ પણ આવે તો તેઓ કરી શું શકશે ? જો કે આ પ્રશ્નો આખાય ભારતમાં પુછાઈ રહ્યા છે ખાસ કરીને 33 ટકા આરક્ષણની માગ થઈ ત્યારથી. જો કે મ્યુનિસિપાલટી, નગર પંચાયત અને જીલ્લા પરિષદમાં 33 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ આવ્યા બાદથી થોડો ઘણો ફરક વર્તાઈ રહ્યો છે છતાં આપણે રુવાન્ડા જેવા નાના દેશો કરતાં ઘણાં પાછળ છીએ. 1994માં આફ્રિકાના આ નાના દેશ રુવાન્ડામાં હુતુ ડોમિનેટેડ સરકારે માઈનોરિટી તુતસી જાતિ પર અત્યાચાર કરવાનું શરુ કર્યું અને રુવાન્ડામાં નવ વરસ સુધી કત્લેઆમનો માહોલ રહ્યો. 2003માં જ્યારે પૌલ કગામે રુવાન્ડાની સત્તા સંભાળી તેમણે  પાર્લામેન્ટમાં 30 ટકા મહિલા આરક્ષણ સામેલ કર્યું. ત્યારબાદ 2008માં ચુંટણી યોજાઈ ત્યારે આખાય વિશ્વમાં ટચુકડો  રુવાન્ડા દેશ પાર્લામેન્ટમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં મોખરે પહોંચ્યો, આજે રુવાન્ડા પાર્લામેન્ટમાં 56 ટકાના પ્રતિનિધિત્વ  સાથે મહિલાઓ પુરુષો કરતાં વધુ સત્તા ધરાવે છે.
આપણી બાજુમાં જ આવેલો અફઘાનિસ્તાન જ્યાં તાલિબાનો મહિલાઓને બહાર નથી આવવા દેતાં ત્યાંની પાર્લામેન્ટમાં પણ આજે 23.7 ટકા મહિલાઓ છે. અફઘાનિસ્તાનમાં દર બે પુરુષ લો મેકરમાં એક મહિલા લો મેકર હોવી જોઈએ એવો કોન્સ્ટિટ્યુશનમાં નિયમ છે. કુલ 249 પાર્લામેન્ટના સભ્યોમાં મહિલાઓની સંખ્યા 64ની છે. જો કે એ દુખદ વાત છે કે ત્યાં પુરુષપ્રધાન સમાજ હોવાને કારણે મહિલાઓના મતને કોઈ પ્રાધાન્ય આપવામાં નથી આવતું.
આપણો પડોશી દેશ પાકિસ્તાનના બંધારણમાં મહિલાઓને 20 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. અને આજે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં 22.2 ટકા મહિલા સભ્યો છે. પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યામાં પાકિસ્તાન 49ના ક્રમાંકે છે. આ રીતે પાકિસ્તાન  ભારત જ નહીં , વિકસીત દેશો ઇંગ્લેડ અને અમેરિકા કરતાં પણ આગળ છે. લોકશાહીમાં ચેમ્પિયન ગણાતું અમેરિકા આઈપીયુના ક્રમમાં છેક 74માં સ્થાને છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાક, ઇઝરાયેલ જેવા દેશો અમેરિકા અને ભારતથી આગળ છે. મહિલાઓ સત્તા સ્થાને હોય કે નહોય તેમને નિર્ણય કરવાની કે સૂચનો આપવાની સ્વતંત્રતા આપવામાં  વિકસિત કે વિકાસશીલ દેશો બંન્ને પાછા પડે છે.  આ તો થઈ પાર્લામેન્ટની વાત પણ ઘરમાં શું જમવાનું બનાવવું  અને ક્યારે બનાવવું તેની સ્વતંત્રતા પણ મહિલાઓને  આપવામાં નથી આવતી. પછી તેને ઘરની રાણી  જ કેમ ન કહેવામાં આવતી હોય ? મારા પતિને તો અથાણાં, પાપડ વગર ચાલે જ નહીં, કે મારે તો દરેકને ગરમ રોટલી જ જમાડવી પડે નહીં તો ઘરમાં બૂમાબૂમ થઈ જાય. મહિલાઓને બાળપણથી જ નિર્ણય ન લેવાની અને બીજાઓના નિર્ણયને અનુસરવાની આદત પાડવામાં આવે છે. જેથી તે ક્યારેય સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિચારવાની ક્ષમતા ન ધરાવે. ધીમી પણ મક્કમ ગતિએ આ વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે ખરો. પરંતુ, કહેવાતા વિકાસશીલ અને વિકસીત દેશોમાં પણ દીવા તળે અંધારુ તો છે જ.


You Might Also Like

0 comments