પાતળી કમરના કવર પેજનો ઊહાપોહ 14/11/11

07:00


ઇટલીના વોગ ફેશન મેગેઝિનના સપ્ટેમ્બર અંતમાં પ્રસિધ્ધ થયેલા અંકના કવરપેજ પર ચાલીસ વરસની મોડલ સ્ટેલા ટેનન્ટનો ફોટોગ્રાફ છે. સ્ટેલાએ મોંઘો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો છે અને નાકમાં નથણી પણ પહેરી છે. પણ તેનો ડ્રેસ કે નથણીઓને કારણે વોગના અંકની ચર્ચાઓ નથી થઈ પણ ચાલીસ વરસીય મોડલ સ્ટેલાની પાતળી કમરને કારણે ઊહાપોહ થયો હતો. કમર પાતળી હોય તેતો સમજ્યા પણ સ્ટેલાની કમરનો ઘેરાવો ફક્ત 13 ઈંચનો છે.  ઇટલીમાં ચાલી રહેલા ફેશનવીકને ધ્યાનમાં લઈને વોગ મેગેઝિને આવું આંચકો આપતું કવરપેજ કર્યું હતું. ત્યાંની એનોરેક્સિયા એન્ડ બ્યુલિમિક એસોસિએશને ( ઓછી  ભૂખ  લાગવી કે ન ખાવાનો રોગ ) આનો વાંધો ઊઠાવતા કહ્યુ હતું કે સેન્સેનલ ફોટા છાપીને લોકોનું ધ્યાન ખેંચવાનો આ પ્રકાર યોગ્ય નથી. કારણ કે ઓગષ્ટ મહિનામાં થયેલા સર્વે પ્રમાણે ઈટાલીમાં 2010માં 3500 નવા કેસ એનોરેક્સિયાના નોંધાયા છે. 2010માં 6000 એનોરેક્સિયાના કેસ ફક્ત ઈટાલિમાં જ નોંધાયા હતા. જે  2008માં નોંધાયેલા 5400 કેસ કરતાં વધુ જ હતા.  પાતળા રહેવાની ઘેલછાને કારણે  મહિલાઓમાં એનોરેક્સિયાનો રોગ  વધી રહ્યો છે. ત્યારે કવર પેજ પર આટલી પાતળી કમર ધરાવતી મહિલા  જે ત્રણ બાળકોની માતા પણ છે તેનો ફોટો છપાય એ યોગ્ય ન જ ગણાય. જો કે વોગ મેગેઝિનના કવર પેજ પર છપાયેલ ફોટો સત્ય નથી તે તો ફોટોશોપની કમાલ છે.  એવું તેના એડિટરે કબલ્યું છે. લોકોને આંચકો આપીને ચર્ચામાં રહેવાની વોગ મેગેઝિનની આ તરકીબ કામ લાગી ખરી.  જો કે વોગના  એનોરેક્સિયાના કારણે મૃત્યુ પામેલ અંગ્રેજી મહિલા ઈથેલ ગ્રેન્ગર પરથી પ્રેરિત છે. ઈથેલની કમર દુનિયાની સૌથી પાતળી કમર 13 ઈંચની હતી અને તનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયેલું છે. વાસ્તવિકતાથી પ્રેરિત થવું મિડિયાનું કામ છે. અને મિડિયાથી પ્રેરિત થઈને વાસ્તવિકતા બનાવવી તે જરુરી નથી.
જો કે આવા કવરપેજનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે મિડિયામાં અને ફેશનમાં  પાતળી મહિલાઓને મળતું પ્રાધાન્યને કારણે છોકરીઓને  પાતળા રહેવા માટે પ્રેરણા મળે છે.  જો ગિનેસ બુકના દરેક રેકોર્ડ તોડવાના પ્રયત્નો થતા હોય તો 13 ઇંચથી વધુ પાતળી કમર કરવાની ઘેલછા પણ કોઈ મહિલા કરી શકે છે. પાતળા હોય તે જ સુંદર અને આકર્ષક હોય છે તેવું વિચારીતી  અનેક મહિલાઓ પાતળા રહેવા માટે ખોરાક જેવી સ્વાસ્થય  અને જીવન માટે જરુરી બાબતને પણ અવગણે છે.  આવી ઘેલછા એ માનસિક રોગ જ છે. જાહેરાત અને મેગેઝિનોમાં દર્શાવાતી સુંદર મહિલાઓને ડિજિટલ કરેકશન કરીને વાસ્તવિક કરતાં વધુ સુંદર દર્શાવાય છે તેની જાણ મોટાભાગની મહિલાઓને નથી હોતી. એટલે જ સુંદરતા માટે કોઈપણ ભોગ આપવા તેઓ તૈયાર થતી હોય છે. આશા રાખીએ કે આ લેખ વાંચ્યા બાદ ફિલ્મો, ફેશન  કે મેગેઝિનોમાં દર્શાવાતા સૌંદર્યને અનુસરવાનો પ્રયત્ન નહીં કરીએ.

You Might Also Like

0 comments